Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આતંરમનના આટાપાટા:તમે કેમ ‘ગાફિલ’ હજીયે છો ગાફિલ?

    1 week ago

    ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની તાજેતરની ઐતિહાસિક ફાઈનલ મેચ હોય કે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની સેમિફાઈનલ મેચ, આ માત્ર રમત નહોતી, પણ જીવનના પાઠ ભણાવતી એક જીવંત પાઠશાળા હતી. જે રીતે 5 માર્ચના રોજ વાનખેડે પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેના જંગમાં એક છૂટેલા કેચે આખી રમત પલટી નાખી હતી, બરાબર એવું જ દૃશ્ય ઘણીવાર જીવનમાં પણ જોવા મળે છે. આ મેચ આપણને યાદ અપાવે છે કે ક્રિકેટના મેદાન પર પડતો ટૉસ હોય કે જીવનમાં મળતી તક, અંતિમ પરિણામ તો તે ક્ષણે લેવાયેલા નિર્ણયો અને નસીબ પર જ નિર્ભર કરે છે. આ જીત એ સાબિત કરે છે કે જીવનમાં પણ બધું જ પૂર્વ-નિર્ધારિત હોતું નથી; અહીં તો ‘જનાજે-જનાજે’ મૃત્યુ અને ‘જહાજે-જહાજે’ મુસાફરી જુદી હોય છે. 5 માર્ચની ઐતિહાસિક સાંજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર ખેલાયેલા જોરદાર જંગમાં ક્રિકેટ જગતના બે મહારથીઓ ટકરાયા. ભારતને પ્રથમ બેટિંગ કરવાનો વારો આવ્યો. ટોસ ઈંગ્લેન્ડ જીત્યું હતું. કોલકાતામાં દક્ષિણ આફ્રિકા સામેની જીતનો હીરો સંજુ સેમસન ઓપનિંગમાં આવ્યો. આ વખતે પણ તેની પાસેથી અપેક્ષાઓ ઘણી મોટી હતી. માંડ બે આંકડાના સ્કોર સુધી તે પહોંચ્યો હતો ત્યારે સાવ સહેલો કેચ ઈંગ્લેન્ડના કેપ્ટન બ્રૂકના હાથમાંથી છટકી ગયો અને સંજુ 89 રનની શાનદાર ઇનિંગ રમી ગયો. અપેક્ષાઓ અભિષેક શર્મા પાસેથી પણ હતી પણ તે ફરી એકવાર નિષ્ફળ રહ્યો. અહીંથી દૃશ્ય બદલાય છે. બાઉન્ડરી તરફ ઊંધી દિશામાં 24 મીટર દોડીને અક્ષર પટેલે હેરી બ્રુકનો અશક્ય લાગતો કેચ પકડ્યો. બીજો એક કેચ અક્ષરે બાઉન્ડરી પર ઝીલ્યો તો ખરો પણ સમતોલન ગુમાવી તે બોલ સાથે બાઉન્ડરી પાર કરી ગયો હોત (જે છ રન ગણાત), પરંતુ તેણે ગજબની સમયસૂચકતા વાપરી બોલ હવામાં ઉછાળીને શિવમ દુબે તરફ ફેંક્યો અને કેચ પૂર્ણ થયો. સેટ થયેલો ખેલાડી આઉટ થયો અને છેલ્લે સદી ફટકારીને અણનમ રહેવા મથતો ખેલાડી રનઆઉટ થયો. વિચારો, એક છૂટેલો કેચ, બે અશક્ય લાગતા કેચ અને એક સેટ ખેલાડીનું રનઆઉટ થવું – આ ઘટનાઓએ ભારતને માત્ર 7૭ રનથી જીતાડી દીધું. આ રમત ગમે તે તરફ પલટાઈ શકી હોત. જીવનમાં પણ આવું જ નથી બનતું? કોઈ ટૉસ જીતે, કોઈને દાવ આપે અને એ જુગાર ઊંધો પડે. કોઈનો કેચ છૂટી જાય, કોઈનો પકડાઈ જાય અને કોઈ રનઆઉટ થાય. દુનિયામાં આપણી સૌથી મોટી ભૂલ એ છે કે આપણે સૌને એક જ માપદંડથી માપીએ છીએ. આપણે ઈચ્છીએ છીએ કે દરેક વ્યક્તિ આપણા જેવું જ વિચારે, આપણા જેવું જ જીવે અને આપણા જેવી જ ભક્તિ કરે. પરંતુ ગુજરાતી ગઝલકાર મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’ સાહેબની આ ગઝલ આપણને જીવનના એક પરમ સત્ય તરફ દોરી જાય છે કે વૈવિધ્ય એ કુદરતનો ક્રમ છે: જુદી જિંદગી છે મિજાજે મિજાજે, જુદી બંદગી છે નમાજે નમાજે. છે એક જ સમંદર, થયું એટલે શું? જુદા છે મુસાફર જહાજે જહાજે. દરેક વ્યક્તિનો ‘મિજાજ’ અલગ હોય છે. જેમ પૃથ્વી પર રહેલા કરોડો લોકોના ફિંગરપ્રિન્ટ્સ અલગ છે, તેમ તેમની જીવન જીવવાની પદ્ધતિ પણ ભિન્ન છે. કોઈ માટે ભક્તિ એટલે મંદિરમાં જઈને કલાકો બેસવું, તો કોઈ માટે ભક્તિ એટલે ભૂખ્યાને ભોજન કરાવવું. જીવનમાં પણ આપણે જે મહેનત કરીએ છીએ, જે અભ્યાસ કરીએ છીએ, તે આપણને અન્યોથી અલગ પાડે છે. એવી જ રીતે, એક જ શબ્દ જો પ્રેમથી બોલાય તો અમૃત બની જાય અને જો કડવાશથી બોલાય તો ઝેર. એટલે જ કહ્યું છે કે શબ્દો કરતાં તે શબ્દો પાછળ રહેલો ભાવ વધુ મહત્ત્વનો છે. જ્યારે આપણે સ્વીકારી લઈએ છીએ કે સામેવાળી વ્યક્તિનો મિજાજ, તેનો રિયાઝ અને તેની મર્યાદાઓ મારા કરતાં અલગ હોઈ શકે છે, ત્યારે સંઘર્ષનો અંત આવે છે અને સમજણની શરૂઆત થાય છે. જીવનના આ સમંદરમાં સૌનાં જહાજો ભલે અલગ હોય, પણ જો સૌ એકબીજાનાં અસ્તિત્વનો આદર કરે, તો મુસાફરી વધુ આનંદદાયક બની જાય છે.
    Click here to Read More
    Previous Article
    બુધવારની બપોરે:સીટ નંબર
    Next Article
    બ્લેક એન્ડ વ્હાઈટ:વાંદરાના હાથમાં તલવાર!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment