Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્લેક એન્ડ વ્હાઈટ:વાંદરાના હાથમાં તલવાર!

    1 week ago

    7 માર્ચ, 2026ના દિવસે સુરતના ડીંડોલી વિસ્તારમાં વીસ વર્ષીય યુવતી જ્યોત્સના ચૌધરીએ અને તેની અઢાર વર્ષીય બહેનપણી રોશની શિરસાટે સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાં ઈન્જેકશનથી એનેસ્થેસિયાના હેવી ડોઝ લઈને આત્મહત્યા કરી લીધી. તેમની આત્મહત્યા માટે તે બંનેના પોતપોતાના બોયફ્રેન્ડ સાથે થયેલાં બ્રેકઅપ કારણભૂત હતાં. બ્રેકઅપને કારણે યુવક કે યુવતી આપઘાત કરી લે એવી ઘણી ઘટનાઓ તો આજના સમયમાં બનતી રહેતી હોય છે, પરંતુ આ કિસ્સામાં આઘાતજનક વાત એ હતી કે બ્રેકઅપને કારણે હતાશ થયેલી તે બંને કોલેજીયન યુવતીઓએ આત્મહત્યા કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ની મદદ લીધી હતી. તેમણે ચેટજીપીટી પાસે આત્મહત્યા કરવા માટે વિકલ્પો માગ્યા હતા! એ દરમિયાન તેમને આ વિકલ્પ મળ્યો હતો જે તેમને સરળ જણાયો હતો. સુરતની તે યુવતીઓએ ચેટ જીપીટીની મદદ લઈને આત્મહત્યા કરી એ પછી અમેરિકન પોડકાસ્ટર અને અમેરિકન પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ સ્ટીફન મિલરની પત્ની કેટી મિલરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી કે ‘ભારતમાં બે યુવતીઓએ આત્મહત્યા કેવી રીતે કરવી અને આત્મહત્યા માટે કયા ડ્રગનો ઉપયોગ કરવો એ ચેટ જીપીટી પર સર્ચ કર્યા પછી જીવન ટૂંકાવી લીધું. મહેરબાની કરીને તમારાં સ્વજનોને ચેટ જીપીટીનો ઉપયોગ ન કરવા દો.’ એ પછી ઇલોન મસ્કે પણ એ પોસ્ટ પર કમેન્ટ કરી હતી. એઆઈને કારણે ભવિષ્યમાં કેવી ઘટનાઓ બની શકે છે એનું આ તો માત્ર એક ટ્રેલર છે! માર્ચ, 2026ના પ્રથમ સપ્તાહમાં જ એઆઈને કારણે એક યુવકની આત્મહત્યાનો કિસ્સો દુનિયાભરના મીડિયામાં ગાજ્યો. અમેરિકાના ફ્લોરિડા રાજ્યના જ્યુપીટર શહેરમાં રહેતા જોએલ ગાવલસે ગૂગલ સામે કેસ કર્યો કે ‘મારા પુત્ર જોનાથન ગાવલસે લાંબા સમય સુધી એઆઈ ચેટબોટ સાથે વાતચીત કરી હતી અને એ વાતચીતને કારણે તેના માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થઈ હતી અને એને કારણે તેણે આત્મહત્યા કરી લીધી હતી.’ જોનાથને એઆઈના રવાડે ચડીને ઓક્ટોબર, 2025માં જીવન ટૂંકાવી લીધું હતું (એઆઈએ જોનાથનને કેવા ઊંધા રવાડે ચડાવ્યો હતો એ વિષે જાણવું હોય તો એઆઈને જ પૂછજો! તમારા રૂંવાડાં ઊભાં થઈ જાય એવી માહિતી જાણવા મળશે). દર અઠવાડિયે 10 લાખથી વધુ લોકો એઆઈ ચેટબોટ સાથે એવી ચેટ કરે છે જે આત્મહત્યા વિષે હોય! એઆઈના બધા વપરાશકર્તાઓ પૈકી આશરે 0.15 ટકા લોકો એઆઈ સાથેની વાતચીતમાં આત્મહત્યાના વિચારો વ્યક્ત કરે છે. લગભગ 0.07 ટકા લોકો માનસિક સમસ્યા જેવી સ્થિતિ (માનસિક અસંતુલન અથવા ભ્રમ) દર્શાવતા સંકેતો આપે છે. ટકાવારીની રીતે આ આંકડો તમને નાનો લાગશે, પણ દુનિયામાં કરોડો (સાચો આંકડો કદાચ અબજોમાં હશે) માણસો એઆઈનો ઉપયોગ કરતા થઈ ગયા છે એટલે આવા માણસોની સંખ્યા બહુ મોટી થઈ જાય. કેટલાય કિસ્સાઓ એવા પણ બને છે જેમાં એઆઈ દ્વારા અપાયેલી ખોટી માહિતીને કારણે માણસો મુશ્કેલીમાં મુકાય છે. યુરોપિયન યુનિયને તો એઆઈ માટે ખાસ કાયદો (યુરોપિયન યુનિયન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક્ટ) પણ તૈયાર કર્યો છે. દુનિયાના અનેક દેશો પણ આવો કાયદો ઘડવા વિચારી રહ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈના બેફામ ઉપયોગને કારણે મનોરોગીઓની સંખ્યા પણ વધી રહી છે. જાણીતા સાઇકીયેટ્રસ્ટ મૂકુલ ચોકસી કહે છે કે ‘એ આઈનો અવિચારી ઉપયોગ કરવાના કારણે ઘણા લોકો માનસિક રોગોના શિકાર બની રહ્યા છે.’ તેમણે આવો એક કિસ્સો કહ્યો: ‘વર્ષો અગાઉ એક યુવાન ડિપ્રેશનમાં સરી પડ્યો હતો. સારવાર પછી તે ડિપ્રેશનમાંથી બહાર આવી ગયો હતો, પરંતુ છેલ્લા થોડા સમયથી તે એઆઈના રવાડે ચડ્યો અને આખો દિવસ મોબાઈલ ફોન હાથમાં લઈને એઆઈને સવાલો કરવા લાગ્યો કે દુનિયામાં આટલી જગ્યાએ યુદ્ધ ચાલી રહ્યાં છે તો એ બધાં યુદ્ધોનો અંત ક્યારે આવશે? નવાં યુદ્ધો થવાની શક્યતા કેટલી છે? આ યુદ્ધોને કારણે આપણા દેશને શું અસર થશે?’ ‘આવા જાતના સવાલો અને એ સવાલોમાંથી પછી તે પેટા સવાલો કરવા લાગ્યો. એ સિવાય તે રાજકારણ વિશે પણ એઆઈને સવાલો કરતો રહે છે અને એઆઈના જવાબોને કારણે તે દુનિયામાં ચાલી રહેલાં યુદ્ધો વિશે અને રાજકારણમાં થતી ગતિવિધિઓ વિશે સતત વિચારો કરતો રહે છે એને કારણે તે ફરીવાર ડિપ્રેશનમાં સરી પડ્યો છે! તે દિવસનો મોટાભાગનો સમય એઆઈ પાછળ વેડફવા લાગ્યો એટલે તેના ઘરના લોકો તેને મારી પાસે લાવ્યા.’ તેમણે કહ્યું કે ‘તમે આ આની પાસેથી મોબાઇલ છોડાવી દો. તે આખો દિવસ મોબાઇલ ફોન પર જ હોય છે અને એઆઈ પાસેથી માહિતી મેળવવાની કોશિશ કરતો રહે છે અને એને કારણે તે સતત અસ્વસ્થ રહે છે.’ માણસ અણુ ઊર્જાથી વીજળી પણ પેદા કરી શકે અને અણુબોમ્બ કે પરમાણુ બૉમ્બ પણ બનાવી શકે, પણ આપણે અણુ ઊર્જાનો માત્ર સદુપયોગ કરવાને બદલે અણુબૉમ્બ અને પરમાણુ બૉમ્બ બનાવ્યા. એ જ રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સદુપયોગ માનવજાત માટે વરદાન સમાન સાબિત થઈ શકે એમ છે, પણ આજના સમયમાં મોટાભાગના મનુષ્યો નકારાત્મક દિશામાં વિચારતા થઈ ગયા છે એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવજાત માટે ખતરા સમાન સાબિત થશે એવો અંદેશો આપતા કિસ્સાઓની સંખ્યા વધી રહી છે. ટૂંકમાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે ‘વાંદરાના હાથમાં નિસરણી’ નહીં, પરંતુ ‘વાંદરાના હાથમાં તલવાર’ જેવી સ્થિતિ ઊભી થઈ રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ માટે માનવજાત સભાન નહીં બને તો એ માનવભક્ષી રાક્ષસ સમાન સાબિત થશે. એવો રાક્ષસ કે જેને માણસે પેદા કર્યો છે અને તે માનવજાત માટે આતંકવાદ કે યુદ્ધોથી પણ મોટા ખતરા સમાન સાબિત થશે અને ક્યારેક માનવજાત આ રાક્ષસના જન્મ માટે અફસોસ કરશે. આ છેલ્લા વાક્યમાં અતિશયોક્તિ લાગતી હોય તો આ લેખ સાચવી રાખજો અને થોડાં વર્ષો પછી ફરી વાર વાંચજો!
    Click here to Read More
    Previous Article
    આતંરમનના આટાપાટા:તમે કેમ ‘ગાફિલ’ હજીયે છો ગાફિલ?
    Next Article
    સહજ સંવાદ:‘મનસુખલાલ’, તું પણ ઇતિહાસના અંધારામાં?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment