Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મવડી કણકોટ રોડ પર હિટ એન્ડ રનની ઘટના:એપીએમસી ચેરમેન લખેલી કારે બાઈકને ઠોકર મારતા વૃદ્ધનું મોત, અકસ્માત સર્જનાર કાર જયેશ બોઘરાની હોવાનું ખુલ્યું

    10 hours ago

    રાજકોટ શહેરમાં ટ્રાફિક અને બેફામ ડ્રાઇવિંગના કારણે અકસ્માતોની હારમાળા યથાવત રહી છે. આજે સવારે રાજકોટના મવડી કણકોટ રોડ પર ગણેશ ચોક પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પુરપાટ ઝડપે આવતી કારે બાઇક સવાર આધેડને હડફેટે લેતા તેમનું કરુણ મોત નીપજ્યું છે. ઘટના બાદ કાર ચાલક અકસ્માત સર્જીને નાસી છૂટ્યો હતો, જેને લઈ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અને પોલીસ સાથે બોલાચાલીનાં દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. અકસ્માત સર્જનાર કાર ઉપર એપીએમસી ચેરમેન લખેલું હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ કાર રાજકોટ યાર્ડનાં ચેરમેન જયેશ બોધરાની હોવાનું ખુલ્યું છે. રાજકોટના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા ફ્લોરા નેસ્ટમાં રહેતા 65 વર્ષીય સંજયભાઈ સવજીભાઈ કાલરીયા આજે સવારે 8 વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી નિત્યક્રમ મુજબ બાઇક લઈને નોકરી પર જવા નીકળ્યા હતા. સંજયભાઈ પાન હેલ્થ કેર કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ જ્યારે મવડી કણકોટ રોડ પર હીલસ્ટોન અરીસ્ટો પાસે આવેલા ગણેશ ચોકમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેથી પૂર ઝડપે ધસી આવેલી અજાણી કારે તેમના બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે સંજયભાઈ રોડ પર ફંગોળાયા હતા અને તેમને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાયા બાદ તરત જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જોકે, અકસ્માત સર્જનાર કાર ચાલક માનવતા નેવે મૂકીને પોતાની કાર સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને ગંભીર રીતે ઘાયલ સંજયભાઈને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ફરજ પરના તબીબોએ તેમને તપાસ્યા બાદ મૃત જાહેર કરતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃતક સંજયભાઈને સંતાનમાં 2 દીકરીઓ અને 1 દીકરો છે. ઘરના મોભી અને જવાબદાર પિતાની છત્રછાયા ગુમાવતા સંતાનો અને પત્નીની હાલત કફોડી બની છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત સર્જીને નાસી છૂટેલા કાર ચાલકને પકડવા માટે મવડી અને કણકોટ રોડ પરના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. હેલ્થ કેર કંપનીના મેનેજર જેવા જવાબદાર પદ પર કાર્યરત વ્યક્તિનું અચાનક મોત થતા તેમના મિત્રવર્તુળ અને સાથી કર્મચારીઓમાં પણ શોકની લાગણી જોવા મળી છે. પ્રાથમિક તપાસમાં જે વિગતો બહાર આવી છે તે અત્યંત ચોંકાવનારી છે. અકસ્માત સર્જનાર સફેદ રંગની કાર નં. જીજે 03 એલએમ 9201ના ડેસબોર્ડ પર ચેરમને એપીએમસીનું બોર્ડ લાગેલું જોવા મળ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ કાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાની છે. અકસ્માત સમયે કાર કોણ ચલાવી રહ્યું હતું અને ચેરમેન પોતે હાજર હતા કે કેમ તે અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે આ અંગે સાચી હકીકત પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જાણી શકાશે. દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં માર્કેટિંગ યાર્ડ ચેરમેન જયેશ બોધરાએ જણાવ્યું હતું કે, મારા પિતા આ કાર લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક બાઇક વચ્ચે આવી જતા તેમણે પોતાનો કાબુ ગુમાવ્યો હતો અને આ અકસ્માત સર્જાયો હતો. જોકે હાલ મારા પિતા નિયમ અનુસાર પોલીસ સમક્ષ હાજર થઈ ગયા છે. અને પોલીસ દ્વારા જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અકસ્માતની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જોકે, વારંવાર થતા અકસ્માતો અને ટ્રાફિક નિયમનની નબળી કામગીરીને લઈને સ્થાનિક રહીશોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો. ત્યારે ઘટનાસ્થળે એકત્ર થયેલા લોકો અને પોલીસ વચ્ચે આ બાબતે બોલાચાલી પણ થઈ હતી.આ વિસ્તારમાં સ્પીડ બ્રેકર મૂકવામાં આવે અને સીસીટીવી ફૂટેજના આધારે ફરાર કાર ચાલકને વહેલી તકે ઝડપી લેવામાં આવે તેવી માંગ લોકોએ કરી હતી. હાલ પોલીસ દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને હિટ એન્ડ રનના આ કેસમાં કડક કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે. જોકે આ બનાવમાં હાઈપ્રોફાઈલ વ્યક્તિની કાર સંડોવાયેલી હોવાથી આ કેસમાં પોલીસની ભૂમિકા પર સૌની નજર ટકેલી છે.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠામાં સેવાસેતુ કાર્યક્રમોથી 1.25 લાખથી વધુ લાભાર્થીઓને લાભ:10 તાલુકા, 4 નગરપાલિકા વિસ્તારોમાં 75 કાર્યક્રમોનું સફળ આયોજન, સરકારી સેવાઓ ઘરઆંગણે ઉપલબ્ધ કરાવાઈ
    Next Article
    GSHEB વિજ્ઞાન પ્રવાહની પ્રોવિઝનલ આન્સર કી જાહેર:4 એપ્રિલ સુધી વાંધા નોંધાવવાની તક, પ્રશ્ન દીઠ ₹500 ફી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment