Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયબર સિક્યુરિટી:સિલિન્ડર ભરવાના ચક્કરમાં બેંક ખાતું ખાલી ન થઈ જાય

    3 days ago

    કેવલ ઉમરેટિયા મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવની સીધી અસર આપણા ઘરના રસોડા સુધી પહોંચી ગઈ છે. સપ્લાય ચેઈન ખોરવાઈ જવાના કારણે સમગ્ર ભારતમાં એલપીજી સિલિન્ડરની અછત જોવા મળી રહી છે. લોકો વહેલી સવારથી ગેસ માટે લાંબી લાઈનોમાં ઊભા છે, એજન્સીઓના ધક્કા ખાઈ રહ્યા છે અને વહેલામાં વહેલી તકે સિલિન્ડર બુક કરાવવા માટે ફાંફાં મારી રહ્યા છે. જોકે, તમારી આ મૂંઝવણ અને ઉતાવળ પર કોઈ ગીધની જેમ નજર માંડીને બેઠું છે! ગેસ સિલિન્ડરની આ ઈમરજન્સીનો ફાયદો ઉઠાવીને સાયબર ગઠિયાઓ લોકોનાં બેંક ખાતાં સાફ કરવાની એક નવી જાળ બિછાવી રહ્યા છે. કેવી રીતે જાળ બિછાવે છે? ઠગો બહુ સારી રીતે જાણે છે કે જ્યારે ગેસ પૂરો થઇ જવાની કે પછી સિલિન્ડર ના મળવાની ઉતાવળ અને ડરમાં માણસ સમજદારી કરતાં ઉતાવળમાં વધુ નિર્ણયો લે છે. આ જ ઉતાવળ અને ડરનો ફાયદો ઉઠાવવા માટે ગઠિયાઓ અવનવા રસ્તા અપનાવી રહ્યા છે. 1. ડરામણાં SMS કે WhatsApp મેસેજ તમારા ફોન પર અચાનક એક મેસેજ આવશે કે “પ્રિય ગ્રાહક, તમારું LPG ગેસ કનેક્શન સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. તમારું પેન્ડિંગ બુકિંગ કન્ફર્મ કરવા અથવા e-KYC અપડેટ કરવા માટે તાત્કાલિક આ લિંક પર ક્લિક કરો.’ ગેસની અછતના આ સમયમાં લોકો ડરી જાય છે અને વિચાર્યા વગર લિંક પર ક્લિક કરી દે છે, જે તેમને સીધા એક નકલી વેબસાઈટ પર લઈ જાય છે. 2. ખતરનાક APK ફાઈલની રમત આ ઠગાઈનો સૌથી નવો અને ખતરનાક રસ્તો છે. ગઠિયાઓ તમને વૉટ્સએપ પર એક મેસેજ મોકલે છે કે, “ગેસની લાંબી લાઈનથી બચવા માટે ‘VIP ફાસ્ટ-ટ્રેક બુકિંગ’ એપ ડાઉનલોડ કરો.’ તેની સાથે તેઓ એક લિંક આપે છે, જેનાથી એક .apk ફાઈલ (જેમ કે- LPG_Booking_Update.apk) તમારા ફોનમાં ડાઉનલોડ થઈ જાય છે. જેવી તમે આ ફાઈલ ઇન્સ્ટોલ કરો છો, કે તરત જ આ વાયરસ તમારા ફોનનો આખો કંટ્રોલ (SMS, OTP અને બેંકિંગ વિગતો) ગઠિયાઓના હાથમાં સોંપી દે છે અને પળવારમાં ખાતું સાફ થઈ જાય છે. 3. ગૂગલ પર નકલી કસ્ટમર કેર હેરાન-પરેશાન લોકો ગૂગલ પર પોતાની ગેસ એજન્સીનો કસ્ટમર કેર નંબર શોધે છે. ગઠિયાઓએ ગૂગલ પર પોતાના નકલી નંબરો મૂકેલા હોય છે. જ્યારે તમે કોલ કરો છો, ત્યારે તેઓ “ફાસ્ટ-ટ્રેક ડિલિવરી’ના નામે તમારી પાસે નજીવી બુકિંગ ફી (જેમ કે 10 કે 50 રૂપિયા) UPI કરવાનું કહે છે. આ 10 રૂપિયાના પેમેન્ટની જાળમાં ફસાવીને તેઓ તમારો UPI PIN ચોરી લે છે. શું કરવું અને શું ન કરવું? માત્ર ઓફિશિયલ એપ અને IVRSનો જ ઉપયોગ કરો: બુકિંગ માટે માત્ર તમારી ગેસ કંપનીની અસલી એપ (જેમ કે IndianOil One, HP Pay, Hello BPCL) અથવા તમારી ગેસ પાસબુક પર છાપેલા સત્તાવાર નંબરોનો જ ઉપયોગ કરો. ગૂગલ પર નંબર ક્યારેય ન શોધો. ભૂલથી પણ .apk ફાઈલ ઇન્સ્ટોલ ન કરો: અજાણ્યા નંબર પરથી આવેલી કોઈ પણ લિંક દ્વારા એપ (.apk) ડાઉનલોડ ન કરો. એપ્લિકેશન હંમેશાં ‘Google Play Store’ અથવા ‘Apple App Store’ પરથી જ ડાઉનલોડ કરવી. OTP કે PIN ક્યારેય શેર ન કરો: ગેસ બુકિંગ માટે ક્યારેય તમારો બેંક OTP અથવા UPI PIN નાખવાની જરૂર પડતી નથી. જો કોઈ આવું માંગે, તો તરત જ ફોન કાપી નાખો. ગભરાશો નહીં, એજન્સી પર રૂબરૂ જાઓ: જો e-KYC કે કનેક્શન કટ થઈ જવાનો મેસેજ આવે, તો ગભરાઈને લિંક પર ક્લિક ન કરો. સીધા તમારી ગેસ એજન્સીની ઓફિસે જઈને સાચી માહિતી મેળવો. રસોઈ ગેસની આ અછત થોડા દિવસો કે અઠવાડિયામાં દૂર થઈ જશે, પણ જો ઉતાવળમાં તમારી પરસેવાની કમાણી લૂંટાઈ ગઈ, તો તેની ભરપાઈ કરવી બહુ મુશ્કેલ બનશે. સાયબર ગઠિયાઓ તમારી મજબૂરીનો ફાયદો ઉઠાવવા માંગે છે, તેમને ફાવવા ન દો. જો ક્યારેય તમારી સાથે કોઈ સાયબર ફ્રોડ થાય, તો ગભરાયા વગર શક્ય હોય તો પહેલા 1 કલાકની અંદર (ગોલ્ડન અવર) સાયબર હેલ્પલાઇન 1930 પર કોલ કરો અને cybercrime.gov.in પર તમારી ફરિયાદ નોંધાવો.
    Click here to Read More
    Previous Article
    મેંદી રંગ લાગ્યો:રામ રમે સોગઠે રે, ધરમને સોગઠે રે…
    Next Article
    મનદુરસ્તી:શું તમે સવારે થાકેલાં ઊઠો છો?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment