Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નીલે ગગન કે તલે:સ્ત્રી એટલે...

    1 week ago

    ચન્દ્રકાંત બક્ષી ટેરિફિક રાઇટર હતા. બક્ષી છડેચોક નારીને ‘યુઝફુલ ઓન્લી ફોર ફંકશનલ પરપઝીઝ’ કહી ઠહાકા મારતા. કહેતા કે નારી અભ્યુદય, ને નારી એટલે પુરુષ સમોવડી, ને પુરુષો નારીનું શોષણ કરે છે, તે વાતો બધી હેહેહે ઔક્કે છે, નારીલોકોને એવું બધું બોલવામાં મજા આવે. બાકી નર એટલે નર ને નારી એટલે નારી! જેમકે એકવાર ઇટાલીની પાર્લમેન્ટમાં એક ક્રાન્તિવાદી નારી સાંસદે નારીના અધિકારોની વાત કરતાં શૌર્યથી ઉચ્ચાર્યું કે c’è una differenza fondamentale tra uomo e donna! મતલબ કે નર અને નારી વચ્ચે એક પાયાનો તફાવત છે! અને તે સાંભળી તે જ ક્ષણે એક નર સાંસદે ઊભા થઈને નારો પોકાર્યો કે viva la differenza! viva la differenza! મતલબ કે તે તફાવત ઝિંદાબાદ! તે તફાવત ઝિંદાબાદ! બક્ષીની આવી હિકમતના કારણે ઘણા ‘ભાઈ બક્ષી’ને ‘બાઈ ભક્ષી’ કહેતા. જોકિંગલી જોકિંગલી, આમ તો બક્ષીએ અનેક તેજસ્વી નારી પાત્રો આલેખ્યાં છે. આ ભૂમિકાનું પ્રયોજન તે કે સંપ્રતિ નારી દિન નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને ભારતીય વિદ્યા ભવન, અંધેરી આયોજિત મેઘા અંતાણીના સંચાલનમાં એક નયનાભિરામ નાટ્યોત્સવ થયો. પ્રીતેશ સોઢાની નિગેહબાની હેઠળ ચાર અભિનેત્રીઓએ ધામધૂમથી ચારચાર એકપાત્રી નાટિકાઓ ભજવી પ્રેક્ષકોને સ્તબ્ધ કરી દીધા, ખાસ કરીને નર પ્રેક્ષકોને, ને તેમાંયે શિયાવિયા કરી દીધો આ પંક્તિઓના લખનારને! આ પંક્તિઓના લખનારે પુરુષાર્થપૂર્વક કાવ્યશત્રુ કેરી આત્મછવિ ઊભી કરી છે. દાયકાઓ પહેલાં ફિલાડેલ્ફિયા નિવાસે તત્કાલીન ઉદીયમાન કવયિત્રી પન્ના નાયક સાથે એમની નારી અંગેની ચિલ્લાચિલ્લી કરતી કવિતાઓનો હું સતત વિરોધ કરતો, પણ તે આડવાત થઈ જાય છે, વાત તો કરવાની છે આજની નારીની, આજની અભિનય શૈલીની અને આજના નાટકની આબોહવાની. પહેલું નાટક હતું, આશ્વાસન ધર્મ પરમ ગહનો, લેખિકા રિદ્ધિ દેસાઈ, કલાકાર મંજરી મઝુમદાર. મિઝ મઝુમદારે આંખોથી, ચહેરા, હાથ અને નર્તિકાની ઢબછબથી પાડેલાં પગલાં દ્વારા ટચુકડા સ્ટેજના ક્ષેત્રફળમાં પોતાનું કરતબ બતાડ્યું. બીજા નાટક વીજળીને ચમકારે - ગંગા સતીના લેખક હતા જ્હોની શાહ, જે સ્વયં સ્ટેજ ઉપર હાર્મોનિયમથી સ્વલિખત કૃતિના અભિનયન ને ગાયનને સ્વરરંજિત કરતા હતા. એમનાં બેહતર અર્ધાંગિની અર્ચના શાહે તો નાટકની નાયિકામાં ઓતપ્રોત થઈ એવી અદાકારી આપી કે દર્શક જાતે ગણગણવા લાગે. તે પછી વારો આવ્યો ગાંધારીનો! લેખક ભાગ્યેશ જ્હા! અને જરઝવેરાતથી, દોમદોમ રાજસી ઠાઠથી આંખે પાટા બાંધી રંગમંચ ઉપર પધાર્યાં અભિનેત્રી રિન્કુ પટેલ! કલાકારની દેહયષ્ટિ, પુરબહાર મેકઅપ અને છટાદાર રંગકર્મથી દર્શકો ગદગદ થઈ ઊઠ્યા. અને અંતે પ્રસ્તુત થયું નાટક ચિંદીથી સિંધુ, લેખક ખેવના દેસાઈ, અને હલો! અભિનેત્રી મીનળ પટેલ! ચારેચાર પ્રસ્તુતિ તદ્દન વિભિન્ન વિષયો લઈને આવેલી અને લખાણ, મેકઅપ, વસ્ત્રાલંકાર અને અલબત્ત ભજવણીની શૈલી પરસ્પરથી તદ્દન ભિન્ન હતાં. વિધવિધ નાટ્યગુરુઓએ અભિનય અને વાચિકમ માટે અનેક શીખામણો આપી છે. શિવકુમાર કહેતા, ક્લેરિટી, ક્લેરિટી, ક્લેરિટી. ક્લેરિટીના ભોગે કશું નહીં. કૈલાસ પંડ્યા કહેતા, સંવાદની સાથેસાથે તમારો દેહ પણ બોલે છે તેને બોલવા દેવો, કંચનલાલ મામાવાલા કહેતા કે વિશેષણ અને ક્રિયાવિશેષણ ઉપર ભાર આપવો, સુરેશ જોષીની ફરિયાદ હતી કે બાજુના કમરામાં નાટકનું રિહર્સલ થતું હોય તે એમની સંવાદ બોલવાની શૈલીથી તરત સમજાઈ જાય. મતલબ કે નાટકની શૈલી રોજબરોજની પ્રાકૃતિક બોલીથી બિલકુલ જુદી તરી આવતી. ચારે કલાકરોએ પ્રચુર પરિશ્રમથી નાટકો ‘નાટકો’ની સ્ટાઇલથી રજૂ કીધાં. આ લખનારની અંગત રુચિમાં પહેલાં ત્રણથી અલગ, વધુ પરિષ્કૃત અને નાટ્યગુરુઓની શીખને સ્વીકારીને પણ પોતાની અંગત પ્રભા પ્રકટ કરતાં હતાં મીનળ પટેલ. આ ચાર બાદ પણ બે વધુ અત્યંત રિહર્સ્ડ એકોક્તિઓ થઈ, બે ક્યાંય વધુ મંજાયેલા પુરુષ અદાકારો દ્વારા, અકાદમીવતી સંસ્થાનો પરિચય અને તેની પ્રવૃત્તિઓની શ્લેષાલંકારોથી ખચિત રૂપરેખા આપી મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવે.યથા ‘ગાંધીનગરમાં જોવાલાયક જગ્યાઓ બે છે, અક્ષરધામ અને અક્ષરોનું ધામ, અકાદમીનું કાર્યાલય મેઘાણી ભવન. અંતે માઇકનો કબજો લીધો અધ્યક્ષે પરંપર મજબ સંસ્કૃતમાં વક્તવ્યની શરૂઆત કરીને ‘આત્માશ્લાઘામાં સ્વનિર્ભર રહેનાર’ ભાગ્યેશ જહાએ સૌને શાતા આપી કે ગુજરાતી ભાષાનું ભવિષ્ય ચકાચૌંધ છે. અંતે ગગનલાલા પણ પોતાની બે બદામ જેવી એકોક્તિ બોલીને બેસી જવાની રજા લેશે. ઉપરોક્ત નામોમાંથી અમુક વ્યક્તિઓનાં નામ આગળ ‘ડો.’ લગાડેલું છે. જે અમે જાણીજોઈને અહીં લખ્યાં નથી. હલાવીને પીવાની દવાવાળા ડોક્ટર, તેમ જ સામ્પ્રત, અનુઆધુનિક, પ્રવાહો, પડકારો આદિ સંજ્ઞાઓથી વિલસતા શોધપ્રબંધો લખી ડોક્ટર બનનારા વિદ્વાનો. સમરસેટ મોમ, આર્થર કોનન ડોયલ, હેન્રિક ઇબ્સન, સુરેશ દલાલ, રાજેશ વ્યાસ, સુમન શાહ શોધપ્રબંધ લખી બનેલા ડોક્ટર છે. અશરફ ડબાવાલા, રઈશ મનીઆર, વિવેક ટેલર, મધુમતી મહેતા દાક્તરો છે. કોઈ શિક્ષક હોય, કોઈ ઉબર ડરાઇવર હોય કે કોઈ ઇજનેર હોય. તે એમની અંગત વાત છે; આવાં અનુષ્ઠાનોમાં તેનો ઉલ્લેખ કરવાનો ન હોય. એવો પરિચય લેખક કે દિગ્દર્શક કે અદાકારના નામની પહેલાં લખવો જરૂરી નથી. જય ડિફરેન્ઝા!
    Click here to Read More
    Previous Article
    સહજ સંવાદ:‘મનસુખલાલ’, તું પણ ઇતિહાસના અંધારામાં?
    Next Article
    ઓક્સિજન:કલ્યાણ માર્ગ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment