Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અસ્તિત્વની અટારીએથી:ગુલાબની ગરિમા, મોગરાની મગરૂરી…

    8 hours ago

    ભાગ્યેશ જહાં ખબર નહીં, પણ આવી નાની ઘટના હવે ગ્લોબલ સંવેદન જગાવે છે. ઘટના બગીચામાં થયેલા સળવળાટની છે.‌ હું ચાલી રહ્યો છું, એક બગીચામાં. ‘ટપ્ ટપ્’ એવો અવાજ પણ નથી થયો, પણ પાણી આ બાગની સરહદ બનાવતી નાની નીકમાંથી વહી રહ્યું છે. ઇન્ટરનેટમાંથી સમાચાર ટપકે છે, મનુષ્ય અને રોબોટ વચ્ચે લાગણીઓની જુગલબંધી થશે કે સ્પર્ધા એ તો ખબર નથી. ક્યાંક ટપકેલું પાણી નીકમાં વહે છે, પણ પાણીને H²O નથી કહેતા, અમે જ્યારે પાણીને જળ અને નીર અને તોયં કહીએ છીએ અને એની સાથે અલગ રીતે સંબંધ રાખીએ છીએ, ત્યારે પાણી જેટલી જ ધન્યતા અનુભવીએ છીએ. પાણી સાથે આવો પાણીદાર સંબંધ, જળ સાથે આવું રક્તસમોવડું જોડાણ એટલે આ વહેતાં જળને જોવાનું, અનુભવવાનું મળે તો ભીનાશ અનુભવાય છે. એક માટીના ઢેફાને ઓળંગવા માટે જળકણો જોર કરે છે. કોઇ મોટા અવાજો નથી, પણ નિસર્ગમાં એક પ્રક્રિયા થઇ રહી છે, શાંત અને સહિષ્ણુતાભરી. એક ઢેફું ઓગળી જઇને પાણીનો રસ્તો બની જાય તો પાણીને એક બીજમાં જઇને પ્રાણમંત્ર ફૂંકવાનો છે. જળ છે એમાં બળ છે અને પાણી છે એમાં પ્રાણ છે. છેલ્લે ઢેફું ઓગળે છે, કિરણો આ દૃશ્ય જોઈને કિલ્લોલમાં આવી જાય છે પણ એના આનંદનો કોઇ ઘોંઘાટ નથી. અમે ગઇકાલે ક્રિકેટના વિજયસરઘસમાંથી ભારે જહેમતથી ગાડી કાઢેલી એ પ્રયત્નો યાદ આવ્યા કરે છે, બહુ હોર્ન વાગતાં હતાં. માણસ ઘોંઘાટિયું પ્રાણી છે, એ ચાલક યંત્ર જેવી ગાડીમાંથી પણ ઘોંઘાટ નિપજાવી શકે છે. હવે, ઢેફું માટી બની ગયું છે, રસ્તાની અંદરના સ્તરે ગોઠવાઇ ગયું છે, નીકની અંદરની ચામડી જ લાગે. પણ ‘ઇન્ટિમસી’ એવા શબ્દ વપરાતા નથી. પાણીનો એક જથ્થો ગુલાબના ક્યારામાં પહોંચે છે, ચુપચાપ. ધીરે રહીને માટીમાં રસ્તો કરીને મૂળને કશોક સંદેશ આપે છે. છોડની બધી ડાળીઓ સુધી આ સંદેશ પહોંચે છે, સૂર્યકિરણ આવીને એક કળીને કોમળતાથી સ્પર્શે છે. આકરા સૂરજના સંદેશવાહક હોવા છતાં પણ કિરણને એના સાવ છેડે કોમળતા પ્રગટ કરતા આવડે છે. કળીમાં સળવળાટ થાય છે, હું એક લોટામાં પાણી લઈને ગાયત્રી મંત્ર બોલતાં બોલતાં બીજું થોડું પાણી ગુલાબના છોડ ઉપર અર્પણ કરું છું. ગાયત્રી મંત્રના શબ્દોમાં સૂર્યનો મહિમા કરતાં કરતાં ઓગળી જવાની સુપ્ત ઇચ્છાને જાગવા દેતો નથી. કાંટાઓ બેરેકમાંથી હથિયાર લઈને આવેલા સંત્રીઓની માફક પોતાની નજર તીક્ષ્ણ બનાવે છે. પેલું ઢેફું ઓગળી ગયું ત્યારે પવનની એક ડાળ આ ઘટનાની સાક્ષી બની તે ક્ષણથી થોડી પાગલ જેવી બની ગઈ હતી. હવે એ પવનની ડાળનું એક નાનકડું બચ્ચું એટલે કે પવનનું ગચ્ચું કડીની આસપાસ ગોળ ગોળ ફરે છે. મારા શબ્દો એના કોમળ કાનને હાથ પસવારતા હોય એમ સ્પર્શે છે. કળી એના સપ્તદ્વાર ખોલે છે. ધીરે ધીરે થોડો પ્રકાશ છંટાય છે. મોટી ઘટના બને છે પણ ગુલાબના છોડને એવી કોઈ અભીપ્સા નથી કે એની નાનકડી પણ નોંધ લેવામાં આવે. બીજી તરફ પાણીનો વધેલો જથ્થો ધીરે ધીરે મોગરાની નાનકડી શેરી તરફ આગળ વધે છે. ત્રણેક છોડ હશે. બધા વહેલી સવારે ઊઠી ગયા છે. એકબીજાને જોઈને મલકી ઊઠ્યા છે. સુગંધનાં નાનાં નાનાં વર્તુળો રચ્યાં છે. હવે પાણી અહીં મૂળમાં આવીને ગુલાબની પ્રસૂતિની વાત કરે છે, ત્યારે એક પ્રમાણમાં વૃદ્ધ મોગરાનું ફૂલ સહેજ ઊંચું જોઈને હાથી સૂંઢથી પાણી નાખે એ રીતે સુગંધની નાનકડી પિચકારીથી સુગંધની એક લહેર મારા તરફ નાખે છે. ઊઠ્યા પછી જાગી જવા જેવી આ ઘટના હતી. સુગંધ નાસિકાથી હૃદય સુધી પહોંચી, એનો સંદેશ મસ્તિષ્ક અને પણ મળ્યો. નિસર્ગ કેવી સૌંદર્યલીલાઓ કરે છે, જેનાથી આપણે પ્રસન્નતામાં વૃદ્ધિ થાય. મેં નાક અને નજર સુગંધની દિશામાં દોડાવી. મોગરાનું એ નાનકડું પુષ્પકુળ હસી રહ્યું હતું, મગરૂરીથી. મોગરાની મગરૂરી એ એકદમ ગમતો ઉત્સવ છે. કુદરતમાં થતી સર્જન-વિસર્જનની પ્રક્રિયાઓથી સંદેશ આપતા નાના નાના છોડ ક્યારેક રણછોડ જેવા દેખાય છે. પાણીનો પ્રવાહ આગળ જાય છે, સૂરજમુખીના છોડ તરફ. સૂરજમુખી ગમે પણ વધુ ન ગમે. સૂરજની દિશામાં જ એની નજર હોય. પુષ્પોને અન્યાય કરવાનું મને ન ગમે, પણ જ્યાં સત્તા કે વૈભવ હોય એ તરફ જ જોવું, બીજાઓને અવગણવા. એ સારો ગુણ હોય તો પણ પુષ્પ માટે સહેજ મર્યાદા બની જાય છે. મને મજા આવે છે, સવારે બગીચાનાં ફૂલો જે રીતે પુસ્તકની માફક મારી સાથે વાત કરે છે. જે રીતે પાણી જળ બનીને બળ વાપરે છે, પાણી બનીને પ્રાણ મંત્ર ફૂંકે છે. સુગંધ બનીને પોતાનું સરનામું જાહેર કરે છે. ચહેરા ઉપરની પ્રસન્નતાને નમ્રતાથી રજૂ કરે છે. આ બધું થતું હોય છે પણ અહીં તો અહેતુક થઈ રહ્યું છે, એની જાગૃતિ છલકાઇ રહી છે. બગીચો એક પુસ્તકથી ઓછો નથી હોતો. કાંટાઓ વચ્ચે ઘેરાયેલું ગુલાબ અને એક વખત પોતાની વેદનાની વાત માંડીને બેસે છે. મોખરાનું ઘરડું ફૂલ કાલે ખરી પડશે પણ કશી રડારડ નહીં હોય. જન્મ-મૃત્યુ અહીં સમત્વથી શોભે છે.
    Click here to Read More
    Previous Article
    Sonam Wangchuk freed, but Ladakh’s March 16 shutdown will go ahead as planned. Here’s why
    Next Article
    કવર સ્ટોરી:યુદ્ધના મેદાનમાં અમેરિકા શા માટે મેદાન મારે છે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment