Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નદીમાં ગેરકાયદે પુલ બનાવ્યા, દિવસ-રાત ડમ્પરોની દોડધામ:ભાજપ નેતાના પુત્ર, ભાઈની ધોંસ સામે અધિકારી ઢીલા પડ્યા; દોઢ મહિનાની તપાસમાં સાબરમતીમાં ખનનનું રેકેટ ખુલ્યું

    1 day ago

    અમદાવાદની ઓળખ સમાન સાબરમતી નદીમાં બેફામ રીતે ખનન ચાલી રહ્યું છે. જેમાં ભાજપ નેતાના પુત્રની પણ સંડોવણી હોવાનો ઘટસ્ફોટ થયો છે. હદ તો એ છે કે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ પણ જાણે હાથ પર હાથ રાખીને બેઠાં હોય એમ લાગે છે. શહેરોમાં મોટી ઇમારતો બનાવવા માટે સિમેન્ટ, સળિયા તો બ્રાંન્ડેડ જોઈએ પણ રેતી એવી વસ્તુ છે જે બિલ્ડરને ક્યાંયથી પણ સસ્તા ભાવે મળી જાય તો છોડતા નથી. મોટી કમાણી એમાં જ છે. કંસ્ટ્રક્શનના ધંધામાં કરોડો રૂપિયાની રેતીનું મફતના ભાવે કેવી રીતે સેટિંગ પાડવામાં આવે છે એ જાણવા દિવ્ય ભાસ્કરે ઇન્વેસ્ટિગેશન હાથ ધર્યું. આ દરમિયાન મળેલા ડ્રોન વીડિયો અને સેટેલાઇટ ઇમેજ તેમજ ગ્રાઉન્ડ રિયાલિટીથી મોટી ગેરરીતિનો પર્દાફાશ થયો. અમે અમદાવાદ જિલ્લામાં સાબરમતી નદીના કાંઠે આવેલા અલગ-અલગ ગામડાઓ ખૂંદ્યા. ક્યાંક મોટરસાઇકલ લઈને, ક્યાંક ગાડી લઈને અને અમુક જગ્યાએ પગપાળા કોતર વિસ્તાર ઓળંગીને ખનન માફિયાઓની ગેરરીતિ શોધી. આમ, લગભગ દોઢ મહિનાની મહેનતના અંતે અમે આખું રેકેટ સમજી શક્યા કે કેવી રીતે સાબરમતી નદીમાંથી દિવસ-રાત ડમ્પર ભરીને શહેરી વિસ્તારમાં મોકલવામાં આવે છે. જો કે ઘણી જગ્યાએ સરકારે કાયદેસર લિઝ આપેલી છે,પરંતુ દરેક સ્થળે આવી સ્થિતિ નથી. અમે વિસલપુર ગામમાં પહોંચ્યા. રહેણાંક મકાનો તેમજ ગામની સ્થિતિને જોતા જ લાગ્યું કે આર્થિક રીતે સુખી-સંપન્ન પરિવારો અહીંયાં રહે છે. મોટાભાગના લોકો ખેતીકામ સાથે જોડાયેલા છે. અમે ગામમાંથી આગળ વધ્યા અને 3થી 4 કિલોમીટર પછી સાબરમતી નદીના પટ વિસ્તારમાં પહોંચી ગયા. પણ રસ્તો એકદમ ધૂળ-ઢેફાવાળો હતો. ડમ્પર કે ટ્રેક્ટર સિવાયના વાહનો લઈ જવા મુશ્કેલ બની જાય. ખનન કરીને મોટા ખાડામાં પાણી ભરી દેવાયું બપોરના સમયે એકદમ સન્નાટો હતો. અમારી નજર એક તલાવડી પર પડી. જે કુદરતી નહોતી પણ ખનન માફિયાઓએ રેતી-માટી ખોદી કાઢતા ઊંડો ખાડો થઈ ગયો હતો અને તેમાં પાણી ભરાઈ ગયું હતું અથવા ભરી દેવામાં આવ્યું હતું. કદાચ તેનાથી કોઈને અંદાજો ન આવે કે અહીંયાં ખનન થયું છે. ઝાડના મૂળિયા બહાર આવી જાય એ રીતે ખનન આસપાસના ખેતરોમાં ઘઉં પાક લહેરાતો હતો. પરંતુ કેટલાક એવા પણ ખેતર અમને જોવા મળ્યા જેમાં પાક હોવા છતાં ખનીજ માફિયાઓએ મનમરજી ચલાવી અને કોઈ જ પરવાહ કર્યા વગર થોડા સમય પહેલાં જ ખેતર ખોદી નાખવામાં આવ્યા હતા. ઘણા વૃક્ષો પણ જેસીબી મારફતે મૂળિયા સહિત ઉખેડી નાખ્યા હતા. ડ્રોન વીડિયોમાં સાબરમતીની બદહાલી દેખાઈ… અમે આ જમીનની તપાસ કરી તો ખબર પડી કે તે ખાનગી માલિકીની નથી. સરકારી ખરાબાની જમીન હોવાથી સ્થાનિક લોકોએ પાકનું વાવેતર કર્યું હતું પણ ખનન માફિયાઓએ મનમરજી પ્રમાણે ખેડૂતોને પૂછ્યા વગર જ ખોદકામ કરી નાખ્યું. જમીન સરકારી હોવાથી ખેડૂતો પણ કાંઈ બોલી શકે એ સ્થિતિમાં પણ નથી. છતાં કેટલાક લોકોએ ઓફ ધી રેકોર્ડ ઘણી માહિતી આપી દીધી. આવી જ હાલત સાબરમતી નદી પાસે આવેલા મહિજડા અને નવાપુરા જેવા ગામોની છે. ગેરકાયદે રેતી ખનન સામે અવાજ ઉઠાવનાર હરેશ દેસાઈએ ખાણ ખનીજ વિભાગ તેમજ કલેક્ટર ઓફિસમાં આવા માફિયાઓ વિરુદ્ધ અરજી કરી છે અને કેટલાક પુરાવા પણ આપ્યા છે, જેમાં ફોટોગ્રાફ્સ અને ડ્રોન વીડિયો પણ સામેલ છે. ડ્રોન વીડિયોમાં જોવા મળી સાબરમતીના પટમાં ડમ્પરની કતાર આ વીડિયોમાં મહિજડા ગામની નજીકનો છે. ડમ્પર નદીના એક કાંઠેથી બીજા કાંઠે જઈ શકે એ માટે કાચો રસ્તો બનાવી દેવામાં આવ્યો છે અને પાણીનો વહેણ ન અટકે એ માટે અલગ-અલગ ત્રણ જગ્યાએ મોટી પાઈપો નાખીને ગરનાળા જેવું બનાવ્યું છે. જેના પરથી 10થી વધુ ડમ્પર અને જેસીબી મશીન પસાર થતાં ડ્રોન કેમેરામાં કેદ થયા. 10 વર્ષમાં સાબરમતીની હાલત શું થઈ એ સેટેલાઇટ તસવીરોથી સમજો નોંધવા જેવી વાત એ છે કે સાબરમતી નદીમાં આ રસ્તો વર્ષો જૂનો નથી. 2016ના અંત સુધીમાં અહીંયાંથી પાણીનો પ્રવાહ કોઈપણ જાતના વિક્ષેપ વગર વહેતો હતો. પરંતુ 2017ની શરૂઆતમાં જ અહીંયાં કાચો રસ્તો બનાવવાનો કારસો શરૂ થઈ ગયો હતો. વર્ષ પૂરું થતાં સુધીમાં તો ડમ્પર નીકળી જશે એવો કાચો રસ્તો માટી અને રેતીનું પુરાણ કરીને બનાવી દેવામાં આવ્યો. ત્યારથી માંડીને અત્યાર સુધીમાં નદીમાં બનેલા કાચા રસ્તાનો ખનન માફિયા બેફામ રીતે ઉપયોગ કરી રહ્યા છે. ડ્રોન વીડિયોમાં એક સ્થળે 9 ડમ્પર અને 4 હિટાચી મશીન જોવા મળી રહ્યા છે. જેઓ નદીના પટ વિસ્તારમાંથી રેતી-માટી ભરી રહ્યા છે. ત્યાર બાદ આ ડમ્પર એક સાથે જ રવાના થાય છે. ઊંડા ખાડા થઈ જવાના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયેલું જોવા મળ્યું. છતાં પણ બેરોકટોક રીતે ખનન ચાલતું હોવાનું માલુમ પડે છે. મહિજડા ગામ જેવી હાલત નજીકમાં આવેલા નવાપુરા ગામની સીમની થઈ છે. અહીંયાં પણ સાબરમતી નદીમાં બેફામ ખનન થયેલું ડ્રોન કેમેરામાં જોવા મળે છે. નદી વચ્ચે અનેક ભૂંગળા ગોઠવીને પાણીનો પ્રવાહ અનુકૂળતા મુજબ ડાઇવર્ટ કરવામાં આવે છે અને જેસીબી મારફતે રેતી-માટી ડમ્પરમાં ભરીને નક્કી કરેલી જગ્યાએ પહોંચાડવામાં આવે છે. છેલ્લા 10 વર્ષના સમયગાળામાં અહીંયાં કઈ હદે ખનન થયું છે તે જાણવા માટે અમે સેટેલાઇટ તસવીરોનો અભ્યાસ કર્યો. જે જગ્યાએ એક સમયે ખેતરોમાં પાક લહેરાતો હતો, નદીનો પટ વિશાળ મેદાન જેવા લાગતો હતો, ત્યાં ખોદકામ થવાથી ખાડા પડી ગયા છે. ઠેર-ઠેર કેમિકલવાળુ ગંદુ પાણી ભરાઈ ગયું છે. એક પોલીસ ફરિયાદ કરવામાં અધિકારીઓને 6 મહિના લાગી ગયા થોડા સમય પહેલાં એક આશ્ચર્યજનક પોલીસ ફરિયાદે અમારું ધ્યાન ખેંચ્યું. વાત એમ છે કે અમદાવાદ નજીક આવેલા વિસલપુર ગામ પાસે નદીમાંથી રેતીનું ગેરકાયદે ખનન થતું હતું. એટલે ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર વિપુલ યોગીએ બાતમીના આધારે 6 જાન્યુઆરી, 2025ના રોજ દરોડા પાડ્યા હતા અને 6 લાખની કિંમતની બિનવારસી એક યાંત્રિક નાવડી જપ્ત કરી હતી. જપ્ત કરેલી નાવ ચોરી થઈ ગઈ અને ત્રીજી વ્યક્તિને ખબર પડી નવાઈની વાત એ છે કે આ નાવડી પોતાના કબજામાં રાખવાના બદલે અધિકારીએ સ્થાનિક પૃથ્વીરાજ ઠાકોરને સોંપી દીધી. ખાનગી વ્યક્તિના કબજામાં રહેલી આ નાવડીની 6 મહિનામાં ચોરી થઈ ગઈ. ત્યારે પૃથ્વીરાજ ઠાકોરે નહીં પણ હરેશભાઈ દેસાઈ નામના અન્ય એક વ્યક્તિએ 7 જુલાઈ, 2025ના રોજ ખાણ ખનીજ વિભાગના અધિકારી વિપુલ યોગીને આ વાતની જાણ કરી. પછી તો નાટકીય ઘટનાક્રમ શરૂ થયો. 9 જુલાઈ, 2025ના રોજ બે અધિકારી રોયલ્ટી ઇન્સ્પેક્ટર એસ.બી.વાઢેળ અને સર્વેયર કે.એસ.મહેતાએ જઈને સ્થળ તપાસ કરી. તેમણે જોયુ કે નાવ ખરેખરમાં ગુમ છે. પણ જાણે અધિકારીઓના પેટનું પાણી ન હલ્યું હોય એમ આ ઘટનાના બે અઠવાડિયા પછી રોયલ્ટી ઇન્સ્પેક્ટર વિપુલ યોગીએ અસલાલી પોલીસ સ્ટેશનના પીઆઈને અરજી લખીને આખા ઘટનાક્રમની જાણ કરી. જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે અજાણ્યા ઇસમો 10 દિવસ પહેલાં યાત્રિક નાવ ચોરી ગયા છે. એટલું જ નહીં, હરેશ દેસાઈના એક પત્રને ટાંકીને લખ્યું છે, “સવાલવાળા સ્થળે ભરત મકવાણા તથા બળદેવજી ઠાકોર તેમજ કેતન ઠાકોર દ્વારા ખનીજ ચોરી કરવામાં આવતી હતી. યાંત્રિક નાવડીના માલિક રામુભાઈ છે.” શું ખાણ ખનીજ વિભાગના અધિકારીની શબ્દની રમતમાં મોટા માથા બચી ગયા? વિપુલ યોગીએ ક્યાંય એવું નહોતું લખ્યું કે કોણે ચોરી કરી છે? પરંતુ આ અરજી લખ્યાના 7 મહિના પછી વધુ એક નાટ્યાત્મક વળાંક આવ્યો. 13 ફેબ્રુઆરી, 2026ના રોજ આ જ અરજીના સંદર્ભે અસલાલી પોલીસ સ્ટેશનમાં નાવડી ચોરીની ફરિયાદ નોંધવામાં આવી. જેમાં ચોરી કરનાર આરોપી તરીકે નાવડીના માલિક રામુભાઈનું નામ લખવામાં આવ્યું. આ ઘટના જ કોઈક મોટી ગડબડ થઈ હોવાના સંકેત આપી રહી હતી. એટલે અમે પણ “ઊંડા પાણી”માં ઉતરીને આ મુદ્દે ઇન્વેસ્ટિગેશન કર્યું, જેના છેડા છેક ભાજપના મોટા નેતાઓ અને ખાણ ખનીજ વિભાગના મોટા અધિકારીઓ સુધી અમને લઈ ગયા. અધિકારીઓએ ખનન માફિયાઓ સામે ફરિયાદ કરી, આરોપીઓના નામની આગળ "શ્રી" લખ્યું ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમને 2017માં અસલાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક “અનોખી” ફરિયાદ મળી. “અનોખી” એટલે માટે કારણ કે FIRમાં જે 5 આરોપીઓના નામ લખવામાં આવ્યા હતા એ તમામના નામની આગળ માનવાચક શબ્દ “શ્રી” લખવામાં આવ્યો હતો. જેમાં આરોપી નંબર 4 તરીકે કેતન ઠાકોરનું નામ હતું. કેતન ભાજપના સક્રિય સભ્ય એવા બળદેવ ઠાકોરના પુત્ર છે. બળદેવ ઠાકોરના જણાવ્યા પ્રમાણે તેઓ અગાઉ ભાજપ કિસાન મોરચાના અમદાવાદ શહેરના મહામંત્રી પણ રહી ચૂક્યા છે. પોલીસ ફરિયાદમાં પાંચમાં આરોપીનું નામ મંગાજી ઠાકોર છે, જે બળદેવ ઠાકોરના ભાઈ છે. હિચાટીના ડ્રાઇવરે જ લીધું હતું ભાજપ નેતાના દીકરાનું નામ જે તે સમયના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી નીરવ બારોટે અસલાલી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં નામજોગ લખ્યું છે કે એક વ્યક્તિની મૌખિક ફરિયાદના આધારે 24 એપ્રિલ, 2017ના રોજ બાકરોલ તથા વિસલપુર તેમજ ભાઠા વિસ્તારમાંથી પસાર થતી સાબરમતી નદીના પટ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. જ્યાં 3 હિટાચી મશીનથી સાદી રેતી કાઢવામાં આવતી હોવાનું માલુમ પડ્યું હતું. દરોડા દરમિયાન 2 હિટાચી મશીન જપ્ત કર્યા હતા. આ દરોડા સમયે બન્ને હિટાચી મશીનના ડ્રાઇવર ઇઝરાઇલ અંસારી અને સંતન પ્રસાદને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ ફરિયાદમાં લખ્યું છે, હિટાચી મશીનના ડ્રાઇવરના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાંથી રેતીનું ખોદકામ કેતન ઠાકોર અને મંગાજી વણઝારા દ્વારા કરાવવામાં આવે છે. હિચાટીના માલિક ફતેવાડી વિસ્તારમાં રહેતો મંગાજી વણઝારા હોવાનું સામે આવ્યું હતું. દરોડા પાડ્યાના બે દિવસ બાદ ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓએ આ વિસ્તારમાં ગાંધીનગર ટીમના સર્વેયરો દ્વારા કરાવવામાં આવી હતી. જે મુજબ આરોપીઓ સામે નિયમ પ્રમાણે દંડકીય કાર્યવાહી થતી હોવાનું પોલીસ ફરિયાદમાં લખ્યું છે. અમારી તપાસમાં માલુમ પડ્યું કે 2017માં થયેલો આ કેસ હજુ પણ કોર્ટમાં ચાલી રહ્યો છે. બીજી તરફ આરોપીઓ દ્વારા રેતીનું બેફામ રીતે ખનન રોકાયું નથી. 'ખનન માફિયાઓએ બેથી અઢી કરોડનો દંડ ભર્યો જ નથી' આ મુદ્દે વિસલપુર ગામના સામાજિક આગેવાન હરેશ દેસાઈએ આરોપ લગાવતા કહ્યું, અમદાવાદની આસપાસ આવેલા વિસલપુર, બાકરોલ, મહિજડા જેવા અલગ-અલગ ગામડામાં ખનીજ ચોરી ચાલી રહી છે. આ બાબત હું અનેકવાર સરકારના ધ્યાનમાં લાવ્યો. અગાઉ પણ કાસીન્દ્રા ગામમાં ખનીજ ચોરી ચાલતી હતી, તેમાં પણ સરકારે ખનીજ ચોરી કરતાં ઇસમો પર બેથી અઢી કરોડ રૂપિયાનો દંડ કર્યો હતો. પણ હજુ સુધી ખનીજ માફિયાઓએ દંડ ભર્યો નથી. ખનીજ ચોરી કરનારા લોકોને રાજકીય પીઠબળ મળી રહ્યું છે. બે અધિકારીઓ શંકાના ઘેરામાં હરેશ દેસાઈએ એક ગંભીર મુદ્દે ધ્યાન દોરતા કહ્યું, સરકાર લીઝ હેક્ટર પ્રમાણે આપે છે. સામાન્ય રીતે ડિસ્ટ્રીક્ટ સરવે રિપોર્ટ પ્રમાણે ફક્ત એક મીટર જેટલું જ ઊંડું ખોદી શકાય છે. પણ ખનીજ માફિયાઓ 5થી 7 મીટર જેટલું ઊંડુ ખોદી નાખે છે. અધિકારીઓની લાલીયાવાડી ચાલે છે એટલે તેમને ફરિયાદ કરો તો પણ નક્કર કાર્યવાહી થતી નથી. અધિકારીઓને ખબર હોવા છતાં પણ કડક પગલા લેવામાં આવતા નથી અને દંડ કરવામાં પણ કૂણું વલણ દાખવે છે. વિસલપુર ગામમાં ખનન માફિયાઓએ ગેરકાયદેસર નદી પર પુલ પણ બનાવી દીધો છે. આ બાબતે અધિકારીઓને જાણ કરો તો સરવે નંબરના બહાના કરીને જવાબ આપતા નથી. ભૂસ્તરશાસ્ત્રી પ્રણવીબેન પ્રજાપતિ અને એસ.જે.ચાવડાને ઘણી રજૂઆત કરી પણ કાર્યવાહી નથી થઈ. સવાલ વાંચીને અધિકારીએ જવાબ ન આપ્યા દિવ્ય ભાસ્કરે ખાણ અને ખનીજ વિભાગના અધિકારીને મળીને તેમનો ખુલાસો પૂછ્યો હતો. પ્રણવીબેન પ્રજાપતિએ આ મુદ્દે વીડિયો ઇન્ટરવ્યૂ આપવાનો ઇન્કાર કરી દીધો અને તમામ સવાલોનો લેખિતમાં જવાબ આપવાની તૈયારી બતાવી. પરંતુ જ્યારે તેમને લેખિત સવાલ મોકલવામાં આવ્યા ત્યારે તેમણે સવાલ વાંચીને જવાબ આપવાનો ઇન્કાર કરી દીધો. બળદેવ ઠાકોરે કહ્યું, દીકરા સામેની પોલીસ ફરિયાદનો ખ્યાલ નથી કેતન ઠાકોર પાસે જ્યારે આ મુદ્દે અમે ખુલાસો માગ્યો ત્યારે તેમણે બીમારીનું કારણ આપીને વાત કરવાનો ઇન્કાર કર્યો હતો. અત્યારના ચીફ સેક્રેટરી એમ.કે.દાસ 2020માં મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા હતા. એ સમયે દસક્રોઈથી ભાજપના ધારાસભ્ય બાબુભાઈ જે. પટેલે પત્ર લખ્યો હતો કે મહીજડા ગામ પાસે સાબરમતી નદીના પટમાં લીઝ તથા બ્લોક પાડવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેના કારણે જમીનનું ધોવાણ થશે અને ખેડૂતોને ચોમાસામાં પૂરના કારણે નુકસાન થશે. એટલે પરમીટ કે બ્લોક પાડવા નહીં. ભાજપના ધારાસભ્યના આ પત્રની કોઈ અસર ન થઈ અને મહીજડા ગામના ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ------------------------------- જો તમારી પાસે પણ કોઈ જગ્યાએ ચાલતા ભ્રષ્ટાચાર કે ગેરરીતિના પુરાવા છે, કાર્યવાહી નથી થઈ રહી, તેમને કોઈના દ્વારા છાવરવામાં આવી રહ્યા હોય તો દિવ્ય ભાસ્કરને ઇ-મેલના માધ્યમથી પુરાવા સાથે જાણ કરો. dvbbhaskar123@gmail.com
    Click here to Read More
    Previous Article
    એર ઇન્ડિયાની દિલ્હી-લંડન ફ્લાઇટમાં ટેકનિકલ ખામી:7 કલાક હવામાં રહ્યા પછી પરત ફરી, 15 માર્ચે પણ ન્યૂયોર્કથી આવતી વખતે ડાયવર્ટ કરવી પડી હતી
    Next Article
    વાંસદાના સરા ગામે જવાન સન્માનમાં હોબાળો:ધર્માંતરણના આક્ષેપ સાથે 5 હજાર લોકો ઉમટ્યા, પોલીસ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment