Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશ-વિદેશ:અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર અસર

    1 week ago

    ઇરાન યુદ્ધ માત્ર સ્થાનિક સંઘર્ષ નથી, પરંતુ તે વૈશ્વિક અર્થવ્યવસ્થાના પરિવર્તન અને ધ્રુવીકૃત વિશ્વના ઉદયને વેગ આપતું પરિબળ છે. પહેલા યુદ્ધના તાત્કાલિક આર્થિક પરિણામો સમજીએ. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિશ્વના તેલ અને LNG વેપારનું મુખ્ય ચોકપોઈન્ટ છે. ઈરાનના મિસાઈલ અને ડ્રોન હુમલાઓથી ગલ્ફ દેશોમાં ઊર્જા પ્લાન્ટ્સ અને શિપિંગને નુકસાન થયું છે. ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) અનુસાર, આ યુદ્ધે વિશ્વના ઊર્જા સપ્લાયમાં ખૂબ મોટી અડચણ ઊભી કરી છે. તેલના ભાવવધારાથી વૈશ્વિક મોંઘવારી વધી છે. યુરોપ અને એશિયામાં ઊર્જા આયાતકારો જેમ કે જર્મની, ઇટાલી અને ભારતને સીધો ફટકો પડ્યો છે. ભારત, જે તેલ અને ગેસનો મોટો આયાતકાર છે, તેના ફોરેક્સ રિઝર્વ પર દબાણ વધ્યું છે અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાથી મોંઘવારી 6-7 ટકા સુધી પહોંચી શકે છે. અમેરિકામાં પણ ગેસોલિનના ભાવ વધ્યા છે, જે કન્ઝ્યુમર ખરચને અસર કરે છે. વિશ્વ વેપાર સંગઠન (WTO) અનુસાર, જો યુદ્ધ લાંબું ચાલશે તો 2026ના વૈશ્વિક જીડીપી ગ્રોથમાં 0.3 ટકા ઘટાડો થઈ શકે છે. આ આર્થિક અસરો વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મૂળભૂત ફેરફારો તરફ દોરી જાય છે. પરંપરાગત વૈશ્વિક અર્થવ્યવસ્થા અમેરિકી ડોલરની પ્રભુતા પર આધારિત છે, જે પેટ્રોડોલર સિસ્ટમથી જોડાયેલી છે. આ યુદ્ધે આ સિસ્ટમને ચેલેન્જ કરી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝની નાકાબંધીથી તેલનો સપ્લાય અટક્યો છે, જેનાથી દેશો વૈકલ્પિક ઊર્જા સ્ત્રોત તરફ વળ્યા છે. રશિયા અને ચીન જેવા દેશો ઈરાની તેલને ડિસ્કાઉન્ટેડ ભાવે ખરીદીને લાભ લઈ રહ્યા છે. આનાથી ડી-ડોલરાઈઝેશનની પ્રક્રિયા વેગ પામી છે. BRICS (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા અને ઈરાન સહિત નવા સભ્યો) જૂથમાં લોકલ કરન્સીમાં વેપાર વધારવાની માંગ વધી છે. ઈરાન અને રશિયા BRICS સિસ્ટમ અને બ્લોકચેઇન આધારિત વ્યવસ્થાને પ્રોત્સાહન આપી રહ્યા છે. આ યુદ્ધે ડોલરની પ્રભુતાને નબળી પાડીને વૈકલ્પિક આર્થિક વ્યવસ્થાનો માર્ગ મોકળો કર્યો છે. ગ્લોબલાઈઝેશનના યુગમાં સપ્લાય ચેન્સ વિશ્વવ્યાપી હતી, પરંતુ આ યુદ્ધે એનર્જી સિક્યુરિટી અને ફ્રેન્ડ-શોરિંગ (મિત્ર દેશોમાં ઉત્પાદન)ના વલણને વેગ આપ્યો છે. યુરોપ અને એશિયામાં રિન્યુએબલ એનર્જી તરફ વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ચીન તેના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI) દ્વારા એશિયા અને આફ્રિકામાં વૈકલ્પિક ઊર્જા નેટવર્ક બનાવી રહ્યું છે. અમેરિકાના સૈન્ય સંસાધનો પર દબાણ વધ્યું છે, જે ચીન સામેની અમેરિકાની સતર્કતા અને તૈયારીને અસર કરે છે. અત્યાર સુધી અમેરિકી સેન્ક્શન્સ અને પેટ્રોડોલર સિસ્ટમે અમેરિકાને વૈશ્વિક આર્થિક પ્રભુતા આપી હતી. પરંતુ આ યુદ્ધમાં ઈરાનના પ્રતિકારે દર્શાવ્યું કે ચોકપોઈન્ટ્સને વેપન તરીકે વાપરીને વૈશ્વિક અર્થતંત્રને અસર કરી શકાય છે. પરિણામે, ઘણા દેશો BRICS જેવા વિકલ્પો તરફ વળ્યા છે. ચીન અને રશિયા ગોલ્ડ-બેક્ડ કરન્સી અથવા બ્રિક્સ જેવી વૈકલ્પિક કરન્સીની વાત કરી રહ્યા છે. આનાથી આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) અને વિશ્વ બેંક જેવી સંસ્થાઓની અસરકારકતા ઘટશે. વેપારી સંધિઓ બાયલેટરલ અને રીજનલ બ્લોક્સ તરફ વળશે, જે વૈશ્વિકીકરણને પડકારશે. આ યુદ્ધે વિશ્વને અનેક ધ્રુવોમાં વહેંચી દીધું છે. એક તરફ અમેરિકાના નેતૃત્વ હેઠળ વેસ્ટર્ન બ્લોક (નાટો અને તેના સાથીઓ) છે. બીજી તરફ રશિયા-ચીન-ઈરાન ધરી, જે BRICS અને શેંગહાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) દ્વારા મલ્ટિપોલાર વિશ્વનું સમર્થન કરે છે. ગ્લોબલ સાઉથના દેશો (ભારત, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા વગેરે) પશ્ચિમ સાથે સુરક્ષા સંબંધો જાળવીને ચીન-રશિયા સાથે આર્થિક સહયોગ વધારી રહ્યા છે. યુદ્ધે આ ધ્રુવીકરણને વેગ આપ્યો છે, કારણ કે અમેરિકાના સામર્થ્યની બંધ મુઠ્ઠી ખૂલી ગઈ છે. અમેરિકાના સૈન્ય સંસાધનો મધ્ય-પૂર્વમાં અટવાઈ ગયાં છે, જે ચીન સામેની પેસિફિક મહાસાગરમાં સતર્કતા કે તૈયારીને અસર કરશે. હવે નવા આર્થિક બ્લોક્સ બનશે. ફ્રેન્ડ-શોરિંગ અને નિયર-શોરિંગ વધશે. બીજું વલણ છે ટેક્નોલોજિકલ ડિકપ્લિંગ. ચીપ્સ, એ. આઈ. અને ગ્રીન ટેક્નોલોજીમાં પશ્ચિમ અને પૂર્વ વચ્ચે વિભાજન વધશે. ત્રીજું, વૈશ્વિક સંરક્ષણ ખર્ચ વધશે. ઘણા દેશો તેમના સંરક્ષણ બજેટ વધારશે, જે આર્થિક વિકાસને અસર કરશે પરંતુ મિલિટરી-ઇન્ડસ્ટ્રિયલ કોમ્પ્લેક્સને વેગ આપશે. ચોથું વલણ છે ઊર્જા સિક્યુરિટી પર ફોકસ. રિન્યુએબલ્સ અને ન્યુક્લિયર એનર્જી તરફ વળવાનું વલણ વધશે, જે કાર્બન ન્યુટ્રલ વ્યવસ્થા તરફ લઈ જશે પરંતુ ટૂંકા ગાળામાં મોંઘવારી વધારશે. ભારત BRICSમાં સક્રિય છે અને રશિયા તેમજ ઈરાન સાથે વેપાર વધારી શકે છે. આ યુદ્ધ ભારતને મલ્ટિપોલાર વિશ્વમાં તેની વ્યૂહાત્મક સ્વાયત્તતા વધારવાની તક આપે છે. યુદ્ધના લાંબા ગાળાનાં પરિણામોમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા વધુ ખંડિત અને ધ્રુવીકૃત બનશે. જો યુદ્ધ લાંબુ ચાલશે તો સ્ટેગફ્લેશન અને મંદીનું જોખમ વધશે. બીજી તરફ, ચીન અને રશિયા વધુ મજબૂત બનશે. આ પરિવર્તન 1970ના ઊર્જા સંકટ જેવું છે, જેણે વિશ્વને બદલી નાખ્યું હતું. આ વખતે તે મલ્ટિપોલાર વ્યવસ્થાને વેગ આપશે, જ્યાં કોઈ એક દેશની પ્રભુતા નહીં હોય. ટૂંકમાં, અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધે વિશ્વને આર્થિક અને ભૂ-રાજકીય રીતે બદલી નાખ્યું છે. તે વૈશ્વિક અર્થવ્યવસ્થાને ડોલરથી વિખૂટી પાડીને વૈવિધ્યપૂર્ણ બનાવશે અને બ્રિક્સ જેવા બ્લોક્સ, ડી-ગ્લોબલાઈઝેશન અને નવી સંસ્થાઓના નિર્માણને પ્રોત્સાહન આપશે. વૈશ્વિક અસ્થિરતા વધશે પરંતુ સાથે વૈવિધ્યપૂર્ણ અને સંતુલિત વિશ્વના નિર્માણની તક પણ છે. ભારત જેવા દેશોએ આ તકનો લાભ લઈને તેમની આર્થિક સ્વાયત્તતા મજબૂત કરવી જોઈએ. આ યુદ્ધ એક યુગનો અંત અને નવી વિશ્વ વ્યવસ્થાની શરૂઆત બનશે તેમ માની શકાય.
    Click here to Read More
    Previous Article
    સ્ટ્રેઇટ ડ્રાઇવ:સાથીનું સૂચન
    Next Article
    ડૂબકી:ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment