Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સહજ સંવાદ:‘મનસુખલાલ’, તું પણ ઇતિહાસના અંધારામાં?

    1 week ago

    કે ટલીકવાર કોઈ એક નામ કે કોઈ એક ઘટનાને શોધી કાઢવામાં નિષ્ફળ જવાય ત્યારે હતાશા ઘેરી વળે છે, અને ક્યારેક ધાર્યું મળી જાય ત્યારે અનહદ ખુશી થાય છે. 1914માં સાનફ્રાન્સિસ્કોમાં ગદર ચળવળના મુખિયા પોરબંદરના છગન ખેરાજ વર્મા, ભારતની બહાર ફાંસીએ ચડનારા પ્રથમ ગુજરાતી ક્રાંતિકારી હતા. તેમની થોડી વિગતો તો મળતી હતી, પણ તસવીર ક્યાંય મળતી નહોતી. ‘કોમાગાટા મારુ’ જહાજને ભારત મોકલવા માટે તેમણે વેનકુવરમાં નાગરિક સમિતિ બનાવીને બ્રિટિશરો સામે કાનૂની લડાઈ આપી હતી. તેનો એક સામૂહિક ફોટો મળ્યો, પણ તેમાં આપણા છગન ખેરાજ (ઉર્ફે ખેમચંદ દામજી, ઉર્ફે હુસેન રહિમ)ને કઈ રીતે શોધવા? બધાનો શીખ પહેરવેશ અને માથે પાઘડી! જ્યારે તેમના વિશે લખવાનું થયું ત્યારે અફસોસ થતો હતો કે જે ગુજરાતી હુતાત્માનું ભવ્ય સ્મારક હોવું જોઈએ, તેમની એક છબિ પણ નથી? છેવટે એક અમેરિકન ઇતિહાસકારે લખેલા પુસ્તકમાં છગન ખેરાજ તેમના ક્રાંતિકારી હાસ્ય સાથે મળ્યા, ત્યારે મન ઝંકૃત થઈ ગયું! ... તો કેપ્ટન મનસુખલાલ? તેમણે તો અંગ્રેજો સામે બર્માનાં જંગલોમાં વિધિવત રીતે બંદૂકની છેલ્લી ગોળી સુધી લડાઈ કરી અને તે જગ્યા આઝાદ હિન્દ ફોજ માટે મેળવી આપી. આ બહાદુરી માટે નેતાજી સુભાષચંદ્ર બોઝે તેમને ‘શેર-એ-હિન્દ’ અને ‘સરદાર-એ-જંગ’ જેવાં બબ્બે સન્માન એનાયત કર્યાં હતાં. ત્યાં જ ‘જય હિન્દ’ બોલતા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કોણ આ મનસુખલાલ? આઝાદ હિન્દ ફોજના 1000 જેટલા શહીદો (કુલ સંખ્યા 30,000 શહીદોની, જેમને ગુમનામ બનાવી દેવાયા તે ઇતિહાસની કેવી વિડંબના?)ની યાદી તપાસતાં નામ મળે છે, પણ તેમનું જન્મસ્થાન નહીં! કદાચ કાઠિયાવાડના કોઈ નાનકડા ગામમાં જન્મ્યા હશે. એવી કલ્પના થઈ શકે, કારણ કે પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ સમયે ગામડાંના યુવાનોમાં સેનામાં ભરતી થવાનું આકર્ષણ રહેતું હતું. તેનાથી કુટુંબને આર્થિક રાહત થાય અને યુદ્ધનું શિસ્ત અનુભવાય. આમેય કાઠિયાવાડે ક્યાં ઓછા યુદ્ધો જોયાં હતાં? સોમનાથ, ગિરનાર અને ભૂચર મોરી- એ તો જગજાણીતી રણભૂમિઓ છે. કોઈ એવું ગામ નહીં હોય જ્યાં પાળિયા ના હોય કે સતીની દેરી ના મળે. અરે, ગીરના જંગલમાં કનરાના ડુંગર પર એકસાથે એંસી જેટલી ખાંભીઓ ઊભી છે, જે યુદ્ધની નહીં પણ સત્યાગ્રહની છે, અને તે બહાદુર મહિયા લોકોની છે! મનસુખલાલ આવા જ કોઈ ખોબા જેવડા ગામે જન્મ્યા હશે. ત્યારબાદ બર્મા પહોંચીને આઝાદ હિન્દ ફોજમાં સિપાહી બન્યા અને ટૂંક સમયમાં કેપ્ટન બન્યા. તેમને કર્નલ ઇનાયત કિયાનીની બ્રિગેડમાં સ્થાન મળ્યું. બ્રિટિશરો પર્વતો પર કબજો જમાવી આઝાદ હિન્દ ફોજને ઇમ્ફાલ તરફ જતાં અટકાવવાની વ્યૂહરચના અપનાવી રહ્યા હતા. તેમની પાસે મોટું તોપખાનું અને 3,000 સૈનિકો (સ્કોટિશ સી-ફોર્થ હાઇલેન્ડર્સ) અને વાયુસેનાનું પીઠબળ હતું. તેની સામે આઝાદ હિન્દ ફોજના માત્ર 600 સૈનિકો. જ્યાં સુધી ઊંચા પહાડો પર કબજો ન કરવામાં આવે, ત્યાં સુધી કોઈ બચી શકે તેમ નહોતું. એટલે કિયાનીએ કેપ્ટન મનસુખલાલને આગળ વધવાનો આદેશ આપ્યો. મનસુખલાલની પ્લાટૂનમાં માત્ર 30 સૈનિકો હતા. તોપખાનાનો પણ અભાવ હતો, છતાં તેઓ નીકળી પડ્યા. પર્વતની ટોચ પર બ્રિટિશ સેના હતી. અણસાર આવતા જ ગોળીબાર શરૂ થયો. સામસામું યુદ્ધ ખેલાયું. આઝાદ ફોજના કેટલાક વીરગતિ પામ્યા, બીજા ઘાયલ થયા, છતાં વૃક્ષો અને ઘાસમાં ‘કેમોફ્લાજ’ (છદ્માવરણ) કરીને આગળ વધતા રહ્યા. મનસુખલાલને 13 ગોળીઓ વાગી હતી. પુષ્કળ લોહી વહી રહ્યું હતું, પણ નેતાજીનો આ બંદો ડગ્યો નહીં. ઘાયલ અવસ્થામાં પણ લડતો રહ્યો. જ્યારે ઊભા થઈ શકાય તેમ નહોતું ત્યારે સાથીદારોને કહ્યું: ‘મારી ચિંતા ના કરશો, બસ આગળ વધો. હું ના જીવું તો કંઈ નહીં, પણ જો પહાડ પર પહોંચી જશો તો બાકીની ટુકડીઓ બચી જશે.’ એવું જ બન્યું. ‘જય હિન્દ’ અને ‘નેતાજી કી જય’ના નારા સાથે તેઓ બ્રિટિશ સૈનિકો પર તૂટી પડ્યા. બ્રિટિશ ટુકડી જીવ બચાવીને ભાગી ગઈ અને આઝાદ હિન્દ ફોજે તે વ્યૂહાત્મક જગ્યા કબજે કરી. હજુ મુશ્કેલીઓ બાકી હતી. આઝાદ હિન્દ ફોજના કેપ્ટન રાવને શત્રુઓએ ઘેરી લીધા હતા, ત્યાં લડાઈમાં 250 અંગ્રેજો માર્યા ગયા. ત્યાંથી ઇમ્ફાલ મોરચે આગેકૂચ થઈ. આઝાદ હિન્દ સેનાના કુલ 10,000 સૈનિકો હુતાત્મા થયા. આપણો આ બહાદુર કેપ્ટન ક્યાં જન્મ્યો હશે? છગન ખેરાજની એટલી તો માહિતી મળે છે કે તે પોરબંદરના હતા, પણ ત્યાં તેમના કોઈ કુટુંબનું ઘર શોધી શકાયું નથી. ન્યાયમૂર્તિ નરેન્દ્ર નથવાણીએ પ્રયત્ન કર્યો હતો, પણ પ્રશ્ન એ છે કે ગાંધીજીના કીર્તિમંદિરની સાથે આ ફાંસીવીરનું સ્મારક હોવું જોઈએ કે નહીં? આવું જ દુર્ભાગ્ય ભગવતી ચરણ વોહરાનું છે. પુરાતન ધરોહર કે તાના-રીરીનું મ્યુઝિયમ ભલે બનાવો, પણ રાવી નદી પર લાહોરમાં શહીદ થનારા ગુજરાતી નાગર બ્રાહ્મણની એક નાની તખ્તી તો મૂકો! કે પછી મેઘાણીની આ વ્યથા કાયમ રહેશે: કદી સ્વાધીનતા આવે, વિનંતી ભાઈ છાની, અમોને યે સ્મરી લેજો, જરી પળ એક નાની! આપણે કોઈ રસ્તો પસંદ કરવો પડશે, ખાસ કરીને ગુજરાતે, કારણ કે અહીં 101 ક્રાંતિસ્થાનો રાહ જુએ છે, જેનું સંશોધન પણ થયું છે. વિડંબના તો જુઓ કે કચ્છમાં ક્યાંક અખંડ ભારતના મહાનાયક ડો. શ્યામાપ્રસાદ મુખરજીની પ્રતિમા તો સ્થાપિત થઈ, પણ તેમની તખ્તીમાં નામ જ ગાયબ છે, જ્યારે બીજા રાજકીય નેતાઓનાં નામ ઝગમગે છે! વિસ્મૃતિનો અભિશાપ એ આ સમાજની ઓળખ ન બને તે જોવાની ફરજ સરકાર અને સમાજ — બંનેની છે.
    Click here to Read More
    Previous Article
    બ્લેક એન્ડ વ્હાઈટ:વાંદરાના હાથમાં તલવાર!
    Next Article
    નીલે ગગન કે તલે:સ્ત્રી એટલે...

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment