Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બુધવારની બપોરે:સીટ નંબર

    1 week ago

    હૉલમાં અમારો સીટ નં. એચ.14/15 હતો. શો શરૂ થવાની વાર હતી, એટલે અમે આસ્તેથી પોપકોર્નનું પેકેટ ખોલ્યું. આદત મુજબ, પડીકું બાજુમાં ધર્યું, તો એ પત્ની નહોતી...ને તો ય, સાલીએ બુકડો ભર્યો. મને ભૂલ સમજાઈ એટલે આ બાજુ પડીકું ધર્યું. ખાલી હતું. પેલી જાડીએ એક જ બુકડામાં ગોડાઉન સાફ કરી નાખ્યું હતું. હૉલમાં બેસી ગયા પછી-શો શરૂ થયા પહેલાં તમારે કેવળ બંધ પરદા ઉપર અવારનવાર જોતા રહેવાનું હોય છે, કેમ જાણે લાઇફમાં પરદો જોયો જ ન હોય! હાઉસ હજી પૂરું ભરાયું નહોતું, એટલે જે લોકો દેખાય એ બધાને જોઈ જોઈને ટાઈમ પાસ કરવાનો. કેટલાક લોકો તો અમારા કરતાં ય વધુ સારા દેખાતા હતા. વાઈફ એની રોજિંદી અદાઓ મુજબ, દાઢી પર જમણા હાથની પહેલી આંગળી ગાલ પર ચોંટાડીને બોલ્યા વગરની બેઠી હતી. વાચકો આ શબ્દો ધ્યાનમાં લે, ‘...બોલ્યા વગરની!’ અમે હખણાં બેઠાં હતાં, ત્યાં ‘એક્સક્યૂઝ મી...એક્સક્યૂઝ મી...’ કરતા એક ભાઈ આવ્યા. હૉલની સીટોમાં કોઈને જવા દેવા માટે સીટમાં પાછળ ઢીંચણ ઊંચાં લઇને, ચુસ્ત દબાઈને, કંટાળેલા મોંઢે છતાં ય પરાણે ઊભા કરેલા સ્માઈલ સાથે પેલાને જવા દેવો પડે છે. લેવાદેવા વગરની વાઈફ પણ એટલી જ સંકોચાઈ ગઈ. પેલો પસાર થઈ જવાને બદલે વાંકો વળીને પોતાનો પાસ બતાવતા બોલ્યો, ‘સર...આ અમારી સીટ છે!’ એ સાચો હતો. મેં ‘સૉરી’ તો કીધું, પણ વાઈફે અકળાઈને કહ્યું, ‘અરે, આટલી બધી સીટો ખાલી છે, ત્યાં બેસી જાઓ ને!’ પેલો વિવેકપૂર્વક ફક્ત મુસ્કરાયો અને એક સજ્જન શ્રોતાને શોભે એ રીતે હું ‘સૉરી હોં...સૉરી હોં’ કહેતા પડેલે મોંઢે ઊભા થઈ ગયા. (યાદ રહે. ગુજ્જુઓ કદી એક વાર ‘સૉરી’ બોલતા નથી ને પાછળ ‘હોં’ ભૂલ્યા લગાવવાનું ભૂલતા નથી.....હોં! કોઈની સીટ પડાવી લેવાની મારામાં દાનત નહિ. એમ તો, લગ્ન પહેલાં વાઈફને જોવા મારા કરતાં ય વધુ હેન્ડસમ યુવાનો આવ્યા હતા. મને એમ કે, આપણી સીટ ગઈ...!’ પણ મક્કમ વાઈફે ભાવિ ગોરધનની કૉલમમાં મારું જ નામ ભર્યું હતું, એટલે...પેલો બચી ગયો! અમારો સીટ નં. એલ 14/15 હતો ને અમે ભરાયાં હતાં ‘એચ’માં! હજી ‘એલ’માં અમારી સીટો ખાલી હતી. ભગવાન શંકર અને મા પાર્વતી ગીરિશ્રૃંગે જઈ બેઠાં હતાં, એમ અમે ય ભક્તિભાવ બતાવીને નવા રાજ્યાભિષેક પ્રમાણે નવી સીટોમાં ગોઠવાયાં. આ વખતે પૉપકોર્ન નહોતું. જરા આજુબાજુમાં જોઈ લીધું કે, બીજું કોઈ લાવ્યું છે? નહોતું લાવ્યું. આજુબાજુની સીટો ખાલી હોય તો મને પહોળો પલાંઠો વાળીને બેસવામાં સરળતા રહે છે. ધીમે ધીમે સીટો ભરાવા માંડી. મને પાછી ખીજ કે, શો ટાઈમથી મોડાં લોકો શું કામ આવતા હશે. એ ય હૉલમાં અંધારું થઈ ગયા પછી? આ તો એક વાત થાય છે. સીટો ભરાવા માંડી એટલે મોટું મન રાખીને મારે પહોળો પલાંઠો છોડવો પડ્યો. પત્નીએ પેલી સીટ વખતે ગાલ પર દબાવી રાખેલી આંગળી હજી છોડી નહોતી. ભૂલી ન જવાય માટે ત્યાંથી ઊભા થતી વખતે એ ગાલ પર આંગળી સેટ રાખીને જ આવી હતી. અમારી બાજુની બે સીટો પર એક કપલ આવ્યું. (ભાઈ જરા ય જોવા ગમે એવા નહોતા...!) પણ સમય અને મર્યાદાને ધ્યાનમાં રાખીને ‘એક્સિડેન્ટલી’ એની વાઈફ તરફ એક જ વાર જોવા મળ્યું. (એ તો જોવી ગમે એવી હતી અને વાઈફની બાજુમાં આવીને બેઠી....તારી ભલી થાય ચમની...મારી બાજુમાં બેસવામાં તારા પપ્પાનું પેન્શન કપાઈ જવાનું હતું? બદમાશ...! : ગુસ્સો પૂરો) નેચરલી, મારું ધ્યાન પરદા તરફ પરાણે રાખવું પડતું હતું ને મારી પત્ની ગાલેથી આંગળી ઉઠાવ્યા વગર ફક્ત મારું ધ્યાન રાખતી હતી. આ ઇશ્ક-એ-મિજાજીનો ઘણો કઠિન તબક્કો હોય છે, જ્યારે જીવનમાં એક સ્ત્રીથી બચવા બીજીને જતી કરવી પડે છે. મને થયું, હું બહાર જઈને પૉપકોર્ન લઈ આવું તો વિવેક ખાતર એ બન્નેને ધરી શકાય, પણ બાજુમાંથી કડક સૂચના આવી, ‘બેસો છાનામાના!’ (એને ક્યાં ખબર હતી કે, મારે ય છાનામાના જ બેસવું હતું...ડિસ્ટર્બ થયા વગર કે કોઈને કર્યા વગર!) જોકે, ક્યારેક તો દયાળુ પરમાત્મા ભક્તોની સામે જુએ છે! હજી હૉલમાં લાઇટો થઇ નહોતી. આપણી કોઈ ભાવના ખરાબ નહિ, પણ એકાદ વાર એનો ગોરધન પેલા ‘સાધના-સ્થળ’ માટે જવા ઊભો થાય તો આપણે હિંમતથી વાત આગળ વધારી શકીએ. પણ ભગવાન સહુનો છે, એમ એ દહાડે થોડો મારો ય હતો. એનો ગોરધન ખરેખર ઊભો થયો ને સીટો ખસેડતો ખસેડતો બહાર જવા નીકળી ગયો. મેં મનોમન કહ્યું, ‘સારું છે, આ લોકો આવું બધું ઘેરથી પતાવીને આવતા નથી.’ હાશ. હવે મોકો મળશે. ત્યાં ચમત્કાર થયો. અમે જે સીટો પર બેઠાં હતાં, ત્યાં એક કપલ આવ્યું, હાથમાં ટિકિટો અને સાઇડમાં ડૉરકીપરને લઈને! ‘સૉરી સાહેબ....જરા ટિકિટ બતાવશો?’ મને હેડકી આવી ગઈ કે, આટલાં વર્ષોથી એ ડૉરકીપરનો નોકરો કરતો હશે ને ટિકિટ જોઈ નહિ હોય? રતનપોળનો કાપડિયો અંગૂઠા અને પહેલી બે આંગળી વચ્ચે કાપડ દબાવીને આપણને ખેંચી બતાવે છે, એમ એણે મારી બંને ટિકિટો ટૉર્ચ ફેંકીને તપાસી. ‘સૉરી સર....આ ગઈ કાલના શૉની ટિકિટો છે. આજે નહિ ચાલે.’ હું જીવનમાં ‘ના હોય!’ ઘણી વાર બોલ્યો છું, પણ આ વખતનું ‘ના હોય’ કરુણ ભાવોવાળું હતું. વાઈફ પ્રૂફરીડર હોય એમ એણે ય ચકાસી જોઈ. એનું મોંઢું પડી ગયું ને ગુસ્સો મારી ઉપર આવ્યો, ‘શું તમે જોયા તપાસ્યા વિના મને લઇ આવો છો! ટિકટું તો જોવી જોઈએ ને?’ જેની ઉપર જરા છાકો પાડવાનો હતો તે પેલી બાજુવાળી મને હું ઈડિયટ હોઉં એવી નજરે જોતી રહી....એ ખોટી ય નહોતી! સિક્સર ‘મેં જીંદગી કો બડી શાન સે પહેનતા થા, ઔર અબ યે કપડા સફાઈ કે કામ આતા હૈ.’
    Click here to Read More
    Previous Article
    વિશ્વશાંતિની વાત:દુનિયા બળતી હવે બુઝાવો
    Next Article
    આતંરમનના આટાપાટા:તમે કેમ ‘ગાફિલ’ હજીયે છો ગાફિલ?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment