Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક વાર્તા:સહિયરપણું

    2 days ago

    મંગળાબેન અને ઉજમબેન વચ્ચે જન્મોજનમનું હોય એવું સખીપણું, સહિયરપણું હતું. બંને સામસામેનાં ઘરનાં પાડોશી હતાં અને એકસાથે જ પરણીને આ મહોલ્લામાં આવ્યાં હતાં. ત્યારથી જ બંને વચ્ચે અતૂટ મૈત્રી હતી. બંને પોતપોતાનાં ઘરમાં આદર્શ વહુ તરીકે સ્થાન ધરાવતાં હતાં. એકબીજાનાં ઘરે કામકાજમાં મદદ કરવા જવું હોય કે બહાર ક્યાંય નીકળવું હોય, બંને હંમેશાં સાથે જ હોય. એકબીજાનાં પિયર પણ જવા-આવવાનો વ્યવહાર હતો. આખા ગામમાં બંનેનાં સખીપણાની વાતો થતી. યોગાનુયોગ મંગળાબેન અને ઉજમબેન બંને સાથે જ ગર્ભવતી થયાં. બંનેની ખુશીનો પાર નહોતો. મંગળાબેને એક દિવસ પતિને કહ્યું, ‘હું અને ઉજમ બંને એકસાથે મા બનવાના છીએ. મારી ઈચ્છા છે કે જો આપણા ઘરે દીકરો અને એના ઘરે દીકરી આવે, તો બંનેનાં લગ્ન કરાવીને આપણા આ સંબંધને વેવાઈવેલામાં બદલી વધુ મજબૂત બનાવવો.’ પતિએ તરત જ ટકોર કરી, ‘ના, તમે એવું કોઈ ઉતાવળિયું પગલું ન ભરતાં કે વચનથી ન બંધાતાં. અત્યારના સમયમાં માતા-પિતાએ નક્કી કરેલાં પાત્રો બાળકો સ્વીકારશે જ એ નક્કી નથી. તેઓ પોતાની જિંદગીનો નિર્ણય લેવા સ્વતંત્ર છે. આ તો પચીસ વર્ષ પછીની વાત છે. બાળકોનાં ભવિષ્યનો નિર્ણય અત્યારથી લેવાનો આપણને કોઈ અધિકાર નથી.’ મંગળાબેને પતિની શિખામણને અવગણી નાખી. બંને સખીએ ઘરમાં કોઈને જાણ કર્યા વગર એકબીજાને વચન આપી દીધું. સમય વહેતો રહ્યો. બંને બાળકો સાથે રમીને, અભ્યાસ કરીને મોટાં થયાં. તેમની વચ્ચે પણ ગાઢ મિત્રતા હતી. બંને પરિવારો વચ્ચે ઘર જેવો જ સંબંધ હતો. મંગળાબેન અને ઉજમબેનને થયું કે બાળકો વચ્ચે આટલો સારો મેળ છે, એટલે આપણા વચનનું પાલન કરવામાં કોઈ વિઘ્ન નહીં આવે, પણ બંને માતાઓ એ ભૂલી ગઈ હતી કે આ પચીસ વર્ષોમાં દુનિયા અને વિચારસરણી કેટલી બદલાઈ ગઈ છે. બંને બાળકો પોતાની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હતાં અને પોતાની માતાઓએ આપેલા છૂપા વચનથી સાવ અજાણ હતાં. એક દિવસ કોઈ ધાર્મિક પ્રસંગે બંને પરિવાર એકઠા થયા હતા. મંગળાબેન અને ઉજમબેને વિચાર્યું કે હવે બાળકોને વચન યાદ અપાવવાનો સાચો સમય છે. તેમણે સૌની વચ્ચે કહ્યું, ‘અમારે તમને બધાંને એક વાત કરવી છે.’ અને પછી વર્ષો પહેલાં એકબીજાને આપેલા વચનની વાત જાહેર કરી. બંને સહિયરો સિવાય ત્યાં હાજર તમામ લોકો સ્તબ્ધ થઈ ગયાં. મંગળાબેનના પતિએ રોષ સાથે કહ્યું, ‘તેં જ્યારે મને આ વાત કરી હતી ત્યારે જ મેં તને સમજાવી હતી, છતાં તેં તારું જ ધાર્યું કર્યું અને અમારાથી આ વાત છુપાવી. હવે જે પરિણામ આવે તે તમે બંને ભોગવો. અમે બાળકોના નિર્ણયમાં દખલ નહીં કરીએ. તમને ખબર છે કે ભૂતકાળમાં આવાં વચનોને લીધે કેટલાંય બાળકોની જિંદગી બરબાદ થઈ છે?’ બંને બાળકોએ મક્કમતાથી કહ્યું, ‘અમે તમારા સહિયરપણાનો આદર કરીએ છીએ, પણ એનો અર્થ એ નથી કે અમારી જિંદગીના મહત્ત્વના નિર્ણયો તમે લો. અમે આ ધરતી પર આવ્યાં પણ નહોતાં ત્યારે તમે અમારાં નસીબ કઈ રીતે નક્કી કરી શકો? તમને એવો હક્ક કોણે આપ્યો? અમે અમારા જીવનસાથી પસંદ કરી લીધા છે. તમારું આ વચન અમે સ્વીકારી શકીએ તેમ નથી.’ બંને સહિયરોને પોતાની ભૂલ સમજાઈ. તેમને સમજાયું કે બાળકોને માર્ગદર્શન આપી શકાય, સલાહ આપી શકાય, પણ તેમના જીવનના મહત્ત્વના નિર્ણયો તો તેમણે જ લેવાના હોય. બંનેએ અફસોસ વ્યક્ત કર્યો અને આખરી નિર્ણય બાળકો પર છોડ્યો, પરંતુ હવે આશ્ચર્યચકિત થવાનો વારો વડીલોનો હતો. બંને બાળકોએ હસતાં હસતાં કહ્યું, ‘અમારે પણ કંઈક કહેવું છે. અમે નાનપણથી સાથે મોટાં થયાં છીએ અને એકબીજાને સંપૂર્ણ રીતે સમજીએ છીએ. અમે વિચાર્યું કે જો કોઈ અજાણ્યા પાત્ર સાથે જીવન જોડશું તો કદાચ સેટ ન થઈ શકીએ, એટલે અમે જ એકબીજાના જીવનસાથી બનવાનું નક્કી કરી લીધું છે. અમને તમારા કોઈ વચનની ખબર નહોતી. અમારો આ નિર્ણય વચનને લીધે નહીં, પણ અમારી પરસ્પરની સમજણને લીધે છે. હવે નિર્ણય તમારી ઉપર છે કે તમે વચનને માન આપો છો કે અમારી સમજણને?’ સૌના મનમાં છુપો આનંદ છવાઈ ગયો. ઉજમબેને ગદગદિત થઈને કહ્યું, ‘અમે ભૂતકાળના પેલા ખોટા વચનને નહીં, પણ તમારા આજના સમજદારીભર્યા નિર્ણયને આવકારીએ છીએ. ભવિષ્યમાં કોઈ પણ માતા-પિતા આવી ભૂલ ન કરે કે જેની અસર બાળકોનાં જીવન પર પડે.’ હાજર રહેલા તમામે તાળીઓના ગડગડાટ સાથે આ વાતને વધાવી લીધી. - નરેન્દ્ર ત્રિવેદી (ભાવનગર)
    Click here to Read More
    Previous Article
    બુધવારની બપોરે:સિનેમા અમદાવાદ
    Next Article
    આંતરમનના આટાપાટા:મા-બાપ એટલે જીવતું-જાગતું મંદિર

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment