Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શબ્દ સકળ પૃથ્વીના:નર્મદાયાત્રા વહેતા પ્રવાહમાં…

    1 day ago

    અજયસિંહ ચૌહાણ ત્રણ દિવસ પછી ચૈત્ર સુદ એકમ (19 માર્ચ, 2026)ના દિવસે નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા શરૂ થશે. ભારતની મોટાભાગની મહત્વની નદીઓ ગંગા, યમુના, બ્રહ્મપુત્ર, મહાનદી, ગોદાવરી, કાવેરી ઉત્તરથી દક્ષિણ કે પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. નર્મદા એમાં અપવાદ છે. એ પૂર્વથી સીધી રેખામાં ભારતના જાણેકે ઉત્તર દક્ષિણ એમ બે ભૌગોલિક ભાગ પાડતી પશ્ચિમ તરફ વહે છે. કાકાસાહેબ કાલેલકરે ‘હિમાલયનો પ્રવાસ’માં લખ્યું છે: ‘લાંબા પ્રવાસમાં કોઈ પણ ઠેકાણે જો નદીનો પ્રવાસ દક્ષિણથી ઉત્તર તરફ જાય તો એ મોટું આશ્ચર્ય ખરું. આવી ઉત્તરવાહિની ગંગા ત્રણ ઠેકાણે છે.’ નર્મદાનું પણ કઈંક આવું જ છે. તિલકવાડાથી રામપુરા વચ્ચે નર્મદા ઉત્તર તરફનો માર્ગ લે છે. આ માર્ગને પવિત્ર ગણી લોકો એની પરિક્રમા કરે છે. નર્મદા પરિક્રમા વિશે તો ઘણું લખાયું છે. પણ આજે એવા પુસ્તકનો પરિચય કરાવવો છે; જેમાં નર્મદામાં તરવાની વાત હોય. એવી તરણ-સાહસકથા એટલે ‘નર્મદા કી ધારા સે’. એનો ગુજરાતી અનુવાદ ‘નર્મદાયાત્રા વહેતા પ્રવાહમાં...’(વર્ષ 2022) નામે ઉર્મિલા શુક્લે કર્યો છે. ઉર્મિલા શુકલ એટલે ગુજરાતના જાણીતા અભ્યાસી બળવંત જાનીનાં પત્ની. એ ગુજરાતી વિષયના અધ્યાપિકા રહ્યાં. એમણે રવીન્દ્રનાથ ઠાકુર અને રમાકાંત રથની નવલકથાઓના ગુજરાતી અનુવાદ કર્યાં છે. ‘નર્મદાયાત્રા વહેતા પ્રવાહમાં...’ એક વિશિષ્ટ પ્રકારનું પુસ્તક છે. એમાં વાત છે; તરતાં તરતાં નર્મદાના ઉદ્દગમથી સંગમ સુધી પહોંચવાની. અમરકંટકથી સાગરસંગમ તરતાં? વિચાર જ કેટલો રોમાંચક છે. 1997ની સાલમાં ભારતીય સ્વતંત્રતાનાં 50 વર્ષ પૂર્ણ થતાં હતાં. એની યાદગાર ઉજવણી કરવા જબલપુરના ‘નર્મદા લોંગ ડિસ્ટેન્સ સ્વિમિંગ એસોસિયેશન’ના તરવૈયાઓએ આ તરણયાત્રાનું આયોજન કર્યું. એને નામ આપ્યું ‘શાંતિયાત્રા’. એમાં કુલ બાવીસ તરવૈયા જોડાયા. 10 સપ્ટેમ્બર, 1997ને દિવસે આ યાત્રા શરૂ થઈ અને સોળ મહિના દરમિયાન જુદાં જુદાં ચૌદ ચરણમાં 3 ડિસેમ્બર, 1998માં પૂરી થઈ. આ યાત્રાવૃતાંતની ખૂબી એ છે કે એ તરવૈયાઓના મુખે નથી કહેવાયું. હોડીમાં બેસી તરવૈયાની સતત સાથે રહેલા ગોવિંદપ્રસાદ મિશ્રએ આ અનુભવો નોંધ્યા હતા; જેને પુસ્તકનું સ્વરૂપ આપ્યું શિવકુમાર તિવારીએ. યાત્રાનું પ્રથમ ચરણ અમરકંટકથી બરગીબંધ સુધીનો મોટો ભાગ તરવૈયાઓએ ચાલીને પૂરો કરવો પડ્યો કારણ કે, એમાંનો ઘણોખરો ભાગ છીછરો હોવાથી તરવા યોગ્ય નથી. મંડલાથી બરગી સુધી નર્મદા તરવા યોગ્ય છે પણ તેમાંય લાગલગાટ તરી શકાતું નથી કારણ કે, દૂર સુધી પાણી સ્થિર રહે છે અને કિનારા પર કાંપ જામેલો હોય છે. તરણયાત્રાની શરૂઆત 10 સપ્ટેમ્બર, 1997ના રોજ બરગીબંધથી થઈ. નર્મદાના ઘસમસતા પ્રવાહમાં તરવૈયાઓ ‘નર્મદે હર’ના જયઘોષ સાથે ખાબક્યા. થોડા સમય પછી મુશ્કેલીઓ સામે આવવા લાગી. ‘નદીના બંને કાંઠે કાંટાળા ઝાંખરાં અને અર્ધડૂબેલાં વૃક્ષો ખૂંપતાં હતાં. ખરું જોતાં આ વર્ષે સપ્ટેમ્બર સુધી વરસતા રહેલા વરસાદે એક બાજુ સંપૂર્ણ નર્મદા જળને ડહોળું કરી મૂક્યું હતું; તેમાં વળી નદીના કિનારાઓ હજુ પૂર્ણ પણે ઓઘનાં (પૂરનાં) પાણી ઓસર્યાં બાદ સૂકાયા ન હતા. કિનારાના ખડકોનાં શિખરો પાણીની સપાટીથી ઉપસેલા દેખાઈ રહ્યા હતા પણ એવું અનુમાન કરવું અઘરું હતું કે પાણીમાં ડૂબેલા પથ્થરોની બનાવટ કેવીક છે, તેનો વિસ્તાર કેટલો છે. આમ કિનારે તરવામાં બે જોખમ હતા. એક તો ખૂંપેલા ઝાંખરાઓમાં ફસાઈ જવાનું અને બીજુ કોઈ ખડક સાથે અફળાવાનું અથવા તો કોઈ કોતરમાં સપડાઈ જવાનું.’ ઝાડી-ઝાંખરા, ખડકો ઉપરાંત નર્મદાજીમાં તરવામાં એક બીજું મોટું જોખમ એટલે એમાં રહેલા મગરો. તરવૈયાઓએ સતર્ક રહીને મગરોથી પણ બચતા રહેવાનું હતું. આવી અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ આ તરવૈયા દિવસનું વીસથી પચ્ચીસ કિલોમીટરનું અને ક્યારેક તો ત્રીસ-પાંત્રીસ ક્લિોમીટરનું તરણ પૂરું કરતાં. એ રીતે આ તરણ યાત્રાવૃત્ત એક પ્રકારની સાહસકથા છે. તરણયાત્રાના અંતિમ પડાવે નર્મદાના બદલાયેલા રૂપની વાત કરતાં લખ્યું છે, ‘આગળ વધતાં ભરૂચની બહાર ઉપનગરીય ક્ષેત્રમાં અમે પહોંચ્યા. ક્યાંય કોઈ ઘાટ દેખાતો નથી. નર્મદાના કાંઠા શુષ્ક અને રોનક વગરના દેખાય છે. ગંદકીના ઢગલાં છે, અને ક્યાંક ક્યાંક મડદા બળતા દેખાયાં.’ નર્મદાનું આ રૂપ ભાવક તરીકે આપણને પણ નિઃશબ્દ કરી દે છે. આ પુસ્તકમાં નર્મદા કિનારાની પ્રકૃતિ, ધાર્મિક સ્થાનો, લોકસંસ્કૃતિના વગેરેનાં વર્ણનોથી પુસ્તક રસપ્રદ બન્યું છે. ડૉ. ઊર્મિલાબહેન શુકલે ઘણી જહેમતથી આ પુસ્તકને ગુજરાતીમાં ઉતાર્યું છે. મૂળ હિન્દી ભાષાની લાક્ષણિકતાઓ જળવાઈ રહે અને છતાં વાચકને લાગે કે આ ગુજરાતી ભાષાની કૃતિ છે એ આ અનુવાદનું એક જમા પાસું છે. ગુજરાતના નર્મદા વિષયક સાહિત્યમાં આ વિલક્ષણ કૃતિ મહત્ત્વનું સ્થાન પામે એવી છે.
    Click here to Read More
    Previous Article
    સમયાંતર:યુદ્ધભૂમિ મધ્યપૂર્વ : નથી મધ્યમાં, નથી પૂર્વમાં!
    Next Article
    મરક મરક:‘રેડ સિગ્નલ’ બે માણસ વચ્ચે ઝઘડો કરાવે છે!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment