Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢમાં ‘કાગળ-કાગળ’ રમતું નિંભર તંત્ર:જૂનાગઢ જિલ્લા સંકલન બેઠકમાં ધારાસભ્યનો તંત્ર સામે ભારે રોષ, ગ્રાન્ટ ફાળવ્યા છતાં કામો ન થતા હોવાના ગોપાલ ઇટાલિયા ગંભીર આક્ષેપો.

    15 hours ago

    જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષના ધારાસભ્યોએ વહીવટી તંત્રની ઢીલી કામગીરી અને પ્રજાકીય પ્રશ્નોના ઉકેલમાં થતા વિલંબ સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી હતી. ખાસ કરીને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ તંત્રને 'નિંભર' ગણાવી પ્રહાર કર્યો હતો કે, ધારાસભ્યો દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ તંત્ર માત્ર 'કાગળ-કાગળ' રમી રહ્યું છે. ​ગ્રાન્ટ ફાળવી પણ કામ શરૂ ન થયા: ગોપાલ ઇટાલિયા બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, "મેં મારા ધારાસભ્ય ફંડમાંથી અંદાજે 2.45 કરોડથી વધુની રકમ વિવિધ વિકાસકામો માટે ફાળવી છે. મારી સહીથી ગ્રાન્ટ ફાળવ્યા બાદ પણ હજુ સુધી અનેક કામો ચાલુ કરવામાં આવ્યા નથી. કારણ કે ફાઈલો અને કાગળોની પ્રોસેસ તંત્ર દ્વારા પૂરી કરવામાં આવતી નથી. સરકાર દ્વારા પૈસા ચૂકવવામાં આવ્યા છે અને મેં એ રકમ ફાળવી પણ દીધી છે, છતાં જમીન પર કામ દેખાતું નથી. આ ફરિયાદ માત્ર મારી એકની જ નથી, પરંતુ બેઠકમાં ઉપસ્થિત ભાજપના ધારાસભ્યોએ પણ આ જ રાગ આલાપ્યો હતો કે ગ્રાન્ટ ફાળવ્યા બાદ પણ કામો કેમ થતા નથી?. ​ભેસાણ સહકારી મંડળી કૌભાંડ અને ખેડૂતોના પ્રશ્નો ગોપાલ ઇટાલિયાએ ભેસાણ તાલુકાની વિવિધ સહકારી મંડળીઓમાં આચરવામાં આવેલા ભ્રષ્ટાચારનો મુદ્દો પણ જોરશોરથી ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, ખેડૂતોના ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર કરી ઉપાડી લેવાના કૌભાંડની તપાસ ક્યાં પહોંચી? અગાઉ નોંધાયેલી ફરિયાદોના કોર્ટ કેસની સ્થિતિ શું છે? ખેડૂતોએ જમા કરાવેલી ડિપોઝિટ તેમને ક્યારે પરત મળશે? અને જે ખેડૂતોના એકાઉન્ટમાં ખોટા બોજા પડ્યા છે, તે ક્યારે દૂર થશે? આ તમામ મુદ્દે તંત્ર પાસેથી સ્પષ્ટ જવાબ માંગવામાં આવ્યા છે. વધુમાં, ખેડૂતોએ ટેકાના ભાવે વેચેલી મગફળીનું ચુકવણું પણ બાકી હોવાથી તે સત્વરે ચૂકવવા માંગ કરી છે. ​રત્નકલાકારોની ‘રત્નદીપ યોજના’માં મોટો અન્યાય હીરા ઉદ્યોગમાં મંદીને પગલે સરકાર દ્વારા રત્નકલાકારોના બાળકોની ફી માટે 'રત્નદીપ યોજના' જાહેર કરાઈ હતી. આ મુદ્દે ચોંકાવનારો ખુલાસો કરતા ઇટાલિયાએ કહ્યું કે, "જૂનાગઢ જિલ્લામાં 2,982 રત્નકલાકારોએ સહાય માટે ફોર્મ ભર્યા હતા. છેલ્લા ત્રણ મહિનાથી હું આનો જવાબ માંગી રહ્યો હતો અને આજે ખબર પડી કે 2,982 ફોર્મમાંથી માત્ર 266 અરજીઓ જ મંજૂર થઈ છે, જ્યારે બાકીની તમામ અરજીઓ ના-મંજૂર કરી દેવાઈ છે. આટલી મોટી સંખ્યામાં ફોર્મ કેમ રિજેક્ટ થયા તેનો તંત્ર પાસે કોઈ સંતોષકારક જવાબ નથી. ​તંત્રની ‘કાચબા ગતિ’ અને માળખાકીય સુવિધાઓ બેઠકમાં અન્ય ભૌતિક સુવિધાઓ અંગે પણ ચર્ચા થઈ હતી જેમાં જૂનાગઢથી ભેસાણ જતો રોડ કાચબા ગતિએ બની રહ્યો છે તે બાબતે માર્ગ-મકાન વિભાગ સામે રોષ ઠાલવ્યો હતો. વિસાવદર-ભેસાણ મત વિસ્તારના શોભાવડલા અને બરડીયાના રસ્તાના કામો પણ પેન્ડિંગ છે.વિસાવદરના મોટીમોણપરી, છેલણકા, જામકા અને કર્યા ગામમાં જૂની પાણીની ટાંકી તોડવાનો પ્રશ્ન વર્ષોથી પેન્ડિંગ છે. લીમધરા, કાલાવડ અને મૂળિયા ગામમાં ગ્રામ પંચાયતના ભવન નથી. કાલાવડમાં પંચાયત ભવનનું કામ 4 વર્ષથી ચાલી રહ્યું છે. ઇટાલિયાએ કલેક્ટરને ટાંકતા કહ્યું કે, "પૂર્વ કેબિનેટ મંત્રીના ગામમાં પણ ગ્રામ પંચાયત નથી બનતી, તો સામાન્ય પ્રજાનું શું ?. ભેસાણના હીરાના કારખાનેદારોને પડતા વીજકાપ અને GEB ના પ્રશ્નોની રજૂઆત થઈ હતી. ઉનાળામાં તળાવો ઊંડા ઉતારવા અને તેમાંથી નીકળતી માટી ખેડૂતોને આપવા બાબતે પણ પરામર્શ થયો હતો. ​ધારાસભ્ય અરવિંદ લાડાણીની રજૂઆત અને ડોક્ટર સામે ફરિયાદ માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પોતાના વિસ્તારના તૂટી ગયેલા રસ્તાઓ પર ડામર પેચ કે પટ્ટા લગાવવા રજૂઆત કરી હતી. તંત્રએ આ કામો મંજૂરીની પ્રક્રિયામાં હોવાનું આશ્વાસન આપ્યું છે. આ ઉપરાંત, લાડાણીએ વંથલીના ડોક્ટર સિકંદર પરમાર સામે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, આ ડોક્ટરની કામગીરીથી લોકો ત્રાસી ગયા છે અને અનેક દર્દીઓએ ફરિયાદ કરી છે, જે બાબતે પણ સંકલન સમિતિમાં કડક રજૂઆત કરાઈ છે. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ બેઠકમાં ઉપસ્થિત તમામ ધારાસભ્યો - દેવાભાઈ માલમ, સંજયભાઈ કોરડીયા, અરવિંદભાઈ લાડાણી અને ગોપાલભાઈ ઇટાલિયાના પ્રશ્નો સાંભળ્યા હતા. કલેક્ટરે દર વખતની જેમ પ્રજાકીય પ્રશ્નોના 'ઝડપી અને સકારાત્મક' ઉકેલ માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. બેઠકમાં ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ નિક્ષય મિત્ર યોજના, નેશનલ હાઈવે પર પાણીના નિકાલ અને વન વિભાગમાં ચેકડેમના ડીસલ્ટિંગ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપની રણનીતિ:MP-MLAની ભલામણ ટિકિટ માટે માન્ય નહીં ગણાય; 'કમલમ'માં નિરીક્ષકો અને મીડિયા ઇન્ચાર્જની મહત્ત્વની બેઠક યોજાઈ
    Next Article
    ગઢડા સગીરા દુષ્કર્મ: 8 આરોપી જેલ હવાલે:બોટાદ સ્પેશ્યલ પોક્સો કોર્ટે આપ્યો આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment