Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંતરમનના આટાપાટા:મા-બાપ એટલે જીવતું-જાગતું મંદિર

    2 days ago

    દિવસ પછી રાત અને રાત પછી દિવસ એ કુદરતનો વણલખ્યો નિયમ છે. જે ઊગે છે એ મધ્ય આકાશે પણ પહોંચે છે અને અસ્ત પણ પામે છે. માણસનું પોતાનું જીવન આ ઘટનાથી પર નથી. સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે, યુવાવસ્થામાં જ્યારે માણસને ત્યાં પગલીનો પાડનાર દીકરો અથવા મીઠી મધ જેવી દીકરી જન્મે છે ત્યારે સ્વાભાવિક રીતે મા-બાપની લાગણીઓ નિર્બંધ બનીને નાચી ઊઠે છે; જાણે કે એમને જીવતા રહેવા માટેનું એક મોટું કારણ મળી જાય છે! તેઓ હથેળીનો છાંયડો કરીને પોતાના સંતાનને ઉછેરે છે, એની પાછળ રાતોના ઉજાગરા કરે છે. માના દૂધ ઉપર ઉછરતા બાળકને એ દૂધ નડે નહીં, તે માટે મા પોતાની ભાવતી ઘણી વસ્તુઓનો ત્યાગ કરે છે. બાળકે પથારી ભીની કરી હોય તો તેને કોરામાં સુવાડે છે અને પોતે ભીનામાં સૂવે છે. જીવનની ઘણી બધી સવલતો પોતાના સંતાનને ખાતર ત્યાગી દેતા મા-બાપો મેં જોયાં છે. તેઓ જરાય દાખડો કે દેખાડો કર્યા વગર પોતાના બાળકના સુખ માટે ઘણું બધું જતું કરે છે. લગભગ દરેક મા-બાપની વાર્તા એકસરખી જ હોય છે; તેમનાં માટે તેમનું સંતાન જીવનનું કેન્દ્રબિંદુ બની જાય છે. સિદ્ધપુર આખા દેશના શ્રદ્ધાળુ હિન્દુઓ માટે ‘માતૃશ્રાદ્ધ’નું તીર્થક્ષેત્ર છે. શ્રાદ્ધની આ વિધિ વખતે તીર્થગોર ‘માતૃષોડશી’ એટલે કે 16 શ્લોકમાં માના ઉપકારોનો મહિમા ગાય છે. ભલભલા ભડભાદર વ્યક્તિઓની આંખોમાં પણ તે સમયે આંસુ હોય છે. હવે એક બીજું પાસું જોઈએ. જ્યારે મા-બાપના જીવનનો સંધ્યાકાળ આવે છે, ત્યારે તેઓ કૃશકાય બને છે. તેમનાં જૂનવાણી કપડાંમાં હવે તેઓ એટલા પ્રસ્તુત નથી રહ્યાં. માંદગી અને ઘડપણ તેમનું હીર ચૂસી લે છે. એમને પણ એ ખ્યાલ આવી જાય છે કે તેઓ ધીમા પણ નિશ્ચિત મૃત્યુ તરફ આગળ વધી રહ્યાં છે. રહ્યું-સહ્યું ગુમાન પણ ઓગળી જાય છે. દીકરા કે વહુ પાસેથી કોઈ મોટી અપેક્ષા નથી હોતી; જો અપેક્ષા હોય તો તે માત્ર સહાનુભૂતિ અને સદભાવનાપૂર્ણ વ્યવહારની હોય છે. એમને પણ બધાંની સાથે બેસવું છે, પૌત્ર-પૌત્રીઓ સાથે વાતો કરવી છે, પણ મોટાભાગે આવું તેમના નસીબમાં નથી હોતું. દીકરો કુટુંબને લઈને શનિ-રવિમાં મોટી રેસ્ટોરન્ટમાં જમવા જાય તેનું મા-બાપને દુઃખ નથી, પણ એમને અનુકૂળ આવે તેવી રસોઈ ભલે વહુ ના બનાવે, પણ મહારાજ (રસોઈયા) પાસે બનાવડાવવાની અપેક્ષા રાખવી શું ગુનો છે? એમને અણગમતું ના લાગે અને તેમની લાગણી દુભાય નહીં તે જોવાની ફરજ પેલા દીકરાની નથી? મા-બાપ કદાચ ઓછું ભણ્યાં હોય, ગરીબીમાં જીવ્યાં હોય કે થોડાં ગ્રામીણ હોય, પણ એ વાત કેમ ભૂલી શકાય કે દરેક મા જ્યારે બાળકને જન્મ આપે છે ત્યારે નિશ્ચિત મૃત્યુના મોંમાં પગ મૂકીને પાછી આવે છે. તમે જેવું વર્તન તમારાં મા-બાપ સાથે કરશો, તેવું જ વર્તન તમારાં બાળકો તમારી સાથે કરશે- એ કુદરતનો ન્યાય છે. તમે ભલે તમારાં મા-બાપ માટે મોંઘું ઘરેણું ન બની શકો, પણ કાંટાવાળું બોરડીનું ઝાળું તો ન જ બનાય. વૃદ્ધ મા-બાપોના હજાર ગુના માફ કરીને પણ કમ-સે-કમ તેમના પ્રત્યે દયા કેળવતાં શીખો. જીવનની આ સંધ્યાએ તેમને શીળી છાંયડી જોઈએ છે, લોહીઉકાળા નહીં. એટલે જ કદાચ, વૃદ્ધત્વની આખરી અવસ્થાએ મરણાસન્ન એક પિતાની ડાયરીના છેલ્લા પાને સૈફ પાલનપુરીની આ પંક્તિઓ લખાયેલી હતી: જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી, બહુ ઓછાં પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતાં. વર્ષો વીતતાં જાય છે અને આપણે ભૂલી જઈએ છીએ કે જે મા-બાપનો હાથ પકડીને આપણે ચાલતાં શીખ્યાં હતાં, આજે એમને જ ટેકાની સૌથી વધુ જરૂર છે. જે પિતાએ આપણી પ્રગતિ માટે આખી જિંદગી ઘસી નાખી અને જે માએ પોતાના સપનાં હોમીને આપણામાં સંસ્કારોનું સિંચન કર્યું, તેમને જીવનના અંતિમ પડાવે માત્ર બે મીઠા બોલ અને થોડો આદર જોઈએ છે. મા-બાપ એ ઘરનું જીવતું-જાગતું મંદિર છે. તેમને પથ્થરની મૂર્તિ બનાવીને પૂજવા કરતાં, તેઓ હયાત હોય ત્યારે જ તેમની આંખોમાં સંતોષના દીવા પ્રગટાવવા એ જ સાચી ભક્તિ છે.
    Click here to Read More
    Previous Article
    એક વાર્તા:સહિયરપણું
    Next Article
    બ્લેક એન્ડ વ્હાઈટ:પ્રિયંકા ચોપરાનો મંત્ર: શૉ મસ્ટ ગો ઓન!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment