Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વશાંતિની વાત:દુનિયા બળતી હવે બુઝાવો

    1 week ago

    વિશ્વશાંતિની મહાસત્તાઓ કેવળ વાતો કરતી, છાને ખૂણે વિશ્વવિનાશક શસ્ત્રોને સંઘરતી, આવી મેલી મુત્સદીઓની ચાલાકી અળસાવો, અશાંતિની અગ્નિથી દુનિયા બળતી હવે બચાવો. ધ્રુજી ઊઠી છે આ ધરતી હરઘડીએ શું થાશે? માનવ માનવતાનાં મૂલ્યોથી શું અળગો થાશે? વિણ અપરાધી કેરાં કદીએ કાળજના ફફડાવો, અશાંતિની અગ્નિથી દુનિયા બળતી હવે બચાવો. બંધ કરી દો બહુ કરી છે કરવા ખાતર વાતો, મુખથી બોલે પણ અંતરનો ઘાટ નથી બદલાતો, જગત વિનાશક જાલીમ શસ્ત્રો હવે પાણીમાં પધરાવો, અશાંતિની અગ્નિથી દુનિયા બળતી હવે બચાવો. જીભ અને જીવન જુદાં-જુદાં કદી ન પાડો, સત્ય તણી છે અદભુત શક્તિ દિયે હલાવી પહાડો, અહિંસાના એ ઉપદેશકના સિદ્ધાંતો અપનાવો, અશાંતિની અગ્નિથી દુનિયા બળતી હવે બચાવો. નાહક ભેળાં થઈ-થઈને પાછાં એ વિખરાતાં, દિલ ખોટા દેખાવ કરે છે; અંતરથી નવ એક થાતા, બીજાને શું બોધ દિયો છો નિજ અંતરને સમજાવો, અશાંતિની અગ્નિથી દુનિયા બળતી હવે બચાવો. છેક આદિકાળથી માંડીને આજ સુધી માનવી યુદ્ધની ભાષા ભૂલ્યો નથી, અને અસંખ્ય સામૂહિક સંહારો થતા રહ્યા છે. ક્યારેક સૃષ્ટિના સર્જનહારના પ્રકોપને કારણે, તો વળી ક્યારેક માનવીના ખોફ અને રોફને કારણે. મોટાં-મોટાં મહાવિનાશક અને મહાભયાનક યુદ્ધોની તો ઇતિહાસ પણ સાક્ષી પૂરે છે. રોજબરોજ એક માનવી બીજા માનવીનો સ્થૂળ અને સૂક્ષ્મ રીતે સંહાર કરતો આવ્યો છે. આજે દુનિયા ટેક્નોલોજી અને આધુનિકતાના શિખરે પહોંચી છે. વિજ્ઞાનના અદભુત ચમત્કારો વચ્ચે માનવતાની નાની ચિનગારી ધીમે-ધીમે બુઝાતી જાય છે, ત્યારે અસલી ચારણી ખુમારીના કવિ પિંગળશીભાઈ ગઢવીની કવિતા ‘દુનિયા બળતી હવે બુઝાવો’ આપણને અરીસો બતાવે છે કે, વિશ્વવિનાશક શક્તિઓના આ અંધાધૂંધ યુગમાં માનવતાનું રક્ષણ જ સર્વોચ્ચ કર્તવ્ય છે. તેમણે આ સળગતી દુનિયાને ઠારવાની વાતો આપણને દાહક ભાષામાં કહી છે. ‘શાંતિ રાખો! ભાઈચારો કેળવો!’ એવી વાતોના ઢોલ મહાસત્તાઓ પીટે છે, પરંતુ બીજી તરફ છાનેખૂણે મહાવિનાશક શસ્ત્રોનો સંગ્રહ કરે છે. એક તરફ શાંતિની વાતો અને બીજી તરફ અશાંતિ ઊભી કરવાની તમામ સાધન-સામગ્રી! આવી મુત્સદ્દીગીરી અને ચાલાકી શા માટે? શા માટે આપણે આપણા જ હાથે આપણી કબરો ખોદી રહ્યા છીએ? કવિ કહે છે કે ‘હવે આ બધા અવળા ધંધા બંધ કરી દુનિયાને બચાવો.’ આ જ વાતને સમર્થન આપતો ‘આઝાદ’ સાહેબનો એક શેર છે: ‘શસ્ત્રોનો સહારો લઈ સૌ શાંતિ શોધે છે, ચાલે છે સતત શાને સંગ્રામ, ખુદા જાણે.’ ક્યારે શું થશે? આજે કોઈને કશી ખબર નથી. અરે! આ અજાણ ધરતી પણ ભયાનક ભવિષ્યથી ધ્રુજે છે. માનવીએ આજે માનવતાનું પોટલું બાંધીને માળિયે ચડાવી દીધું છે. ‘મારું... મારું... ને મારું’ એ સિવાય બીજી કોઈ વાત નહીં! આમાં વગર વાંકે ઘણા નિર્દોષો સજાને પાત્ર બની જાય છે. કવિ કહે છે કે, હવે આ ‘મારું-તારું’ છોડીને દુનિયાને બચાવીએ. ‘હવે કોઈએ અણુશસ્ત્રો બનાવવા નહીં, હવે કોઈએ શસ્ત્રો વાપરવા નહીં’- આવી ઘણી વાતો સાંભળવા મળે છે. આ માટે અનેક શાંતિ પરિષદો યોજાય છે, પરંતુ પરિણામ શું? એક કહેવત છે કે ‘હાથીના દાંત ચાવવાના બીજા અને દેખાડવાના પણ બીજા.’ આ બધી મોંઢે કરવાની વાતો છે, બાકી વ્યવહારમાં તો બધું જૈસે-થે જ ચાલે છે. ત્યારે કવિ કહે છે કે ‘હવે આ બધાં જગત વિનાશક શસ્ત્રોને પાણીમાં પધરાવી ભડકે બળતી આ દુનિયાને ઠારો.’ આજે વૈશ્વિક શાંતિ માટે ઘણા પ્રયત્નો થાય છે, પરંતુ કવિ કહે છે કે ‘આ ખોટા દેખાડા બંધ કરી દિલથી માત્ર એક પ્રયાસ કરી જુઓ. બીજાને બોધ આપવાનું છોડી નિજ અંતરને સમજાવો, અને આ અશાંતિરૂપી અગ્નિથી બળતી દુનિયાને બુઝાવો.’ કાગ કણિકા: આપણને જો કોઈની કડવી વાતો સાંભળવી ન ગમતી હોય, તો આપણે પણ આપણી જીભ પર લીમડો ન લગાડવો જોઈએ (એટલે કે કડવું ન બોલવું જોઈએ). - રાજવીર રામભાઈ કાગ
    Click here to Read More
    Previous Article
    ડૉક્ટરની ડાયરી:હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ,જુદી પ્રીત જાગે મલાજે–મલાજે
    Next Article
    બુધવારની બપોરે:સીટ નંબર

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment