Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાંતેશ્વર રોડના સ્થાનિકોએ મારે રોષ સાથે રસ્તો બંધ કર્યો:જૂનાગઢમાં ત્રણ મહિનાથી ખોદાયેલા શાંતેશ્વર રોડ મામલે જનતાનો ભારે રોષ: વિપક્ષના નેતા અને કોર્પોરેટર આમને-સામને, લોકોએ રસ્તો બંધ કરી નોંધાવ્યો વિરોધ.

    2 days ago

    ​જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6 માં આવતા શાંતેશ્વર રોડની સ્થિતિ છેલ્લા ત્રણ મહિનાથી અત્યંત દયનીય બની ગઈ છે. વિકાસના નામે શરૂ કરવામાં આવેલું ખોદકામ હવે સ્થાનિક રહીશો, વેપારીઓ અને વાહનચાલકો માટે મોટી આફત સમાન સાબિત થઈ રહ્યું છે. હોળીના તહેવાર પહેલાથી આ માર્ગ ખોદીને મૂકી દેવામાં આવ્યો હોવાથી ધૂળની ડમરીઓ, ઉભરાતી ગટરો અને અધૂરી કામગીરીને કારણે સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફેલાવવાનો ગંભીર ભય પેદા થયો છે. રસ્તા પર ઠેર-ઠેર પડેલા કાંકરા અને ખાડાઓને કારણે અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે. જેમાં વૃદ્ધો અને બાળકો સૌથી વધુ ભોગ બની રહ્યા છે. તંત્ર દ્વારા વારંવાર આપવામાં આવતા આશ્વાસનો હવે પોલા સાબિત થઈ રહ્યા હોય તેમ લાગતા, કંટાળેલી જનતાએ આખરે રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડી છે. વિપક્ષી નેતાઓએ આ મામલે સત્તાધારી પક્ષની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે, જ્યારે સ્થાનિક કોર્પોરેટરે ટેકનિકલ કારણો આગળ ધરીને પોતાનો બચાવ કર્યો છે. જો આગામી બે દિવસમાં આ રસ્તાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં નહીં આવે તો રહીશોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે, જેણે સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો લાવી દીધો છે. ​સ્થાનિક રહીશ હીરાબેન આત્રોલિયાએ જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી આ મુખ્ય માર્ગ ખોદકામ અને વહીવટી ઉદાસીનતાને કારણે બંધ હોવાથી સ્થાનિકોને રોજિંદા જીવનમાં અસહ્ય હાલાકી ભોગવવી પડી રહી છે. હીરાબેને પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, ગઈકાલે જ્યારે તેઓ આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તા પર આડેધડ વેરાયેલા કાંકરાને કારણે તેમનો પગ અચાનક લપસી ગયો હતો. આ અકસ્માતમાં તેમને ગંભીર ઈજા થઈ છે અને પગમાં ભારે સોજો આવી ગયો છે, જેના કારણે તેમની અવરજવર પણ મર્યાદિત થઈ ગઈ છે. ​રસ્તાની આ બદતર હાલતને કારણે માત્ર તેઓ જ નહીં.પરંતુ આખી સોસાયટીના રહીશો પરેશાન છે. ખાસ કરીને નાના બાળકોને શાળાએ મોકલવા અને વૃદ્ધોને બીમારીના સમયે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા માટે આ રસ્તો બંધ હોવાથી મોટી મુસીબત ઊભી થાય છે. હીરાબેને તંત્ર સામે પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, જો આટલા લાંબા સમય સુધી મુખ્ય રસ્તો જ બંધ હોય તો સામાન્ય જનતાએ જવું ક્યાં? જ્યારે પણ નગરપાલિકા કે કોર્પોરેટરનો સંપર્ક કરવામાં આવે છે, ત્યારે માત્ર ખોટા આશ્વાસનો જ મળે છે. ફોન પર એવું કહેવામાં આવે છે કે હમણાં ગાડી આવે છે અને કામ શરૂ થઈ જશે, પરંતુ વાસ્તવમાં કોઈ ફરક પડ્યો નથી. તેમણે આક્રોશ સાથે પૂછ્યું કે તંત્ર જાગે છે કે સૂતું છે? અંતમાં તેમણે ચીમકી આપતા કહ્યું કે જો વહેલી તકે નિરાકરણ નહીં આવે તો દુકાનદારો, વાલીઓ અને રહીશો ભેગા મળીને મોટું આંદોલન છેડશે. ​રસ્તાની જટિલ સમસ્યા અંગે જિલ્લા પંચાયત સોસાયટીમાં રહેતા એક જાગૃત નાગરિકે જણાવ્યું કે આ માર્ગ ગોકુલનગર, શાંતેશ્વર અને અન્ય અનેક આસપાસની સોસાયટીઓને જોડતો મુખ્ય રસ્તો છે. છેલ્લા બે મહિનાથી રસ્તાની એક તરફનો ભાગ ખોદી નાખવામાં આવ્યો છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનું જોખમ વધી ગયું છે. આ વિસ્તારમાં ઘણા ગંભીર બીમાર દર્દીઓ રહે છે, પરંતુ રસ્તો બ્લોક હોવાના કારણે કટોકટીના સમયે એમ્બ્યુલન્સ પણ સોસાયટીની અંદર આવી શકતી નથી, જે જીવલેણ સાબિત થઈ શકે છે. કોઈપણ કામ આયોજન સાથે થવું જોઈએ. જો તંત્રએ પહેલા એક બાજુનું કામ પૂર્ણ કર્યું હોત અને ત્યારબાદ બીજી બાજુનું ખોદકામ હાથ ધર્યું હોત, તો જનતાને આવી હાલાકી ન ભોગવવી પડત. આડેધડ ખોદકામને કારણે નાના બાળકોને સ્કૂલે જવામાં અને અન્ય જરૂરી કામો માટે બહાર નીકળવામાં સતત ભય રહે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ વિકાસના કામોનો વિરોધ નથી કરી રહ્યા, કારણ કે આ કામ જનતાના હિત માટે જ છે, પરંતુ યોગ્ય પ્લાનિંગ અને એસ્ટિમેટના અભાવે જનતાનો રોષ વધી રહ્યો છે. તંત્રએ વહેલી તકે વ્યવસ્થા જાળવીને કામ પૂર્ણ કરવું જોઈએ તેવી તેમની માંગ છે. ​જૂનાગઢ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલો શાંત પાડ્યો હતો અને જણાવ્યું હતું કે આજે શાંતેશ્વર રોડના રહીશો અને વેપારીઓએ મજબૂર થઈને રસ્તો બંધ કર્યો હતો. છેલ્લા અઢી-ત્રણ મહિનાથી, એટલે કે હોળી પહેલાથી આ રોડ ખોદાયેલો પડ્યો છે, જેના કારણે સ્થાનિક વેપારીઓના ધંધા-રોજગાર સાવ ઠપ્પ થઈ ગયા છે. અહીં લાંબા સમયથી વન-વે જેવી સ્થિતિ હોવાથી હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા છે. રસ્તા પર ગટરો તૂટેલી છે અને પાણીની લાઈનો પણ ક્ષતિગ્રસ્ત છે, છતાં તંત્ર કોઈ કામગીરી કરતું નથી. ​પરસાણાએ સત્તાધારી પક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, જૂનાગઢ મહાનગરપાલિકાની અણઘડ નીતિને કારણે આખી પ્રજા હેરાન થઈ રહી છે. ઉનાળાની સિઝનમાં લોકો પાણી વગર તડપી રહ્યા છે અને રસ્તા પર ગટરના પાણી વહેતા હોવાથી મચ્છરોનો ત્રાસ અને રોગચાળો વધ્યો છે. તેમણે ભેદભાવનો આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ કાર્યાલય પાસેનો રસ્તો સારો હોવા છતાં તેને તોડીને પાંચ દિવસમાં નવો બનાવી દેવામાં આવ્યો, જ્યારે સામાન્ય જનતાના રસ્તા મહિનાઓ સુધી અધૂરા રહે છે. જે પ્રજા ટેક્સ ભરે છે તેમના કામ પહેલા થવા જોઈએ. તેમણે શાસકોને એસી ચેમ્બરોમાંથી બહાર આવવા અને જનતાની પીડા જોવા આહવાન કર્યું છે. જો બે દિવસમાં કામ શરૂ નહીં થાય તો ફરીથી જનતા દ્વારા રસ્તો બંધ કરી ઉગ્ર વિરોધ કરવામાં આવશે. ​વોર્ડ નંબર 6 ના ભાજપના કોર્પોરેટર પ્રવીણ વાઘેલાએ આ સમગ્ર મામલે દર વખતની જેમ આ વખતે પણ પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે લોકો દ્વારા જે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું તે એક ગેરસમજનું પરિણામ હતું. તેમણે વિલંબ પાછળના કારણો સ્પષ્ટ કરતા કહ્યું કે, રસ્તાની કામગીરી દરમિયાન અંદર રહેલી પાણીની લાઈનો અપેક્ષા કરતા ઉપર હોવાથી તે તૂટી ગઈ હતી. આ સાથે જ 11 કેવી ની વીજ લાઈનને અંડરગ્રાઉન્ડ કરવાની અને મકાનોના નવા પાણીના કનેક્શન આપવાની કામગીરી પણ સાથે કરવાની હતી. ​જ્યાં સુધી પાણીની નવી લાઈન નખાઈ ન જાય અને લોકોને કનેક્શન ન મળે ત્યાં સુધી રોડનું કામ ન કરવા માટે કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી હતી, જેથી ભવિષ્યમાં ફરીથી રસ્તો તોડવો ન પડે. હવે આ તમામ કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાથી ગઈકાલથી જ ગેસ પંપ વિસ્તારથી રોડનું કામ પૂરઝડપે શરૂ કરી દેવામાં આવ્યું છે. આશરે 3 કિલોમીટર જેટલી પાઇપલાઇન બદલવાની હોવાથી દોઢ મહિના જેટલો સમય લાગ્યો છે. આ રોડ અંદાજે 7 થી 8 કરોડના ખર્ચે એસ.આઈ. ઓફિસથી ગેસ પંપ સુધી બનાવવામાં આવશે, જેનાથી ટૂંક સમયમાં જ લોકોને કાયમી સુવિધા મળી જશે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર માર્કેટયાર્ડમાં 3 દિવસમાં તમાકુની 8699 બોરી આવક:ખેડૂતોને રૂ. 1285થી 2100 સુધીના ભાવ મળ્યા
    Next Article
    ફેસબુકની જાહેરખબર જોઈ ગાડીઓ ભાડે આપવી ભારે પડી:ગાંધીનગરમાં વેપારીની 26.50 લાખની પાંચ લક્ઝરી કાર ગઠિયાએ પચાવી પાડી, ઓલા-ઉબેરમાં મૂકવાની લાલચ આપીને છેતરપિંડી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment