Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માય સ્પેસ:‘બુક થિફ’ : મૃત્યુના મુખે કહેવાતી જિંદગીની કથા

    19 hours ago

    મૃત્યુ પાસે પણ હૃદય હોય છે અને એને પણ દયા અને સંવેદનાની અનુભૂતિ થાય છે’ આ વાક્ય સ્વયં મૃત્યુ કહે છે, લિઝલ નામની એક છોકરીની કથા દ્વારા. ‘માર્કસ ઝુસાક’ નામના એક ઓસ્ટ્રેલિયન લેખકે 2005માં લખેલું આ પુસ્તકની અઢી કરોડથી વધારે કોપી વેચાઈ ચૂકી છે. 63થી વધારે ભાષામાં અનુવાદ થયા છે. આ પુસ્તકની પ્રસિદ્ધિનું એક કારણ એ છે કે, બીજા વિશ્વ યુદ્ધના એક માનવીય અને સંવેદનશીલ પાસાંને આ પુસ્તક વાચક સમક્ષ ખોલે છે. આ પુસ્તકના પ્રવક્તા-નરેટર સ્વયં મૃત્યુ છે. એનાં માતા-પિતા જર્મની અને ઓસ્ટ્રિયામાં હતાં. એમણે માર્કસને બીજા વિશ્વ યુદ્ધની સાચી કથાઓ સંભળાવી હતી. એમના પિતાને નાઝી સેનામાં ભરતી કરવામાં આવ્યા ત્યારે લોકો કેવી રીતે ભોંયરામાં છુપાતા, ભય અને ભૂખના માહોલમાં કઈ રીતે લોકો બચવાનો પ્રયત્ન કરતા-બાળપણમાં સામેલી એ કથાઓમાંથી માર્કસે આ નવલકથાનું સર્જન કર્યું. એક દિવસ યહૂદીઓને સડક પર પરેડ કરાવીને નાઝી કેમ્પમાં લઈ જવામાં આવતા હતા ત્યારે એક જર્મન છોકરાએ બ્રેડનો ટુકડો એક યહૂદીને આપ્યો. નાઝી સૈનિકોએ એ છોકરાને ખૂબ માર્યો, એને સજા કરવામાં આવી, પરંતુ આ કથા માર્કસ ઝુસાકના મનમાં એટલી ઊંડી ઊતરી ગઈ કે એણે બીજા વિશ્વ યુદ્ધનો સમય પસંદ કરીને આ નવલકથાનું સર્જન કર્યું. 1930ના દશકમાં હિટલરે હજારો પુસ્તકોની જાહેર હોળી કરી હતી (અહીં યાદ આવે, તક્ષશિલા અને નાલંદા વિદ્યાપીઠોમાં સળગાવવામાં આવેલાં હજારો પુસ્તકો જેની હોળી ત્રણ મહિના સુધી સળગતી રહી એમ કહેવામાં આવે છે.) લેખકને એક વાત બહુ સ્પર્શી ગઈ, શબ્દોથી સત્તા ડરે છે. જ્યારે જ્યારે ક્રાંતિ થઈ છે ત્યારે શબ્દોએ જ લોકમાનસમાં પરિવર્તન લાવવાનું કામ કર્યું છે. ભાષણ હોય, પુસ્તકો હોય કે અખબારના લેખો હોય (સોશિયલ મીડિયા વગર ગાંધી આ દેશને એક વિચાર સાથે જોડી શક્યા. ઈમરજન્સી દરમિયાન ઈન્દિરા ગાંધીએ સૌથી પહેલાં પ્રેસ પર સેન્સરશિપ લગાવી.) માર્કસ ઝુસાકને આ પુસ્તક લખતાં ત્રણથી ચાર વર્ષ લાગ્યાં. એમણે આ પુસ્તકને દોઢસોથી બસ્સો વખત એડિટ કર્યું છે, એવું એમણે એમના એક બુકરીડિંગ સમારોહમાં સ્વીકાર્યું હતું. શું છે આ પુસ્તક? શા માટે એની આટલી બધી સરાહના થઈ? આ પુસ્તક જીવનનાં કેટલાંક સત્યોને જુદી રીતે આપણી સામે લઈ આવે છે. હિટલરે યહૂદીઓ સાથે જે અમાનવીય અત્યાચાર કર્યો એની ઘણી કથાઓ આપણી સામે પુસ્તક સ્વરૂપે, ફિલ્મો સ્વરૂપે આવતી રહી છે, પરંતુ અહીં પહેલીવાર મૃત્યુને સૌની નજરે-નાઝી સૈનિકો, યહૂદીઓ, જર્મન્સ, ઓસ્ટ્રિયન્સ અને સૌથી મહત્વનું-સામાન્ય નાગરિકોનાં બાળકોએ કઈ રીતે જોયું છે એની કથા સ્વયં મૃત્યુ સંભળાવે છે. આ એટલા માટે પણ મહત્ત્વનું છે કારણ કે, મૃત્યુને કોઈ પક્ષ-ગમાઅણગમા નથી હોતા. એ સહુને એક જ નજરે નિષ્પક્ષ રીતે જોઈ શકે છે, માટે કદાચ આના નરેટર તરીકે મૃત્યુને પસંદ કરવામાં આવ્યું છે. અહીં મૃત્યુ કહે છે, ‘પહેલાં રંગો, પછી માણસો... હું સામાન્ય રીતે ચીજોને એ રીતે જોઉં છું. અથવા એ રીતે જોવાનો પ્રયાસ કરું છું.’ મૃત્યુ માટે કોઈ સારું કે ખરાબ નથી. એણે તો પોતાને સોંપેલી કામગીરી સુખ કે દુઃખ વગર પૂર્ણ કરવાની છે ત્યારે સફેદ આકાશ, લાલ અગ્નિ અને કાળા ધુમાડા, કથ્થઈ, ધોળા માણસો તરીકે મૃત્યુ સૌને મૂકે છે. મૃત્યુ અહીં વારંવાર કહે છે, ‘માણસ વિચિત્ર પ્રાણી છે. હું ક્યારેક આશ્ચર્યચકિત થઈ જાઉં છું. એક જ માણસમાં કેટલી બધી સુંદરતા અને કેટલી બધી ભયાનકતા એક સાથે નિવાસ કરે છે!’ મૃત્યુ પોતાની કથા કહેતી વખતે એક સંવેદનશીલ અને થાકેલા ફિલોસોફર તરીકે આપણી સામે આવે છે. એ કોઈ હત્યારાનું પાત્ર નથી-ભયાનક નથી, બલ્કે જેના ખભા ઝુકેલા છે એવા, નિર્વિકાર-ભાવવિહિન આંખો સાથે સતત ચાલતા કોઈ નિરાશ વ્યક્તિ તરીકે આપણી સામે રજૂ થાય છે. મૃત્યુ કહે છે, ‘હું કોઈને મારતો નથી, ફક્ત એમની આત્માને ઉપાડી જાઉં છું.’ સાથે જ કહે છે, ‘આટલા બધા લોકોની આત્મા ઉપાડવાનો મને ભાર લાગે છે.’ અહીં મૃત્યુ એક ભવિષ્યવેત્તા પણ છે. એ પહેલાં જ કહી દે છે કે, કોણ મરશે, કોનો અંત દુઃખદ હશે... જેને કારણે વાચકોને એક ટ્રેજિક આયર્નીનો પણ અનુભવ થાય છે. આપણે જાણતા હોઈએ કે કોણ મરશે, તેમ છતાં જ્યારે એ વ્યક્તિને બચાવી ન શકીએ ત્યારે મૃત્યુના મજબૂત અસ્તિત્વની અનુભૂતિ વાચકને એક કડવા સત્ય સાથે ઓળખ કરાવે છે. લિઝલ મેમિન્જર નામની એક છોકરી નાઝી જર્મનીમાં રહે છે. એની માને કોન્સ્ટ્રેશન કેમ્પમાં લઈ જવામાં આવે છે ત્યારે એની મા લિઝલને એક પાલક પરિવારના ભરોસે છોડી જાય છે. હેન્સ હ્યુબરમેન અને રોઝા હ્યુબરમેન અનાથ લિઝલને પોતાની સાથે રાખે છે. નવ વર્ષની લિઝલને લખતાં-વાંચતાં નથી આવડતું. હેન્સ હ્યુબરમેન એને ભણાવે છે, વાંચતાં શીખવે છે. હેન્સ આ શિક્ષણની પ્રક્રિયા દરમિયાન લિઝલને સમજાવે છે કે શબ્દોમાં જબરદસ્ત તાકાત હોય છે. માણસ મૃત્યુ પામે, પરંતુ શબ્દોમાં સંગ્રહાયેલી એની સ્મૃતિઓ કદી મૃત્યુ પામતી નથી. હેન્સની ફિલોસોફી એ સમયની જર્મન નાઝી માનસિકતાને એક સામાન્ય જર્મન નાગરિકની નજરે મૂકવામાં આવી છે. આખી કથા લિઝલની નવથી તેર વર્ષની ઉંમરની વચ્ચે બને છે. લિઝલનો ભાઈ મરી જાય છે ત્યારે એને એક પુસ્તક મળે છે ‘ધ ગ્રેવ ડિગર્સ હેન્ડબુક’ આ પુસ્તક લિઝલ વાંચી શકે એમ નથી તેમ છતાં એ પોતાની પાસે રાખી લે છે. આ એની પહેલી પુસ્તક ચોરી છે. લિઝલ જ્યારે વાંચતાં શીખે છે ત્યારે એ પુસ્તકોની ચોરી કરતાં શીખે છે. એ પછી લિઝલ અને એનો દોસ્ત રૂડી સ્ટેઈનર સાથે મળીને પુસ્તકોની ચોરી કરે છે અને વાંચે છે. લિઝલ પોતાના ઘરના ભોંયરામાં બેસીને પોતાની કથા લખે છે. જેનાં પાત્રોમાં સૌ છે, હેન્સ, રોઝા, રૂડી અને એક છોકરો મેક્સ જેને પણ હ્યુબરમેન પરિવારે પોતાના ભોંયરામાં આશ્રય આપ્યો છે... અહીં લિઝલની કથામાં આપણને સમજાવવામાં આવે છે કે, પુસ્તકો પાસે મિત્રતા કરવાની આવડત છે, દુઃખથી બચાવવાનો રસ્તો છે, ભય સામે લડવાની શક્તિ છે અને પુસ્તકો સ્મૃતિને સાચવવાનું અદભુત માધ્યમ છે. અહીં લિઝલ લખે છે, કે કથા લખવી એ પણ એક પ્રકારનો પ્રતિરોધ-રેઝિસ્ટન્સ છે. સમય સાથે ઘસાતા માણસના આયુષ્યની કથા કે શબ્દો અમર કરી શકવાની તાકાત ધરાવે છે. અહીં લિઝલ પોતાની ડાયરીમાં લખે છે, ‘દુનિયા ગમે તેટલી ક્રૂર બની જાય, પરંતુ કથાઓ અને શબ્દો મનુષ્યની માનવતાને જીવંત રાખવાનું કામ કરે છે. હું મારી કથાઓ દ્વારા આજના જગતમાં પણ માનવતાને જીવંત મૂકીને જઈશ...’ લિઝલ જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે એનું આ પુસ્તક મૃત્યુ પાસે પહોંચે છે. મૃત્યુ એ પુસ્તક વાંચીને લિઝલની કથા દ્વારા 1930ના સમયમાં પ્રવાસ કરે છે અને ત્યારના પોતાના અનુભવો સાથે જોડાયેલી આ કથા આપણને કહે છે. કથા પૂરી થાય છે ત્યારે મૃત્યુ લિઝલના છેલ્લા શબ્દોને કહે છે, ‘મેં શબ્દોને ધિક્કાર્યા છે અને મેં શબ્દોને બેફામ ચાહ્યા છે. મારી આ કથામાં મેં એમને ન્યાય કર્યો છે એટલું હું હૃદયપૂર્વક કહી શકું છું.’
    Click here to Read More
    Previous Article
    માનસ દર્શન:શ્રવણનો વિશેષ મહિમા છે
    Next Article
    એન્કાઉન્ટર:નેતાઓ માટે ખાદીનાં કપડાં અનિવાર્ય છે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment