Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડૉક્ટરની ડાયરી:દિલ કા દર્દ છુપાયે બૈઠે હૈ,હમ ઉનકે સામને મુસ્કુરાયે બૈઠે હૈ

    3 days ago

    સમયની જેમ નિયમો પણ સાપેક્ષ હોય છે અને એ નિયમો ગમવા કે ન ગમવા એ પણ સાપેક્ષ હોય છે. જે નિયમો હોસ્પિટલ અને દર્દીઓ માટે લાભકારક હોય તે જ નિયમો ડોક્ટરો માટે અણગમતા હોઈ શકે છે. 1982ના વર્ષની ઘટના. વરસાદી મોસમમાં અમદાવાદથી ખખડધજ એસ.ટી. બસમાં ફાટેલી સીટ અને પડદા વગરની બારીઓના સંગાથમાં બે કલાકની મુસાફરી કરીને હું મારી નવી નોકરીના સ્થળે જવા નીકળ્યો હતો. રસ્તો એટલો ખરાબ હતો કે દર ત્રણ મિનિટ પછી બસ અડધો ફૂટ અને મુસાફરો એક ફૂટ ઊંચા ઉછળીને પાછા સીટ પર પછડાતા હતા. ઈન્ટરવ્યૂમાં હું સિલેક્ટ થઈ ગયો. મને જોઈનિંગ પેપર આપતી વખતે કહેવામાં આવ્યું, ‘દિવસ-રાત મળીને ચોવીસ કલાક ફરજ પર હાજર રહેવું પડશે. રહેવા માટે થર્ડ ફ્લોર પર પાંચ રૂમ્સનું ક્વાર્ટર આપવામાં આવશે. હોસ્પિટલના પટાવાળાઓ સાફસૂફી કરી આપશે. જમવાની વ્યવસ્થા તમારે જાતે કરવી પડશે. તમારો વીકલી ઓફ્ફ દર શનિવારે રહેશે. અહીં જે સર્જન છે તેમને રવિવારે રજા મળે છે. એટલે રવિવારે તમારે એમનું કામ જોવું પડશે, શનિવારે સર્જન તમારું કામ સંભાળી લેશે.’ આ સાંભળતી વખતે તો મને કંઈ વાંધાજનક લાગ્યું નહીં, જ્યારે આ નિયમને અમલમાં મૂકવાનો સમય આવ્યો ત્યારે સમજાયું કે આ એક દિવસની જવાબદારી કેટલી કપરી છે, કેટલી જોખમ ભરેલી છે! રવિવારે હોસ્પિટલના તમામ આઉટડોર વિભાગો બંધ રહે. મારે સવારનો રાઉન્ડ પૂરો કર્યા પછી આખો દિવસ ક્વાર્ટરમાં બેસી રહેવાનું. ચોવીસ કલાકમાં ગાયનેક, મેડિકલ અને સર્જીકલ આ ત્રણેય વિષયની કોઈ પણ ઈમરજન્સી આવે તો મારે જ એને હેન્ડલ કરવાની રહે. બે મહિના સુધી તો કોઈ સમસ્યા મને નડી નહીં. સર્જનના ક્ષેત્રની બીમારી લઈને કોઈ દર્દી આવી ચડે તો હું એને તપાસી લઉં, નાની એવી ઈજા થઈ હોય તો ટાંકા લઈને ડ્રેસિંગ કરી આપું, સાથે સૂચના આપી દઉં, ‘કાલે સવારે દસ વાગે આવીને સર્જન ડોક્ટરને મળી લેજો.’ જો કોઈ દર્દી સીરિયસ બીમારી સાથે આવી ચડે તો હું એને હોસ્પિટલમાં દાખલ કરી દઉં, ગ્લુકોઝનો બાટલો ચડાવીને એન્ટિબાયોટિક્સ તેમજ એનાલ્જેસિક ઈન્જેક્શનો આપી દઉં, મોંએથી કશું જ નહીં લેવાની સૂચના આપી દઉં, બીજા દિવસે સર્જન એની રજાની મજા માણીને પાછા આવી એટલે એ પેશન્ટને સીધા ઓપરેશન માટે થિયેટરમાં લઈ જઈ શકે. આવું પણ ચાલ્યું. આવો જ એક રવિવાર હતો. હું શનિવારની રજા પૂરી કરીને ફરજ પર હાજર થઈ ગયો હતો. સર્જન સ-પરિવાર પિકનિક પર ઉપડી ગયા હતા. મારા ત્રણ કલાક તો બસો જેટલો દર્દીઓનો રાઉન્ડ પૂરો કરવામાં નીકળી ગયા. ટિફિનનું જમીને હું પથારીમાં આડો પડ્યો. ત્રણેક વાગે સર્જીકલ વિભાગનો વોર્ડબોય કોલબુક લઈને આવ્યો, ‘ઈમરજન્સી પેશન્ટ છે. પેટમાં વાગ્યું છે. સખત બ્લીડિંગ ચાલુ છે. જલ્દી આવો.’ મારે ક્યાં બીજું કંઈ કામ હતું? વોર્ડબોયની સાથે જ હું ઈમરજન્સી રૂમમાં પહોંચી ગયો. આશરે પચીસેક વર્ષનો એક યુવાન ટ્રોલી પર પડ્યો હતો. પેટ પર કસીને ગંદું ફાળિયું બાંધેલું હતું. એ પણ લોહીથી રંગાઈને લાલ થઈ ગયું હતું. મેં નર્સને સૂચના આપી, ‘તાત્કાલિક ડ્રીપ ચાલુ કરો. બી.પી.નું સાધન મને આપો.’ બી.પી. સાવ ઓછું હતું. પેટની ઈજાની તપાસ કરવી જરૂરી હતી. મેં કપડું છોડીને જોયું તો નાભિથી એકાદ ઈંચ ઉપર બે-એક ઈંચ પહોળો ચીરો નજરે પડ્યો. એમાંથી લોહી બહારની તરફ પણ વહી રહ્યું હતું અને પેટની અંદર પણ જમા થઈ રહ્યું હતું. આનો અર્થ સ્પષ્ટ હતો. એ યુવાનને પેટની અંદરના અવયવોમાં પણ ઈજા થઈ હોવી જોઈએ. વધુ શક્યતા હોજરી કે નાના આંતરડાની લાગતી હતી. ‘સિસ્ટર, આનું તો તાત્કાલિક પેટ ખોલવું પડશે. એ મારો વિષય નથી. આપણે ત્યાં બ્લડ બેન્ક નથી, રવિવાર હોવાથી એનેસ્થેટિસ્ટ પણ હાજર નથી અને મને આસિસ્ટ કરવા માટે કોઈ એમ.બી.બી.એસ. ડોક્ટર પણ નથી. સૌથી મહત્ત્વની વાત કે મને આંતરડાની સર્જરી કરવાનો લેશમાત્ર અનુભવ નથી. આ પેશન્ટને તાબડતોબ અમદાવાદ મોકલી આપો.’ મેં નિર્ણય જાહેર કર્યો. યુવાનનું નામ રોહિત હતું. એ તો જવાબ આપવાની હાલતમાં ન હતો પણ એની સાથે આવેલા પિતા અને મોટાભાઈએ સ્પષ્ટ કહી દીધું, ‘ના, સાહેબ, અમે આને બીજે ક્યાંય નહીં લઈ જઈએ. તમારાથી થાય એટલું અહીં જ કરો. બાકી ભગવાનની મરજી!’ સિસ્ટરે થિયેટરમાં જઈને ટ્રોલી તૈયાર કરી દીધી. જૂના ઓ.ટી. આસિસ્ટન્ટ રમણભાઈ આવી પહોંચ્યા. રમણભાઈ પંચાવન વર્ષના નિરક્ષર માણસ હતા, પરંતુ ત્રણ દાયકા દરમ્યાન અલગ-અલગ સર્જનો, ઓર્થોપેડિક સર્જનો, ગાયનેકોલોજીસ્ટ્સ વગેરેને આસિસ્ટ કરી કરીને ખુદ એક અનુભવી સર્જન જેવા તૈયાર થઈ ગયા હતા. રમણભાઈએ ગામઠી શૈલીમાં કહી દીધું, ‘હંધુય થઈ પડશે, સાહેબ! હેંડો પેટ ખોલો. હું ને તમે બેય છીએ પછે ચંત્યા નહીં કરવાની.’ જે માણસ ઓપરેશનની કોમ્પ્લિકેશન્સ નથી જાણતો એને કોઈ વાતની ચિંતા નથી હોતી, આ બધી ચિંતાઓ સહદેવની જેમ જાણકારીની જ હોય છે. મને સહુથી વધુ ફિકર એનેસ્થેટિસ્ટ ન હોવાની બાબતે હતી. રામજીભાઈ એ હોસ્પિટલના સીનિયર કર્મચારી. વોર્ડબોયથી એમની નોકરી ઊંચી અને રમણભાઈની નોકરી કરતાં નીચી. સ્માર્ટ પુરુષ. મને કહે, ‘સાહેબ, તમે ઓપરેશન શરૂ કરો. હું પેશન્ટના નાક પર માસ્ક મૂકીને ઈથરનું પ્રવાહી રેડતો રહીશ. પેશન્ટ બેભાન રહેશે.’ આજે એ ઘટનાને યાદ કરું છું તો હું ધ્રૂજી ઊઠું છું. હું જે કરવા જઈ રહ્યો હતો તે કરવા માટે મારી પાસે કૌશલ્ય, કાનૂની અધિકાર કે અનુભવ આ ત્રણમાંથી કશું જ ન હતું, મારી પાસે જો કંઈ હતું તો એ માત્ર મજબૂરી હતી. હું પેશન્ટને સોમવારની સવાર સુધી રાખી મૂકી શકતો ન હતો કે બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરી શકતો ન હતો. મેં પેટ ખોલ્યું. અંદર જામેલા લોહીના ગઠ્ઠા હતા, પ્રવાહી લોહી પણ હતું. હથેળીમાં ભરી-ભરીને બધું બહાર કાઢ્યું. નાનું આંતરડું પૂરું તપાસી લીધું, અકબંધ હતું. હોજરીની આગલી દીવાલ પર ત્રણેક ઈંચ લંબાઈનો ચીરો દેખાયો, જેમાંથી લોહી નીકળતું હતું. સદભાગ્યે હોજરીની આંતરિક દીવાલ સુરક્ષિત રહી હતી. મેં હોજરીની દીવાલને ટાંકા મારીને બંધ કરવાનું શરૂ કર્યું. ત્યાં લીના સિસ્ટરે તાકીદ કરી, ‘સર, પેશન્ટની પલ્સ ઝડપથી ડૂબી રહી છે.’ મને પહેલો વિચાર એ આવ્યો કે જો રોહિત ઓપરેસન ટેબલ પર જ મૃત્યુ પામશે તો મારું આવી બનશે. એક વાર ઓ.ટી.માંથી એ જીવતો બહાર નીકળે એ ખૂબ જરૂરી હતું. મેં બારીક સિલાઈ કરવાને બદલે મોટા ટેભા મારીને હોજરીની દીવાલ સીવી દીધી. પેટની દીવાલ પણ એવી જ રીતે બંધ કરી દીધી. રોહિતને પથારીમાં શિફ્ટ કરીને એના સગાંઓને કહ્યું, ‘જુઓ, અત્યારે એ જીવે છે.’ રોહિત ગામડામાં એના ઘરમાં ઠેસ વાગવાથી પડી ગયો હતો અને જ્યાં પડ્યો ત્યાં જમીન પર કુહાડી મૂકેલી હતી એ એના પેટમાં વાગી ગઈ હતી. મને લાગ્યું કે ખરું દર્દ રોહિતને નહીં પણ મને થયું હતું. રોહિત બીજા દિવસની સવારનો સૂરજ નહીં જોવે તેવી ખાતરી સાથે મેં એ રાત વિતાવી પણ સવારે જોયું તો રોહિતની સ્થિતિ ‘સ્ટેબલ’ હતી. બીજા દિવસે એની હાલત સુધારા પર હતી. રોહિત બચી ગયો હતો. પૂરા એકવીસ દિવસ પછી એને હોસ્પિટલમાંથી રજા આપી ત્યારે એ મકાઈનો રોટલો અને દૂધ ખાતો થઈ ગયો હતો. રજા આપતી વખતે મેં એને ઠપકા સાથે સલાહ આપી, ‘ભાઈ, ધ્યાન રાખીને ચાલતો હોય તો? આવી રીતે ઠેસ વાગી જાય એ ઠીક ન….’ એણે સપાટ ચહેરે જવાબ આપ્યો, ‘કેવી ઠેસ ને કેવી વાત? મેં તો જાતે છરો પેટમાં ભોંકીને આપઘાતની કોશિશ કરી હતી. તમે બચાવી લીધો, બાકી અહીં જીવવું કોને હતું?’
    Click here to Read More
    Previous Article
    ઈમિગ્રેશન:મિડલ ઈસ્ટનું ગોલ્ડન કાર્ડ હોય તો શું કરવું જોઈએ?
    Next Article
    બુધવારની બપોરે:સિનેમા અમદાવાદ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment