Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિસ્મય:સાયક્સ-પાઈકો સમજૂતીઃ જેણે વેરના વાવેતર આદરીને અંતહીન યુદ્ધોનો પાક ઉતાર્યો

    1 week ago

    ધૈવત ત્રિવદી 1917માં રશિયાના મજૂરો, શ્રમિકો, ખેડૂતોએ બોલ્શેવિક ક્રાંતિ સર્જી અને ઝાર શાસનને ઉથલાવી દીધું. હવે દેશનો સર્વોચ્ચ નેતા હતો વ્લાદિમીર લેનિન. સૈકાઓ સુધી અત્યંત વિશાળ પ્રદેશ પર ઝારવંશનું શાસન રહ્યું હતું. નવી શાસન વ્યવસ્થા ગોઠવવી હોય તો જૂના શાસનની કેટલીય ગોઠવણો સમજવી પડે. અનેક કરારો, સમજુતીઓ, દસ્તાવેજી પૂરાવાઓ ચકાસવા પડે. લેનિનના માર્ગદર્શન હેઠળ નવું રચાયેલું તંત્ર ઝારના કાર્યાલયો અને મહેલોમાંથી મળેલાં પટારાબંધ કાગળિયાઓ ફંફોસી રહ્યું હતું. એમાં ‘અત્યંત ગોપનીય’ એવી નોંધ લખેલો એક દસ્તાવેજ જોઈને લેનિનની આંખો ચમકી. તેણે વારંવાર એ દસ્તાવેજ વાંચ્યો. ટેબલ પર જગતનો નકશો પાથરીને એ દસ્તાવેજમાં થયેલાં ઉલ્લેખ મુજબના પ્રદેશો નોંધ્યા. જેમ જેમ એ અભ્યાસ કરતો ગયો એમ તેની આંખો વિસ્ફારિત થતી રહી, ‘આ તો ગજબ મનમાની કહેવાય... લૂંટારાઓ પણ સાવ આવી બેદરકારીથી લૂંટેલા માલનો ભાગ નહિ પાડતાં હોય...’ ગિન્નાયેલા લેનિને બીજે દિવસે રશિયાના તમામ અખબારોમાં એ દસ્તાવેજની વિગતો પ્રસિદ્ધ કરાવી અને તેને શીર્ષક આપ્યું: ચાર ચોર વચ્ચેની સમજુતી..! બ્રિટને તરત સતર્ક થઈને ભારતમાં તો એ સમાચારની પ્રવેશબંધી ફરમાવી દીધી, પરંતુ અમેરિકન માધ્યમોએ રશિયન અખબારોના એ સમાચાર ખૂબ ચગાવ્યા. રશિયાથી વાયા અમેરિકા પહોંચેલા એ સમાચારે દુનિયાના એક હિસ્સામાં ખળભળાટ મચાવ્યો કારણ કે ધરતીનો એ હિસ્સો પોતે જ એ સમાચાર, ચાર ચોર વચ્ચે થયેલી ગુપ્ત સમજુતીના કેન્દ્રમાં હતો. જે હિસ્સાને આજે આપણે મધ્ય-પૂર્વ યાને મિડલ-ઈસ્ટ એશિયા તરીકે ઓળખીએ છીએ. *** આજના તુર્કિયેના નકશામાં એને શોધવું મુશ્કેલ પડે એટલો નાનો એ કસબો છે, જ્યાંથી નીકળેલી ચિનગારી આજના મધ્ય-પૂર્વ એશિયાની કાયમી અંટસના પાયામાં છે. એ કસબાનું નામ સોગુત. મંગોલ લૂંટારાઓના એકધારા આક્રમણને લીધે બરબાદ થઈ ગયેલી એ ધરતી પર સોગુતમાંથી એક આદમી નીકળ્યો. વેરવિખેર અને માર ખાઈખાઈને અધમૂઆ થઈ ગયેલાં કબીલાઓને એકજૂટ કર્યા અને એક નાનકડી રિયાસત સ્થાપી. તેનું નામ ઉસ્માન, જેનો વંશ આગળ જતાં ઈસ્લામી પરંપરા મુજબ ઉસ્માની તરીકે ઓળખાયો અને યુરોપિયનોએ તેનો ઉચ્ચાર ઓટોમાન તરીકે પ્રચલિત કર્યો. ઈતિહાસના અનેક ‘જો અને તો’ની વચ્ચે ઉસ્માની તુર્કિયે સામ્રાજ્ય બેઠેલું છે. મામૂલી કિસમના રખડુ મુફલિસ ઉસ્માને આપબળે રજવાડું ન સ્થાપ્યું હોત તો તેનાં વંશજ મહેમૂદે રોમન પાટનગર કોન્સ્ટેન્ટિનોપોલ ન જીત્યું હોત! રોમન સામ્રાજ્ય અડીખમ રહ્યું હોત તો ઈસ્લામનો પરચમ વિશ્વભરમાં ફેલાયો ન હોત! યુરોપીય સત્તાઓ એશિયામાં પ્રવેશી જ ન હોત અને તો આજે મધ્ય-પૂર્વના 72 લાખ ચોરસ કિલોમીટર વિસ્તારમાં આવેલા કુલ 17 દેશો કાયમ માટે લોહિયાળ, હિંસક અને અરાજક જ્વાળામુખી પર બેઠેલા ન હોત! પણ ઈન્સાનની માફક ધરતીનુંય મુકદ્દર બનતું હશે કદાચ. ધરતીની કુંડળીમાંય કોઈક ગ્રહો અરાજકતાનો યોગ બનાવતા હશે. પરિણામે લગાતાર 623 વર્ષ સુધી એકધારું શાસન કરનાર ઉસ્માનીઓનું સામ્રાજ્ય મધ્ય-પૂર્વથી શરૂ કરીને યુરોપ અને છેક આફ્રિકા સુધી ફેલાયું અને છેવટે પોતાના જ ભારથી ફસકાયું પણ ખરું. પ્રથમ વિશ્વ યુદ્ધમાં જર્મનીની પડખે રહેલું તુર્કિયે બ્રિટન અને ફ્રાન્સના હાથે માર ખાઈ ગયું. મહાન સામ્રાજ્યના અંતનો આરંભ તો જોકે એ પહેલાં જ થઈ ચૂક્યો હતો. હિન્દ પર મજબૂત સત્તા ધરાવતા બ્રિટને અફઘાનિસ્તાન છોડીને મધ્ય-પૂર્વના લગભગ દરેક વિસ્તારો પર કબજો મેળવવા માંડ્યો હતો. ઉસ્માની સામ્રાજ્યના પતન પછી હવે એ કબજો વધુ મજબૂત અને સ્થાયી બનવાનો હતો અને મધ્ય-પૂર્વનો સમૂળો નકશો અહીંથી બદલાવાનો હતો. પ્રથમ વિશ્વ યુદ્ધના મહાવિનાશ પછી સમગ્ર દુનિયા કણસી રહી હતી ત્યારે જગતની ચાર મહાસત્તાઓ જીતેલા પ્રદેશનું ભાવિ મુકરર કરવા મનમાની આચરી રહી હતી. એ ચાર મહાસત્તા એટલે બ્રિટન, રશિયા, ફ્રાન્સ અને ઈટાલી. અત્યંત વિશાળ તુર્કિયે સામ્રાજ્યને વહેંચી ખાવા માટે આ ચારેય મહાસત્તાએ તદ્દન ખાનગી ધોરણે એક સમિતિ બનાવી. રશિયા પોતે જ વિશાળ મહારાજ્ય હતું એટલે તેના સમ્રાટ ઝારને દૂરના પ્રદેશો મેળવવાની કોઈ ખ્વાહિશ ન હતી, પરંતુ રશિયાની સરહદને અડતા પ્રદેશો ખોવા પણ ન હતા. ઈટાલીએ પોતાનો સ્વાર્થ ફ્રાન્સની મુનસફી પર છોડ્યો. સરવાળે વહેંચણીની ફોર્મ્યૂલા ઘડવા માટે વધ્યા ફ્રાન્સ અને બ્રિટન. બંનેએ પોતપોતાના બે મહામુત્સદ્દીઓને ફોર્મ્યૂલા તૈયાર કરવાની સત્તા આપી. બ્રિટન પક્ષે હતો માર્ક સાઈક્સ અને ફ્રાન્સ તરફથી હતો ફ્રાંકોઈસ જ્યોર્જ પાઈકો. સાઈક્સ અને પાઈકોએ એ ન જોયું કે ધરતીના ક્યા વિસ્તારમાં કઈ પ્રજા વસે છે, કોને કોની સાથે કેવા પ્રકારનો સંબંધ છે, કોની ભૂગોળ કોની સાથે મેળ ખાય છે, કોની પરંપરા એકસરખી છે અથવા તો સાવ વિરોધાભાસી છે. તેમણે ફક્ત ધરતીના ટુકડા પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું, એ ટુકડા પર વસતા, જીવતા, ધબકતા લોકોને કે એ લોકોની લાગણી, માનસિકતા, પરંપરા, ધર્મ, જાતિ, પેટાજાતિ એ સઘળું ગણકાર્યું જ નહીં અને શબ્દશઃ કેકના ટુકડા પર છરી ચલાવીને ટુકડા કરતા હોય એમ વિભાજન કરી નાખ્યું. આટલો હિસ્સો તારો, આટલો હિસ્સો મારો..! તદ્દન અણઘડ રીતે થયેલી એ સમજૂતી સાઈક્સ-પાઈકો એગ્રીમેન્ટ તરીકે ઓળખાય છે અને તેમના અણઘડપણાનો ભોગ બનીને કાયમ આથડી રહેલી એ ભૂમિ એટલે આજનું મિડલ-ઈસ્ટ એટલે એ ભૂમિ પર વસતા ઈરાન સહિતના 17 દેશો. તમારા ઘરના ફળિયામાં કોઈકનો ડ્રોઈંગરૂમ હોય, તમારા રસોડામાંથી વળી કોઈ એક પાડોશીનો આવ-જાનો રસ્તો નીકળતો હોય અને તમારા બેડરૂમમાં કોઈ ત્રીજા પાડોશીનોય આંશિક હક લાગતો હોય તો એવા મકાનના માલિક તરીકે તમારી અને તમારા પાડોશીની શું દશા થાય? આવી કઢંગી સ્કિમ આંકીને, બાંધીને, તમને પધરાવીને બિલ્ડર તો રવાના થઈ ગયો, પણ તમને તો કાયમના ઝઘડામાં ઓરતો ગયો કહેવાયને? સહેજેય અતિશયોક્તિ વગર આ સરખામણી મધ્ય-પૂર્વના આરબ, મુસ્લિમ દેશોને લાગુ પડે છે. જે પશ્ચિમી મહાસત્તાઓએ કદીક આચરેલી મનમાનીનો ભોગ બનીને હવે આપસમાં કૂટાઈ રહ્યા છે. હાલ ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલું યુદ્ધ પણ તેમાંથી બાકાત નથી અને આ પછી થનારાં યુદ્ધ પણ બાકાત નહીં જ હોય, કારણ કે આ ઝઘડો અંતહીન છે. અનંત છે. આગળથી ચાલ્યો આવે છે અને આગળ પણ ચાલતો જ રહેશે. 16 મે, 1916ના દિવસે સાયક્સ અને પાઈકોએ અંતિમ સમજૂતી કરીને જમીનની વહેંચણી કરી નાખી. રશિયાના ઝારે મંજૂરી મારી દીધી અને ઈટાલી પણ પોતાના હિસ્સાથી રાજી રહ્યું. એ ગુપ્ત સમજૂતી મુજબ પ્રદેશો વહેંચી દેવાયા તેનાં લગભગ ત્રણેક વર્ષે લેનિને ભાંડો ફોડ્યો. પછી તો લોકતાંત્રિક દેશ હોવાથી બ્રિટનના ‘માન્ચેસ્ટર પોસ્ટ’ જેવાં અખબારોએ પણ કડીબદ્ધ પુરાવા છાપ્યા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. ઈરાનના અડધોઅડધ કૂર્દો ઈરાકી બની ગયા હતા, સાઉદી અરેબિયા અને ઓમાન વચ્ચે, કતાર અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે, ઈરાક અને ઈરાન વચ્ચે, ઈરાક અને જોર્ડન વચ્ચે સરહદના મુદ્દે કાયમી વિવાદ વવાઈને ઊગી ચૂક્યો હતો. ઝેરની આ ખેતીમાંથી કાયમ હવે યુદ્ધો લણવાનો વારો હતો.
    Click here to Read More
    Previous Article
    હિડન ટ્રુથ:ભૂતપ્રેતના અવાજો અને પડછાયાઓ માત્ર ભ્રમ છે?
    Next Article
    અપડેટ:યુદ્ધ અને AI: માણસોની લડાઈ હવે મશીનોના હાથમાં

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment