Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનદુરસ્તી:શું વિષાક્ત વ્યક્તિત્વ સાથે તમારે પનારો પડ્યો છે?

    1 week ago

    ‘ડૉક્ટર, મારી હાલત તો સાપે છછૂંદર ગળ્યા જેવી થઈ ગઈ છે. મેં મારા પરિવારની ઈચ્છાથી વિરુદ્ધ જઈને સિમરન જોડે લગ્ન કર્યાં. ખૂબ તકલીફો પડી હતી એ માટે, પણ હવે લાગે છે કે મારા ઘરવાળાં સાચાં હતાં. એ તો ઠીક પણ એના મમ્મીએ પણ મને કહ્યું હતું કે, તું આને નહીં સાચવી શકે. પણ મેં કોઈનું માન્યું નહીં અને ત્રણ જ મહિનાની ઓળખાણ પછી અમે કોર્ટમાં લગ્ન કરી લીધાં. હવે મને ભારોભાર પસ્તાવો થાય છે. એક બાજુ સિમરનને હું છોડી શકતો નથી અને બીજી બાજુ એની સાથે રહી શકતો પણ નથી.’ યશની વાતમાં પીડા સ્પષ્ટ દેખાઈ આવતી હતી. બંને સાથે વાતચીત કર્યા પછી લાગ્યું કે, સિમરનનું વ્યક્તિત્વ ટોક્સિક એટલે કે વિષાક્ત પ્રકારનું હતું. આ માનસિક રોગ નથી પણ આ વર્તન પાછળ કોઈને કોઈ પ્રકારની વ્યક્તિત્વ વિકૃતિ જરૂરથી હોઈ શકે. જેમાં નારસિસિસ્ટિક, બોર્ડરલાઇન, હિસ્ટ્રીઓનિક કે એન્ટિ-સોશિયલ પ્રકારની વ્યક્તિત્વ-વિકૃતિ અથવા તો બાઇપોલર મૂડ ડિસઓર્ડર કે PTSD એના મૂળમાં હોઈ શકે. આવું વિષાક્ત-વ્યક્તિત્વ ધરાવતા લોકો વારેવારે ઝઘડી પડે કે નકારાત્મકતા ફેલાવ્યા કરે છે. એ વ્યક્તિના વર્તનથી તમે હંમેશાં મૂંઝવણમાં રહ્યા કરો. તમને એવું લાગે કે આ માણસ ક્યારેક તો ભૂલ સ્વીકારીને માફી માંગશે પણ એવું ક્યારેય બને જ નહીં. તમારે હંમેશાં એ વ્યક્તિથી તમારો બચાવ કર્યા કરવો પડે. ક્યારેક તો એ વ્યક્તિની ગેરહાજરી તમને રાહતનો શ્વાસ આપતી લાગે. ક્યારેક આવા લોકો એવી પરિસ્થિતિ ઊભી કરે કે તમે પોતે જ પોતાના વિશે ખરાબ ઓપિનિયન ધરાવતા થઈ જાઓ. આવા વિષાક્ત લોકોનાં કેટલાંક વિશિષ્ટ વ્યક્તિત્વ લક્ષણો જાણવા જરૂરી છે. સૌ પ્રથમ એ લોકોમાં ‘અસાતત્ય’ હોય. મતલબ એ વ્યક્તિનું વર્તન તદ્દન અનપ્રિડિક્ટેબલ હોય. એ ક્યારેક આપેલું પ્રોમિસ ન પાળે. એની જૂની ઈચ્છા મુજબ વર્તન કરો તો એની અપેક્ષા બદલાઈ જાય. બીજું મહત્ત્વનું લક્ષણ છે એ કે, આવા લોકોને ‘પોતાના પર સતત ધ્યાન અપાય’ એવી ભૂખ હોય છે. ફોનથી, મેસેજથી કે રૂબરૂ એમના સંપર્કમાં રહેવું જ પડે. તમને એ સામેથી એટલું મહત્ત્વ ન આપે જેટલાની એ માંગણી કર્યા કરે. બસ, તમે એમના વખાણ કર્યા કરો એટલે એમનો અહંકાર સંતોષાતો રહે એ જ મહત્ત્વનું હોય. ત્રીજું લક્ષણ એ છે કે, એમનામાં ‘ઈર્ષ્યા’ અને ‘સ્પર્ધાત્મકતા’ છાપરે ચડીને પોકારતી હોય. આવી વ્યક્તિ પોતાના પાર્ટનરની કોઈ સિદ્ધિને બિરદાવી જ ન શકે. પોતે જેને સો-કોલ્ડ પ્રેમ કરે છે એની સાથે પણ હંમેશાં સ્પર્ધામાં જ હોય. ચોથું લક્ષણ છે કે, આવી વ્યક્તિઓ ‘નાટકીય’ બહુ હોય છે. લાગણીઓને ભડકાવીને સંઘર્ષો ઊભા કરવાની એમને ટેવ હોય છે. એ લોકો વારેઘડીએ સામેવાળાનો પ્રેમ ચકાસવા ‘નાટકો’ કરે છે, જેના લીધે સંબંધની સ્થિરતા જોખમાય છે. પાંચમું લક્ષણ છે, આવી વ્યક્તિઓ વારંવાર જણાવ્યા છતાં તમારી લાગણીઓની કદર ન કરે અને તમારી ઇમોશનલ કે ફિઝિકલ જરૂરિયાતો પૂરી ન કરે. કોઈપણ સ્વસ્થ સંબંધમાં વિશ્વાસ અને આદર જરૂરી છે. ટોક્સિક લોકો આ વાત સમજી શકતા નથી. છેલ્લે એ કે આવા લોકો પોતાને જે જોઈતું હોય એ મેળવવા વાતને કે પરિસ્થિતિને ટ્વિસ્ટ કરીને પોતાનો મત રજૂ કરે. ‘મારું સત્ય આ જ છે.’ એવું કહીને તટસ્થ પરિસ્થિતિ પણ પોતાને અનુરૂપ બનાવી દે. છતાંય કોઈ નિર્ણયની જવાબદારી લેવામાંથી આબાદ છટકી જાય. આવા ટોક્સિક વ્યક્તિ સાથેના સંબંધમાં કેવી રીતે વર્તન કરવું? સૌ પ્રથમ તો આવી વ્યક્તિ સામે માત્ર ચૂપ રહી જવાથી પોતાનું માનસિક સ્વાસ્થ્ય જોખમાય છે. એટલે એને સ્પષ્ટ શબ્દોમાં એનાં જૂઠાણાં અને અસાતત્ય વિશે સ્પષ્ટ કહેવું. યાદ રાખો કે એ વ્યક્તિને ‘સાજી’ કરવાની જવાબદારી તમારી નથી. અલબત્ત, એને પ્રયત્નપૂર્વક સમજાવીને સાયકોલોજીકલ હેલ્પ લેવા પ્રેરણા આપો. સાયકોથેરાપી અને કાઉન્સેલિંગ આવા કિસ્સામાં મક્કમ પરિણામ આપે છે. વિનિંગ સ્ટ્રોક પોતાનો કક્કો સાચો ઠેરવવા આખી બારાખડી બદલી નાખે એ સંબંધને સાચી રીતે કદી વાંચી ન શકે.
    Click here to Read More
    Previous Article
    ગતકડું:બટન અને ગાજ: શર્ટ પર કરે રાજ
    Next Article
    મેંદી રંગ લાગ્યો:ટીલડીમાં રતન જડાવો મારા સાયબા

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment