Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભર ઉનાળે જૂનાગઢમાં ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ:ભેસાણના રસ્તાઓ પર પાણી ભરાયા, આંબા પરની નાની કેરીઓ ખરી પડતા ખેડૂતોને મોટું નુકસાન

    5 days ago

    સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલટો આવતા જૂનાગઢ શહેર-જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં કમોસમી વરસાદનું તાંડવ જોવા મળ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારથી જ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ત્યારબાદ તેજ પવન સાથે માવઠું શરૂ થયું હતું. ખાસ કરીને ભેસાણ પંથકમાં કરા સાથે પડેલા વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લેવાની ભીતિ જન્માવી છે. રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે, જેને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ​ભેસાણમાં કરા સાથે વરસાદ થતા રસ્તાઓ પર પાણીની રેલમછેલ ​જૂનાગઢ જિલ્લાના ભેસાણ શહેરમાં આજે કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ભારે પવન અને ગાજવીજ સાથે અહીં કરા પડ્યા હતા. કમોસમી વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. વાતાવરણમાં આવેલા આ અચાનક ફેરફારથી ગરમીમાં રાહત તો મળી છે, પરંતુ ખેડૂતો માટે આ વરસાદ 'આફત' બનીને આવ્યો છે. માર્ગો પર વરસાદી પાણીની સાથે કરાના થર જામી ગયેલા જોવા મળ્યા હતા, જે ડિસેમ્બર-જાન્યુઆરી જેવી ઠંડીનો અહેસાસ કરાવી રહ્યા હતા. આંબા પરની કેરીઓ ખરી પડતા બાગાયતી પાકને મોટું નુકસાન ​જૂનાગઢ જિલ્લો કેસર કેરીનું હબ ગણાય છે. હાલના સમયમાં આંબાના બગીચાઓમાં નાની કેરીઓ (ખાખટી) આવી ગઈ છે. કમોસમી વરસાદની સાથે ફૂંકાયેલા તેજ પવન અને કરાના કારણે આંબા પરથી કેરીઓ મોટા પ્રમાણમાં ખરી પડી છે. બાગાયતી ખેતી કરતા ખેડૂતોનું કહેવું છે કે, જો આ પ્રકારે વરસાદ ચાલુ રહેશે તો કેરીના પાકને પચાસ ટકાથી વધુ નુકસાન થઈ શકે છે. પવનના કારણે આંબાના મોર પણ ખરી ગયા છે, જેનાથી આ વર્ષે કેસરની મિજબાની મોંઘી અને ઓછી થવાની શક્યતા છે. ઉભા પાક પર સંકટના વાદળો ઘેરાતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ​માવઠાના કારણે માત્ર બાગાયતી પાક જ નહીં, પણ ખેતરોમાં લણણી પર આવેલા રવિ પાકોને પણ ભારે નુકસાનની શક્યતા છે. જે ખેડૂતોએ પાકની લણણી કરી લીધી છે અને માલ ખેતરમાં ખુલ્લામાં પડ્યો છે, તેઓની હાલત કફોડી બની છે. ઘઉં, જીરું, ધાણા અને ચણા જેવા પાકોમાં ભેજ લાગવાથી તેની ગુણવત્તા બગડશે અને બજારમાં યોગ્ય ભાવ નહીં મળે તેવી ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે, મોઢે આવેલો કોળિયો હજુ છીનવાયો નથી પણ જો વરસાદી ઝાપટાં ચાલુ રહેશે તો પાયમાલ થવાની પૂરી શક્યતા છે. આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી ​હવામાન વિભાગ દ્વારા અગાઉ જ આગામી ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સર્જાયેલી આ સિસ્ટમને લીધે હજુ પણ બેથી ત્રણ દિવસ વાતાવરણ આવું જ રહેવાની શક્યતા છે. વહીવટી તંત્ર દ્વારા પણ ખેડૂતોને તેમનો પાક સુરક્ષિત સ્થળે ખસેડવા સૂચના અપાઈ હતી, પરંતુ અચાનક આવેલા આ માવઠાએ કોઈને સંભળવાનો મોકો આપ્યો નથી. હાલ તો જૂનાગઢના આકાશમાં વાદળછાયું વાતાવરણ યથાવત છે અને વરસાદી પવન ફૂંકાઈ રહ્યો છે. ​જૂનાગઢ જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા આગામી દિવસોમાં નુકસાનીનો સર્વે કરવામાં આવે તેવી માંગ ખેડૂત સંગઠનો દ્વારા કરવામાં આવી રહી છે. કુદરતી આફત સામે લાચાર બનેલો જગતનો તાત હવે સરકાર પાસે આશાભરી નજરે જોઈ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મોડાસામાં હિન્દુ નવ વર્ષે 11 મંદિરોમાં ‘હિન્દુ તિલક’ કાર્યક્રમ:2000થી વધુ ભક્તોને શુભકામનાઓ પાઠવવામાં આવી
    Next Article
    જામનગરમાં વીજપોલ ધરાશાયી, R.R. મોલના કાચ તૂટ્યા:અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો, વર્ષો જૂના વૃક્ષો જડમૂળથી ઉખડી ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment