Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુઝિવ:દેશના યુવાનોની અવિશ્વસનીય યાત્રાનું સાક્ષી બન્યું ગુજરાત

    1 week ago

    પ્રાચીન કાળથી માનવ યાત્રા કરતો રહ્યો છે. યાત્રા ન માત્ર ભૌતિક સ્તરે નવા સ્થળો જોવાનો અવસર છે પણ સાથે માનસિક અને આધ્યાત્મિક સંતોષનું પણ સશક્ત માધ્યમ છે. યાત્રાનો ઉદેશ્ય જનજાગૃતિ, ધર્મનો પ્રસાર, પર્યાવરણ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા કે સ્વાન્ત: સુખાય પણ હોઈ શકે અને સાથે હોઈ શકે મૃત્યુ પર જીવનનો વિજય. આ યાત્રા એ માત્ર પ્રવાસ નથી કે જ્યાં કોઈ વિશેષ પ્રયોજન હેઠળ એકથી બીજા સ્થળે જવાની ક્રિયા સમાયેલી છે પણ આ યાત્રા ખુદના અસ્તિત્વને દિશા આપવાની, જીવનને યાદગાર બનાવવાની, અનુભવ અને યાદોના વિશેષ સંભારણા એકત્ર કરવાની છે. વાત છે, દેશના અલગ અલગ રાજ્યના યુવાનોની કે જેઓ નીકળી પડ્યા ભારત ભ્રમણ યાત્રા પર. વગર કોઈ આયોજને, પૈસા અને કોઈના સાથ વિના. જેમાં એક સાહસિક સ્કેટિંગ દ્વારા 700 દિવસથી ફરી રહ્યો, તો એક જીવદયાપ્રેમી દોઢ વર્ષથી પોતાના પાલતુ શ્વાન સાથે સાઇકલ યાત્રા કરી રહ્યો, અન્ય એક ભક્ત મહાદેવની અંતઃસ્ફુરણાથી નીકળી પડ્યો છે 12 જ્યોતિર્લિંગના દર્શનાર્થે, તો એક શિક્ષણપ્રેમી ગ્રામીણ ક્ષેત્રોમાં શિક્ષણ જાગૃતતાના વ્યાપને વધારવા, તો એક યુવાન હૃદયની બીમારીની જાણ થતા મૃત્યુ પર જીવનના વિજયને કાયમ કરવા માટે નીકળી પડ્યો છે. હાલે આ બધા ગુજરાતમાં છે! હિમાચલ પ્રદેશ : કૈલાસ માનસરોવરથી અંતઃસ્ફુરણા જાગી હિમાચલ પ્રદેશના 24 વર્ષીય બાકી નામનો યુવાન 12 જ્યોતિર્લિંગ યાત્રા અને આધ્યાત્મિક ક્ષેત્ર અધ્યયન માટે નીકળ્યો છે. 2500 કિમી પગે તો 2500 કિમી સુધી લોકોએ સામેથી લિફ્ટ આપી, એમ કરીને પાંચેક હજાર કિમી કાપ્યા છે. આ યાત્રા પૂર્વેની યાત્રામાં કૈલાસ માનસરોવરે જળ ભર્યો ત્યારે અંતઃસ્ફુરણા જાગી અને જાણે મહાદેવે કેદારનાથ પહોંચવા આદેશ કર્યો હોય. 38 દિવસ સુધી 1414 કિમી ઉઘાડા પગે કાપી સંકલ્પ પૂર્ણ કર્યો. ક્યાંકને ક્યાંક આ જ યાત્રાની અસરના લીધે 6/1/2026ના ફરી યાત્રા માટે સપનું આવ્યું અને 7/1ના જાગીને એ જ સ્થિતિમાં નીકળી પડ્યો, માતા પિતાની અનુમતિ સાથે. મંદિર, હોટેલમાં નિઃશુલ્ક કે સસ્તા ભાવે રહેવાની વ્યવસ્થા થઈ જાય તો ક્યારેક રોડ પર પણ રાત નીકળે છે.ગુજરાત બાબતે કહ્યું કે અહીંની રહેણી કહેણી, ખાનપાન, બાજરાની રોટલી, સંસ્કૃતિ, લોકોના સ્વભાવ અદ્ભુત છે અને ગુજરાતથી જ્ઞાન પ્રાપ્ત કર્યાની અનુભૂતિ કરી છે. પ્રેમાનંદ મહારાજ અને માતા પિતાની કૃપા અને એમના જ આશીર્વાદથી સ્વયંની ખોજ સાથે આ યાત્રામાં ક્રોધ પર નિયંત્રણ, દયા ભાવના, દરેક જીવ સાથે પ્રેમ કરતા શીખ્યો અને ભગવાન માનવ અંદર જ સ્થાપિત છે એ અનુભૂતિ પામી. કચ્છ : 12 જ્યોતિર્લિંગ યાત્રા લિફ્ટ માંગી કરી કચ્છના ભચાઉ તાલુકાના વિજપાસર ગામના 24 વર્ષીય દિનેશ સાલાણી દસ મહિના પૈસા વિના દેશભરમાં પ્રવાસ કરી ઘરે પરત ફર્યો છે. તેણે 12 જ્યોતિર્લિંગ, ચાર ધામની યાત્રા સાથે 13 રાજ્યો અને નેપાળમાં પણ લિફ્ટ માંગી અને પગપાળા પ્રવાસ કર્યો છે. અકસ્માતમાં મોઢા પર ઈજા આવી, એક વાર દાંત પણ તૂટી ગયો. ક્યારેક વરસાદમાં તકલીફ પડી તો ક્યાંક ઠંડીમાં હેરાનગતિ ભોગવવી પડી પણ યાત્રા ક્યારેય સ્થગિત કરી ન હતી. દિનેશની યાત્રા ફક્ત ધાર્મિક કે સાહસિક યાત્રા નથી, તે શ્રદ્ધા, વિશ્વાસ અને માનવતાનું જીવંત ઉદાહરણ છે. કચ્છી યુવાને સાબિત કર્યું છે કે જ્યારે આત્મવિશ્વાસ સાથે પગલાં લેવામાં આવે છે, ત્યારે ગંતવ્ય ખુદ માર્ગ બતાવે છે. કેરળ : શ્વાન સાથે 5 વર્ષની યાત્રા જીવનને યાત્રા દ્વારા માણવા અને દેશની સંસ્કૃતિને જાણવા કેરાલાથી કાશ્મીર સુધી સાઈકલ પર નિકળેલા કેરળના કોટ્ટાયમ જિલ્લાના અતિરામપુઝાના 50 વર્ષીય યુવાન જોબિન સેબાસ્ટિયને દોઢેક વર્ષમાં 22,000 હજાર કિલોમીટર કાપ્યા બાદ એના 10 વર્ષની પાલતુ શ્વાન કુંજી સાથે કચ્છ પહોંચ્યો છે. 2018ના કેરળના ભયાનક પૂરે પ્રભાવિત કર્યો અને નિજાનંદ, આત્મસંતોષ અને દેશની સંસ્કૃતિ જીવવા પાંચ વર્ષની સાયકલ યાત્રા પર નીકળી પડ્યો. મધ્યપ્રદેશ : સ્કેટિંગ સાથે 700 દિવસ મધ્યપ્રદેશના રુદ્રકુમાર પટેલ ખિસ્સામાં એક પણ રૂપિયો લીધા વિના સ્કેટિંગના સથવારે 12 જ્યોતિર્લિંગ અને ચાર ધામની યાત્રા કરવા સાથે સમગ્ર ભારતના ભ્રમણ માટે નીકળ્યો છે. થોડા સમય પહેલા ગુજરાતની યાત્રા પૂર્ણ કરી આગળના રાજ્ય તરફ વધવા સાથે 700 દિવસ પૂર્ણ કર્યા છે. આ યાત્રા હજુ પણ ચાલી રહી છે. તે સનાતન ધર્મ અને ગૌરક્ષાનો પ્રચાર પ્રસાર પણ કરી રહ્યો છે. અનેક વખત રસ્તામાં પડવા સાથે રોજના અંદાજે 80 કિમી કાપે છે. મહારાષ્ટ્ર : શિક્ષણ માટે 35 હજાર કિમી ફરશે મૂળ યુપી અને બાળપણથી મહારાષ્ટ્ર સ્થાયી વિકાસ ચૌરસિયા (મુસાફિર)એ ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ જાગૃતિ માટે ‘ વ્હીલ્સ ફોર એજ્યુકેશન’ નામે સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો છે. તેમનું માનવું છે કે જો પરિવારમાં એક વ્યક્તિ પણ સુશિક્ષિત છે તો એ એની સમગ્ર પેઢીને દરિદ્રતાથી તારવી શકે છે. રસ્તામાં આવતા ગામોની શાળાઓની મુલાકાત લઈ શિક્ષણના મહત્વને ઉજાગર કરે છે અને મોટા ભાગનો રોકાણ મંદિર કે ધાર્મિક સંસ્થાનોમાં કરે છે. કચ્છમાં પણ તેમણે વિવિધ ગામની શાળાઓની મુલાકાત લીધી હતી તેમજ કચ્છની હસ્તકળાની પ્રશંસા, સફેદ રણથી લઇને રોડ ટુ હેવનની મુલાકાત લીધી હતી. ઉત્તરાખંડ : 18 હજાર કિમી પગે કાપી નાખ્યા ઉત્તરાખંડના ગ્રેજયુએટ યુવક ચંદુ કાર્કી ખાનગી નોકરી છોડીને નીકળી પડ્યો છે પગે પગે નિજાનંદ અને આત્મસંતોષ માટેની યાત્રા માણવા. દેશની સંસ્કૃતિ અને વૈવિધ્યતા જાણવા અઢી વર્ષમાં 18 હજાર કિમીની પગે ચાલીને યાત્રા પૂર્ણ કરી છે. હાલે ગુજરાતના તમામ રાજ્યોમાં ત્રણેક મહિના વિતાવશે. ટેન્ટ, ખાવાની થોડી સામગ્રી અને કપડા સાથે ફરતા ફરતા ક્યારેક મંદિર કે પેટ્રોલ પંપ પર રોકાણ કરે છે પણ ગુજરાત બાબતે ખાસ ભાર આપીને જણાવ્યું કે અહીંના લોકો ખૂબ પ્રેમાળ છે. ગુજરાતમાં ક્યાંય પણ રહેવા-જમવાની તકલીફ પડતી નથી. અહીં, સોશિયલ મીડિયાના માધ્યમથી કે જે તે સ્થળે પહોંચ્યા બાદ લોકો દ્વારા એમના ઘરે જ રોકાણ માટે આગ્રહ કરવામાં આવે છે. હરિયાણા : હૃદયના દર્દીની જિંદગી જીવી લેવાની યાત્રા હૃદયના દર્દી 26 વર્ષીય કુલદીપ બિશ્નોઈને જ્યારે ડોક્ટરોએ કહી દીધું કે તમે આ સ્થિતિમાં ઓછા સમય માટે જીવશો એટલે સંપૂર્ણ બેડ રેસ્ટ કરવાનું છે અને ઓપરેશન ખૂબ ક્રિટીકલ રહેશે, જેમાં બચવાની સંભાવના ઓછી પણ રહી શકે છે. ત્યારે હરિયાણાના આ યુવાને બધાથી મોહ ત્યાગીને મૃત્યુને હરાવવા માટે સાયકલથી ભારત ભ્રમણ માટેનો સંકલ્પ બાંધી બેઠો. 1/1/2026થી શરૂ કરેલી આ યાત્રામાં રોજના 70-80 કિમી સાથે હાલે 3600 કિમી કાપ્યા છે. જે હજી ચારેક વર્ષ ચાલશે. તેમણે જણાવ્યું કે, બિશ્નોઈ હોવાના કારણે જીવ જંતુ, પ્રકૃતિ, જાનવરો પ્રત્યે પ્રેમના કારણે પર્યાવરણ સંરક્ષણ બાબતે દેશવાસીઓને જાગૃત કરી રહ્યો છું. પ્રદૂષણના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે એટલે વ્યસનમુક્તિનો સંદેશો પણ ફેલાવી રહ્યો છું. લગ્ન માટે પણ પરિવારને મનાઈ કરી છે. મોટે ભાગે મંદિર, ધર્મશાળા તો અમુક સ્થળોએ ઘરે રહેવાની વ્યવસ્થા થઈ જાય છે. ક્યારેક કોઈ જમાડી દે, ક્યારેક એમને એમ ચાલે તો ક્યારેક ખુદના ખર્ચે. મોટા ભાગના સ્થળોએ લોકો દાનમાં કે સહકારની ભાવના સાથે રૂપિયા આપતા પણ સાંજ પડતા પડતા એ તમામ રૂપિયા પશુ પક્ષીઓના આહાર માટે ખર્ચ કરી દઉં છું. આ યુવાનોમાં વહી રહી છે આધ્યાત્મિકતાની નદી રાજસ્થાનના શ્રીગંગાનગર યુવાન સંદીપ સિંહ 22 રાજ્ય ફરી ચૂક્યો છે. તો હાલ, સાયકલ પર સમગ્ર રાજસ્થાનના પ્રવાસે છે. મધ્યપ્રદેશના ખંડવાના લાલાગીરી મહારાજ નામના સાધુ બાર જ્યોતિર્લિંગની યાત્રા સાથે નેપાળના પશુપતિનાથ સુધીની પગે પગે યાત્રા કરી રહ્યા છે. અયોધ્યાનો યુવાન શિવમ સાયકલ પર બાર જ્યોતિર્લિંગ સાથે 52 શક્તિપીઠની ધાર્મિક યાત્રા પર છે તો કોલકાતાથી હૃતિક પાખી પણ બાર જ્યોતિર્લિંગ અને ચાર ધામની સાયકલ યાત્રા પર છે.
    Click here to Read More
    Previous Article
    ઉદ્યોગો પર સંકટ:ડિઝલ સપ્લાય બંધ થવાથી શિપિંગ ઉદ્યોગ, ટ્રેડ જગતમાં ચિંતા
    Next Article
    એજન્સી દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ:છેવાડાના ખડીર વિસ્તારમાં પાઈપલાઇન મારફતે પાણી પહોંચાડવાની 450 કરોડની યોજનાનું કામ ટેન્ડર તબક્કે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment