Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માનસ દર્શન:શ્રવણનો વિશેષ મહિમા છે

    21 hours ago

    મહાભારત’માં એક પ્રસંગ છે કે ‘મહાભારત’ના યુદ્ધમાં જીત બાદ પાંડવશ્રેષ્ઠ યુધિષ્ઠિર ધર્મરાજ વધારે ઉદાસ રહે છે. પોતાના ચાર બંધુઓ અને મહારાણી દ્રૌપદી સમક્ષ પોતાના વિચારો પ્રસ્તુત કરતા રહે છે. જ્યારે યુધિષ્ઠિર એવું કહેવા લાગે છે કે હું વનમાં ચાલ્યો જાઉં; વૃક્ષો પાસેથી ફળની ભિક્ષા માગું; વૃક્ષોની છાલનાં વસ્ત્ર માગું; જંગલમાં એકલો પડ્યો રહું. આવી બધી ઉદાસીન વાતો કરે છે ત્યારે મહારાણી દ્રૌપદી બહુ જ પીઢ બનીને પરિપક્વતાથી તેમને જવાબ આપે છે કે આવું વિચારવું એ આપના માટે યોગ્ય નથી. આપ પ્રજાપાલકના રૂપમાં શાસન કરી રહ્યા છો અને સિંહાસન પર બિરાજો છો. હવે આપ આવી વાતો કરો એ બરાબર નથી. આ બધી ગંભીર ચર્ચા ચાલી રહી છે ત્યારે વ્યાસ ભગવાનનો પ્રવેશ થાય છે અને વ્યાસ આખો માહોલ સંભાળી લે છે. આ બાજુ કૃષ્ણ પણ આવી જાય છે અને કહે છે, ભીષ્મદાદાની અંતિમ ક્ષણ છે; આપણે એમની પાસે જઈએ અને યુધિષ્ઠિર, તમારા મનની વાત ભીષ્મ સામે મૂકો અને જે જે પ્રશ્ન તમારા મનમાં હોય એ પૂછી લો, કેમ કે આ આખરી ચિરાગ છે, બુઝાઈ જાય એ પહેલાં એમની પાસેથી જેટલું લઈ શકાય એટલું લઈ લો. બધાં જાય છે બાણશય્યા પર સૂતેલા પિતામહ ભીષ્મ પાસે. પછી યુધિષ્ઠિર વારંવાર પ્રશ્ન પૂછતા રહે છે અને દાદા જવાબ આપે છે. એમાં એક પ્રશ્ન યુધિષ્ઠિર પૂછે છે કે દાદા, આ વિશ્વમાં એવા દેવ કોણ છે, જેમની પ્રતિભા બહુમુખી હોય? જેનામાં નખશિખ સત્ત્વ ભર્યું હોય અને જે સૌનું નિર્વહણ કરતાં હોય? વૈશંપાયનના મુખે વ્યાસજી બોલાવે છે. અહીં ભીષ્મના મુખે બોલાવે છે: યસ્ય સ્મરણમાત્રેણ જન્મસંસાર બન્ધનાત્‌‍ વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભવિષ્ણવે. યુવાન ભાઈ-બહેનોને આગ્રહ કરું, ‘મહાભારત’ વાંચજો. હવે તો દુનિયા તમારી મુઠ્ઠીમાં છે, હાથમાં છે. ઈન્ટરનેટ અને વિજ્ઞાને ઘણીબધી સુવિધા કરી આપી છે; જે શ્લોક મેળવવા માગો એ એક મિનિટમાં તમારા હાથમાં રહેલા યંત્રમાંથી પ્રાપ્ત કરી શકો છો. મોકો મળે તો ‘મહાભારત’ વાંચજો અથવા તો કયાંકથી સાંભળજો. વાંચવા કરતાં સાંભળવું વધારે સારું છે. શ્રવણનો વિશેષ મહિમા છે. આપણે ત્યાં બુદ્ધ અને મહાવીરકાળમાં એક સભ્યતા ચાલી હતી, જેને આપણે કહીએ છીએ, શ્રમણસભ્યતા. શ્રમણ; એમાં શ્રમ છે, તપ છે, ઉપાસના છે, પરિશ્રમ છે; બહુ અદભુત છે. મને કોઈ પૂછે કે ‘રામાયણ’ની સભ્યતા શી છે, શ્રમણ કે બ્રાહ્મણ? આપણે ત્યાં બે સભ્યતા હતી. શ્રમણ; પરિશ્રમ, તપ-સાધના. એક બ્રાહ્મણ સભ્યતા. રામકથા તો બધું જ છે પરંતુ રામકથાની સંસ્કૃતિ એ નથી શ્રમણ સંસ્કૃતિ, નથી બ્રાહ્મણ સંસ્કૃતિ; એ કેવળ શ્રવણ સંસ્કૃતિ છે. જે સાંભળે છે એ પામી જાય છે. તો ‘મહાભારત’, ‘રામાયણ’ એ કેવળ ઐતિહાસિક ગ્રંથ નથી; એ આધ્યાત્મિક ગ્રંથ છે. ભૂતકાળની બનેલી ઘટનાઓ છે; વર્તમાનનું નિતનૂતન સત્ય છે અને ભવિષ્યનું અદભુત અને અકાટ્ય માર્ગદર્શન છે ‘મહાભારત’ અને ‘રામાયણ.’ સાંભળો; સાંભળવું જરૂરી છે. વક્તા પણ એક લેવલ સુધી પહોંચી જાય છે ત્યારે વક્તા બોલતા નથી, એ પણ સાંભળે છે. બોલનારા જુદા થઈ જાય છે. કેવળ હોઠ હલે છે. એક ઈન્સ્ટ્રુમેન્ટ બની જાય છે વક્તા. જે લોકોએ સાંભળવાની આલોચના કરી છે એમણે જમાનાને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે. સાંભળવાથી ખૂબ જ ફાયદો થાય છે. માત્ર વાંચવાથી એટલો ફાયદો નથી થતો. તો ‘મહાભારત’ વાંચો. વાંચવાથી ન સમજાય તો જેમણે જાણ્યું છે એવા કોઈ પહોંચી ચૂકેલા પાસે જઈને સાંભળો. બહુ ફાયદો થશે. ‘યસ્ય સ્મરણમાત્રેણ જન્મસંસાર બન્ધનાત્.’ સાહેબ! વિદાય લેતો માણસ બોલી રહ્યો છે. કોઈ પાખંડ નથી. કોઈ ધોખો નથી. કોઈ દેખાડો નથી. છેલ્લી ક્ષણોમાં માણસ વધારે પવિત્ર થવા લાગે છે. અને આ તો નખશિખ ગંગાનો પુત્ર છે. એમની પવિત્રતા સામે કયો માયનો લાલ આંગળી ઉઠાવી શકે? યુધિષ્ઠિર, જેનું સ્મરણમાત્ર થાય; એક વીજળી ચમકી ગઈ, એક યાદ આવી ગઈ, એક સ્મૃતિ આવી ગઈ એક ક્ષણ માટે; તો હે ધર્મરાજ, જન્મ અને સંસારનાં સમસ્ત બંધનો નષ્ટ થઈ જાય છે. એવી સત્તા જે છે એ છે વિષ્ણુ. વિષ્ણુનું વર્ણન જે ભીષ્મના મુખે ‘મહાભારત’માં આવ્યું છે. નમઃ સમસ્તભૂતાનામ્‌‍ આદિભૂતાય ભૂભૃતે અનેકરૂપરૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે. કોણ છે વિષ્ણુ? ‘આદિભૂતાય ભૂભૃતે’ ‘ભૂભૃતે’ એટલે કે જે ધરતીને ધારણ કરે છે. ભૂભૃતે તો શેષનારાયણ છે. પરંતુ એનો જવાબ આગળના શબ્દોમાં છે, ‘અનેકરૂપરૂપાય.’ અનેક રૂપ છે એનાં. એવા વિષ્ણુને હું પ્રણામ કરું છું. અનેક રૂપ છે. ત્યારે મને ‘માનસ’ મદદ કરે છે. તરત ‘માનસ’ સપોર્ટ કરે છે, આશીર્વાદ આપવા લાગે છે. દેખે સિવ બિધિ બિષ્નુ અનેકા. અમિત પ્રભાઉ એક તે એકા. અનેક રૂપ છે વિષ્ણુનાં પરંતુ વિષ્ણુ અનેક છે, રામ એક છે, એ ન ભૂલશો. સતીએ જોયું, રામ તો એના એ જ છે સીતાની શોધ કરનારા પરંતુ ઐશ્વર્ય જુએ છે તો રામનાં ચરણોમાં અનેક વિષ્ણુ જોયા, અનેક શિવ જોયા; બધાંનો ખૂબ જ પ્રભાવ છે પરંતુ મધ્યમાં, કેન્દ્રમાં મારા રાઘવ એક જ છે. ‘રામરૂપ દૂસર નહીં દેખા.’ વિષ્ણુ અનેક છે. દરેક લોકમાં વિભિન્ન વિષ્ણુ, વિધાતા ભિન્ન, બધા ભિન્ન પરંતુ રામ એક. દશરથ ભિન્ન, કૌશલ્યા ભિન્ન, સરજૂ ભિન્ન, અયોધ્યા ભિન્ન, અયોધ્યાનાં નર-નારી ભિન્ન, મારા રામ એક નિરૂપમ. તો કેન્દ્રમાં રામને ન ભૂલવા. હવે વિષ્ણુ રામ છે કે રામ વિષ્ણુ છે, એ પોતપોતાની નિષ્ઠા પર છોડી દીધું છે. પરમ તત્ત્વ એક હોય છે, એની વ્યવસ્થા અનેકમાં વિભાજિત કરી દેવામાં આવે છે. પરમ ઊર્જા, પરમ સામર્થ્યનું નામ છે રામ. અને એ સામર્થ્યને જ્યારે વ્યવસ્થા કરવી હોય છે, અકર્તાએ કંઈક કરીને બતાવવાનું છે ત્યારે એ ઊર્જાને વહેંચે છે. થોડી ઊર્જા વિષ્ણુને આપે છે, બ્રહ્માને આપે છે, તમે બધું બનાવો. રજોગુણ લઈ જાઓ મારી પાસેથી અને રજોગુણથી બધી સૃષ્ટિનું નિર્માણ કરો. પછી એમાંથી એક તૃતીયાંશ જેટલી ઊર્જા આપે છે વિષ્ણુને, તમે પરિપાલન કરો; સૌને સંભાળો, પરિત્રાણ કરો. પછી ત્રીજા ભાગની ઊર્જા આપી દે છે શિવજીને કે તમે સંહાર કરો. (સંકલનઃ નીતિન વડગામા)
    Click here to Read More
    Previous Article
    ડૂબકી:હજાર માઈલની યાત્રાનું પહેલું ડગલું
    Next Article
    માય સ્પેસ:‘બુક થિફ’ : મૃત્યુના મુખે કહેવાતી જિંદગીની કથા

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment