Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વસુંધરાના વહાલાં દવલાં:બે સદી પછી અરુણાચલના જંગલમાં ચમત્કાર

    3 days ago

    અરુણાચલ પ્રદેશનાં ગાઢ જંગલો અને દુર્ગમ પહાડી વિસ્તારો ફરીથી વૈશ્વિક વનસ્પતિશાસ્ત્રના નકશા પર ચમક્યા છે. ભારતીય વનસ્પતિ સર્વેક્ષણ (BSI)ના સંશોધકોએ લોહિત જિલ્લામાંથી અત્યંત દુર્લભ ગણાતી વનસ્પતિ પ્રજાતિ ‘હેન્કેલિયા મોનોફિલા’ને શોધી કાઢીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ પ્રજાતિ સૌપ્રથમ 1836માં બ્રિટિશ વનસ્પતિશાસ્ત્રી વિલિયમ ગ્રિફિથ દ્વારા અરુણાચલ પ્રદેશની મિશ્મી ટેકરીઓમાંથી શોધાઈ હતી. આ શોધ એટલે વિશેષ છે, કારણ કે આ પ્રજાતિ છેલ્લે લગભગ 189 વર્ષ પહેલાં જોવા મળી હતી. પછી તે વિજ્ઞાન જગત માટે સંપૂર્ણપણે ઓઝલ થઈ ગઈ હતી. લાંબા સમય સુધી આ છોડ વિશે કોઈ પણ સચોટ માહિતી ન મળતા તેને લુપ્ત થવાના આરે માનવામાં આવતો હતો, પરંતુ તેની પુનઃપ્રાપ્તિ સ્થાનિક જૈવવિવિધતાની મજબૂતીનો પુરાવો આપે છે. આ મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાનિક સિદ્ધિ પર રાજ્યના મુખ્યમંત્રી પેમા ખાંડુએ જણાવ્યું હતું કે, આ શોધ અરુણાચલ પ્રદેશની અદ્વિતીય અને સમૃદ્ધ જૈવવિવિધતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. આ છોડ સામાન્ય રીતે પથ્થરો અથવા ભેજવાળાં ઊંડા જંગલોમાં જોવા મળે છે, જે પર્યાવરણીય ફેરફારો પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય છે. આ વનસ્પતિના કાંડ સામાન્ય રીતે ટટ્ટાર અથવા જમીન પર સહેજ પથરાયેલા હોય છે, તેનાં પાન સાદા હોય છે અને મોટેભાગે અંડાકાર કે ભાલા જેવો આકાર ધરાવે છે. આ છોડ પર નળી અથવા ગરણી જેવાં આકારનાં સુંદર ફૂલો ખીલે છે, જે દેખાવમાં અત્યંત નાજુક હોય છે. તેનાં ફળ લાંબી કેપ્સ્યૂલ જેવાં હોય છે, જેમાં અસંખ્ય નાનાં બીજ સમાયેલાં હોય છે, જે તેને તેના વિશિષ્ટ પર્યાવરણમાં ફેલાવવામાં મદદ કરે છે. ઝુબીન ગર્ગના નામે ઓળખાશે ફૂલોની નવી દુનિયા વિજ્ઞાન અને કલા જ્યારે એકમેકને મળે છે, ત્યારે કેવી અદભુત ઘટના સર્જાય છે તેનું તાજું ઉદાહરણ આસામની ધરતી પરથી સામે આવ્યું છે. ઉત્તર-પૂર્વ ભારતના જૈવવિવિધતાથી ભરપૂર એવા આસામ રાજ્યમાં વનસ્પતિશાસ્ત્રીઓએ ફૂલોના છોડની એક અનોખી નવી પ્રજાતિ શોધી કાઢી છે. રોમાંચક બાબત એ છે કે, આ નવી પ્રજાતિને આસામના લાડીલા અને ખ્યાતનામ ગાયક-સંગીતકાર ઝુબીન ગર્ગના સન્માનમાં ‘ઓસ્બેકિયા ઝુબીનગર્ગિયાના’ નામ આપવામાં આવ્યું છે. ગુવાહાટી યુનિવર્સિટીના વનસ્પતિશાસ્ત્ર વિભાગના સંશોધકો બરનાલી દાસ, પ્રોફેસર નમિતા નાથ અને કેરળની એન.એસ.એસ. કોલેજના ડો. પ્રષોભ પુલપ્રા દ્વારા વર્ષ 2021થી 2025 દરમિયાન કરવામાં આવેલા ગહન અભ્યાસ બાદ આ પ્રજાતિને અન્ય જાણીતી વનસ્પતિઓથી અલગ તારવવામાં આવી છે. આ સંશોધન લેખ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત જર્નલ ‘ફાયટોટેક્સા’માં પણ સ્થાન પામ્યો છે. માનસ નેશનલ પાર્કના ભેજવાળાં ઘાસનાં મેદાનોમાં જોવા મળતો આ છોડ આશરે 2.5થી 3.5 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે, જેના પર સપ્ટેમ્બરથી જાન્યુઆરી દરમિયાન સુંદર ગુલાબી રંગનાં ચાર પાંખડીઓવાળાં ફૂલો ખીલી ઊઠે છે. સ્થાનિક સ્તરે આ વનસ્પતિને ‘મોન જાઈ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નામ ઝુબીન ગર્ગના અત્યંત લોકપ્રિય આસામી ગીત પરથી પ્રેરિત છે, જેનો અર્થ ‘મારું મન ઈચ્છે છે’ એવો થાય છે. ઝુબીન ગર્ગ માત્ર એક ગાયક નહોતા, પરંતુ તેઓ આસામની સંસ્કૃતિ અને ઓળખના પ્રતીક સમાન હતા. તેમણે પર્યાવરણ સંરક્ષણ માટે પણ અનેકવાર અવાજ ઉઠાવ્યો હોવાથી, સંશોધકોએ તેમની કલા અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમને બિરદાવવા માટે આ વૈજ્ઞાનિક નામકરણ કર્યું છે. પ્રખ્યાત આસામી ગાયક ઝુબીન ગર્ગનું 19 સપ્ટેમ્બર, 2025ના રોજ સિંગાપોરમાં નિધન થયું હતું. ‘મોન જાઈ’ હવે માત્ર એક ગીતની મધુર લહેરખી નથી રહી, પણ વિજ્ઞાનનાં પુસ્તકોમાં કાયમી ધોરણે અંકિત થઈ ગયેલું નામ બન્યું છે. હવે જ્યારે પણ માનસનાં મેદાનોમાં આ ગુલાબી ફૂલો લહેરાશે, ત્યારે તેમાં આસામનાં સંગીત અને પ્રકૃતિનો અનોખો સંગમ વર્તાશે.
    Click here to Read More
    Previous Article
    મનદુરસ્તી:શું તમે સવારે થાકેલાં ઊઠો છો?
    Next Article
    દેશી ઓઠાં:ભજનમાં ભંગ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment