Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મૂવી માર્વેલ:હિન્દુસ્તાન કી કસમ: સિનેમેટિક સર્જિકલ સ્ટ્રાઈક

    1 day ago

    મીરાં ત્રિવેદી ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક ચેતન આનંદે સાઠના દાયકામાં ભારત-ચીન યુદ્ધ પર આધારિત ‘હકીકત’ ફિલ્મ બનાવી. તેમણે ચીન સાથેના યુદ્ધની વીર ગાથાને સર્વાંગ સુંદર કચકડા પર ઉતારી. 1971ના ભારત-પાકિસ્તાનના યુદ્ધની યાદો તાજી હતી ત્યારે તેમણે દેશપ્રેમ અને વીરતાના સંગમ સમી ફિલ્મ ‘હિન્દુસ્તાન કી કસમ’ રજૂ કરી. તેમાં ચેતન આનંદે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય વાયુસેનાના અદમ્ય સાહસને મોટા પડદે જીવંત કરી બતાવ્યું. ‘હિન્દુસ્તાન કી કસમ’ 1971ના ‘ઓપરેશન કેક્ટસ લિલી’ પર આધારિત છે. ફિલ્મની વાર્તા ભારતીય વાયુસેનાના પાઇલટ્સ અને તેમના અતૂટ મનોબળની આસપાસ વણાયેલી છે. વાર્તામાં પાકિસ્તાને કરેલા હવાઈ હુમલાઓનો ભારતીય વાયુસેના જડબાતોડ જવાબ આપે છે તે દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સરહદ પર ખેલાયેલા જંગ ઉપરાંત પાઇલટ્સના અંગત જીવન, તેમની સંવેદનાઓ અને દેશ માટે સર્વસ્વ ન્યોછાવર કરવાની તેમની તમન્નાને પણ સુંદર રીતે વણી લેવામાં આવી છે. આ ફિલ્મમાં તે સમયના દિગ્ગજ કલાકારોની માતબર ફોજ હતી. અભિનેતા રાજકુમાર, પ્રિયા રાજવંશ, બલરાજ સહાની, અમજદ ખાન, અને પરીક્ષિત સહાનીએ આસમાની આફતનો અભૂતપૂર્વ સામનો કરીને આ ફિલ્મને દમદાર બનાવી. રાજકુમારે વાયુસેના અધિકારી તરીકે પોતાની લાક્ષણિક અદા અને સંવાદો દ્વારા ફિલ્મમાં પ્રાણ ફૂંક્યા. તેમની ગંભીરતા અને રુઆબદાર વ્યક્તિત્વના લીધે પાઇલટનું પાત્ર દીપી ઊઠ્યું. મંજાયેલા કલાકાર બલરાજ સહાનીએ પોતાના ભાવસભર અભિનયથી ફિલ્મને વધુ સંવેદનશીલ બનાવવામાં સકારાત્મક ફાળો આપ્યો. ચેતન આનંદની ફિલ્મો હંમેશાં ટેક્નિકલ દૃષ્ટિએ સમય કરતાં આગળ રહી છે. આજથી સાડા પાંચ દાયકા પહેલાંના સમયની જરા કલ્પના કરો તો. ખ્યાલ આવશે કે તે વખતે યુદ્ધનાં દૃશ્યોને પડદા પર જીવંત કરવા એ લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું. ત્યારે તો વી. એફ. એક્સ જેવી ટેક્નોલોજી દૂર દૂર ક્ષિતિજે પર દેખાતી નહોતી. એવા સંજોગોમાં ફિલ્મ મેકરે અસલી યુદ્ધ વિમાનો ‘મિગ-21’ અને ‘જીનેટ’નો ઉપયોગ કરીને જે રીતે હવાઈ યુદ્ધનાં દૃશ્યોનું વાસ્તવિકની લગોલગ ઊભું રહે એવું ફિલ્માંકન કર્યુ. વિદેશની વોર મૂવીઝની હરોળમાં બેસી શકે તેવું આ સબળ ચિત્રાંકન હતું. ફિલ્મનાં એરિયલ શોટ્સ-ડોગફાઈટનાં દૃશ્યો પ્રેક્ષકોના રુંવાડા ઊભા કરવા માટે પૂરતાં છે. કૈફી આઝમીના શબ્દો અને મદન મોહનના સંગીતને લીધે ફિલ્મ અમર બની. ‘હર તરફ અબ યહી અફસાને હૈ…’ અને ‘હે રાત રાતભર જાગના…’ ગીતમાં દેશભક્તિ અને વિરહનો સુંદર સમન્વય જોવા મળે છે. કૈફી આઝમીની કલમે સૈનિકોની વેદના અને વીરતાને સાહિત્યિક ઓપ આપ્યો. ફિલ્મના મર્મસ્પર્શી અને રાષ્ટ્રવાદથી પ્રેરાયેલા સંવાદો પ્રેક્ષકોના હૃદયમાં રાષ્ટ્રપ્રેમની જ્યોતને પ્રજ્વલિત રાખી. યુદ્ધના મેદાનમાં શહીદ થયેલા વીરોને અપાયેલી આ શ્રદ્ધાંજલિ હતી. આ ફિલ્મ એ માત્ર ભારત- પાકિસ્તાનના યુદ્ધની કથા નથી, પણ ભારતીય સૈન્યની ટેક્નિકલ ક્ષમતા અને વ્યૂહાત્મક સૂઝબૂઝના શ્રેષ્ઠ પ્રદર્શનરૂપ છે. ‘હિન્દુસ્તાન કી કસમ’ એ ભારતીય સિનેમાના ઇતિહાસની એક એવી ધરોહર છે જે દેશભક્તિના સિનેમાને ગૌરવ અપાવે છે. ચેતન આનંદના માર્ગદર્શન હેઠળ બનેલી આ કૃતિ આજે 53 વર્ષ પછી પણ એટલી જ પ્રસ્તુત લાગે છે. જો તમને સાચા અર્થમાં ભારતીય સૈન્યની શૌર્યગાથા અને ઉત્તમ અભિનયનો સંગમ જોવામાં રસ-રુચિ હોય, તો આ ફિલ્મ જોવી જોઇએ. ‘હિન્દુસ્તાન કી કસમ’ની અસલી તાકાત ‘હિન્દુસ્તાન કી કસમ’ માટે ચેતન આનંદે ભારત સરકાર અને વાયુસેના પાસેથી ખાસ મંજૂરી મેળવી હતી. ફિલ્મમાં દર્શાવેલાં તમામ યુદ્ધ વિમાનો (મિગ-21, સુખોઈ-7 અને જીનેટ) અસલી હતાં. પાઇલટ્સ પણ અસલી હતા. 1971ના યુદ્ધમાં સક્રિય ભાગ લેનારા ફ્લાઇટ લેફ્ટનન્ટ સમર શાહ અને મનવીર સિંહએ આ ફિલ્મમાં યુદ્ધ વિમાનો ઉડાડ્યાં હતા. તે જમાનામાં કેમેરા ખૂબ ભારે હતા. ફાઈટર જેટની કોકપિટમાં કેમેરા ગોઠવવા અને હવામાં ઊડતાં વિમાનમાંથી બીજા વિમાનનું શૂટિંગ કરવું એ તે સમયની સૌથી અટપટી પ્રક્રિયા હતી. સિનેમેટોગ્રાફરે જીવના જોખમે વિમાનના ખુલ્લા દરવાજા પાસે ઊભા રહીને એરિયલ શોટ્સ લીધાં હતાં. ફિલ્મના શૂટિંગ દરમિયાન અસલી વાયુસેનાના અધિકારીઓ પણ રાજકુમારની વાત કરવાની શૈલી અને તેમના પર્સનાલિટીથી પ્રભાવિત થયા હતા. રાજકુમારે પાઇલટનો ગણવેશ એટલી ગરિમા સાથે પહેર્યો હતો કે સેટ પર લોકો તેમને ખરેખર ઓફિસર માનીને સલામ ભરતા હતા. જોકે, વાયુસેનાના સ્ક્વોડ્રન લીડર રાજીવ શુક્લાની ભૂમિકા માટે રાજકુમાર પ્રથમ પસંદગી નહોતા; આ રોલ પહેલા નવીન નિશ્ચલને ઓફર થયો હતો. બલરાજ સહાની અને તેમના પુત્ર પરીક્ષિત સહાની આ ફિલ્મમાં સાથે જોવા મળ્યા. તેમને ફિલ્મમાં લેવા માટેનો આગ્રહ રાજકુમારે કર્યો હતો. ‘શોલે’ના ગબ્બર તરીકે જાણીતા થતા પહેલાં અમજદ ખાને આ ફિલ્મમાં પાકિસ્તાની પાઇલટની નાની પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જ્યાં ખરેખર 1971નું યુદ્ધ થયું હતું એવાં સ્થળોએ ફિલ્મનાં ઘણાં દૃશ્યો શૂટ કરવામાં આવ્યાં હતાં. પશ્ચિમી સરહદના એરબેઝ પર શૂટિંગ કરતી વખતે કલાકારો અને ક્રૂ મેમ્બર્સે કડક લશ્કરી શિસ્તનું પાલન કરવું પડતું હતું. લતા મંગેશકરના કંઠે ગવાયેલું ગીત ‘હૈ તેરે સાથ મેરી વફા…’ મૂળભૂત રીતે ત્રણ અંતરા સાથે રેકોર્ડ કરવામાં આવ્યું હતું, પરંતુ ફિલ્મની લંબાઈ અને રેકોર્ડની મર્યાદાને કારણે એક અંતરો કાઢી નાખવામાં આવ્યો હતો. વર્ષો પછી સંગીતકાર મદન મોહનના અંગત સંગ્રહમાંથી આ સંપૂર્ણ ગીત મળી આવ્યું હતું. ફિલ્મનું અન્ય એક ગીત ‘દુનિયા બનાને વાલે યહી હૈ મેરી ઇલ્તેજા…’ ફિલ્મમાં ગીત તરીકે નહીં પણ પૃષ્ઠભૂમિમાં અલગ-અલગ ટુકડાઓમાં વગાડવામાં આવ્યું હતું. આમ, બેકગ્રાઉન્ડ મ્યુઝિક તરીકે ગીતોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાજકુમાર પર ફિલ્માવાયેલું અને મન્ના ડેએ ગાયેલું ગીત ‘હર તરફ અબ યહી અફસાને હૈ…’ રસ્તા પર શૂટ કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    વિકાસની વાટે:અરીસા સામે ઊભા રહી પોતાની જાતને જોવી, તેને સ્વીકારવી
    Next Article
    મજા તંત્ર:કન્ટેન્ટપ્રધાન ભારત

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment