Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાગ બિન્દાસ:વોર, વેર ને વેપાર: માનવજાતની સદાબહાર ટ્રેજી–કોમેડી!

    1 day ago

    ટાઇટલ્સ: હથિયારો નવાં…બહાનાં જૂનાં! (છેલવાણી) બીજા વિશ્વ યુદ્ધમાં અમેરિકન સૈનિકે ઉપરી અધિકારીને પૂછ્યું, ‘સર, આપણે આ યુદ્ધ શા માટે લડીએ છીએ?’ ‘લોકશાહી બચાવવા.’ અધિકારીએ કહ્યું. ‘...ને સામી બાજુના સૈનિકો?’ ‘એ લોકોને પણ એમ જ કહેવાયું છે.’ અધિકારીએ અચકાઇને કહ્યું. શેક્સપિયરે ‘કિંગ લિયર’માં લખેલું: ‘બાળક જન્મે ત્યારે રડે છે એટલે જનમતાવેંત જ એને સમજાઇ જાય છે કે એ મૂરખાઓના મોટા રંગમંચ પર આવી પહોંચ્યો છે!’ દુનિયાની રાજનીતિ ક્યારેક ખરેખર નાટક જેવી લાગે. નેતાઓ ગંભીર ચહેરે ભાષણ ભરડે, નકશા પર ચાકુથી લાઇન દોરે… ત્યાં એ નકશામાં યુદ્ધ, ચેસની રમત જેવું લાગે પણ નેતાઓને નકશામાં માણસ દેખાતો નથી. નકશામાં કોઈ ઘર નથી, કોઈ બાળક નથી દેખાતાં. પછી પાવર–પિશાચ નેતા, જનતાને કહે છે: ‘હવે તો યુદ્ધ અનિવાર્ય જ છે!’ અને ધડામ્… લોકો મરાતા જાય છે, ભૂખમરાથી જીવતર દુષ્કર બની જાય છે. એક બ્રેડના ટુકડા માટે લાચાર માતા, દુશ્મન સૈનિકને પોતાનું શરીર સોંપી દે છે. વિયેટનામ વોરમાં ટૂથપેસ્ટ માટે ભાઇ, સગી બહેનને અમેરિકન સૈનિકને વેચી મારે છે! પર્વતની ટોચથી લટકતા ઘાયલ સૈનિકનો હાથ ખેંચતો સાથી સૈનિક એને બચાવવા જાય છે પણ ઘાયલ પોતાના જ ચાકુથી પોતાનો જ હાથ કાપી નાખે છે, જેથી ટોચ પરના સાથીનો જીવ બચે! હજી તાળીઓ પાડવી છે–યુદ્ધનાં દૃશ્યો નીરખીને? સૌ આજકાલના ઇરાન–ઇઝરાયેલ–અમેરિકા જંગનાં સમાચારો ટીવી પર વિડીયો ગેમ કે ક્રિકેટ વર્લ્ડ–કપની જેમ ઉશ્કેરાઇને જુએ છે ત્યારે લાગે કે દુનિયા ફરીથી એની એ જ ફિલ્મ જોઇ રહી છે. ક્યાંક મિસાઈલ બને છે, વેચાય છે, છૂટે છે, ક્યાંક જવાબી હુમલો થાય છે. તેલના ખેલ જેવા સોદા થાય છે. વળી બંને પક્ષ તરફથી એક જ વાક્ય: ‘અમે તો યુદ્ધ નથી ઈચ્છતા!’ રિયલી? ખરેખર તો રાજનીતિમાં શાંતિ વિશેનાં ભાષણો જેટલાં લાંબાં હોય, તેટલાં જ લાંબાં–મોટાં હથિયારો એની પાછળ તૈયાર હોય છે. આવા સમયે લાચારીથી ચૂપ રહેનારાઓ, 170 બાળકીઓની લાશ પર ખંધી ખામોશી રાખનારાઓ પણ ઇતિહાસના ચોપડે નોંધાય છે. એક નિવૃત્ત જનરલને પૂછવામાં આવ્યું: ‘જીવનભર યુદ્ધના અનુભવો પછી શું શીખ્યા?’ ‘બે જ વાત. યુદ્ધ હંમેશાં આત્મવિશ્વાસભર્યા ભાષણોથી શરૂ થાય છે ને પછી ગૂંચવાયેલાં કારણો સાથે પૂરું થાય છે.’ જનરલે સટ્ટાક દઇને જવાબ દીધો. અંગ્રેજી કવિ વિલ્ફ્રેડ ઓવેનએ પહેલા વિશ્વ યુદ્ધ દરમિયાન કવિતા લખેલી: ‘ડલ્સે એટ ડેકોરમ એસ્ટ પ્રો પેટ્રિયા મોરી.’ અર્થાત્ ‘દેશ માટે મરવું ગૌરવની વાત છે’. પરંતુ એ જ કવિ ઓવેનએ એની એ જ વાતને દુનિયાનું સૌથી મોટું જૂઠાણું ગણાવ્યું! કાદવમાં લથપથ ઘાયલ સૈનિકો અને જુગુપ્ત્સા જગાવતી લાશોને જોયા પછી કવિ ઓવેનને સમજાયું કે ‘યુદ્ધ–ભક્તિ’નાં આવાં સુંદર વાક્યો, લાચાર ગરીબ ને ભોળા યુવાનોને જ જંગની જવાળામાં ધકેલવા માટે બનાવાય છે, અમીરો કે રાજકારણીઓનાં સંતાનો માટે નહીં! ઇન્ટરવલ કૌન દુખિયા હૈ જો ગા રહી હૈ? ભૂખે બચ્ચોં કો બહલા રહી હૈ લાશ જલને કી બૂ આ રહી હૈ, ઝિંદગી હૈ કિ ચિલ્લા રહી હૈ! (મખદૂમ મોઇનુદ્દીન) ક્રાંતિકારી જર્મન લેખક–કવિ, નાટ્યકાર અર્ન્સ્ટ ટોલરે લખેલું: ‘આપણે નોર્મલ આંખે ઘણું બધું જોઇ નથી શકતા.એને જિંદગી પર મોતનાં ચશ્માં લગાડીને જોવું પડે!’ યુદ્ધને જીવી ચૂકેલા ટોલરની આત્મકથા ‘આઇ વોઝ જર્મન’માં રોમાંચક કિસ્સો છે. ‘સરકાર-વિરોધી’ કે ‘રાષ્ટ્રદ્રોહી’ લખાણ બદલ ટોલરને જેલ થયેલી અને ત્યાંથી ભાગવાનો પ્લાન કર્યો, પણ એ પ્લાનમાં સાથીઓ દ્વારા જેલના વોર્ડનની હત્યાનું કાવતરું ઘડાયું એટલે ટોલરે છેલ્લી ઘડીએ ભાગવાનું માંડી વાળ્યું ને બદલામાં પાંચ-પાંચ વર્ષ જેલમાં રિબાઇને કાઢ્યા કારણ કે કોઇનો જીવ લેતા ‘કવિનો જીવ’ ના ચાલ્યો. કલાકાર અને ક્રૂર નેતામાં આ જ ફરક હોય છે! ટોલરના નાટક ‘હિંકમાન’માં જંગમાં એક હેન્ડસમ સૈનિકનું ગુપ્તાંગ છેદાઇ જાય છે. યુદ્ધ પછી પેટિયું રળવા સર્કસમાં એ નપુંસક સૈનિકે ‘જીવતા ઉંદરને ખાવાના મર્દાના ખેલ’ કરવા પડે છે. એકવાર એક તરફ, ઓડિયન્સમાં યુવાન છોકરીઓ એના કદાવર શરીરને જોઇ સિસકારા બોલાવે છે ને બીજી બાજુ એની જ પત્ની એના પ્રેમી–પુરુષ સાથે ખેલ જોવા આવેલી! નપુંસકની પત્નીનો પ્રેમી–પુરુષ કહી ઊઠે છે, ‘વાહ! જીવતા ઉંદર ખાનારો કેવો વીર પુરુષ છે!’ ત્યારે સૈનિક કહે છેઃ ‘દુનિયાનો આત્મા નાશ પામ્યો છે, જેમ મારી ઇન્દ્રિય નાશ પામી છે!’ માણસ સદીઓ સુધી શહેરો બનાવે છે, સંગીત ને કલા રચે છે. અચાનક કોઈ રાજનેતાને ખુજલી ઊપડે છે કે પોતાની મહાનતા સાબિત કરવાની સૌથી સરળ રીત છે: ‘સરહદ પર સૈન્ય મોકલવું!’ સરકારો વોરની હિંસા માટે બહુ સુંવાળા ને સંસ્કારી ભાષા પ્રયોજે છે. બોમ્બ ફેંકવામાં આવે તો એને ‘ખાસ કાર્યવાહી’ કહેવામાં આવે છે. ઘરો તૂટી જાય તો તેને ‘આડઅસર’ કહેવામાં આવે છે! મૃત્યુ ‘ખેદજનક’ હોય છે અને લાખોનાં મોત પછીની હારને ‘શહીદી અને આવનારા જંગની તૈયારી’ કહેવાય છે. બે દેશોના નેતાઓ ગુપ્ત બેઠકમાં મળ્યા. એક નેતાએ કહ્યું, ‘ચાલો, યુદ્ધ અટકાવીએ. લોકો બહુ મરી જાય છે.’ બીજાએ વિચારીને કહ્યું, ‘ઓકે! પણ પછી આપણા જનરલો શું કરશે?’ પહેલો નેતા હસીને બોલ્યો, ‘સિમ્પલ! આપણે એમને ન્યૂઝ ચેનલોની ચીસાચીસવાળી ચર્ચાઓમાં મોકલી દેવાના!’ … અંતે તો યુદ્ધમાં મરનારા એ લોકો હોય છે, જેમણે યુદ્ધ શરૂ કર્યું નથી. એન્ડ ટાઇટલ્સ ઇવ: ફરી ટીવી પર યુદ્ધના જ ન્યૂઝ હશે. આદમ: હા… સાંજે મનોરંજન તો જોઈએને?
    Click here to Read More
    Previous Article
    ટાઈમલાઈન:નેફરતીતી બોલી, ‘યુવાન કોણ છે તું? ક્યાંથી આવ્યો છે? તું મારા વિશે આટલું બધું કેવી રીતે જાણે છે?’
    Next Article
    જીવનના હકારની કવિતા:ડૂબેલાની દીવાદાંડી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment