Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં ધોમધખતા તાપમાં ગેસ સિલિન્ડર માટે લાંબી કતારો:સુરતમાં ફરસાણના વેપારીઓનો ધંધો ચોપટ થવાને આરે; તંત્રનો પૂરતા સ્ટોકનો દાવો

    23 hours ago

    ઘરેલું ગેસ માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હજુ પણ લાંબી કતારો જોવા મળી રહી છે. વડોદરામાં આજે સતત બીજા દિવસે ગેસ એજન્સીની બહાર ગેસ લેવા માટે કતાર જોવા મળી હતી. વહીવટી તંત્ર દ્વારા પૂરતો જથ્થો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, ત્યારે ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકો લાંબી લાઇનો લગાવી રહ્યા છે. તો બીજી તરફ ખાણીપીણી માટે જાણીતા સુરતમાં હાલ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે. છેલ્લા 4 દિવસથી ચાલતી તંગીને કારણે હજારો ફરસાણના વેપારીઓનો ધંધો ચોપટ થવાની આરે આવી ગયો છે. ગેસના અભાવે અનેક દુકાનોના ચૂલા ઠરી જવાની ભીતિ સેવાતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘરેલું ગેસ બુકિંગ બાદ પણ નથી મળી રહ્યા અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે ગેસની અછત ઉભી થશે તેવી સંભાવના જોવા મળી રહી છે. જેના કારણે ઘરેલું ગેસ મેળવવા માટે લોકો એજન્સીઓના ધક્કા ખાઈ રહ્યા છે. વડોદરાની વિવિધ ગેસ એજન્સીઓ ઉપર સવારથી જ લોકોની લાઇનો લાગી રહી છે. વડોદરાવાસીઓ ગેસની અછત ઉભી થશે તેવી ધારણા સાથે ઘરમાં રહેલો બીજો સિલિન્ડર પણ ભરાવી રહ્યા છે. જિલ્લામાં એલપીજીનો પૂરતો સ્ટોક વડોદરા જિલ્લા કલેકટર ડો. અનિલ ધામેલિયાએ ગઈકાલે પુરવઠા અધિકારી તેમજ ગેસ કંપનીના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લામાં ગેસનો પૂરતો જથ્થો છે. લોકો પેનિક થઈ બુકિંગ ના કરાવે. ગેસના કાળાબજાર રોકવા માટે મામલતદાર કક્ષાએ ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે. જે સતત નજર રાખશે. ઘરેલું વપરાશકર્તાને પ્રાથમિકતા આપવામાં આવશે અને દરેક ગ્રાહકને 25 દિવસના અંતરાલે સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ત્રણ ગેસ કંપનીઓ દ્વારા રોજ 14,700 બોટલ રિફિલિંગ વડોદરા શહેર-જિલ્લામાં હાલ કુલ મળી 5.44 લાખ જેટલા ઘરેલું ગેસ કનેક્શન અને 12 હજાર જેટલા વાણિજ્ય હેતુના ગેસ કનેક્શન ધારકો છે. હાલમાં આઇઓસીએલ દ્વારા 6 હજાર, એસપીસીએલ દ્વારા 5 હજાર અને બીપીસીએલ દ્વારા 3700 જેટલા સિલિન્ડર ફિલિંગ કરવામાં આવે છે. સામાન્ય દિવસોમાં પ્રતિદિન એકંદરે 8 હજાર જેટલા બૂકિંગ આવે છે. તેની સામે પ્રતિદિન ત્રણેય કંપની દ્વારા 14,700 બોટલ રિફિલ કરવામાં આવે છે. મતલબ કે, માંગની સામે ફિલિંગની ક્ષમતા વધુ છે. હવે બજારમાં ખોટી માહિતી ફેલાવાના કારણે છેલ્લા કેટલાક દિવસોમાં બૂકિંગની સંખ્યા વધીને 12 હજાર જેટલી થઇ ગઇ છે. એટલે, આ બાબતને ધ્યાને રાખી કોઇ ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી. સુરતમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત ડાયમંડ સિટી અને ખાણીપીણી માટે જાણીતા સુરતમાં હાલ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે. છેલ્લા 4 દિવસથી ચાલતી આ તંગીને કારણે હજારો ખમણ-લોચા અને ફરસાણના વેપારીઓનો ધંધો ચોપટ થવાની આરે આવી ગયો છે. મહિધરપુરામાં વર્ષોથી લોચા અને ખમણનો વ્યવસાય કરતા વેપારીઓ હવે ગેસ એજન્સીઓના ધક્કા ખાઈને થાક્યા છે. ગેસના અભાવે અનેક દુકાનોના ચૂલા ઠરી જવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સતત ફોન કરવા છતાં એજન્સીઓ જવાબ આપતી નથી મહિધરપુરા વિસ્તારમાં 'જય જીત લોચો અને ખમણ' નામે જાણીતી દુકાન ધરાવતા રાજેશ મોદી છેલ્લા કેટલાય સમયથી ગેસ એજન્સીના ધારકોને સતત ફોન કરી રહ્યા છે. રાજેશભાઈ જણાવે છે કે, "અમે સવારથી સાંજ સુધી એજન્સીમાં ફોન કરીએ છીએ, પણ કોઈ ફોન ઉપાડવા તૈયાર નથી. જો ભૂલેચૂકે કોઈ ફોન ઉઠાવે તો સીધો જ નકારાત્મક જવાબ મળે છે કે અત્યારે સિલિન્ડર મળશે નહીં." આ પરિસ્થિતિ માત્ર એક વેપારીની નથી, પણ શહેરના સેંકડો નાના-મોટા ખમણ વિક્રેતાઓની છે, જેઓ ગેસ વગર લાચાર બન્યા છે. સમગ્ર ગુજરાતમાં કોમર્શિયલ-ડોમેસ્ટિક ગેસ સપ્લાયમાં વિક્ષેપ જ્યારે વેપારીઓએ ડીલરો સાથે રૂબરૂમાં અથવા ફોન પર વાત કરી, ત્યારે ડીલરો તરફથી પણ ચોંકાવનારો જવાબ મળ્યો હતો. ડીલરે સ્પષ્ટતા કરી હતી કે આ સમસ્યા માત્ર સુરત પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર ગુજરાતમાં કોમર્શિયલ અને ડોમેસ્ટિક બંને પ્રકારના ગેસ સપ્લાયમાં વિક્ષેપ પડ્યો છે. જ્યારે રાજેશભાઈએ પૂછ્યું કે, જો ગેસ નહીં મળે તો અમે ધંધો કેવી રીતે કરીશું, ત્યારે ડીલરે લાચારી વ્યક્ત કરતા કહ્યું હતું કે, "અત્યારે તો બધું ભગવાન ભરોસે છે." વિશ્વપ્રખ્યાત સુરતી લોચો હવે ગેસ વગર અટવાયો સુરતની ઓળખ સમાન લોચો અને ખમણ-ઢોકળા બનાવવા માટે મોટા પ્રમાણમાં ગેસની જરૂર પડે છે. અત્યારે હાલત એવી છે કે સુરતી લોચો બનાવવા માટે પૂરતો ગેસ ઉપલબ્ધ નથી. પરિણામે, જે વેપારીઓ પોતે જ તાજો લોચો બનાવતા હતા, તેઓ હવે અન્ય હોલસેલર્સ પાસેથી તૈયાર વસ્તુઓ લાવીને વેચવા મજબૂર બન્યા છે. પોતાની આગવી ઓળખ અને સ્વાદ જાળવી રાખવો વેપારીઓ માટે પડકારજનક બન્યો છે, કારણ કે બહારથી લાવેલી વસ્તુઓમાં એ તાજગી રહેતી નથી જે ગ્રાહકોને પસંદ હોય છે. એક દિવસનો સ્ટોક બાકી, દુકાનો બંધ થવાની નોબત અનેક ખમણ વિક્રેતાઓએ ગંભીર ચેતવણી આપી છે કે તેમની પાસે હવે માત્ર એક જ દિવસ ચાલે તેટલો ગેસ બાકી છે. જો આગામી 24 કલાકમાં સિલિન્ડરની ડિલિવરી નહીં થાય, તો તેમને પોતાની દુકાનોના શટર પાડી દેવા પડશે. દુકાનોમાં ખાલી સિલિન્ડરોનો ઢગલો પડ્યો છે, પણ એજન્સીના માણસો તેને લઈ જવા પણ તૈયાર નથી. વેપારીઓનું કહેવું છે કે ગેસ વગર અમારું ઉત્પાદન સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે, કારણ કે ફરસાણ બનાવવા માટે હાઈ પ્રેશર ગેસની જરૂર હોય છે જે નાના સ્ટવથી શક્ય નથી. 'આ અનિશ્ચિતતાએ અમારા વ્યવસાયને પાયમાલ કરી દીધો' રાજેશ મોદીએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, "પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. સપ્લાયર્સ પાસે કોઈ સ્પષ્ટ રોડમેપ નથી. મારે કદાચ એક-બે દિવસમાં દુકાન બંધ કરવી પડશે. હું બહારથી અમુક વસ્તુઓ લાવીને વેચું છું, પણ જે મારી દુકાનની મુખ્ય 'સ્પેશિયાલિટી' છે, તે બનાવી શકાતી નથી. અમારી પાસે ખાલી સિલિન્ડર પડ્યા છે, પણ નવો માલ આવતો નથી અને કોઈ ખાલી બાટલા પણ લઈ જતા નથી. આ અનિશ્ચિતતાએ અમારા વ્યવસાયને પાયમાલ કરી દીધો છે."
    Click here to Read More
    Previous Article
    સ્નેપચેટથી પરિચય બાદ દુષ્કર્મનો યુવતીએ આરોપ લગાવ્યો:વેરાવળના યુવક સામે ગુનો, હોટલ-ફાર્મહાઉસમાં અત્યાચારનો આક્ષેપ
    Next Article
    વરાછામાં દબાણ હટાવ ઝુંબેશનો વિરોધ:નાના વેપારીઓ-પાથરણાવાળાએ રેલી કાઢી; નારેબાજી સાથે સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ મુજબ વ્યવસ્થા કરી આપવા માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment