Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમયાંતર:યુદ્ધભૂમિ મધ્યપૂર્વ : નથી મધ્યમાં, નથી પૂર્વમાં!

    1 day ago

    લલિત ખંભાતિયા દેશદુનિયામાં દંડો જમાવીને બેઠેલા બ્રિટિશરો નકશા પર લીટા આંકી દેશ બનાવતા હતા. નકશા પર સ્થળો જોઈને નામ નક્કી કરતાં હતાં. વધુમાં વધુ શોષણ થઈ શકે એ માટે બ્રિટિશરોએ વિવિધ વિભાગો બનાવી રાખ્યા હતા. 1858માં વિભાગ સ્થપાયો જેનું નામ હતું ‘બ્રિટિશ ઈન્ડિયા ઑફિસ’. લંડન સ્થિત ઑફિસનું કામ ભારત સબંધિત દસ્તાવેજો સાચવવાનું હતું. દુનિયાના 100થી વધુ દેશોમાં બ્રિટિશરોનું શોષણરાજ ચાલતું હતું. એટલે આવા વિભાગો પણ જરૂરી હતા. એ વખતે યુરોપના દક્ષિણ-પૂર્વ છેડેથી ઓટોમાન સામ્રાજ્ય શરૂ થતું હતું. પૂર્વમાં આઘે ભારત પછી તો ચીન અને જાપાન જેવા પ્રદેશો હતા. તો પછી ઓટોમાનથી ભારતીય ઉપખંડ સુધીના વચલા પ્રદેશને શું કહેવું? મિડલ-ઇસ્ટ બીજુ શું? બ્રિટિશ અધિકારીઓએ દુનિયાના આફ્રિકા-એશિયા-યુરોપમાં ફેલાયેલા ભાગને મિડલ-ઇસ્ટ નામ આપી દીધું. બ્રિટિશરોનું જ રાજ હતું એટલે એ શબ્દ આખી દુનિયામાં પ્રસિદ્ધિ પામ્યો. ગુજરાતીમાં એનું મધ્યપૂર્વ નામકરણ પણ થયું. નકશો ખોલીને જોઈએ તો ખબર પડે કે મધ્યપૂર્વ (મિડલ-ઇસ્ટ) નામે ઓળખાતો ભાગ મધ્યમાં નથી કે પૂર્વમાં પણ નથી. લંડનમાં બેસીને કોઈ જુએ તો એ એમને મધ્યપૂર્વમાં લાગે, પણ લંડનમાં બેસીને આજે 21મી સદીનો પા ભાગ વીતી ગયા પછી શા માટે કોઈએ જોવું જોઈએ? *** બ્રિટિશરોએ તો એમના સ્વાર્થ મુજબ નામ આપી દીધું. એને પ્રસિદ્ધિ અપાવાનું કામ અમેરિકાએ કર્યું. આલ્ફ્રેડ થેયર મહાન (મહાન અટક તેમના આયરિશ પૂર્વજો પાસેથી મળી હતી) અમેરિકી નૌકાદળનો અધિકારી હતો. 1902માં તેણે અમેરિકાના નેશનલ રિવ્યૂમાં ‘ધ પર્શિયન ગલ્ફ એન્ડ ઈન્ટરનેશનલ રિલેશન’ નામે લેખ લખ્યો. એમાં લખ્યું કે ભારત તરફના સમુદ્રી રસ્તે આવતો મિડલ-ઇસ્ટ નામનો વિસ્તાર મહત્ત્વનો છે. ત્યાં લશ્કરી થાણાં-ચેકપોસ્ટ વગેરે હોવાં જોઈએ. મિડલ-ઇસ્ટ શબ્દ તેણે ઈરાનના અખાત (પર્શિયન ગલ્ફ) આસપાસના દેશો માટે વાપર્યો હતો. પણ તેના ઉપયોગ પછી શબ્દ જરા વધારે ચલણમાં આવ્યો. બ્રિટન બહાર વપરાતો થયો. આલ્ફ્રેડના લેખનનો સાર એ હતો કે યુરોપ-અમેરિકા અને એશિયાના ભારત જેવા દેશોને જોડતા મધ્યભાગનું મહત્ત્વ ઘણું છે. એમની વાત સાચી હતી અને આજે તો બસ્સો ટકા સાચી સાબિત થઈ રહી છે. એમાં મિડલ-ઇસ્ટ શબ્દને વધારે પ્રસિદ્ધિ મળી. એટલાન્ટિકના સામે કાંઠે અમેરિકાએ શબ્દને પ્રસિદ્ધિ આપી તો એટલાન્ટિકના આ કાંઠે લંડનમાં બેસતા પત્રકાર નામે ઈગ્નાટિઅસ વેલેન્ટાઈન ચિરોલે બ્રિટિશ અખબાર ‘ધ ટાઈમ્સ’માં 1902-03 દરમિયાન ‘ધ મિડલ-ઇસ્ટ ક્વેશ્ચન્સ’ નામે લેખમાળા લખી. બ્રિટિશરોને મધ્યપૂર્વમાં શું પ્રશ્નો નડી શકે તેની વાત એમાં કરાઈ હતી. લંડનની બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા ઓફિસમાં પેદા થયેલો એ શબ્દ એ રીતે લોકમુખે પહોંચતો થયો. *** 1930નો સમય આવ્યો ત્યારે બ્રિટિશરો માટે મધ્યપૂર્વમાં ડખા વધવા લાગ્યા. એટલે બીજા વિશ્વ યુદ્ધ ટાણે 1939માં બ્રિટિશ સેનામાં ‘મિડલ-ઇસ્ટ કમાન્ડ’ નામે વિભાગ ઊભો કરી દીધો. ઈજિપ્તના કૈરોમાં તેનું મુખ્યાલય બન્યું કેમ કે ઈજિપ્ત ત્યારે બ્રિટિશ તાબામાં હતું. બ્રિટિશ ઓફિસથી અમેરિકા પહોંચેલો, અમેરિકાથી ફરી વળી બ્રિટિશ અખબારમાં ચમકેલો મિડલ-ઇસ્ટ શબ્દ ત્યાં પહોંચ્યો જે ભૂમિને મિડલ-ઇસ્ટમાં કહેવામાં આવતી હતી. બીજા વિશ્વ યુદ્ધની પૂર્ણાહુતિ (1945) પછી જગતનું નવીનીકરણ શરૂં થયું. બ્રિટિશ સતાઓ ઊખડવા માંડી. અમેરિકા-રશિયાનું પ્રભુત્વ વધવા લાગ્યું. આઈઝનહોવર પ્રમુખ હતા ત્યારે 1957માં અમેરિકાએ પણ એ વિભાગને ગંભીરતાથી લઈને લિબિયાથી લઈને પાકિસ્તાન સુધીના ભાગને મિડલ-ઇસ્ટ તરીકે ઓળખવાની શરૂઆત કરી. *** બીજા વિશ્વ યુદ્ધ પહેલાંનો સમય યુરોપના દેશોનો હતો. બીજા વિશ્વ યુદ્ધ પછી અમેરિકા-રશિયા (સોવિયેત)નો દાયકો આરંભાયો. અગાઉ યુરોપની અને પછી અમેરિકા-રશિયાની માનસિકતા ‘મેરા વચન હી મેરા શાસન’ જેવી હતી. ત્યાં વપરાતો થયેલો શબ્દ મિડલ-ઇસ્ટ જગતમાં ફેલાતો થયો. દક્ષિણ અમેરિકા ખંડ કે આફ્રિકા ખંડના દેશો ક્યારેય એવી સ્થિતિમાં હતા નહીં કે એ કોઈ પ્રદેશનું નામ પાડી શકે. ત્યાં પોતાના ચોકી-પહેરા ઊભા કરી શકે. આ તરફ એશિયામાં જાપાન સૌથી શક્તિશાળી હતું તેને આવા નામકરણમાં રસ પડતો ન હતો. એટલે પૂર્વના દેશોમાંથી આવેલું નામ મિડલ-ઇસ્ટ ધરતીના પૂર્વથી પશ્ચિમ છેડા સુધી ફરી વળ્યું. *** ભારતમાંથી જોઈએ તો મધ્યપૂર્વ એ પશ્ચિમે, આથમણી દિશાએ છે. ચીનથી કે જાપાનથી જોવામાં આવે તો પણ પશ્ચિમે છે. દુનિયા ગોળ છે એટલે દરેક દેશ કોઈ ને કોઈ દેશની પૂર્વ દિશામાં છે, પશ્ચિમે છે, દક્ષિણે છે અને ઉત્તરે પણ છે. ભારતથી જોઈએ તો રશિયા ઉત્તરે છે પણ યુરોપ માટે એ પશ્ચિમ અને પૂર્વ બંને દિશામાં છે. વાત એટલી જ કે મિડલ-ઇસ્ટ શબ્દ એ યુરોપવાદનો વૈશ્વિક પુરાવો છે. યુરોપના દેશોનો એક સમયે એવો દબદબો હતો. એટલે એમણે નક્કી કરેલાં નામો આજેય વપરાય છે. *** તો પછી સવાલ એ છે કે મિડલ-ઇસ્ટમાં દેશો કયા કયા આવે? એનો કોઈ ચોક્કસ આંકડો નથી કે નથી સંખ્યાની સ્પષ્ટતા. બ્રિટિશરોએ નક્કી કર્યું ત્યારે પાકિસ્તાન નામનો કોઈ દેશ ન હતો. ત્યાં સુધીનો પ્રદેશ મિડલ-ઇસ્ટ ગણ્યો હતો. હવે પાકિસ્તાન મિડલ-ઇસ્ટમાં ગણાય? જે દેશોએ મધ્યપૂર્વ નામના શબ્દને જન્મ આપ્યો એ દેશોની પાસે અત્યારે મિડલ-ઇસ્ટની સ્પષ્ટ વ્યાખ્યા જ નથી. ઓટોમાન સામ્રાજ્ય હવે રહ્યું નથી ત્યાં તુર્કિયે છે. તુર્કિયેથી લઈને પાકિસ્તાન સુધીના દેશોમાં મધ્યપૂર્વનો ફેલાવો છે. જેમ કે.. આરબ રાષ્ટ્રો : બહેરિન, કુવૈત, ઓમન, કતાર, સાઉદી, યુએઈ, યમન લેવન્ટ : આ નામ આજે તો સાવ અજાણ્યું લાગે. 13મી સદીમાં ઈટાલિયન નાવિકો જે દિશાએથી સૂરજ ઊગતો એ પૂર્વના કેટલાક ભાગોને લેવન્ટ કહેતા કેમ કે સૂર્યોદય માટે ઈટાલિયન શબ્દ લેવાંતે છે. જોર્ડન, લેબનોન, પેલેસ્ટાઈન, સીરિયા.. આટલા દેશો લેવન્ટમાં છે એટલે કે મિડલ-ઇસ્ટનો ભાગ છે. આ ઉપરાંત એક દેશ છે, ઈઝરાયેલ. અન્ય દેશો : અત્યારે જે સમરાંગણ બન્યું છે એ ઈરાન તો મધ્યપૂર્વના શરૂઆતી લિસ્ટમાં હતું નહીં. અન્ય દેશોમાં ઈરાન, ઈરાક, તુર્કિયે, ઈજિપ્તનો સમાવેશ થાય છે. આ તો જૂની અને સામાન્ય રીતે વપરાતી વ્યાખ્યા થઈ, પણ હવે બધાને એ મંજૂર નથી. એટલે નવી નવી નામાવલી આપી છે. જેમ કે.. મિડલ-ઇસ્ટ એન્ડ નોર્થ આફ્રિકા : આ વ્યાપક વ્યાખ્યાનો ઉપયોગ વર્લ્ડ બેન્ક જેવી વૈશ્વિક સંસ્થાઓ કરે છે. એમાં ઉપરના દેશો ઉપરાંત અલ્જિરિયા, લિબિયા, ટ્યુનિશિયા, સુદાન, જિબુતી, સોમાલિયા અને મોરિટાનીયા પણ આવી જાય છે. સાઉથવેસ્ટ (દક્ષિણપશ્ચિમ) એશિયા અને મિડલ-ઇસ્ટ : રાષ્ટ્રસંઘ જેવી સંસ્થાઓ મિડલ-ઇસ્ટ શબ્દને વિસ્તારીને એમાં દક્ષિણ પશ્ચિમ એશિયાના દેશો પણ ઉમેરી દે છે. ગ્રેટર મિડલ-ઇસ્ટ : નવી સદીમાં આ શબ્દસમૂહ પણ આવ્યો. તો પછી ગ્રેટરમાં કોણ કોણ આવે? અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને મધ્ય એશિયાના બીજા કેટલાક દેશો. વેસ્ટ એશિયા : તો આટલું ઓછું હોય એમ એશિયાના પશ્ચિમ છેડે આવેલા દેશો આર્મેનિયા, અજરબૈજાન, જ્યોર્જિયા અને ઈજિપ્તનો સમાવેશ પણ મિડલ-ઇસ્ટમાં કોઈ કોઈ કરે છે. ઓરિએન્ટ : આટલું ઓછું હોય એમ યુરોપે વ્યાખ્યા વિસ્તારી. ભૂમધ્યસમુદ્રની પૂર્વમાં આવેલા તમામ દેશોને ઓરિએન્ટ નામ આપી દીધું. એટલે જ યુરોપથી એશિયા તરફ જતી 1883માં શરૂ થયેલીં ટ્રેનને ‘ઓરિએન્ટ એક્સપ્રેસ’ નામ અપાયું. આ બધુ ભેગું કરીએ તો મિડલ-ઇસ્ટમાં દેશોની સંખ્યા બે ડઝનથી વધી જાય છે. એટલું જ નહીં આફ્રિકા, એશિયા અને યુરોપ એમ ત્રમેય ખંડનું મિશ્રણ પણ મિડલ-ઇસ્ટમાં થાય છે. એ મિડલ-ઇસ્ટ જેની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા, સંખ્યા કે ભાગ જગત પાસે નથી. *** ઉપર પાડ્યા એમ ભાગ પાડીએ તો પડતા જ જાય અને દેશો વધતા જાય. એ વાત જગતને પણ સમજાઈ એટલે વળી વચ્ચેના રસ્તા કાઢ્યા. એમાં પણ વૈવિધ્યપૂર્ણ નામકરણ થયું.જેમ કે.. પૂર્વની નજીક (નિઅર ઈસ્ટ) : મધ્યપૂર્વને મધ્યપૂર્વ ન કહેતાં પૂર્વની નજીક આવેલા દેશો કહેવા જોઈએ, કેમ કે એ બધા દેશો ભૂમધ્યસમુદ્રની પૂર્વમાં આવેલા છે. આ વ્યાખ્યા પણ સ્વાભાવિક રીતે યુરોપની છે. ખોટી પણ છે જ. સદી પહેલાં યુરોપમાં નિઅરની વ્યાખ્યા એવી હતી કે અમુક દિવસો જહાજી સફર કરવાથી જે દેશ-પ્રદેશ આવી પડે એ નિઅર, ઈસ્ટમાં હોય એટલે નિઅર ઈસ્ટ. જહાજે દિવસોને બદલે સપ્તાહો ચાલવું પડે તો પછી ફાર (દૂરનું) ઈસ્ટ. હકીકત એ છે કે મિડલ-ઇસ્ટ ગણવામાં આવે એ એશિયાનો ઘણો ભાગ છે. યુરોપ-આફ્રિકાનો થોડો ભાગ છે. એટલે આપણે એને બહુ બહુ તો ‘વેસ્ટ એશિયા’ કહી શકીએ. યુરોપ-અમેરિકાને તો શું કહેવું એ વાત પોણા બે સદી પછી પણ નથી સમજાઈ. *** મિડલ-ઇસ્ટ શબ્દ માત્ર વ્યાખ્યા નથી. એમાં બ્રિટિશરોની સામ્રાજ્યવાદી માનસિકતા દેખાય છે અને વાપરનારી સરકારો કે સંસ્થાઓની માનસિક ગુલામી પણ વત્તા-ઓછા અંશે છલકે છે. મિડલ-ઇસ્ટનો ભાગ હંમેશાં યુદ્ધગ્રસ્ત હોય એવી પણ છાપ પશ્ચિમના દેશોએ ઊભી કરી છે. દેશમાં રોડ, નગરના નામ બદલાય એમ મધ્યપૂર્વને પણ નવા અને કાયમી નામકરણની જરૂર છે. પણ એ કામ મિડલ-ઇસ્ટ તરીકે ઓળખાતો પ્રદેશ પોતે જ કરે એ જરૂરી છે, કેમ કે જગતના ત્રણ મોટા (ઈસ્લામ, ખ્રિસ્તી, યહૂદી)નાં જન્મસ્થાનો એ ભૂમિમાં છે. જગત આખાને જરૂરી એવું પેટ્રોલિયમ અને ગેસ ત્યાં છે. એ પ્રદેશને પારકા નામ પર નિર્ભર રહેવાની શું જરૂર?
    Click here to Read More
    Previous Article
    સ્ટ્રેઇટ ડ્રાઇવ:વો જબ યાદ આયે, બહોત યાદ આયે…
    Next Article
    શબ્દ સકળ પૃથ્વીના:નર્મદાયાત્રા વહેતા પ્રવાહમાં…

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment