Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટાઈમલાઈન:નેફરતીતી બોલી, ‘યુવાન કોણ છે તું? ક્યાંથી આવ્યો છે? તું મારા વિશે આટલું બધું કેવી રીતે જાણે છે?’

    1 day ago

    અક્ષય બાવડા - પ્રકરણ-2 પુસ્તકનું આંખ સામે તરવરી ઊઠેલું એ પાનું નીલને વિચારોના વમળમાં ગરકાવ કરી ગયું. નીલ પોતાના મનનું નિયંત્રણ ગુમાવીને ફરી એ પુસ્તક પર રહેલા ફોટા પર આવીને ઊભો રહી ગયો અને તેની આંખો પુસ્તકમાં રહેલી તસવીરની આંખોમાં પરોવાયેલી હતી અને અચાનક જ આવેલા એક વિચારે તેને અંદરથી હચમચાવી નાખ્યો. તે મનોમન બબડી ઊઠ્યો, ‘આ પહેલાં પણ હું નેફરતીતી શબ્દ વાંચીને મંત્રમુગ્ધ થઈ ગયો હતો. જાણે આ નામમાં હું ખોવાઈ ગયો હતો અને મને આસપાસ શું થઈ રહ્યું છે એનું કઈ ભાન નહોતું રહ્યું! પહેલી વખત જ્યારે આ નામ મેં કોઈ પુસ્તકમાં વાંચ્યું ત્યારે જ આ નામે મને તેની તરફ આકર્ષી લીધો હતો. હા, પહેલાં પણ મને વાંચવાનો શોખ તો હતો પણ આ નામ જ્યારથી મેં વાંચ્યું ત્યારથી મારો વાંચનનો શોખ દિવસે ને દિવસે શોખને બદલે જાણે વાસના બની ચૂકી હતી!’ નીલ વિચારે ચડ્યો, ‘કોલેજ સમયમાં પણ હું બીજા લોકો કરતાં અલગ અને અતડો બેસી રહેતો અને સતત વાંચ્યા કરતો હતો. મારી કૉલેજ લાઇફનાં બે વર્ષ મે, જેમ સામાન્ય લોકો મિત્રો સાથે કેન્ટીનમાં વિતાવે એને બદલે લાઇબ્રેરીમાં જ વિતાવ્યાં છે. જેના કારણે હું મિત્રોનાં મેણાં અવારનવાર સાંભળતો અને અમુક વખત તો મારા મિત્રો મને એવું પણ કહેતા હતા કે, ‘તારે તો તારા પુસ્તકના કોઈ પાત્ર સાથે જ લગ્ન કરી લેવાની જરૂર છે. એમ પણ તું વાસ્તવિક દુનિયામાં ક્યારેય હોતો જ નથી બસ પુસ્તક અને કલ્પનાઓમાં જ ખોવાયેલો હોય છે.’ નીલ હંમેશાં એ લોકોની એ મજાકનો જવાબ આપ્યા વગર હસીને અવગણી નાખતો. આજે પુસ્તક વાંચવાની આ આદતે તેને અહીં કોઈ અજાણી જગ્યાએ લાવીને મૂકી દીધો. ‘હું ક્યાં છું? હું અહીંયાથી પાછો કેવી રીતે જઈશ? મારું અહીં શું થશે? કંઈ જ ખબર નથી. ખરેખર જો હું પ્રાચીન ઇજિપ્તમાં છું તો અહીં એકવીસમી સદીમાં રહેલી ટેક્નોલોજીથી પણ ઉન્નત અને ઉત્કૃષ્ટ ટેક્નોલોજી કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે? આ બધું શું ચાલી રહ્યું છે? પિરામિડનું નિર્માણ આટલી અદ્યતન ટેક્નોલોજી વડે મારી આંખ સામે થઈ રહ્યું છે જે ખૂબ આશ્ચર્યની વાત છે.’ હજુ તો નીલ આગળ કંઈ વિચારે એ પહેલાં તેને ફરી યાંત્રિક અવાજ સંભળાયો, ‘નીલ, ક્યાં ખોવાઈ ગયો?’ ઍરિનાનો આ સવાલ નીલને વિચારોના વમળમાંથી હાથ પકડી વાસ્તવિકતામાં ખેંચી લાવ્યો. તેના જવાબરૂપે નીલ ધીમે રહીને બબડ્યો, ‘ક્યાંય નહીં, નેફરતીતીમાં ફરી ખોવાઈ ગયો હતો.’ ‘મને સમજાયું નહીં. તું શું કહી રહ્યો છે?’ ‘પ્લીઝ મને એ જણાવ કે આ કઈ જગ્યા છે અને મને આમ કેદ કરવામાં કેમ આવ્યો છે? હું ઘરે પાછો કેમ નહીં જઈ શકું અને હું અહીં કેવી રીતે આવ્યો?’ થોડા વ્યાકુળ બનીને નીલે પૂછ્યું. ‘મેં પહેલાં કહ્યું એમ આ જગ્યા મિસરની સંસ્કૃતિનું ઉન્નત શહેર એટલે કે ઇજિપ્ત છે. તું અહીં કેવી રીતે આવ્યો એ વિશે હજુ હું પણ અજાણ છું અને એનો જવાબ તો તું જ આપી શકે. વાત રહી તારા પાછા જવાની તો મહારાણીના એકાંતવાસમાં મહારાણીની પરવાનગી વિના કોઈ આવી પણ ન શકે અને જઈ પણ ન શકે.’ યંત્રવત્ અવાજ ફરી રૂમમાં ગુંજી ઊઠ્યો. ‘હદ છે યાર.. હું આ ક્યાં ફસાઈ ગયો? નેફરતીતી શબ્દ મને અહીં સુધી લઈ આવ્યો જેની મેં કલ્પના પણ નહોતી કરી. ખબર નહીં હું હવે પાછો કેવી રીતે જઈશ.’ ગુસ્સામાં કાચની દીવાલ પર પોતાનો હાથ મારીને પોતાના ઘૂંટણો પર નિરાશા સાથે બેસી પડતાં નીલ બોલી ઊઠ્યો, ‘નેફરતીતી! આ શબ્દ તને અહીં લઈ આવ્યો? એવું કેવી રીતે શક્ય છે? તું કોણ છે?’ ‘સૌથી પહેલા તો આ તે કેવી માયાજાળ છે કે અહીં નેફરતીતી જીવિત છે? હું જે સમયમાંથી આવું છું ત્યાં તો નેફરતીતી ઇતિહાસના પાને જ અસ્તિત્વ ધરાવે છે.’ ‘તું નેફરતીતી વિશે શું જાણે છે?’ ઍરિનાએ પૂછ્યું. ‘મેં જેટલું વાંચ્યું છે એના પરથી હું એટલું કહી શકું કે નેફરતીતી એ અખેનાતેનની મહારાણી હતી. એણે અખેનાતેનના મૃત્યુ પછી ઇજિપ્ત પર રાજ કર્યું અને પછી એ ઇતિહાસમાં ક્યાંક ખોવાઈ ગઈ.’ ‘તું નેફરતીતી વિશે વધારે શું જાણે છે?’ ‘નેફરતીતી એ વિશ્વની સૌથી સુંદર સ્ત્રી હતી. તેનો જન્મ 1370 B. C. એટલે કે હું જે સમય, 2024માંથી આવ્યો છું તેના લગભગ 3393 વર્ષ પહેલાં થયો હતો અને હજુ પણ તેનાં માતાપિતા કે પરિવાર વિશે કોઈ માહિતી અસ્તિત્વ નથી ધરાવતી. આ સિવાય પંદર વર્ષની ઉંમરે તેનાં લગ્ન અખેનાતેન એટલે કે અમેનહોટેપ ચોથા સાથે થયાં. અખેનાતેનના આકસ્મિક મૃત્યુ બાદ ઇજિપ્તનું રાજ્ય નેફરતીતીએ સંભાળી લીધું અને 1353 B. C. બાદ એણે ઇજિપ્તની રાણી બનીને શાસન કર્યું.’ હજુ તો નીલ આગળ કંઈ બોલે એ પહેલાં જ તેને મીઠો અવાજ સંભળાયો, ‘મારા વિશે ઘણું બધું જાણે છે તું! કોણ છે તું યુવાન? ક્યાંથી આવ્યો છે?’ કાચની દીવાલમાં એક ક્ષણિક દરવાજાનું નિર્માણ થયું અને તેમાંથી એક યુવતી નીલ તરફ આવતી દેખાઈ. આ યુવતીને જોઈને નીલ તેની સુંદરતામાં એ હદે ડૂબી ગયો કે એને જવાબ આપવાને બદલે બસ તેને જોતો જ રહ્યો! સુંદર મુખારવિંદ, સપ્રમાણ શરીર અને તેના ભરાવદાર વક્ષ સ્થળ, સિંહણ જેવી પાતળી કમર અને શરીરને સપ્રમાણ કરતાં ખૂબ જ ભરાવદાર જાંઘ તેના આકર્ષક નિતંબની ચાડી ખાઈ રહ્યાં હતાં. નીલ તેને જોઈને તેના સૌંદર્યમાં એ હદે ડૂબી ગયો કે એક મટકું માર્યા વગર બસ એ નેફરતીતીને જોયા જ કરતો હતો. તેનું ધ્યાન પોતાના પરથી હટાવતા ફરી નેફરતીતી બોલી, ‘યુવાન કોણ છે તું? ક્યાંથી આવ્યો છે? તું મારા એકાંતવાસમાં શું કરી રહ્યો છે? અને તું મારા વિશે આટલું બધું કેવી રીતે જાણે છે?’ નીલ હજુ પણ તેના સૌંદર્યપાન કરવામાં વ્યસ્ત હતો એવામાં ફરી યાંત્રિક અવાજ રૂમમાં ગુંજી ઊઠ્યો, ‘મહારાણી, આપનું સ્વાગત છે. આ યુવાનનું નામ નીલ છે તેનું એવું કહેવું છે કે એ કોઈ પુસ્તક વાંચતો હતો અને અચાનક તેમાંથી સુવર્ણ પ્રકાશ ઉત્સર્જિત થયો અને તે અહીં આવી પહોંચ્યો. મને લાગે છે કે આ યુવાન ભવિષ્યમાંથી આવી પહોંચ્યો છે, કારણ કે એણે જે રીતે અહીંની સંસ્કૃતિ અને ઘટનાઓનું વર્ણન કર્યું છે એ વર્ણન આ યુવાન ભવિષ્યમાંથી આવ્યો છે તેના પુરાવા રૂપે સચોટ બંધ બેસે છે.’ ઍરિનાના આ શબ્દો સાંભળીને મહારાણીની આંખોમાં અલગ જ ચમક ઊભરી આવી અને હળવું સ્મિત રેલાવીને મહારાણીએ નીલ તરફ જોતા કહ્યું, ‘શું તું ખરેખર ભવિષ્યમાંથી અહીં આવ્યો છે?’ ‘અપ્રતિમ, મનમોહક, અદભુત… ખરેખર જે કંઈ વાંચ્યું હતું એ આજે નજર સમક્ષ જોઈ રહ્યો છું.’ નેફરતીતીના પ્રશ્ન સામે જવાબ રૂપે તેના વખાણ કરતા નીલે કહ્યું. નીલને પોતાનાં વખાણ કરતો જોઇ મહારાણીએ તેની સામે ફરીથી સ્મિત રેલાવ્યું અને કંઈ પૂછ્યા વગર જ નીલ ફરી તેના રૂપમાં અંજાઈને બોલી ઊઠ્યો, ‘જ્યારે મેં પહેલી વાર તમારું નામ એક પુસ્તકમાં વાંચ્યું હતું ત્યારથી જ નેફરતીતી કોણ છે એ વિશે મને વધુ જાણવાની ઉત્સુકતા જાગી હતી અને આ ઉત્સુકતા સંતોષવા મે નેફરતીતીને લગતું અનેક સાહિત્ય વાંચ્યું. ઈન્ટરનેટ પર પણ ઘણુંબધું સર્ચ કરીને માહિતી મેળવી.’ નીલના હાથમાં ખૂબ જૂનાં બે પુસ્તકો આવ્યાં. તે વાંચતા જ તેને મહારાણી વિશે ઘણુંબધું જાણવા મળ્યું. તેમ છતાં તેનામાં વિશ્વની સૌથી સુંદર સ્ત્રી એવી નેફરતીતીને જોવાની ઉત્કંઠા અકબંધ હતી. તેણે ઈન્ટરનેટના માધ્યમથી ઘણી વાર નેફરતીતીને જોવા સર્ચ કર્યું પણ દરેક વખતે તેને નિરાશા જ હાથ લાગી. અંતે તેને ગૂગલ પરથી એક બુક મળી. તે સદનસીબે નીલની નજીકની લાઇબ્રેરીમાં ઉપલબ્ધ હતી. થોડું આ બુક વિશે વધારે સર્ચ કરતા તેને જાણવા મળ્યું કે આ પેલાં બે પુસ્તકોનો ત્રીજો અને અંતિમ ભાગ જ હતો. તે એકપણ ક્ષણ વેડફ્યા વગર એ પુસ્તક લઈ આવ્યો. તેમાં તેણે મહારાણીનો ફોટો પ્રથમ વખત જોયો અને એ નેફરતીતીની આંખોમાં જોઈ રહ્યો હતો અને બસ પછી એ એમની આંખોમાં ખોવાઈ ગયો. જ્યારે નીલ મૂર્છિત અવસ્થામાંથી જાગ્યો ત્યારે તે ઇજિપ્તમાં હતો. માટે હવે એ પણ માનું છે કે હા, એ ભવિષ્યમાંથી આવ્યો છે. શા માટે અને કેવી રીતે એ અહીં આવી પહોંચ્યો એ તો એ નથી જાણતો પણ એ ભવિષ્યમાંથી અહીં આવ્યો છે એ વાતને નકારી પણ નથી શકતો. ‘અદભુત, ફક્ત મારું નામ જાણીને મારા વિશે આટલું જાણવા અને વિચારવાવાળો કદાચ તું એકલો જ હોઈશ. મારા વિશે આટલું જાણવા પાછળનો કોઈ ખાસ ઉદ્દેશ્ય?’ ‘ઉદ્દેશ્ય તો કંઈ નહોતો પણ બસ મને તમારું નામ તમારી તરફ ખેંચતું હોય એવું લાગતું હતું, અલગ જ આકર્ષણ હતું. ભવિષ્યમાંથી આવેલા કોઈ માણસ પાસે તમારા વિશે આટલી જાણકારી છે તેમજ એ વ્યક્તિ ભવિષ્યમાંથી આવી છે એને પોતાની નજર સામે જોઇને તમને આશ્ચર્ય નથી થતું?’ આશ્ચર્યના અને અસમંજસના વિચિત્ર ભાવ સાથે નીલે પૂછ્યું અને જવાબરૂપે નેફરતીતીએ માત્ર ખંધુ સ્મિત રેલાવ્યું. (ક્રમશ:)
    Click here to Read More
    Previous Article
    સફર:પર્થ જ્યાં 2 હજાર કિલોમીટર સુધી બીજું નગર નથી
    Next Article
    રાગ બિન્દાસ:વોર, વેર ને વેપાર: માનવજાતની સદાબહાર ટ્રેજી–કોમેડી!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment