Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્લેક એન્ડ વ્હાઈટ:પ્રિયંકા ચોપરાનો મંત્ર: શૉ મસ્ટ ગો ઓન!

    2 days ago

    હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડીને હોલિવૂડમાં પોતાનું આગવું સ્થાન બનાવનારી અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ 2016 પછી 2026માં ફરીથી ઓસ્કર એવોર્ડ્સ સમારોહમાં પ્રેઝન્ટર તરીકે હાજરી આપી એ પછી તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરાઈ. પ્રિયંકાના કો-પ્રેઝન્ટર એવા સ્પેનિશ અભિનેતા હાવિયે બાર્ડેમે બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ માટે ઓસ્કર એવોર્ડ આપતી વખતે ‘નો ટુ વૉર અને ફ્રી પેલેસ્ટાઇન’ નિવેદન આપ્યું એ વખતે પ્રિયંકાએ માત્ર સ્મિત કર્યું. તે તેના સમર્થનમાં કશું બોલી નહીં એ મુદ્દે પેલેસ્ટાઇનતરફી લોકોએ તેના પર પસ્તાળ પાડી. બીજી બાજુ, કેટલાક લોકોએ એ મુદ્દો ઉઠાવ્યો કે ઓસ્કર એવોર્ડ્સમાં પ્રેઝન્ટર તરીકે હાજરી આપતી વખતે પ્રિયંકાએ વ્હાઈટ ડ્રેસને બદલે બીજો કોઈ સારો ડ્રેસ પહેરીને જવું જોઈતું હતું. પ્રિયંકા ચોપરાએ જીવનના જુદા જુદા તબક્કે કંઈક ને કંઈક અણગમતી કે અકળાવનારી સ્થિતિઓનો સામનો કરવો પડ્યો છે. જોકે તે એવી સ્થિતિમાં ભાંગી પડવાને બદલે આગળ વધતી રહી છે. એ વિષે આ લેખમાં થોડી વાતો કરવી છે. પ્રિયંકા ટીનેજર હતી ત્યારથી જ તેને કડવા અનુભવો થવા માંડ્યા હતા. તે તેર વર્ષની ઉંમરે માસી સાથે અમેરિકા ભણવા ગઈ. અભ્યાસ દરમિયાન ઘણા ગોરા વિદ્યાર્થીઓ તેની મજાક ઉડાવતા હતા. એ વખતે પ્રિયંકામાં આત્મવિશ્વાસનો અભાવ હતો એટલે તે પોતાના ભારતીય ચહેરા અને રંગભેદને કારણે લઘુતાગ્રંથિ અનુભવતી હતી. પ્રિયંકાને તેના જાડા હોઠ માટે પણ ઘણા સહાધ્યાયીઓ ચીડવતા હતા. વળી, પ્રિયંકાના પગ પર સફેદ માર્ક્સ હતા જે પ્રિયંકાની લઘુતાગ્રંથિમાં ઉમેરો કરતા હતા. પ્રિયંકાની ઠેકડી ઉડાવતા તેના વાયડા સહાધ્યાયીઓ અત્યારે પ્રિયંકાને ઓસ્કર એવોર્ડ્સમાં પ્રેઝન્ટર તરીકે જોતા હશે ત્યારે તેમને તકલીફ થતી હશે. એવી જ તકલીફ કારણ જોહર અને બોલિવૂડના બીજા ઘણા ખેપાનીઓને ય થતી હશે. પ્રિયંકા થોડાં વર્ષો પછી અમેરિકાથી પાછી આવી ગઈ અને બરેલીમાં ભણવા લાગી. બરેલીની કોલેજમાં અભ્યાસ દરમિયાન પ્રિયંકાએ સ્થાનિક સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લીધો અને તે વિજેતા બની. એ નાનકડી સૌંદર્ય સ્પર્ધામાં વિજયી બનવાથી પ્રિયંકાનો આત્મવિશ્વાસ વધ્યો અને તેણે 2000માં મિસ ઇન્ડિયા સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લીધો. એમાં તે મિસ ઇન્ડિયા વર્લ્ડ તરીકે બીજા નંબરે આવી. એ પછી પ્રિયંકાને ડિસેમ્બર, 2000માં મિસ વર્લ્ડ સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેવાની તક મળી અને તે મિસ વર્લ્ડ બની.પ્રિયંકા મિસ વર્લ્ડ બની એ સાથે તેને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી ધડાધડ રોલની ઓફર મળવા માંડી. પ્રિયંકાએ તમિલ ફિલ્મ ‘થમિઝાન’માં અભિનેતા વિજય સામે હિરોઈનનો રોલ સ્વીકાર્યો. ફિલ્મ રિલીઝ થઈ અને વિવેચકોએ તો વખાણી, પણ પ્રિયંકાને ‘દમ વિનાની અભિનેત્રી’ ગણીને વખોડી કાઢી! એક જાણીતા તમિલ પત્રકારે તો લખી નાખ્યું કે ‘આ છોકરી મોટે ઉપાડે હિરોઈન બનવા નીકળી પડી છે, પણ તેનામાં કોઈ ભલીવાર નથી!’ એક પત્રકારે વળી એવું લખ્યું કે ‘આ છોકરીના અભિનયમાં બિલકુલ ઊંડાણ નથી.’ જોકે, એ પછી પ્રિયંકાએ સની દેઓલની ‘ધ હીરોઃ લવસ્ટોરી ઓફ અ સ્પાય’ ફિલ્મમાં જાણીતી હિરોઈન પ્રીતિ ઝિંટા સાથે સેકન્ડ લીડ તરીકે અભિનય કર્યો. એ ફિલ્મે બોક્સ ઓફિસ પર બહુ સારો દેખાવ કર્યો, પણ કેટલાય વિવેચકોએ એ ફિલ્મની ઝાટકણી કાઢી નાખી એટલે પ્રિયંકાને કરિઅરની રીતે બહુ ફાયદો ના થયો. જોકે, તે એ જ વર્ષે રાજ કંવરની ફિલ્મ ‘અંદાઝ’માં અક્ષયકુમારની સામે હિરોઈન તરીકે ચમકી અને એ ફિલ્મ હિટ સાબિત થઈ. એ ફિલ્મ માટે તેને લારા દત્તાની સાથે ફિલ્મફેરનો બેસ્ટ ફીમેલ ડેબ્યૂ (શ્રેષ્ઠ નવોદિત અભિનેત્રી) એવોર્ડ મળ્યો. ‘અંદાઝ’ ફિલ્મ માટે ઘણાં અંગ્રેજી અખબારોએ પ્રિયંકાની પ્રશંસા કરી. ફિલ્મફેર એવોર્ડ અને વિવેચકોની વાહવાહથી પ્રિયંકા સાતમા આસમાનમાં વિહરવા માંડી, પણ એ પછી 2004માં તેની ત્રણ ફિલ્મો ‘પ્લાન’, ‘કિસ્મત’ અને ‘અસંભવ’ રિલીઝ થઈ અને એ ત્રણેય ફિલ્મ બોક્સઓફિસ પર ઊંધા માથે પછડાઈ. ફિલ્મ વિવેચકોએ તેના પર માછલાં નહીં, પણ મગરમચ્છ ધોયા. કેટલાક વિવેચકોએ તેને એ ફિલ્મ્સમાં ‘રૂપાળા શો પીસ’ તરીકે ગણાવી તો કોઈએ તેને ‘ફરગેટેબલ’ કહી! જોકે 2004માં જ તેની ‘મુઝસે શાદી કરોગી’ ફિલ્મ રિલીઝ થઈ. એ ફિલ્મમાં સલમાન ખાન અને અક્ષયકુમાર જેવા બબ્બે મોટા સ્ટારને પ્રિયંકાની આગળ પાછળ ફરતા બતાવાયા હતા. ડેવિડ ધવન જેવા મોટા ગજાના કમર્શિયલ ડાયરેક્ટરે બનાવેલી એ રોમેન્ટિક કોમેડી સુપર હિટ સાબિત થઈ. 2004માં જ અંતિમ સપ્તાહો દરમિયાન પ્રિયંકા અબ્બાસ-મસ્તાનની ફિલ્મ ‘ઐતરાઝ’માં અક્ષયકુમાર અને કરિના કપૂર સાથે ચમકી. એ ફિલ્મમાં પ્રિયંકાનો નેગેટિવ રોલ હતો, પણ એ ફિલ્મથી તેને બહુ નામના મળી. મુંબઈનાં અંગ્રેજી અખબારોથી માંડીને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત બીબીસી સુધીનાં માધ્યમો પ્રિયંકા પર સમરકંદ બુખારા ઓવારી ગયા. બીબીસીએ તો ‘ઐતરાઝ’ને આઉટ એન્ડ આઉટ પ્રિયંકા ચોપરાની ફિલ્મ ગણાવી. ‘ઐતરાઝ’ ફિલ્મે તેને ફિલ્મફેરનો બેસ્ટ પર્ફોમન્સ ઇન નેગેટિવ રોલ (શ્રેષ્ઠ ખલનાયિકા માટેનો) એવોર્ડ અપાવ્યો. એ પછી તેને 2008માં મધુર ભંડારકરની ‘ફેશન’ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે ફિલ્મફેર એવોર્ડ અને નેશનલ એવોર્ડ મળ્યા. ‘સાત ખૂન માફ’ તથા ‘બરફી’ જેવી ફિલ્મોથી અભિનયનાં ઊંડાણવાળી અભિનેત્રી તરીકે વિવેચકો તેના પર ઓવારી ગયા અને તેણે એવોર્ડ્સ પણ મેળવ્યા. જોકે એ પછી વળી તેના માટે કસોટીનો સમય શરૂ થયો. પ્રિયંકા હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી આગળ વધી ગઈ ત્યારે તેને ફિલ્મો ન મળે એ માટે તેની વિરુદ્ધ બોલિવૂડની એક ગેંગ સક્રિય થઈ ગઈ. એટલે પ્રિયંકા બોલિવૂડ છોડીને હોલિવૂડમાં જતી રહી. તેણે હોલિવૂડમાં પોતાનું મજબૂત સ્થાન બનાવી લીધું એ પછી વાત કરી હતી કે તેને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેવા કડવા અનુભવો થયા હતા. તેણે કહ્યું હતું કે ‘મારે બોલિવૂડ એટલા માટે છોડવું પડ્યું હતું કે મને એક ખૂણામાં ધકેલી દેવાઈ હતી. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મારી વિરુદ્ધ પોલિટિક્સ ચાલી રહ્યું હતું અને સ્થિતિ એવી ઊભી થઈ ગઈ હતી કે મને કોઈ ફિલ્મમાં રોલ આપવા તૈયાર નહોતું!’ તેણે કોઈનું નામ નહોતું આપ્યું, પરંતુ એ વખતે આખાબોલી અભિનેત્રી કંગના રનૌતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ‘પ્રિયંકા, ચોખ્ખું કહી દે ને કે કરણ જોહરને કારણે તારે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દેવી પડી હતી!’ ટૂંકમાં, પ્રિયંકા ચોપરા બધી ટીકા કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પોલિટિક્સ અને લોકો દ્વારા થતી ખટપટ વચ્ચે મક્કમ રહીને આગળ વધતી રહી છે. ફરીથી તે આંતરરાષ્ટ્રીય સ્તરે ટ્રોલ થઈ રહી છે ત્યારે તે કદાચ મનોમન ટ્રોલર્સ પર હસતી હશે!
    Click here to Read More
    Previous Article
    આંતરમનના આટાપાટા:મા-બાપ એટલે જીવતું-જાગતું મંદિર
    Next Article
    No clarity on voter deletion numbers yet, Mamata slams EC: ‘Why is EC afraid?’

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment