Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અક્ષરનો અજવાસ:મનમોહક માધવરાયની જોડી જાડેરી જાન,માધવપુરમાં પધાર્યા આજ મોંઘેરા મે’માન..

    2 days ago

    જયેન્દ્રસિંહ જાદવ સા માન્ય રીતે લગ્ન વર-વધૂનાં ગામ કે શહેરમાં વાડી, હોલ કે પાર્ટી પ્લોટમાં યોજાય છે. પરંતુ આજ કાલ વેડિંગ ડેસ્ટિનેશનની બોલબાલા છે. પોતાનાં ગામ કે શહેરથી દૂર પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા, હેરિટેજ ભવનોમાં લગ્નોનું આયોજન કરવા માટે હવે અનેક વેડિંગ ડેસ્ટિનેશન પ્રખ્યાત છે. કહેવાય છે કે પશ્ચિમના લોકોએ દરિયાકિનારે કે આવાં પ્રાકૃતિક સ્થળોએ લગ્ન કરવાનાં શરૂ કર્યાં એ જોઇને આપણે તેનું અનુકરણ કર્યું. પરંતુ આ વાત સાચી નથી. હજારો વર્ષો પહેલાં દ્વારકાના રાજા શ્રીકૃષ્ણ, રાજા ભીષ્મકની પુત્રીને કોંડિચપુરથી હરણ કરી લઇ આવ્યા અને વિવાહ કર્યાં. આ વિવાહ કર્યાં તે સ્થાન એટલે માધવપુર. જે નહોતી કૃષ્ણની રાજધાની કે નહોતું રુકિમણીજીનું ગામ. જેમ રુકિમણીએ કૃષ્ણને લખેલ પત્ર એ દુનિયાનો પહેલો પ્રેમપત્ર છે તેમ માધવપુર વિશ્વનું પ્રથમ વેડિંગ ડેસ્ટિનેશન છે. ભગવાનનાં આ વિવાહની યાદમાં હજારો વર્ષોથી માધવપુર ખાતે મેળો ભરાય છે. ભારતના પૂર્વોત્તર અને પશ્ચિમની સંસ્કૃતિને એક તાંતણે બાંધતો માધવપુરનો મેળો અનેક પ્રાચીન કથાઓ સાથે જોડાયેલો છે. ચૈત્ર સુદ નવમીથી શરૂ થતો આ મેળો તેરસ સુધી ચાલે છે. જ્યાં માધવરાયજીની જાન આવે છે, સૌ જાનમાં જોડાય છે. શ્રીકૃષ્ણ અને રુકિમણીજીનાં લગ્ન થાય છે અને હવે તો દ્વારકા ખાતે રિસેપ્શન પણ યોજાય છે. આજે હજારો વર્ષો પછી પણ આપણે ગાઈએ છીએ કે ‘માધવપુરનો માંડવો ને, જાદવકુળની જાન, પરણે રાણી રૂક્ષ્મણી, વર વાંછીત શ્રી ભગવાન’ આવાં અનેક લગ્નગીતો માધવપુરના મેળાના માધુર્યમાં વધારો કરે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તો માધવપુરના મેળામાં ગવાતાં આ લગ્નગીતોની એક પુસ્તિકા પણ બહાર પાડી છે. કદાચ તમને માનવામાં નહીં આવે કે ગુજરાતમાં ગવાતાં કૃષ્ણગીતોનો પડઘો અરુણાચલનાં ગીતોમાં પડઘાય છે. અરુણાચલ પ્રદેશ અને ઉત્તર પૂર્વનાં અન્ય રાજ્યોમાં મુખોપમુખ અને લોકશૈલીમાં ગવાતાં અને ભજવાતાં લોકગીતો અને લોકનૃત્યોમાં પણ શ્રીકૃષ્ણ અને રુકિમણીજીનો ઉલ્લેખ જોવા મળે છે. આજે પણ આસામના કલાકારો માજુલી ટાપુમાંથી મળેલી પૌરાણિક ચિત્રમય હસ્તપ્રતો સાથે તેમના લોકનાટક રુકિમણીહરણની ભજવણી કરે છે. મણિપુરના સંગીતમાં વૃંદ ખુલ્લોંગ ઈશેઈ અને નટશૈલીમાં રુકિમણીને લગતાં ગીતો અતિપ્રચલિત છે. આવી જ રીતે મણિપુર અને અરુણાચલની ઇદુ મીષ્મી આદિજાતિનાં લોકનૃત્યોમાં પણ શ્રીકૃષ્ણ-રુકિમણીની કથાનું આલેખન જોવા મળે છે. આ મેળામાં ઉત્તર-પૂર્વ અને ગુજરાતનાં નૃત્યોની ઝાંખી દર્શાવવામાં આવે છે. માધવપુર અત્યંત પૌરાણિક સ્થાન છે. માધવપુરમાં આવેલ માધવરાયજીનું મંદિર એ તેરમી સદીનું હોવાનું જણાય છે. આ મંદિર એ ગુજરાતના પુરાતાત્વિક સૌંદર્યનો નમૂનો છે. આ સ્થળે જ ભગવાન વિષ્ણુએ મધુ નામના દૈત્યનો નાશ કરેલો એટલે આ સ્થાન મધુવન તરીકે ઓળખાય છે. આ માધવપુર ઘેડમાં મહાપ્રભુ વલ્લભાચાર્ય પધાર્યા છે, અહીં રામાનુજાચાર્યજી આવ્યા છે, ગુરુ ગોરખનાથના પાવન પગલાં અહીં થયાં છે. તો કબીર પણ આ ભૂમિ પર પધારી ચૂક્યા છે. આ રીતે માધવપુર આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક સમન્વયનું સ્થાન છે. માધવપુરના વિસ્તારને ઘેડ વિસ્તાર કહેવામા આવે છે. ઘેડ એટલે ઘડો. ઘડાની માફક પાણી ભરાઈ રહે તેવા વિસ્તારને સામાન્યત: ઘેડ કહેવામાં આવે છે. આમ, પશ્ચિમ સૌરાષ્ટૃમાં ઉત્તર બાજુ બરડાના ડુંગરો પૂરા થતાં સોરઠી અને વરતુ નદીના દોઆબના પ્રદેશને અને દક્ષિણ બાજુ ભાદર, ઓજત અને મધવંતી નદીઓના પ્રદેશને ઘેડ કહે છે. જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જક રઘુવીર ચૌધરી માધવપુર માટે કહે છે કે સૌરાષ્ટ્રનું વૃંદાવન એટલે માધવપુર. માધવપુરમાં ભાદર, ઓજત અને મધુવંતી એમ ત્રણ નદીઓનો ત્રિવેણી સંગમ થાય છે. માધવપુરનો મેળો એ સંસ્કૃતિ, પ્રકૃતિ અને પ્રગતિનો ત્રિવેણી સમન્વય છે. કહેવાય છે કે ભાષા, ભૂષા, ભોજન, ભજન અને ભૂગોળનો સમન્વય એટલે સંસ્કૃતિ. આ મેળામાં ભાષા, ભૂષા અને ભોજનનો પણ સંગમ થયો છે. તેથી જ સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીજીએ માધવપુરના મેળાને ‘સોરઠી સુવાસને માણવાનો મેળો’ કહ્યો છે. સમયની સાથે હવે સરકાર અને નાગરિકોના પ્રયાસથી, માધવપુર મેળામાં નવા-નવા આયામો દ્વારા ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક કેનવાસને વધુ રંગબેરંગી બનાવવાનો સુંદર પ્રયાસ થઈ રહ્યો છે. આપણે ત્યાં કન્યા પક્ષને ‘માંડવાવાળા’ કહેવાય છે. આ મેળામાં હવે ઈશાન ભારતથી એટલે કે રુકિમણીજીના પિયરથી ‘માંડવાવાળા’ પણ આવવા લાગ્યા છે. આ મેળામાં વિવિધ રાજયોનાં વસ્ત્રો, હેન્ડિક્રાફ્ટ, ભોજનનાં વ્યંજનો, પ્રવાસનના માધ્યમથી સંસ્કૃતિનું દર્શન કરાવવામાં આવી રહ્યું છે. માધવપુરના આ મેળામાં ચણિયાચોળીના આભલામાં ગાલે-ગાલું (અરુણાચલમાં મહિલાઓ પહેરે તે) દેખાય છે. સાથે આસામની મેખલા અને ગુજરાતની બાંધણીનો સુંદર સમન્વય થાય છે. આ મેળામાં મોહનથાળની સાથે પીઠા (આસામના મીઠા ભાત)ની મીઠાશ ભળે છે ત્યારે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું સ્વપ્ન સાકાર થતું દેખાય છે. જાણીતા ઈતિહાસવિદ નરોત્તમ પલાણની પંક્તિઓ સાથે માધવપુરના મેળામાં મ્હાલીએ.. અહીં રુકિમણી ભક્તિ છે, અહીં દેવહૂતિ જ્ઞાન છે! અહીં શ્રીકૃષ્ણ વસંત છે; કપિલ એની શોભા છે! અહીં શ્રી વલ્લભની વાણીમાંં ભક્તિ અને જ્ઞાનનું શુદ્ધ અદ્વૈત રચાયું છે! અંતે... પક્ષીને માળો, કરોળિયાને જાળું, માણસને મૈત્રી! - વિલિયમ બ્લેક
    Click here to Read More
    Previous Article
    રેઈનબો:મહાદેવી વર્મા : હિન્દી સાહિત્યના વિશાળ મંદિરની સરસ્વતી
    Next Article
    ઓફબીટ:સારું અને સાચું... રામ અને સત્ય…

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment