Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'નેતાઓ ગીધ જેવા છે':ગંદકી અને પીવાના પાણીમાં કીડાથી મતદારોની કમાન છટકી, કહ્યું- ખાડીપૂરમાં ત્રણ ત્રણ દિવસ પાણી ભરાયેલા

    2 days ago

    સુરત આગામી સમયમાં સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીના ઢોલ વાગવા જઈ રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા મેદાને પડ્યા છે. પરંતુ સુરતના વોર્ડ નંબર 22 (ભટાર-વેસુ-ડુમ્મસ)ના મતદારોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. ભાસ્કરની ટીમ જ્યારે આ વિસ્તારના આઝાદનગર અને રસુલાબાદ પહોંચી ત્યારે જાણવા મળ્યું કે, સ્થાનિકો પાયાની સુવિધાઓથી વંચિત છે. વર્ષોથી પડતર પ્રશ્નો ઉકેલાયા ન હોવાથી લોકોમાં સિસ્ટમ પ્રત્યે ભારે નારાજગી છે. અહીંના લોકોના મનમાં એક જ સવાલ છે કે જો 5 વર્ષમાં કામ ન થતા હોય તો ચૂંટણી સમયે જ નેતાઓ કેમ દેખાય છે? આઝાદનગરના રહીશો ખાડીપૂર અને ગંદકી વચ્ચે જીવવા મજબૂર આઝાદ નગર વિસ્તારની સ્થિતિ દર વર્ષે ચોમાસામાં અત્યંત દયનીય બની જાય છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અહીં દર 2 વર્ષે ખાડીપૂર જેવી સ્થિતિ સર્જાય છે. રસ્તાઓ પર 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. માત્ર પાણી જ નહીં, પરંતુ ચારે બાજુ ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળે છે. સ્થાનિક રહેવાસી સોપુબેન ચૌહાણે રોષ ઠાલવતા જણાવ્યું કે, "અમે અહીં 35-40 વર્ષથી રહીએ છીએ, પણ અહીં માત્ર મુખ્ય રોડ જ સાફ થાય છે. અંદરની ગલીઓમાં એટલી ગંદકી છે કે રહેવું મુશ્કેલ છે. સફાઈ કામદારો આવે છે પણ ઉપરછલ્લું કામ કરીને ચાલ્યા જાય છે." 'પીવાના પાણીમાં કીડા, કોર્પોરેટર કોણ છે એ પણ અમને ખબર નથી' આધુનિક સુરતની વાતો વચ્ચે આઝાદનગરમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા છે. જનાબેન નામના મહિલાએ જણાવ્યું કે, સવારના સમયે નળમાં જે પાણી આવે છે તે અત્યંત ગંદુ અને દુર્ગંધયુક્ત હોય છે. ઘણીવાર તો પાણીમાં જીવતા કીડા પણ જોવા મળે છે. તંત્રને અનેકવાર અરજીઓ કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે અહીંના મોટાભાગના મતદારો પોતાના વિસ્તારના કોર્પોરેટરના નામ કે ચહેરાથી પણ અજાણ છે. લોકોનું કહેવું છે કે, "અમારા વિસ્તારમાં કોઈ કોર્પોરેટર ડોકાતા જ નથી, તો અમે ઓળખીએ કોને?" ચૂંટણી સમયે જ નેતાઓ ગીધની જેમ કેમ તૂટી પડે છે? સ્થાનિક રહીશ પોપટભાઈએ નેતાઓની કામગીરી પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે, ચૂંટણીના પાંચ વર્ષમાં નેતાઓ ક્યારેય જોવા મળતા નથી, પણ જેવી ચૂંટણી નજીક આવે એટલે એક આ બાજુ ભાગે અને બીજો પેલી બાજુ. તેમણે નેતાઓની સરખામણી ગીધ સાથે કરતા કહ્યું કે, "જેમ કંઈ પડેલું હોય અને તેના પર ગીધડા બેસી જાય, તેમ ચૂંટણી આવતા જ નેતાઓ મતની લાલચમાં દોડી આવે છે. એકવાર ચૂંટણી પતી જાય એટલે ફરી પાંચ વર્ષ સુધી કોઈ ડોકાતું નથી." હાલમાં અહીં રિક્ષા સ્ટેન્ડ અને ટ્રાફિકની સમસ્યા એટલી વધી ગઈ છે કે લોકોને ચાલવા માટે રસ્તો પણ મળતો નથી. સ્ટોર્મ લાઇન કાગળ પર, હકીકતમાં ચોમાસામાં જનજીવન નર્કાગાર સરકાર અને તંત્ર દ્વારા મોટાપાયે 'સ્ટોર્મ વોટર લાઈન'ના પ્રોજેક્ટ્સની વાતો કરવામાં આવે છે, પરંતુ આઝાદનગરના પ્રભાકર કાશીનાથ લાઠે જણાવે છે કે, આ બધું માત્ર ટીવી અને પેપરમાં જ સીમિત છે. હકીકતમાં જ્યારે ખાડી ભરાય છે ત્યારે પાણીનો નિકાલ થતો નથી અને બે-ત્રણ દિવસ સુધી શેરીઓમાં પાણી ભરાયેલા રહે છે. ગંદા પાણી અને કચરાના કારણે આ વિસ્તારમાં મહામારી ફેલાવાનો ભય સતત રહે છે. સ્થાનિકોની તંત્ર પાસે એક જ અપીલ છે કે ડ્રેનેજ સિસ્ટમ સુધારો અને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ અપાવો. સ્લમ વિસ્તારની અવગણના: "અમારી સમસ્યાનું નિવારણ અમારે જ કરવું પડે છે" મદન રામચંદ્ર નામના મતદારે જણાવ્યું કે, નેતાઓ અને કોર્પોરેટરોના મનમાં કદાચ એવું બેસી ગયું છે કે, આ સ્લમ વિસ્તાર છે એટલે અહીં જવાની જરૂર નથી. પાંચ વર્ષ વીતી ગયા છતાં કોઈએ જનતાની સમસ્યા જાણવાની કોશિશ કરી નથી. લોકોનું કહેવું છે કે જનતા શું વિચારે છે એના પર કોઈ વિચાર કરતું નથી. એટલે જ આ વખતે લોકો મક્કમ છે કે જો પાયાની સુવિધાઓ જેવી કે સફાઈ અને ચોખ્ખું પાણી નહીં મળે, તો તેઓ મતદાનનો બહિષ્કાર કરશે. લોકોમાં હવે એક જ ગુંજ છે: “પહેલા કામ કરો, પછી જ મતની અપેક્ષા રાખો.”
    Click here to Read More
    Previous Article
    બહુચરાજી મેળામાં જતાં પદયાત્રીને ટ્રકે કચડ્યાં, બેના મોત:મહેસાણાના નવા દેલવાડા નજીક સંઘને અડફેટે લઈ ચાલક ફરાર, 7ને ગંભીર ઈજા; અંતિમયાત્રામાં આખું ગામ ઉમટ્યું
    Next Article
    અરુણકુમાર મહેતાની જીવનયાત્રાથી વિદ્યાર્થીઓ પ્રેરિત:સી. સી. શેઠ કૉલેજમાં ‘હીરો’ પુસ્તક પર વિશેષ સંવાદ અને વાંચન સત્ર યોજાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment