Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિચારોના વૃંદાવનમાં:માહિતી મગજનો આહાર બની શકે, હૃદયની ઝંખના સંતોષી ન શકે

    4 days ago

    1999ની ચોથી ફેબ્રુઆરીની રાતે રેડિયો પાકિસ્તાન પરથી કોઈ નવા પુસ્તકનો પરિચય આપનારે શરૂઆતમાં એક સુંદર વિધાન કર્યું: ‘હમ સબ ખુદા કે વેઇટિંગરૂમ મેં બૈઠે હુએ મુલાકાતી હૈં.’ આવું કોઈ વિધાન આપણા હૃદયને સ્પર્શી જાય ત્યારે સરહદો ખરી પડે છે. માનવીનું હૃદય રાજકીય અને ભૌગોલિક સરહદથી પર છે. હૃદયને ક્ષિતિજથી નાનું કોઈ કૂંડાળું ન ખપે. માનવીનાં હૃદયોને જોડતા કૉસ્મિક સેતુને આપણી પરંપરામાં આત્મૌપમ્ય કહે છે. કૉમ્પ્યૂટરની એક ખૂબી એ કે તે બહુ મોટા પાયા ૫૨ સમાનતાને સંકોરનારું (equalizer) છે. એના દ્વારા દેશ- દેશ વચ્ચેના, સ્ત્રી-પુરુષ વચ્ચેના, ગરીબ- માલદાર વચ્ચેના, નાનાં-મોટાં વચ્ચેના, વિકલાંગ-તંદુરસ્ત વચ્ચેના તફાવતો ખરી પડે છે. અંતર પણ ખરી પડે છે અને બધું વૈશ્વિક બની રહે છે. કોઈના ન બોલાયેલા શબ્દોને હૃદય કઈ રીતે પામી જાય છે? સાવ અજાણ્યું સ્મિત એકાએક પોતીકું લાગવા માંડે તેનું રહસ્ય શું? કોઈ પણ નવલકથા આખરે હૃદયકથા હોય છે. દુનિયાની સઘળી માહિતીની સાઇબર-વખારને ઇન્ટરનેટ કહે છે. માહિતીનો સંગ્રહ કરે તે ઇન્ટરનેટ અને માનવીની લાગણીને જાળવી રાખે તે હૃદયનેટ. ઇન્ટરનેટનો માલિક થોડાક વાજબી ગૌરવ સાથે જાહેર કરે છે કે દુનિયાની સઘળી માહિતી ઘરના ઓરડામાં ઠલવાઈ ગઈ છે. આવું ગૌરવ હૃદયનેટના માલિકને કેમ નથી થતું ? માણસ બે-ચાર રોટલી ખાતો હોય તો ઘઉંની ગુણોથી ભરેલા ગોદામમાં એને કેટલો રસ પડે? ગોદામ ભલે રહ્યું. એનો અનાદર કરવાની પણ જરૂર નથી. માણસનું નિર્માણ માહિતીના ગોચર પર ઊગેલું બધું ઘાસ ચરવા માટે નથી થયું. ઇન્ટરનેટ કાળક્રમે કંટાળો પેદા કરે છે. આવો કંટાળો ડિપ્રેશનનો બાપ બની રહે છે. અમેરિકાની પિટ્સબર્ગ યુનિવર્સિટીમાં થયેલું સંશોધન એવું કહી જાય છે કે ઇન્ટરનેટ સામે લાંબો સમય બેસી રહેનાર માણસ ડિપ્રેશનમાં સરી પડે એવી શક્યતા વધી જાય છે. વ્હાઈટહેડ સાચું કહી ગયો : ‘કેવળ વિપુલ માહિતી ધરાવનાર આદમી સાવ જ નકામો અને કંટાળો પેદા કરનારો (bore) છે.’ ઘરમાં જેમ બાથરૂમ હોય તેમ એક ખૂણે ઇન્ટરનેટ ભલે રહે. બાથરૂમ જરૂરી છે, પરંતુ એમાં કલાકો ગાળવાનું ન પાલવે. માહિતી મગજનો આહાર બની શકે, હૃદયની ઝંખના સંતોષી ન શકે. આ દુનિયામાં અદૃશ્ય એવું વિરાટ લાગણીતંત્ર કામ કરતું રહે છે. કવિતાની એકાદ પંક્તિ લાખો હૃદયોને ઝંકૃત કરી જાય છે. નિશાળોમાં મગજની કેળવણી મળે છે, પરંતુ હૃદયની નથી મળતી. પરિણામે આંખોને ભીની થવાની ટેવ નથી પડતી. કોઈ વાત દિલને સ્પર્શી જાય ત્યારે સંવેદનશીલ માણસનાં રૂંવાડાં ખડાં થઈ જાય છે. જે આદમીને આવો અનુભવ કદી નથી થયો એ દયનીય છે. એ બિચારા પાસે બધું હોય તોય ભીનું હૃદય નથી. આવા માણસ પાસે ઇ-મેલની સુવિધા હોય તોય શું? એ એક મિનિટમાં દુનિયાના કોઈ પણ ખૂણે સંદેશો મોકલી શકે, પણ પોતાના જ ઘરમાં હરતીફરતી પત્નીના હૃદય સુધી પહોંચવામાં આખું જીવન વીતી જાય. ગાંધીજીએ સાબરમતી આશ્રમના નિવાસસ્થાનને ‘હૃદયકુંજ’ જેવું મધુર નામ આપેલું. જ્યાં માણસના હૃદયની પ્રતિષ્ઠા નથી ત્યાં થીજેલો હિમાલય હોઈ શકે, પણ જો ગંગા વહેતી ન થાય તો હિમાલય શા ખપનો? ભવ્ય બંગલો ભીના હૃદયની ખાતરી નથી આપતો. ક્યારેક આલીશાન મહેલમાં બીજું બધું હોય છે, પરંતુ જે હોવું જોઈએ તે જ નથી હોતું. દુનિયાના બધા માનવીઓને જોડતા વિરાટ લાગણીતંત્રની વાત વેદના ઋષિએ કરેલી : ‘આપણી ઝંખનાઓ (આકૃતિ) સરખી હો, આપણાં હૃદયો સમાન હો.’ ઉપનિષદોમાં પણ માનવીના હૃદયની પ્રતિષ્ઠા થઈ છે. ત્રણ મંત્રોના અંશ પ્રસ્તુત છે - હૃદય એ જ પરમ બ્રહ્મ છે (બૃહદારણ્યક ઉપનિષદ). - હૃદય વડે જ તે સત્યને જાણે છે (બૃહદારણ્યક ઉપનિષદ). - એ દેવ વિશ્વકર્મા માણસોના હૃદયમાં વસે છે (શ્વેતાશ્વતર ઉપનિષદ). આજની કેળવણીમાં મગજની બોલબાલા છે, પણ હૃદયની ઉપેક્ષા છે. કૉમ્પ્યૂટરોને જોડતા ઇલેક્ટ્રોનિક સેતુને ઇન્ટરકનેક્ટિવિટી કહે છે. મનુષ્યોને જોડતા કૉસ્મિક હૃદયસેતુને કવિતા દ્વારા પામી શકાય. આજની દુનિયામાં અબજો માનવીય હૃદયો કોઈ રહસ્યમય લાગણીતંત્ર વડે જોડાયેલાં છે. ઇન્ફર્મેશન ટૅક્નોલૉજીનું સ્થાનક કૉમ્પ્યૂટર છે. પ્રેમની ટેક્નોલૉજી નથી હોતી. પ્રેમ તો કૃષ્ણના માથે શોભતા મોરપીંછને નીરખતી રાધાના હૃદયનો નિવાસી છે. પ્રેમનું પવિત્ર સ્થાનક માનવીનું હૃદય છે. માણસ-માણસને જોડતો સેતુ ન હોય તો કવિતા ટકી શકે ખરી? માણસે પોતાને મળેલા એકના એક હૃદય દ્વારા દુનિયાનાં અન્ય હૃદયો સાથે સૂર મેળવવાના છે. જગતનાં કૉમ્પ્યૂટરો વચ્ચે સ્થપાય તેવો પ્રેમનો સેતુ માણસો વચ્ચે સ્થપાયો નથી. પરિણામે પૃથ્વી પરથી યુદ્ધ ટળ્યું નથી અને સરહદો કાયમ છે. કૉમ્પ્યૂટરોની સૂક્ષ્મ લીલા સાઇબર- સ્પેસમાં ચાલતી રહે છે. આવી જ લીલા હૃદયાકાશમાં પણ ચાલતી રહે છે. આપણે એને સાઇબર-લવ’ કહી શકીએ. ક્ષિતિજરેખા પર ધરતી અને આકાશનું મિલન થાય તેમ ઇન્ટરનેટ અને હૃદયનેટનું મિલન ભલે થાય. એકવીસમી સદી આવા સાઇબર-મિલનની સદી બની શકે? આવું બને તો ઇથિયોપિયામાં દુકાળને કારણે ભૂખે મરનાર બાળકની પીડા આપણા સૌની પીડા બની જાય. સરહદ ખરી પડે પછી કદાચ અણહદના અણસારા શરૂ થઈ જાય. ઉપનિષદમાં હૃદયાકાશને પરમે વ્યોમન્’ કહે છે. નવી ટેક્નોલૉજી નવી સમજણ માગે છે. સંકુચિતતા ટકી જ ન શકે એવા સાઇબર યુગમાં માણસ પ્રવેશી ચૂક્યો છે. માણસની સમજણનું ટર્મિનસ તો ત્યાં જ હોય, જ્યાં એની ચેતનાનો અંત હોય. દૂરના ગામમાં ખેતરમાં હળ ચલાવતો કિસાન પણ વિશ્વ-નાગરિક બની રહ્યો છે. ગામનું પાદર ઝડપભેર ૨ સાઇબર-સ્પેસનું ફ્લૅગ સ્ટેશન બની રહ્યું છે. ફ્લોરિડા રાજ્યમાં કેનેડી સ્પેસ સેન્ટરમાં મુલાકાતીઓને જરૂરી વિગતો સમજાવનારી સુઝાન રોસ નામની એક મહિલાએ મને વાતવાતમાં કહ્યું હતું: ‘અવકાશયાત્રાએ જઈ આવેલો કોઈ વિજ્ઞાની કે મનુષ્ય, હતો તેવો ને તેવો રહી શકતો નથી.’ અવકાશયાત્રા અધ્યાત્મયાત્રા બની રહે છે. ‘સાઇબર-સ્પેસ’ શબ્દ સૌ પ્રથમ 1984માં વિલિયમ ગિબ્સને એની નવલકથા NEUROMANCERમાં પ્રયોજેલો. એ નવલકથામાં માણસ અને યંત્ર વચ્ચેની પરસ્પરતાનું ભવિષ્ય કેવું હશે તેની વાતો ફિલસૂફીના મિજાજમાં થઈ છે. આજે આ શબ્દમાંથી બીજા અનેક શબ્દો પ્રચલિત થયા છે. દા. ત., સાઇબર લાઇબ્રેરી, સાઇબર કાફે, સાઇબર- લવ, સાઇબર-વૉર, સાઇબર ડિપ્લોમસી, સાઇબર-સેક્સ, શિક્ષણ ઇત્યાદિ. એમ લાગે છે કે ક્ષિતિજરેખા ૫૨ એક નવો માનવ ઊગી ગયો છે. એ વિશ્વમાનવ બનવા તરફ ઝડપભેર આગળ વધી રહ્યો છે. આવા નૂતન માનવને આપણે કયા નામે ઓળખીશું ? આપણે એને સાઇબર- મનુષ્ય કહીશું. પાઘડીનો વળ છેડે સાઇબર ક્રાંતિ એક સમસ્યા પેદા કરશે. મનુષ્યની કક્ષા જેમ ઊંચી, તેમ તેની એકલતા વધારે હોવાની. એક ટીવી ચેનલના કાર્યક્રમમાં એક વિધાન સાંભળેલું: ‘ઇન્સાન જિતની બુલંદી પર પહૂઁચતા હૈ, ઉતના તન્હા હો જાતા હૈ.’
    Click here to Read More
    Previous Article
    કવર સ્ટોરી:યુદ્ધના મેદાનમાં અમેરિકા શા માટે મેદાન મારે છે?
    Next Article
    સ્વરૂપ Says:હિરણ્યગર્ભનું વિજ્ઞાન શું છે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment