Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડૂબકી:હજાર માઈલની યાત્રાનું પહેલું ડગલું

    22 hours ago

    બીજા વિશ્વ યુદ્ધ પછી જાપાનના લોકોએ એમની વેરવિખેર થયેલી અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે નવીન અભિગમ વિકસાવ્યો. સમય જતાં એ અભિગમ ‘કાઇઝન ફિલોસોફી’ તરીકે જાણીતો થયો. એમાં નાનાંનાનાં કાર્યો પર ધ્યાન આપવાનો વિચાર સમાયેલો છે. જાપાની લોકો માને છે કે નાનાં કાર્યો મોટાં પરિણામો તરફ લઈ જાય છે. આ અભિગમને લીધે કશુંક નવું કરવાની બાબતમાં ડર લાગતો નથી. કામકાજ અને જીવનમાં શિસ્ત આવે છે. સાથે મળીને કામ કરવાની ભાવના વિકસે છે. એક નાનો આરંભ લાંબા સમયની સફળતા તરફ દોરી જાય છે. આજે આપણે ‘શિખરપ્રેમી’ બની ગયા છીએ. કોઈને ધીરેધીરે પહાડ ચડવાની પ્રક્રિયામાં આનંદ આવતો નથી. નાની નાની ટૂકો ઉપર પહોંચી, થોડો વિશ્રામ લઈ, ફરી ચઢાણ શરૂ કરવામાં રસ રહ્યો નથી, સૌને પર્વતના સૌથી ઊંચા શિખરે એક છલાંગમાં પહોંચી જવું છે. આજે અસાધારણ સિદ્ધિઓનાં ગાન ગાવામાં આવે છે. સોશિયલ મીડિયા પર મોટી સફળતાઓને બિરદાવવામાં આવે છે. કંપનીઓ ઝડપથી લક્ષ્યો પાર પાડનાર કર્મચારીને રિવોર્ડ આપે છે. સમાજ મહાન ક્રાંતિઓ, મોટીમોટી શોધો અને સુપ્રસિદ્ધ વ્યક્તિઓનાં કાર્યોને નોંધવાનું વલણ ધરાવે છે. એવા વાતાવરણમાં આપણે માની લઈએ છીએ કે સફળતા માત્ર મહાન કાર્યોથી જ મળે છે. પરંતુ જીવનમાં સફળતા અને સંતોષ માત્ર મહાન કાર્યોથી જ મળતાં નથી, સાતત્યપૂર્ણ નાનાં કામો કરતા રહેવાની નિષ્ઠાનું પણ મહત્ત્વ છે. ચીનના મહાન ફિલસૂફ લાઓ ત્સે અથવા લાઓઝી વર્ષો પહેલાં કહી ગયા છે કે હજાર માઈલની યાત્રા એક નાના ડગલાંથી શરૂ થાય છે. પહેલું ડગલું નાનકડું હોય, દેખીતી રીતે એનું કશું મૂલ્ય ન હોય, છતાં એના વગર લાંબી યાત્રાનો આરંભ કરવો શક્ય નથી. નાના આરંભ અને સામાન્ય લાગે તેવા પ્રયાસોનું મહત્ત્વ સમજવાનો અભિગમ મોટી મહત્ત્વાકાંક્ષાઓનો વિરોધી નથી, પરંતુ એ યાદ અપાવે છે કે અસાધરણ કાર્યોનાં બીજ પહેલી નજરે ક્ષુલ્લક લાગે એવી કોઈ નાનકડી પહેલમાં પડેલાં હોય છે. ભવ્ય ઇમારતનું ભાવિ એના પાયામાં મૂકેલી પહેલી ઈંટ પર લખાય છે. મધર ટેરેસાએ એમનું જીવન માનવસેવાને અર્પણ કરી દીધું હતું. એમણે એની શરૂઆત વૈશ્વિક સ્તરની સંસ્થાથી કરી નહોતી. એક દિવસ એમણે કોલકાતાની સડક પર મૃત:પ્રાય સ્થિતિમાં પડેલા ગરીબ માણસને જોયો. મધર ટેરેસા એને હૉસ્પિટલમાં લઈ ગયાં અને સારવાર કરાવી. એ ઘટનામાં મધર ટેરેસાના સેવાયજ્ઞનાં મૂળ જોઈ શકાય છે. એમણે ગરીબ લોકોની સેવા કરીને માનવસેવાની વ્યાખ્યા બદલી નાખી. એમણે કહ્યું હતું: ‘દરેક જણ મોટાં કાર્યો ન કરી શકે, પરંતુ દિલમાં કરુણા હોય નાનાં કાર્યો અવશ્ય કરી શકે.’ કોઈ વિદ્યાર્થી દરરોજ ત્રીસ મિનિટ અભ્યાસ કરવાનો સંકલ્પ કરે તો એને તરત સફળતા મળતી નથી, પરંતુ નિયમિત અભ્યાસ કરવાના શિસ્તમાંથી આત્મવિશ્વાસ વધે છે અને બૌદ્ધિક વિકાસ થાય છે. ટીપે ટીપે સરોવર ભરાય એમ. એક લેખક લગભગ ચારસો પાનાંની મોટી નવલકથા લખવા માગતો હતો. એને પ્રશ્ન થયો કે એટલાં બધાં પાનાંની લખવાનું કામ ક્યારે પૂરું કરી શકશે? પછી એણે એક સાદો નિર્ણય લીધો કે એ રોજ એક પાનું લખશે. પરિણામે એક વર્ષ જેટલા સમયમાં એ નવલકથા લખવાનું કામ પૂરું કરી શક્યો. ગાંધીજીએ દાંડીકૂચ કરી ત્યારે એ બ્રિટિશ શાસન સામે લડવા માટે મોટાં શસ્ત્રોની શોધમાં નીકળ્યા નહોતા. એમણે સમુદ્રકાંઠા પરથી ચપટી મીઠું ઉપાડી ભારતની આઝાદીના સંગ્રામને નવી દિશા આપી. ૧૯૫૫ના સમયમાં અમેરિકાના અલાબામાના કાયદા પ્રમાણે અશ્વેત લોકો બસમાં પાછળની સીટ પર જ બેસી શકતા. એમને આગળની સીટ પર બેસવાની મનાઈ હતી. કોઈ અશ્વેત વ્યક્તિ આગળની સીટમાં બેઠી હોય તો એણે શ્વેત લોકો માટે સીટ ખાલી કરવી પડતી. એક દિવસ અશ્વેત મહિલા રોસા પાર્ક્સ બસની આગળની સીટ પર બેઠી હતી. ડ્રાઇવરે એને સીટ ખાલી કરવા કહ્યું, એ ઊભી ન થઈ. પોલીસે એની ધરપકડ કરી. આ ઘટનાથી અશ્વેત પ્રજાનું સ્વાભિમાન જાગી ઊઠ્યું અને એમણે ભેદભાવપૂર્ણ કાયદાનો વિરોધ કરવા આંદોલન શરૂ કર્યું. એ આંદોલન એક વર્ષથી પણ વધારે સમય ચાલ્યું. અંતે સુપ્રીમ કોર્ટે રંગભેદનો અન્યાયી કાયદો સંવિધાનવિરોધી જાહેર કર્યો. રોસા પાર્ક્સના નાના વિરોધની ઘટના અમેરિકાની સિવિલ રાઇટ્સ મૂવમેન્ટમાં અશ્વેત લોકોનો મોટો વિજય બની ગયો. મનોવૈજ્ઞાનિકો કહે છે તેમ નાની સફળતા અત્યંત શક્તિશાળી સાબિત થાય છે. દરેક નાનકડી પ્રગતિથી વ્યક્તિનું મનોબળ વધે છે અને આગળ વધવાની પ્રેરણા મળે છે. નાનાં લક્ષ્યો પૂરાં કરવાથી આપણું મગજ હકારાત્મક ઊર્જાથી ભરાઈ જાય છે. એનો લાભ બીજા લોકોને પણ મળે છે. વિદેશની સ્કૂલના એક શિક્ષકે બધાં વિદ્યાર્થીઓને અટકથી નહીં, પણ નામથી બોલાવવાનું શરૂ કર્યું. બહુ સામાન્ય જણાતા એ નિર્ણયનો લાભ વિદ્યાર્થીઓને મળ્યો. ઘણાં વર્ષો પછી એ શાળામાં ભણેલા એક વિદ્યાર્થીએ બહુ મોટી સફળતા મેળવી. એના અભિવાદનના કાર્યક્રમમાં એણે એની સફળતાનો યશ પેલા શિક્ષકને આપ્યો હતો. એણે કહ્યું: ‘અમારા સાહેબે અમને સન્માન આપી અમારામાં નવી ઓળખ જગવી હતી. સાહેબ મને મારા નામથી બોલાવતા ત્યારે મને લાગતું કે હું પણ આ દુનિયામાં મહત્ત્વની વ્યક્તિ છું. મારો આત્મવિશ્વાસ બુલંદ બન્યો અને મારું જીવન બદલાઈ ગયું.’ માનવજીવન કોઈ ભવ્ય પ્રદર્શન નથી. દરરોજ કરેલાં નાનાં કાર્યોનો સમૂહ છે. લોકોની નજરે પણ ન ચડે એવાં કાર્યોમાં આપણું પોતાનું અને દુનિયાનું ભવિષ્ય ઘડાતું જાય છે. સાચી સફળતા સીધા સૌથી ઊંચા શિખર પર પહોંચવામાં નથી. એક એક ડગ ભરી, બીજા લોકોનો હાથ પકડી, નાનાનાના પડાવોમાં આનંદ શોધવાથી જીવન સાર્થક થાય છે. દુનિયાએ પ્રશંસામાં પાડેલી તાળીઓ ક્ષણિક હોય છે, નાનાં કાર્યોથી મળતો સંતોષ જીવનભરની મૂડી બની રહે છે.
    Click here to Read More
    Previous Article
    મજા તંત્ર:કન્ટેન્ટપ્રધાન ભારત
    Next Article
    માનસ દર્શન:શ્રવણનો વિશેષ મહિમા છે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment