Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિધાનસભા સત્રમાં રિવાબા જાડેજાનું ટેબલેટ બન્યું અરીસો:અમુક સભ્યોએ તૈયાર થતા જોતા સભામાં જ ગોસિપિંગ શરુ કરી, ખાનગી કોચિંગ સેન્ટરો માટે કાયદો નહીં; સરકાર લાવશે નવી નીતિ

    16 hours ago

    ગુજરાત સરકારે ખાનગી કોચિંગ સેન્ટરોને નિયમિત કરવા માટે વિધાનસભામાં લાવવા વિચારી રહેલો ગુજરાત કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ (મેનેજમેન્ટ) બિલ હાલ માટે પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે અને તેના બદલે ટૂંક સમયમાં નવી નીતિ અમલમાં મૂકવાની તૈયારી શરૂ કરી છે. સૂત્રો મુજબ નિષ્ણાતોની સમિતિ નવી નીતિ માટે નિયમો તૈયાર કરી રહી છે, જે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની 2024ની માર્ગદર્શિકાને આધારે બનાવાશે. નવી નીતિ હેઠળ કોચિંગ સેન્ટરોની ભ્રામક જાહેરાતો પર પ્રતિબંધ, શિક્ષકોની લાયકાત, વિદ્યાર્થી દીઠ ન્યૂનતમ જગ્યા, ફાયર સેફ્ટી નિયમો, યોગ્ય ફી અને વિદ્યાર્થી કોર્સ વચ્ચે છોડે તો ફી રિફંડ, સ્કૂલ સમય દરમિયાન ક્લાસ પર પ્રતિબંધ અને ફરજિયાત કાઉન્સેલિંગ તથા ફરિયાદ નિવારણ વ્યવસ્થા જેવી જોગવાઈઓ રહેશે. ઉપરાંત વિદ્યાર્થીઓ પર વધતા માનસિક દબાણને ઘટાડવા માટે મનોચિકિત્સક અને કાઉન્સેલર દ્વારા માર્ગદર્શન આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર કોચિંગ સેન્ટરો સામે દંડ તેમજ રજિસ્ટ્રેશન રદ કરવાની જોગવાઈ પણ રાખવામાં આવશે. વિધાનસભા સત્રમાં રિવાબા જાડેજાનું ટેબલેટ “અરીસો” બન્યો! સભાખંડમાં ચાલી ચર્ચા વિધાનસભા સત્ર દરમિયાન જામનગર ઉત્તરથી ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે ચર્ચાનું કારણ કોઈ રાજકીય નિવેદન નહીં, પરંતુ ટેબલેટ બન્યું.સત્ર દરમિયાન રિવાબા જાડેજા પોતાના ટેબલેટને ઓફ રાખીને બેઠા હતા. ઓફ થયેલી સ્ક્રીન અરીસાની જેમ દેખાતી હોવાથી તેઓ તેમાં પોતાની જાતને જોઈ રહ્યા હતા અને તૈયાર થતા દેખાયા. આસપાસ બેઠેલા કેટલાક સભ્યોના ધ્યાનમાં આ દ્રશ્ય આવતા સભાખંડમાં હળવી ગોસિપ શરૂ થઈ ગઈ કે આજે તો ટેબલેટ જ અરીસો બની ગયો. વિધાનસભાના પ્રશ્નકાળ દરમિયાન ગૃહ વિભાગ સંબંધિત પ્રશ્નો પર ચર્ચા ગરમાઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ પ્રશ્ન પૂછતા પહેલા કહ્યું કે તેમને આશા છે કે સાચો જવાબ મળશે. આ નિવેદન પર અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તેમને ટોકી કહ્યું કે આ પ્રકારના આક્ષેપ યોગ્ય નથી અને આવા શબ્દોને રેકોર્ડ પરથી દૂર કરવાની સૂચના આપી. નાંદોદના જુના રાજ ગામ માટે વન વિભાગે આપી મંજૂરી નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જુના રાજ ગામને લાંબા સમય પછી રસ્તાની સુવિધા મળવાની રાહત મળી છે. વિધાનસભા ગૃહમાં વન મંત્રીએ જાહેરાત કરી કે વન વિભાગે ગામ સુધી રસ્તો બનાવવા મંજૂરી આપી છે. આ ગામ મનસુખ વસાવાનું પૈતૃક ગામ હોવાથી વર્ષોથી રસ્તાની માંગ ઉઠતી હતી. અત્યાર સુધી ગામમાં પ્રવેશ નદીના માધ્યમથી જ થતો હોવાથી ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. વન વિભાગ હસ્તકની જમીન હોવાને કારણે લગભગ 7 કિમીના રસ્તા માટે લાંબા સમયથી વિલંબ થતો હતો. આ મુદ્દે સ્થાનિક આગેવાન ચૈતર વસાવા દ્વારા આંદોલન પણ કરવામાં આવ્યું હતું. ભાડાંના મકાનમાં ચાલતી અમદાવાદ RTO અમદાવાદની RTO કચેરી હાલમાં ભાડાના મકાનમાં કાર્યરત છે અને તેના માટે દર મહિને રૂ. 12,98,000 ભાડું GST સાથે ચૂકવવામાં આવે છે. વિધાનસભામાં આપવામાં આવેલી માહિતી મુજબ છેલ્લા બે વર્ષમાં કુલ રૂ. 2,33,64,000 જેટલું ભાડું ચૂકવવામાં આવ્યું છે. સરકારે નવી RTO ઈમારત બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ માટે વર્ષ 2019માં મંજૂરી આપવામાં આવી હતી અને વર્ષ 2020માં વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યો હતો. તેમ છતાં હજુ સુધી નવી ઈમારત તૈયાર થઈ નથી અને કચેરી ભાડાના મકાનમાં જ ચાલી રહી છે. આ મુદ્દે કોંગ્રેસના MLA જીગ્નેશ મેવાનીએ વિધાનસભામાં સવાલ પૂછતા સરકારે લેખિતમાં માહિતી આપી હતી. કચ્છમાં બે વર્ષમાં 779 લોકોના માર્ગ અકસ્માતમાં મોત કચ્છ જિલ્લામાં માર્ગ અકસ્માતના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. વિધાનસભામાં ગૃહ વિભાગે આપેલા લેખિત જવાબ મુજબ છેલ્લા બે વર્ષમાં કુલ 779 લોકોના મોત થયા છે. આંકડા મુજબ વર્ષ 2024માં 388 લોકોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા હતા, જ્યારે વર્ષ 2025માં આ સંખ્યા વધીને 391 થઈ છે. આ મુદ્દે ભાજપના MLA દ્વારા વિધાનસભામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ગૃહ વિભાગે જવાબમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. સુરતમાં બે વર્ષમાં અફીણ અને ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો વિધાનસભામાં જમાલપુર-ખાડિયા વિસ્તારના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં સુરત જિલ્લામાંથી 16 કિલો 77 ગ્રામ 6 મીલીગ્રામ અફીણ, 3146 કિલો 904 ગ્રામ 572 મીલીગ્રામ અન્ય ડ્રગ્સ અને 2620 સીરપ બોટલોનો જથ્થો ઝડપાયો છે. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીના ગુજરાતમાં નશાબંધી માત્ર કાગળ પર રહી ગઈ છે. ગૃહ મંત્રીના હોમટાઉન સુરતમાંથી આટલો મોટો જથ્થો પકડાય તે ચિંતાજનક બાબત છે અને સરકારે ડ્રગ્સ ક્યાંથી આવે છે તેની મૂળ તપાસ કરવી જોઈએ. આદિવાસીઓને પ્રાથમિક સુવિધા આપવા વન વિભાગના નિયમોમાં ફેરફાર કરો વિધાનસભામાં ચર્ચા દરમિયાન કોંગ્રેસ નેતા ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું કે સાબરકાંઠાના પોશીના તાલુકાના બારા ગામના માંડફળિયામાં ૫૦૦થી વધુ લોકો રહે છે છતાં ત્યાં સુધી પાકો રસ્તો, વીજળી, શાળા કે આંગણવાડી જેવી સુવિધા નથી. વન વિભાગના કડક નિયમોને કારણે આદિવાસીઓ મૂળભૂત સુવિધાથી વંચિત રહે છે, તેથી માનવતાના ધોરણે નિયમોમાં ફેરફાર કરીને આદિવાસીઓને રસ્તા, શિક્ષણ અને આરોગ્ય જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઈએ. જમીનના વળતરમાં વિસંગતતા પર પ્રશ્ન ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું કે, પોશીના તાલુકામાં રસ્તા બનાવવા માટે વન વિભાગની જમીનનો ભાવ 1260 પ્રતિ ચો.મી. નક્કી થયો હતો. જ્યારે રેલવે પ્રોજેક્ટ માટે આદિવાસીઓની જમીન માત્ર 31થી 45 પ્રતિ ચો.મી.માં લેવામાં આવી. જમીન સંપાદનમાં આવી વિસંગતતા યોગ્ય નથી અને આદિવાસીઓને સમાન ન્યાય મળવો જોઈએ. સિમેન્ટ ફેક્ટરીના પ્રદૂષણથી ખેડૂતો અને ગામલોકો પર આરોગ્ય સંકટ ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વડનગર ગામમાં આવેલી સિમેન્ટ ફેક્ટરીના ધૂળ અને રાસાયણિક વાયુઓને કારણે પાણી દુર્ગંધયુક્ત બની ગયું છે અને ખેતી ઉત્પાદન ઘટ્યું છે તેવી રજૂઆત ડૉ. તુષાર ચૌધરીએ વિધાનસભામાં કરી. તેમણે જણાવ્યું કે ધુમાડાથી નાળિયેરીના ઝાડ પર એક ઈંચ સુધી થર બેસી જાય છે અને લોકોના આરોગ્ય પર જોખમ ઊભું થયું છે, તેથી સરકાર તાત્કાલિક કાર્યવાહી કરે. ‘ડી-સાગ’ એજન્સી બંધ કરી ગ્રામસભા દ્વારા વિકાસ કામ કરવાની માગ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે, આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત (ડી-સાગ)ને કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે પરંતુ ઘણો ફંડ વપરાતો નથી. તેમણે આરોપ લગાવ્યો કે એજન્સી પોતાના પસંદના કોન્ટ્રાક્ટરોને કામ આપે છે, તેથી એજન્સી બંધ કરીને વિકાસ કામ ગ્રામસભાના ઠરાવના આધારે કરાવવા જોઈએ. ટેન્ડર વગર થયેલા કામોની SIT તપાસ કરાવવાની માંગ ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું કે, આદિજાતિ વિકાસ વિભાગના ઘણા કામો ટેન્ડર અને નિયમિત પ્રક્રિયા વગર આપવામાં આવે છે. આથી આવા તમામ કામોની SIT દ્વારા તપાસ કરીને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ અને આદિવાસી વિકાસના ફંડનો પારદર્શક ઉપયોગ થવો જોઈએ. ફિક્સ પગાર કેસમાં સરકાર કરોડો વકીલો પાછળ ખર્ચે છે: ગોપાલ ઇટાલીયાનો આરોપ AAPના વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું કે, ફિક્સ પે મુદ્દે સરકાર સુપ્રીમ કોર્ટમાં કેસ લડવા માટે હરીશ સાલવે, મુકુલ રોહતગી અને તુષાર મહેતા જેવા વકીલોને રાખી કરોડો રૂપિયા ખર્ચી રહી છે. તેમણે કહ્યું કે, કર્મચારીઓને યોગ્ય વેતન આપવાની જગ્યાએ સરકાર વકીલો પાછળ મોટો ખર્ચ કરી રહી છે. કર્મચારીઓને પૂરું વેતન આપવાની માંગ સાથે સરકારની માનસિકતા પર સવાલ ગોપાલ ઇટાલીયાએ કહ્યું કે ૨૦૧૨થી ફિક્સ પગારનો કેસ ચાલી રહ્યો છે અને વકીલોને લાખો-કરોડો રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. આટલો ખર્ચ કર્મચારીઓને આપ્યો હોત તો તેમને રાહત મળી હોત. તેમણે સરકારને કર્મચારીઓને સમાન કામ માટે સમાન વેતન આપવાની માંગ કરી. રાજકોટ–સુરતમાં હાઈકોર્ટ સર્કિટ બેંચ શરૂ કરવાની ગોપાલ ઇટાલિયાની માંગ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગુજરાતમાં ન્યાય વ્યવસ્થાને વધુ સરળ બનાવવા માટે રાજકોટ અને સુરતમાં હાઈકોર્ટની સર્કિટ બેંચ શરૂ કરવાની માંગ કરી છે. ઇટાલિયાએ જણાવ્યું કે, હાલ Gujarat High Courtની મુખ્ય પ્રિન્સિપલ બેંચ માત્ર અમદાવાદમાં છે, જ્યારે રાજ્યનું ભૂગોળીય વિસ્તાર ઘણું મોટું છે. કચ્છથી લઈને વાપી અને વાવથી ઝાલોદ સુધીના લોકો, વકીલો અને સરકારી અધિકારીઓને કેસની સુનાવણી માટે અમદાવાદ આવવું પડે છે, જેના કારણે મુસાફરી, રહેવા અને અન્ય ખર્ચમાં હજારો રૂપિયા ખર્ચવા પડે છે. તેમણે કહ્યું કે, અન્ય રાજ્યોમાં એકથી વધુ હાઈકોર્ટ બેંચ કાર્યરત છે. જો રાજકોટ અને સુરતમાં સર્કિટ બેંચ શરૂ થાય તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લોકોને નજીકમાં જ ન્યાય મળી શકશે અને અમદાવાદની મુખ્ય બેંચ પરનો ભાર પણ ઘટશે. ઇટાલિયાએ જણાવ્યું કે આ મુદ્દે તેમણે વિધાનસભામાં તારાંકિત પ્રશ્ન પૂછ્યો હતો, પરંતુ પ્રશ્ન મંજૂર ન થતાં ચર્ચા થઈ શકી નથી. તેથી તેમણે જાહેર મંચ પરથી સરકારને ફરી અપીલ કરી છે. “ગૃહમાં ચર્ચા ન થાય તો બહાર અવાજ ઉઠાવવો વિરોધપક્ષની ફરજ” ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે વિધાનસભામાં દરેક મુદ્દા પર સમયના અભાવે ચર્ચા થઈ શકતી નથી. તેમણે કહ્યું કે જો ગૃહમાં ચર્ચા ન થાય તો મીડિયા અને જાહેર મંચ પર પોતાની રાજકીય અને સામાજિક અભિપ્રાય રજૂ કરવો વિરોધપક્ષની ફરજ છે. સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં કેસ લડવા માટે અનેક વકીલોને એક મુદ્દતના લાખો રૂપિયા ચૂકવવામાં આવે છે, જેના વિશે સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ કારણ કે તે જનતાના પૈસા છે. સંત વેલનાથ બાપુના પલાસવા ધૂણાના વિકાસની માંગ જૂનાગઢ જિલ્લાના પલાસવા ગામે આવેલ સંત વેલનાથ બાપુના ઐતિહાસિક ધૂણાના વિકાસ માટે પણ ગોપાલ ઇટાલિયાએ સરકારનું ધ્યાન દોર્યું. ઇટાલિયાએ જણાવ્યું કે સંત વેલનાથ બાપુ કોળી સમાજના આસ્થાનું મહત્વનું કેન્દ્ર છે અને દેશ-વિદેશમાંથી શ્રદ્ધાળુઓ અહીં આવે છે. તેમ છતાં અહીં યાત્રાળુઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા, પાર્કિંગ, CCTV, ટોયલેટ-બાથરૂમ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. તેમણે સરકારને અપીલ કરી કે, જ્યાં અન્ય સ્થળોએ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે ત્યાં પલાસવા ગામે વેલનાથ બાપુના ધૂણાનો વિકાસ પણ કરવામાં આવે જેથી આસ્થાનું આ સ્થળ વધુ વિકસિત બની શકે. “સિંહ આવશે તો દીપડાઓ શાંત થઈ જશે” – અર્જુન મોઢવાડિયાનો ટિપ્પણીસભર પ્રહાર વિધાનસભામાં વન વિભાગની માંગણીઓ પર ચર્ચા દરમિયાન રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ વિરોધપક્ષ પર કટાક્ષ કર્યો. તેમણે જણાવ્યું કે, ગુજરાતનો વન વિસ્તાર હાલમાં લગભગ 11.14 ટકા છે અને રાજ્યમાં એશિયાટિક સિંહોની સંખ્યા સતત વધી રહી છે. તાજેતરની ગણતરી મુજબ રાજ્યમાં સિંહોની સંખ્યા 891 સુધી પહોંચી છે, જે અગાઉની તુલનામાં 32 ટકા વધારો દર્શાવે છે. આ દરમિયાન મોઢવાડિયાએ કટાક્ષ કરતાં કહ્યું કે “જ્યાં સિંહ હશે ત્યાં દીપડા શાંત થઈ જશે.” તેમના આ નિવેદન બાદ ભાજપના સભ્યોએ ટેબલ થપથપાવીને સમર્થન આપ્યું. “ગાંડા તો બાવળ હોય કે માણસ!” વિધાનસભામાં ચર્ચા દરમિયાન ભાજપના ધારાસભ્ય કિરીટ પટેલએ તેમના વિસ્તારમાં વધતા ગાંડા બાવળના ઝાડ દૂર કરવાની માંગ કરી હતી. તે સમયે અધ્યક્ષે રમૂજી ટિપ્પણી કરતાં કહ્યું કે, “ગાંડા તો બાવળ હોય કે માણસ પણ હોય!” જેના કારણે ગૃહમાં હાસ્યનું વાતાવરણ સર્જાયું. આ દરમિયાન ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પણ તેમના વિસ્તારમાં પાંડવો આવ્યા હતા તે જગ્યા એ ગાંડા બાવળ ઊગી ગયા છે અને અધ્યક્ષને સાક્ષી બનાવીને બોલવા જતા અધ્યક્ષે હળવી ટિપ્પણી કરી કે દરેક વાતમાં તેમને સાક્ષી ન બનાવવામાં આવે. મારી પર હુમલો થયો છતાં ફરિયાદ નોંધાઈ નથી: કાંતિ ખરાડી કાંતિ ખરાડીએ ગૃહમાં જણાવ્યું કે તેમના પર હુમલો થયો હોવા છતાં તેમની ફરિયાદ નોંધવામાં આવી નથી. તેમણે આદિવાસીઓ અને વન વિભાગ વચ્ચે થયેલા ઘર્ષણનો ઉલ્લેખ કરીને પ્રશ્ન કર્યો કે જો આદિવાસીઓ સામે ફરિયાદ થઈ હોય તો તેમની તરફથી ક્રોસ ફરિયાદ કેમ લેવામાં આવી નથી. તેમણે જણાવ્યું કે પોતાના ઉપર હુમલા અંગે FIR નોંધાઈ નથી તો સામાન્ય લોકોની ફરિયાદોનું શું થાય? પોલીસ નિયમ મુજબ FIR નોંધે છે અને મેરિટના આધારે કાર્યવાહી કરે છે: મંત્રી આ પ્રશ્નના જવાબમાં રાજ્યના મંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું કે પોલીસ નિયમ મુજબ FIR નોંધે છે અને મેરિટના આધારે કાર્યવાહી કરે છે. તેમણે માહિતી આપી કે ગીર સોમનાથ જિલ્લામાં 308 અને જૂનાગઢ જિલ્લામાં 251 FIR નોંધાઈ છે. કેટલાક કેસોમાં અરજદાર પોલીસ સ્ટેશનમાં નહીં, પરંતુ સીધા કોર્ટમાં જાય છે અને કોર્ટના આદેશ બાદ FIR નોંધાય છે. કાયદા મુજબ FIR લેવાની જોગવાઈ, તો આ કેસમાં ક્રોસ ફરિયાદ કેમ નોંધાઈ નથી: અમિત ચાવડા ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ પ્રશ્ન કર્યો કે કાયદા મુજબ કોઈપણ વ્યક્તિની FIR લેવાની જોગવાઈ છે તો આ કેસમાં ક્રોસ ફરિયાદ કેમ નોંધાઈ નથી. બીજી તરફ વન વિભાગના મંત્રી પ્રવીણ માળીએ સ્પષ્ટતા કરી કે આ કિસ્સામાં વન વિભાગ જાતે ફરિયાદી બન્યું છે. ગોપાલ ઇટાલિયાએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો ગૃહમાં ચાલેલી દલીલો વચ્ચે કોંગ્રેસના સભ્યો ઉશ્કેરાયા અને હોબાળો કર્યો. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવી જણાવ્યું કે પૂરક પ્રશ્ન જે વિભાગના હોય તે જ મંત્રી જવાબ આપે, અન્ય મંત્રી જવાબ આપી શકતા નથી. ગૃહ વિભાગના પ્રશ્નનો જવાબ વન વિભાગના મંત્રી દ્વારા આપવામાં આવ્યો હોવાથી તેમણે વાંધો નોંધાવ્યો. ગૃહ વિભાગે આપેલા જવાબમાં વન વિભાગનો ઉલ્લેખ નહોતો: અમિત ચાવડા કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પણ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવી જણાવ્યું કે કેબિનેટ મંત્રી ગેરહાજર હોય ત્યારે અન્ય મંત્રી જવાબ આપી શકે છે, પરંતુ તેમને પૂરતી માહિતી હોવી જરૂરી છે. બીજી તરફ અમિત ચાવડાએ રજૂઆત કરી કે ગૃહ વિભાગ દ્વારા આપેલા જવાબમાં ક્યાંય વન વિભાગનો ઉલ્લેખ નહોતો. ‘અધ્યક્ષે ઈટાલિયાને ઠપકો આપ્યો’ આ સમગ્ર વિવાદ બાદ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગૃહમાં સ્પષ્ટતા કરી કે સામાન્ય રીતે જે તે વિભાગના મંત્રીએ જ પ્રશ્નોના જવાબ આપવા જોઈએ. અનિવાર્ય સંજોગોમાં જ અન્ય મંત્રી જવાબ આપી શકે, પરંતુ એક મંત્રીના બદલે બીજા મંત્રી દ્વારા જવાબ આપવો યોગ્ય નથી. તેમણે ગોપાલ ઇટાલિયાને ઠપકો આપતાં જણાવ્યું કે ગૃહમાં ચર્ચા ન થયેલા મુદ્દાઓ બહાર ચર્ચવા યોગ્ય નથી અને ભવિષ્યમાં આવું ન કરવા તાકીદ કરી.
    Click here to Read More
    Previous Article
    રાજ્યસભા ચૂંટણી- હરિયાણામાં 6 કલાક પછી મતગણતરી શરૂ:પરિણામ થોડીવારમાં; NDAએ બિહાર-ઓડિશાની 9માંથી 8 બેઠકો જીતી
    Next Article
    સૌરાષ્ટ્ર યુનિ.ની વિવાદિત ભરતીની પરીક્ષા લેવાઈ:નોન ટીચિંગની 59 જગ્યા પર ભરતી માટે 1174 માંથી 767 ઉમેદવારો હાજર રહ્યા, પ્રોવિઝનલ આન્સર કી જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment