Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કવર સ્ટોરી:યુદ્ધના મેદાનમાં અમેરિકા શા માટે મેદાન મારે છે?

    4 days ago

    ગુલશન લુથરા , સિનિયર વોર જર્નલિસ્ટ અને ઇન્ડિયા સ્ટ્રેટેજિકના એડિટોરિયલ ડાયરેક્ટર અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ઘણા દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકાએ સાબિત કરી દીધું છે કે સૈન્ય મામલે ઈરાન તેની સામે ક્યાંય ટકી શકે તેમ નથી. જોકે, ઈરાન પાસે મિસાઈલોનો મોટો જથ્થો છે અને તે સતત હુમલા પણ કરી રહ્યું છે, પરંતુ તે અમેરિકના સંરક્ષણ તંત્રને ભેદવામાં નિષ્ફળ રહ્યું છે. તેનાથી વિપરીત, અમેરિકા સતત ઈરાન પર હાવી થઈ રહ્યું છે. અમેરિકાની યુદ્ધ રણનીતિ હંમેશાં દુશ્મનના એર ડિફેન્સને ધ્વસ્ત કરીને આકાશ પર કબજો કરવાની હોય છે. 1991ના ઈરાક યુદ્ધની જેમ જ, હાલમાં ઈરાનના એર ડિફેન્સને પણ અમેરિકાએ લગભગ તોડી પાડ્યું છે અને તેના આકાશ પર વર્ચસ્વ સ્થાપી દીધું છે. આનો અર્થ એ છે કે, અમેરિકન વિમાનો હવે ઈરાનમાં ગમે ત્યાં ઊડીને હુમલો કરી શકે છે. કદાચ આ જ કારણસર ઈઝરાયેલના સુરક્ષા મંત્રીએ ચેતવણી આપી છે કે ઈરાનના નવા સુપ્રીમ લીડર પણ તેમના ટાર્ગેટ પર રહેશે. અમેરિકાની અજેય ડિફેન્સ સ્ટ્રેટેજીને આ પાંચ મુદ્દાઓ દ્વારા સમજીએ: 1. એક-એક ઇંચની સચોટતા: અમેરિકાની સુરક્ષા નીતિનો મુખ્ય આધાર સંશોધન અને વિકાસ (RD) માં મોટું રોકાણ છે. અમેરિકા એવાં હથિયારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે દૂરથી પણ એકદમ સચોટ પ્રહાર કરી શકે. આજે તેમની પાસે ‘પ્રિસિઝન’ હથિયારો છે જે એક ઇંચની ભૂલ વિના લક્ષ્યને વીંધે છે. સેટેલાઇટ નેટવર્ક અને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ની મદદથી તેઓ દૂર બેઠા પણ નાનામાં નાના લક્ષ્યને નિશાન બનાવી શકે છે, જે તાજેતરમાં ઈરાની નેતાઓના કિસ્સામાં જોવા મળ્યું છે. 2. મજબૂત જાસૂસી નેટવર્ક: અમેરિકાની અસલ તાકાત માત્ર હથિયારોમાં જ નથી, પરંતુ તેના જાસૂસી નેટવર્કમાં છે. CIA અને DIA જેવી સંસ્થાઓનો આખા વિશ્વમાં ફેલાવો છે. ઘણીવાર એજન્ટો રાજદ્વારીઓ કે પત્રકારોના વેશમાં રહીને દુશ્મન દેશની પળેપળની માહિતી મેળવે છે. આ ‘ઇન્ટેલિજન્સ એડવાન્ટેજ’ તેને યુદ્ધ શરૂ થતા પહેલાં જ જીતની સ્થિતિમાં લાવી દે છે. 3. ગજબનો સંરક્ષણ તાલમેળ: અમેરિકા તેના મિત્ર દેશો સાથે ‘કોમનલિટી’ એટલે કે સમાનતા પર કામ કરે છે. તેમનાં હથિયારોનાં સ્પેરપાર્ટ્સ અને સપ્લાય ચેન એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યાં છે કે, યુદ્ધ સમયે સંસાધનોની અદલાબદલી સરળતાથી થઈ શકે. આ ઉપરાંત, અમેરિકન અધિકારીઓ એવા દેશો સાથે પણ સારા સંબંધો જાળવે છે જેમની સાથે તેમની કોઈ ગાઢ મિત્રતા નથી, જે યુદ્ધ સમયે વ્યૂહાત્મક રીતે કામ લાગે છે. 4. આધુનિક સંચાર સુવિધાઓ: ગલ્ફના દેશોમાં બહેરીન ખાતે અમેરિકાનો મુખ્ય બેઝ (સેન્ટ્રલ કમાન્ડ) આવેલો છે. વિશ્વભરમાં ફેલાયેલા અમેરિકાના તમામ બેઝ સેટેલાઇટ અને AI થી સજ્જ છે. હવે લેન્ડલાઇનને બદલે AI આધારિત સુરક્ષિત સંચાર વ્યવસ્થાનો ઉપયોગ થાય છે, જે દર મિનિટે પોતાના ડિજિટલ કોડ બદલી નાખે છે, જેને હેક કરવું અશક્ય છે. 5. મિસાઇલ ડિફેન્સ અને ‘ગોલ્ડન ડોમ’: અમેરિકન રડાર સિસ્ટમ દુશ્મનની મિસાઇલ લોન્ચ થતાની સાથે જ તેને હવામાં ખતમ કરી શકે છે. હાલમાં તેઓ ‘ગોલ્ડન ડોમ’ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે, જે હજારો સેટેલાઇટ્સ, સેન્સર્સ અને ઇન્ટરસેપ્ટર્સની જાળ હશે. આ ટેક્નોલોજી અંતરિક્ષમાંથી થતા બેલેસ્ટિક અને હાઇપરસોનિક હુમલાઓ સામે પણ રક્ષણ આપશે. વિશ્વનો ‘દાદા’ કેમ છે? પરમાણુ શક્તિ: અમેરિકા પાસે જમીન, આકાશ અને સમુદ્ર ત્રણેય સ્થાનેથી પરમાણુ હુમલો કરવાની ક્ષમતા છે. સિપ્રી (SIPRI) અનુસાર, તેમની પાસે આશરે 5, 000 પરમાણુ વોરહેડ છે, જેમાંથી 1, 700 સક્રિય રીતે તૈનાત છે. વાયુ શક્તિ: 13, 200થી વધુ વિમાનો છે, જેમાં દુનિયાના સૌથી શક્તિશાળી સ્ટીલ્થ ફાઇટર F-22 રેપ્ટર અને F-35 લાઈટનિંગનો સમાવેશ થાય છે. સમુદ્રી તાકાત: અમેરિકન નૌકાદળ પાસે 290 યુદ્ધ જહાજો અને 11 એરક્રાફ્ટ કેરિયર્સ છે. એક-એક કેરિયર પર 75થી વધુ વિમાન રહી શકે છે. ભૂમિ શક્તિ: હજારો યુદ્ધ ટેન્કો છે, જેમાં M1A2 એબ્રામ્સ જેવી 1, 500 ટેન્કોનો સમાવેશ થાય છે, જે અભેદ્ય માનવામાં આવે છે. મિસાઇલ ડિફેન્સ: પેટ્રિઓટ (PAC-3) ઓછી અને મધ્યમ અંતરની મિસાઇલો સામે રક્ષણ આપે છે, જ્યારે ‘થાડ’ (THAAD) લાંબા અંતરની મિસાઇલોને રોકવામાં સક્ષમ છે. વૈશ્વિક વર્ચસ્વ: પેન્ટાગોન અનુસાર, અમેરિકાના 80થી વધુ દેશોમાં આશરે 700 નાનાં-મોટાં સૈન્ય ઠેકાણાઓ (બેઝ) છે. જાપાન, જર્મની અને દક્ષિણ કોરિયામાં તેમના સૌથી વધુ બેઝ છે. નાણાકીય વર્ષ 2026 માટે અમેરિકાએ 1.01 ટ્રિલિયન ડોલરનું જંગી સંરક્ષણ બજેટ ફાળવ્યું છે, વિશ્વની ટોચની પાંચ શસ્ત્ર કંપનીઓમાંથી ચાર અમેરિકાની છે - લોકહીડ માર્ટિન, RTX, નોર્થ્રોપ ગ્રુમન અને જનરલ ડાયનેમિક્સ). આ કંપનીઓએ વર્ષ 2024માં 180 અબજ ડોલરનાં હથિયારો વેચ્યાં હતાં. આ આર્થિક અને લશ્કરી તાકાત જ અમેરિકાને વિશ્વની મહાસત્તા બનાવી રાખે છે.
    Click here to Read More
    Previous Article
    અસ્તિત્વની અટારીએથી:ગુલાબની ગરિમા, મોગરાની મગરૂરી…
    Next Article
    વિચારોના વૃંદાવનમાં:માહિતી મગજનો આહાર બની શકે, હૃદયની ઝંખના સંતોષી ન શકે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment