Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિસ્મય:તે દિવસે વછૂટેલો ફુવારો પછી સદીઓ સુધી દુનિયાને દોડતી અને લડતી રાખવાનો હતો

    4 days ago

    ધૈવત ત્રિવેદી ઈરાનઃ આર્યભૂમિની અનંતકથા - લેખ: 4 26 મે, 1908. ખરેખર તો આ દિવસ સમગ્ર માણસજાતે યાદ રાખવા જેવો છે, પણ ઈરાન કે મધ્ય-પૂર્વના ખાડી દેશોનેય એ યાદ હશે કે કેમ એ સવાલ છે. રૂંવેરૂંવે આગની ઝાળ લગાડતી ગરમી, સૂકી બંજર હવામાં ફૂંકાતો રેગિસ્તાનનો તરડાયેલો મિજાજ. સદીઓથી વેરાન પડેલી ધરતીના પટલમાંથી વિંઝાતો અકાળ વિધવાના શાપિત નિઃશ્વાસ જેવો કારમો સન્નાટો, બુંદ બુંદ માટે તલસતી ગળાના હૈડિયે બાઝેલી તરસ અને દૂર એક ટેકરા પર ઊભો રહીને ચિંતાતુર આંખે જોઈ રહેલો આદમી... ના, એ અહીંનો, આ ધરતીનો જણ પણ ન હતો અને છતાં આટલું વિષમ હવામાન સાત વર્ષથી સહી રહ્યો હતો. કહો કે, પછીય જીવી ગયો હતો. કારણ કે તેની સાથે આવેલા ચાર જણને આ ગરમી, આ એકલતા અને આ સૂસવતો સન્નાટો ભરખી ગયા હતા. તેનું નામ જ્યોર્જ રેનોલ્ડ. માથા પરની ફેલ્ટ હેટ સૂરજની દિશાએ વધુ નમાવીને તેણે હાથ ઊંચો કર્યો. એ સ્પષ્ટ સંકેત હતો. હજુય ધરતીની અંદર શારડીને વધુ ઊંડે ઉતારવાની હતી. મજૂરોએ કોરી, ફિક્કી, સુકાયેલી આંખે તાજુબીપૂર્વક તેની સામે જોયું, પણ એણે મક્કમતાથી હાથ ઊંચો જ રાખ્યો. ખોદો… ખોદો... વધુ ખોદો…! તેને ખબર હતી, આજે આ છેલ્લો દિવસ, દિવસ પણ શેનો, આ છેલ્લી તક છે. સાત વર્ષથી એકધારો સૂંડલા મોઢે પાઉન્ડ વહાવનારો તેનો માલિક હવે થાક્યો હતો. છેલ્લા એક વર્ષથી એ મહેતલ આપી રહ્યો હતો અને રેનોલ્ડ એ મહેતલ ખેંચ્યા કરતો હતો, પણ આ છેલ્લી તક હતી. આજે સાંજે પાંચ વાગ્યા પછી તેણે આ આખુંય કમઠાણ આટોપીને ગ્લાસગો (બ્રિટન) જવા રવાના થઈ જવાનું હતું. ધરતની છાતી માથે ફરતી કરવતનો તીક્ષ્ણ, કર્કશ અને ગોઝારો લાગતો અવાજ, ચૂડેલના ખિખિયાટા જેવી રેગિસ્તાનની કારમી બપોર, શારડીને પૂરપાટ ઝડપે ફેરવતા મજૂરોના બાવડાના ગોટલે વળગીને ઝળૂંબતો ઉમ્મિદનો છેલ્લો અણસાર અને... અને અચાનક ધરતી પર ઘૂમતી શારડીના હાથા પર જરાક ભીનાશ વર્તાઈ. મજૂરને લાગ્યું કે તેનાં હાથનો પસીનો છે. તેણે ધ્યાન ન દીધું. એ ભીનાશ શારડીએ કરેલા ભોણ પર વર્તાવા લાગી. ટેકરી પરથી જોઈ રહેલો રેનોલ્ડ ચમક્યો. તેણે માથા પરની ફેલ્ટ હેટ ઉતારીને આંખો ચોળી અને ફરીથી ભોણ પર નજર માંડી. હા, ભીનાશ તો હતી જ. તેનાં ચહેરાની રેખા જરાક બદલાય એ પહેલાં તો ભીનાશનું એ કુંડાળું ઝડપભેર પ્રસરવા લાગ્યું અને શારડી ફેરવી રહેલાં મજૂરો કશું સમજે કે પારખે એ પહેલાં ભીતરમાંથી એક કાળોમેંશ ફુવારો વછૂટ્યો. એક એવો ફુવારો જે સદીઓથી મુક્ત થવા ઝંખતો હતો... એક એવો ફુવારો જે માનવજાતની તકદીર બદલી દેવા થનગનતો હતો... એક એવો ફુવારો જે રેગિસ્તાનની આ બંજર સૂકી ભૂમિમાં ઐશ્વર્યની રોશની બનીને પથરાવાનો હતો અને એક એવો ફુવારો જે અહીંની સૂમસામ સ્તબ્ધ પડેલી ધરતીને દુનિયાના તમામ માલેતુજારોની ચડસાચડસીનું મેદાન પણ બનાવી દેવાનો હતો. એ ફુવારો ખનિજતેલનો હતો. ધરતી પર ખનિજતેલના પ્રથમ આવિષ્કારની એ ક્ષણ હતી. તે દિવસે તારીખ હતી 26 મે, 1908 અને સ્થળ હતું ઈરાનનું મસ્જિદ-એ-સુલેમાન. *** એ ક્ષણને ખનિજતેલની શોધ તો નહીં, પરંતુ પ્રાપ્તિ જરૂર કહી શકાય, કારણ કે આ ધરતીના પેટાળમાં કશુંક છે એવી ખબર પડી અને પછી એ ‘કશુંક’ ઔદ્યોગિક પદ્ધતિએ મેળવી શકાયું એ બે વચ્ચે હજારો વર્ષ વીતી ગયાં હતાં. ત્રણ હજાર વર્ષ પહેલાં આ ભૂમિ મેસોપોટેમિયા તરીકે ઓળખાતી હતી ત્યારે પણ ધરતીની સપાટી પર ક્યાંક નીકળતો કાળો, ચીકણો, તૈલીપદાર્થ જ્વલનશીલ હોવાની માહિતી હતી. અનુભવ થકી એ પણ સમજાયું હતું કે આ ચીકણા પદાર્થનો ઘટ્ટ રગડો લાકડાની હોડીની ફાંટ ફરતો લગાડવાથી હોડીમાં પાણી પ્રવેશતું નથી. જરથોસ્તી ધર્મના મંદિરોમાં પવિત્ર આતશને અહર્નિશ જલતો રાખવા માટે પણ ધરતીના પેટાળમાંથી નીકળતો ગેસ વપરાતો હતો. મતલબ કે, ધરતીના પેટાળમાં ‘કશુંક’ છે, એ બહુ તિલસ્મી અને ઉપયોગી છે પરંતુ એ શું છે, કેટલું છે અને કેમ મેળવી શકાય તેની સમજણ માનવજાતને ક્રમશઃ પડતી ગઈ. એટલે જ, ખનિજતેલ શોધાયું એમ કહેવા કરતાં ખનિજતેલ મેળવી શકાયું એમ કહેવું વધુ યોગ્ય ગણાય. એ માટે નિમિત્ત બની ઔદ્યોગિક ક્રાંતિ, જેણે એવાં એવાં યંત્રો શોધ્યાં કે જેનાં વડે અનેક દુષ્કર કાર્યો શક્ય બનવા લાગ્યાં, ઝડપી બનવા લાગ્યાં. પછી ધીમે ધીમે એ પણ સમજાયું કે આ યંત્રોને જો કોઈ ધરખમ ઊર્જા વડે ચલાવવામાં આવે તો તેની કાર્યક્ષમતા અને ઉપયોગિતા અનેકગણી વધે. એમ શરૂ થઈ ઊર્જાસ્રોત મેળવવાની હોડ... કુદરતના ક્યા સ્વરૂપમાં ઊર્જા હોઈ શકે, એ કેવી રીતે મેળવી શકાય તેનો અભ્યાસ શરૂ થયો એમ કેટલાક સૈકા પછી નજરે ચડ્યો (આજના) ઈરાનનો એક વિસ્તાર, નામે ખુઝેસ્તાન. આ ભૂમિ સદીઓથી વસવાટ માટે અયોગ્ય હતી. અહીંની હવામાં દમ ઘૂંટાઈ જાય એવી વિચિત્ર વાસ ઘુમરાતી હતી. જમીન પર ઠેર ઠેર ગેસના પરપોટા નીકળતા હતા. પહાડોની દર્રાઓમાંથી ઘટ્ટ, કાળા, ચીકણા રગડાનાં ઝરણાં ધીમે ધીમે દદડીને જમીન પર નાનકડાં ખાબોચિયાં ભરતાં હતાં. આધુનિક વૈજ્ઞાનિકોએ માન્યું કે આ જમીનમાં ખનિજતેલ સૌથી તરબતર હોવું જોઈએ. હવે શરૂ થયો વેપાર અને સાહસનો ખેલ. એ અંગ્રેજનું નામ વિલિયમ નોક્સ. એક અલગ લેખનો વિષય બની શકે એવી તોફાની, સાહસપ્રચૂર જિંદગી જીવી ગયેલો વિલિયમ નોક્સ ધરતી સાથે અજબ લેણું ધરાવતો હતો. ઓસ્ટ્રેલિયાની ધરતી પર કેટલીક ભૂમિ પર ઈજારો મેળવીને તેણે ખોદકામ કરાવ્યું અને તેમાંથી સોનું મેળવ્યું. તેના વડે કરોડપતિ થઈ ગયેલા નોક્સે હવે ખનિજતેલ પર નજર માંડી અને કઝાર વંશના શાહ મુઝફ્ફર સાથે ઈજારો મેળવવાનો કરાર કર્યો. એ કરાર મુજબ, નોક્સની કંપનીએ શાહને 20, 000 પાઉન્ડ એકવાર આપી દીધા. બદલામાં હવે કંપની ઈરાનના કોઈ પણ વિસ્તારમાં શારકામ કરવાનો અધિકાર ધરાવતી હતી. પેટાળના ખોદકામ થકી મળતું ખનિજતેલ વેચીને જે નફો થાય તેનો 16 ટકા હિસ્સો ઈરાનના શાહને મળે. આ એક એવા કરાર હતા જેણે ધનિક, શિક્ષિત, સુધરેલી મનાતી આધુનિક દુનિયા પ્રત્યે ઈરાનના મનમાં કાયમી ખુન્નસ ઘોળી દીધું, જે આજેય કડવાશ ઓકી રહ્યું છે. એક બહુ જ રસપ્રદ પુસ્તક છેઃ ધ પ્રાઈઝ, એપિક ક્વેસ્ટ ફોર ઓઈલ, મની એન્ડ પાવર. આ પુસ્તકમાં ખનિજતેલ મેળવવા માટે નોક્સની કંપનીનો કારમો સંઘર્ષ વ્યક્ત થયો છે. એ વાંચીને ઘડીભર તો એમ જ લાગે કે, પોતાની જ ધરતી હોવા છતાં અડબંગ ઈરાનીઓ, આરબો જે ન મેળવી શક્યા એ ખનિજતેલ સિરફિરા, સાહસિક અંગ્રેજો અકલ્પનીય આફતો સહીને મેળવી શક્યા અને પછી તેમાં પોતાનો એકાધિકાર માંડે તો એમાં ખોટું શું છે? પણ કેટલાક સવાલ એવા હોય છે જેની ધાર સમયે સમયે બદલાતી રહે છે. સાચો અને એકમાત્ર જવાબ એમાં આપી નથી શકાતો. નોક્સની કંપની વતી એન્જિનિયર જ્યોર્જ રેનોલ્ડની આગેવાની હેઠળનો કાફલો પહોંચ્યો એવી ભૂમિ પર જેનું નામ જ ખુઝેસ્તાન યાને ઝેરી ધરતી હતું. સ્થાનિકો પણ જ્યાં પગ મૂકતા ન હતા ત્યાં રેનોલ્ડે તંબુ તાણ્યા. રોજ ધરતીનો સર્વે કરવા પગપાળા દડમજલ કરે. સલ્ફરની ગંધથી ત્રાસ વછૂટે ત્યારે મોં પર ગમછો વીંટી દે. સતત ઊડતી ધૂળની ડમરી, ચામડી દઝાડતી ગરમી, ગળામાં ચકામા પાડી દેતો શોષ અને એકધારી આકરી મહેનત. સાત વર્ષ સુધી આ દોઝખમાં રેનોલ્ડ મથતો રહ્યો. ક્યાંયથી એ ‘કશુંક’ મળતું ન હતું. આખરે કંટાળીને, હજારો પાઉન્ડનું નુકસાન કર્યા બાદ નોક્સે આદેશ કરી દીધો, ‘હવે પ્રયાસો પડતા મૂકો અને આવતા અઠવાડિયે લંડન પહોંચીને નિષ્ફળતાના કારણોનો અહેવાલ મને આપો.’ એ સંદેશો મળ્યો તેના ત્રીજા દિવસે, છેલ્લો પ્રયાસ કરતી વખતે મસ્જિદ એ સુલેમાનની જમીનમાંથી ચાર માથોડાં ઊંચો કાળા કદડાનો ફુવારો છૂટ્યો. ઘડીભર સ્તબ્ધ થઈ ગયેલો રેનોલ્ડ પછી તો ખુશખુશાલ થઈને એ ફુવારામાં રીતસર નહાયો અને પછી સ્વસ્થ થઈ વિલિયમ નોક્સને સંદેશ મોકલાવ્યો, ‘અંતે આપણે એ મેળવી લીધું છે...’ તંબુમાં એ સંદેશો લખી રહ્યો હતો ત્યારે ખુઝેસ્તાનની ધરતી અટ્ટહાસ્ય કરી રહી હતી. ઝેરની એ ભૂમિ પરથી મળેલું ખનિજતેલ હવે સદીઓ સુધી દુનિયાને દોડતી રાખવાનું હતું, લડતી રાખવાનું હતું. (વધુ આવતા રવિવારે)
    Click here to Read More
    Previous Article
    અમલપિયાલી:મળવું એ છુટ્ટા પડવાનો પ્રારંભ છે
    Next Article
    સફર:મસાઈ મારા : અભૂતપૂર્વ આફ્રિકન સફારી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment