Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજથી મનપામાં વહીવટદારનું રાજ:રાજકોટ મનપાનાં વહીવટદાર તરીકે ચાર્જ સંભાળતાં રેમ્યા મોહન, મ્યુ. કમિશ્નર સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી, કહ્યું- પ્રાથમિક સુવિધાઓ પર ખાસ ધ્યાન અપાશે

    12 hours ago

    રાજકોટ મહાપાલિકાનાં 11માં વહીવટદાર તરીકે રેમ્યા મોહને આજે ચાર્જ સંભાળ્યો હતો. મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચીને તરત જ તેઓએ મ્યુ. કમિશનર તુષાર સુમેરા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરો, અને સિટી ઇજનેરો સાથે બેઠક યોજી રાજકોટ શહેરમાં ચાલતા વિકાસ કામો અંગે વિગતવાર માહિતી મેળવી હતી. આ તકે તેમણે જણાવ્યું હતું કે, આજે મેં વહીવટદાર તરીકે ચાર્જ સંભાળી લીધો છે. આગામી સમયમાં રાજકોટનાં લોકોની રોડ-રસ્તા, પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ બાબતે ખાસ ધ્યાન આપવામાં આવશે. રાજકોટ મનપામાં ચૂંટાયેલી પાંખની મુદત પૂરી થતા જ સરકાર દ્વારા રેમ્યા મોહનની વહીવટદાર તરીકે નિમણુંક કરવામાં આવી છે. જે અંતર્ગત રેમ્યા મોહન સવારે 10 વાગ્યે સરકીટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતા.‌ જ્યાં મહાપાલિકા કચેરીના અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ ત્યાંથી સીધા મનપા કચેરી ખાતે પહોંચ્યા હતા. અગાઉ જ્યાં મેયર બેસતા હતા તે ચેમ્બરમાં જ રેમ્યા મોહનને સ્થાન આપવામાં આવ્યું હોય તેઓ સીધા ત્યાં પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે મ્યુ. કમિશ્નર સહિતનાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. અને રાજકોટ શહેરમાં હાલ ચાલતા વિકાસ કામોની જાણકારી મેળવી હતી. રેમ્યા મોહન ગાંધીનગરમાં નગરપાલિકાઓના વહીવટી કમિશનર તરીકે ફરજ બજાવે છે અને તેઓને રાજકોટ મહાનગરપાલિકાના વહિવટદાર તરીકે વધારાનો ચાર્જ સુપરત કરવામાં આવ્યો છે.‌ તેઓએ સપ્ટેમ્બર 2019થી રાજકોટના 49માં કલેક્ટર તરીકે સેવા આપી હતી, ખાસ કરીને કોવિડ મહામારી દરમિયાન તેઓની કામગીરી ખૂબ નોંધપાત્ર રહી હતી. રાજકોટ જિલ્લા કલેક્ટર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે સઘન પગલાં લીધા હતા. રસીકરણ અભિયાન અને લોક ડાઉન દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવવામાં તેમની ભૂમિકા મહત્વની રહી હતી. તેમણે ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના ડાયરેક્ટર તરીકે પણ કાર્ય કર્યું છે. અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM)ના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે પણ સંકળાયેલા છે. રેમ્યા મોહને જણાવ્યું હતું કે, આજથી મેં મારો ચાર્જ સંભાળી લીધો છે. આગામી સમયમાં જનતાના હિતને લક્ષમાં રાખીને તમામ જરૂરી નિર્ણયો લેવામાં આવશે. સાંઢિયા પુલ અને જંગલેશ્વર વિસ્તારના પડતર પ્રશ્નો અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે, વ્યક્તિગત પ્રોજેક્ટ્સની કામગીરીની સમીક્ષા કરીને વહીવટી પ્રક્રિયા મુજબ યોગ્ય સમયે નિર્ણયો લેવામાં આવશે. રાજકોટની જનતાને હાલાકી પડે નહીં તે માટે તંત્ર સંપૂર્ણ સહયોગ સાથે કામગીરી કરશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલના તબક્કે શોર્ટ ટર્મમાં જે સ્ટોપગેપ એરેન્જમેન્ટ તરીકે કામો કરવાના હોય તે બાબતે તમામ વિભાગો સાથે ચર્ચા કરીને નિર્ણયો લેવામાં આવશે. કોઈ ચોક્કસ કામ અંગે અત્યારે ટિપ્પણી કરવી યોગ્ય નથી, પરંતુ પ્રાથમિકતાના ધોરણે કામગીરી આગળ વધારવામાં આવશે. તેમજ જનતાને પાયાની સુવિધાઓ જેવી કે પીવાનું પાણી, રોડ-રસ્તા અને સફાઈ જેવી બાબતોમાં કોઈ અસુવિધા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. શહેરી વિકાસ વિભાગમાં કાર્યરત હોવાથી તેઓ રાજકોટની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ખૂબ નિષ્ઠાપૂર્વક કામ કરી રહી છે અને આગામી સમયમાં પણ પ્રજાલક્ષી કાર્યોને વેગ આપવામાં આવશે. અડધી સદીમાં 11મી વખત વહિવટદારની નિમણૂંક મહાનગરપાલિકાની સ્થાપનાથી અત્યાર સુધીમાં અનેક દિગ્ગજ અધિકારીઓએ વહિવટદાર તરીકે સેવા આપી છે. 1974-75 માં એન. એમ. બ્રિજલાણી, સી.સી. ડોક્ટર, અને કે. ઓ. વરદન જેવા અધિકારીઓએ શાસન સંભાળ્યું હતું. ત્યારબાદ 1980-81 માં આર. રામભદ્રન, 1993-95 દરમિયાન અશોક કોશી અને અશોક નારાયણની નિમણૂંક થઈ હતી. વર્ષ 2000 માં પી.એન. રોય ચૌધરી અને 2005 માં જી. આર. અલોરીયાએ આ પદ શોભાવ્યું હતું. 2020-2021 માં ઉદિત અગ્રવાલ બાદ હવે 2026 માં રમ્યા મોહન આ યાદીમાં સામેલ થશે. શહેરીજનો આશા રાખી રહ્યા છે કે અનુભવી અધિકારીના માર્ગદર્શન હેઠળ ચૂંટણીના સમયગાળામાં પણ શહેરની પ્રાથમિક સુવિધાઓ જળવાઈ રહેશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટાયેલ પાંખની 5 વર્ષની મુદ્દત ગઈકાલે પૂર્ણ થઈ છે. લોકશાહી ઢબે ચૂંટાયેલી બોડીની ટર્મ પૂરી થતાની સાથે જ મનપામાં વહીવટદાર શાસનનો આરંભ થયો છે. જોકે, વહીવટદાર શાસન લાગુ થવાને કારણે નવા વિકાસલક્ષી પ્રોજેક્ટો પર બ્રેક લાગવાની સંભાવના છે. સામાન્ય રીતે રુટીન જાળવણી અને સફાઈ જેવી કામગીરી રાબેતા મુજબ ચાલશે, પરંતુ રોડ-રસ્તા કે અન્ય મોટા પ્રોજેક્ટો માટેની નવી ટેન્ડર પ્રક્રિયા અટકી શકે છે. કોઈપણ નવા પ્રોજેક્ટ માટે કમિશનર વિભાગે દરખાસ્ત તૈયાર કરી સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી માટે મોકલવી પડે છે. આગામી 2 માસ સુધી નવી ચૂંટાયેલી પાંખ અસ્તિત્વમાં ન હોવાથી નીતિ વિષયક મોટા નિર્ણયો લેવામાં મર્યાદાઓ આવી શકે છે, જેના કારણે મે માસ સુધી નવા પ્રોજેક્ટો વિલંબમાં પડી શકે છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં 13 માર્ચે ‘નમોત્સવ’ મેગા શો:વડાપ્રધાન મોદીના જીવન પર 100થી વધુ કલાકારો પ્રસ્તુતિ રજૂ કરશે
    Next Article
    ગેસની અછતથી સુરતના 10,000 વીવિંગ યુનિટ્સ પ્રભાવિત:હજારો મીટર કાપડના ઉત્પાદન પર અસર; કામ બંધ થશે તો લોકોની રોજગારી સંકટમાં આવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment