Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડૉક્ટરની ડાયરી:છોડ સાથે પીંછું મેં વાવી દીધું,શક્ય છે કે ડાળને ટહુકો ફૂટે

    1 day ago

    ડૉ. શરદ ઠાકર ‘ડોક્ટર પોતાના વ્યવસાયમાંથી આનંદ મેળવી શકે નહીં. એ ધન, યશ, કામનો સંતોષ, દર્દીના આશીર્વાદ મેળવી શકે, પણ આનંદ મેળવવા માટે તો એણે પોતાના વ્યવસાયની બહાર નીકળવું પડે, પોતાની પ્રતિભા પ્રમાણે કોઈ શોખ વિકસાવવો પડે. જેવાં કે લેખન, ફોટોગ્રાફી, ચિત્રકળા, ગીત-સંગીત, અભિનય કે અન્ય કોઈ પ્રવૃત્તિ.’ આવું એક જાણીતા તબીબ-ચિંતકે કહ્યું છે. ડીસામાં પ્રેક્ટિસ કરતા સીનિયર ગાયનેકોલોજીસ્ટ ડો. દર્શનભાઈ પવારે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી પર પસંદગીનો કળશ ઢોળ્યો. લેબર રૂમ ભોળા નવજાત શિશુઓનો જન્મ કરાવીને જ્યારે તેમને નવરાશ મળે ત્યારે ડો. દર્શનભાઈ કારમાં મોંઘો કેમેરા લઈને એમનો શોખ પૂરો કરવા માટે જવાઈ જવા માટે નીકળી પડે. ડીસાથી બે કલાકના અંતરે રાજસ્થાનનું જવાઈ સ્ટેટ આવેલું છે. મહારાણા પ્રતાપના વંશજ રાજા બલજીતસિંહજી સાથે એમને સારો પરિચય થઈ ગયો. જવાઈનાં જંગલોમાં ઘૂમતો એમનો કેમેરા દીપડાને શૂટ કરવા માટે તરસતો હોય. ડો. દર્શનભાઈએ ખેંચેલી દીપડાઓની તસવીરો જોયા પછી કોઈ માની ન શકે કે આ માણસ સોફ્ટ વ્યવસાયમાં હશે. જવાઈ સ્ટેટના બે વહીવટી અધિકારીઓ ગફારભાઈ અને ઈરફાનભાઈ સગા ભાઈઓ. રાજવી બલજીતસિંહજીની સૂચનાથી એ બંને ડો. દર્શનભાઈને દીપડાનું પગેરું શોધી આપવામાં મદદ કરે. ત્રણેક વર્ષ સુધી આમ સાથે રહેવાના કારણે બંને ભાઈઓને ડોક્ટર સાથે સારી દોસ્તી બંધાઈ ગઈ હતી. એ બંને તો દર્શનભાઈને ફોટોગ્રાફર જ સમજતા હતા. એક દિવસ ગફારભાઈ ક્યાંકથી માહિતી જાણી લાવ્યા, માહિતીના કન્ફર્મેશન માટે એમણે દર્શનભાઈને જ પૂછ્યું: ‘ભાઈ, આપ ડોક્ટર ભી હો?’ દર્શનભાઈ હસ્યા, ‘મૈં ડોક્ટર હી હૂં.’ ગફારભાઈએ આશાભેર તાંતણો પકડી લીધો, ‘તો મેરે ભાઈ ઈરફાન કી બીવી કા કેસ સોલ્વ કર દો ના, સા’બ.’ ઈરફાનની બેગમ હીનાબાનુનો કેસ શું હતો? બાર વર્ષ પહેલાં એણે એક દીકરાને જન્મ આપ્યો હતો. એ પછી દસ-દસ વાર એ પ્રેગ્નન્ટ થઈ હતી અને દરેક વખતે બાળક કાં તો અધૂરા મહિને જન્મીને મૃત્યુ પામ્યું હતું અથવા શરૂઆતના દોઢ-બે મહિનામાં જ એબોર્ટ થઈ ગયું હતું. હીના-ઈરફાનને માત્ર બીજા એક બાળકની તમન્ના હતી. ડો. દર્શનભાઈએ કેમેરાના લેન્સમાંથી ગીચ ઝાડીમાં કશીક હલચલ નોંધી, એક દીપડાનું બચ્ચું લેન્સમાં ઝડપાઈ ગયું. એમણે હવે કેમેરાનું શટર બંધ કરીને ઈરફાનના ભાવિ બચ્ચા પર ધ્યાન ફોકસ કર્યું, ‘પુરાની સબ ફાઈલેં લે કર ડીસા આ જાઓ. મૈં કોશિશ કરુંગા.’ પ્રથમ મુલાકાતમાં જ પૂછપરછ કરતા જાણવા મળ્યું કે હીનાને દોઢ મહિનાની પ્રેગ્નન્સી રહી ચૂકી હતી. ડો. દર્શનભાઈએ સમજાવ્યું, ‘અત્યારે વધુ કંઈ ટેસ્ટ્સ કરાવવા જેટલો સમય રહ્યો નથી, હું બે પ્રકારની ગોળીઓ અને ઈન્જેક્શન લખી આપું છું. સાડા ત્રણ મહિનાની પ્રેગ્નન્સી પૂરી થાય ત્યારે તમારા ગર્ભાશયના મુખ ફરતે ટાંકો મારી આપીશ. જો બધું સારું રહેશે તો આ વખતે અધૂરા મહિને બાળક બહાર નહીં આવી જાય. મારા સંપર્કમાં રહેજો. તમારે વારંવાર મારી પાસે આવવાનું નથી, તમારા શહેરમાં જે ગાયનેકોલોજીસ્ટ છે એને નિયમિત રીતે મળતાં રહેજો.’ આ સાંભળીને ઈરફાનનું મોં બગડી ગયું, ‘સા’બ, વો લેડી ડોક્ટર કી હોસ્પિટલ મેં હી હમારા કેસ દસ-દસ બાર ફેઈલ હો ગયા હૈ. વો સ્વભાવ કી બડી ચિડચિડી હૈ.’ બીજો કોઈ રસ્તો ન હતો. રાજસ્થાનના નાનાં શહેરોમાં મેડિકલ ફેસિલિટીઝ આપણા ગુજરાત જેવી સારી નથી હોતી, જ્યાં એક જ ડોક્ટર હોય ત્યાં બધું ચલાવી લેવું પડે. એક ગફલત થઈ ગઈ. હીનાએ જ્યારે સાડા ત્રણ માસ પૂરા કર્યા એ અરસામાં જ ડો. દર્શનભાઈ એમના નાવ મેટરનિટી હોમમાં શિફ્ટ થવાની પળોજણમાં રોકાયેલા હતા, ટાંકો મારવાનું ભૂલાઈ ગયું. પછી તો ચોથો, પાંચમો, છઠ્ઠો મહિનો થઈ ગયો. બધું બરાબર ચાલતું હતું એટલે લાગ્યું કે ટાંકાની જરૂર રહી નથી. ઉત્તરાયણના દિવસો આવ્યા. અચાનક હીનાને પ્રસૂતિની પીડા ઉપડી. પૂરા મહિના થવાની તો બહુ વાર હતી. આ સમયે જો બાળક જન્મ તો બચી ન શકે. બે કલાકનો પ્રવાસ કરીને પ્રસૂતાને ડીસા સુધી લઈ આવવામાં પૂરું જોખમ હતું. ડો. દર્શનભાઈએ સલાહ આપી, ‘તમે તાત્કાલિક તમારા લેડી ડોક્ટર પાસે પહોંચી જાઓ. એ ચેકઅપ કરી લે એ પછી હું એમની સાથે વાત કરી લઈશ.’ લેડી ડોક્ટરે હીનાને તપાસીને હોસ્પિટલમાં દાખલ કરી લીધી. જ્યારે ડો. દર્શને ફોનમાં પૂછ્યું ત્યારે તોછડો જવાબ આપતાં એણે કહ્યું, ‘હું તો આ પેશન્ટને દસ વર્ષથી ઓળખું છું. અત્યારે એના ગર્ભાશયનું મુખ પચાસ ટકા જેટલું ખૂલી ગયું છે. દર્દ સારું આવી રહ્યું છે. બે-ત્રણ કલાકમાં ડિલિવરી થઈ જશે. અહીં નીયોટેનલ કેરની વ્યવસ્થા છે, બાળક બચી જાય એ માટેના પૂરતા પ્રયત્નો અમે કરીશું.’ ‘મેડમ, આ અગાઉ તમારા જ દવાખાનામાં હીનાએ દસ-દસ વાર એનાં બચ્ચાંઓને ગુમાવ્યાં છે. મહેરબાની કરીને તમે પ્રીમેચ્યોર ડિલિવરીને રોકવાની ટ્રીટમેન્ટ ચાલુ કરી દો. જરૂર પડે તો હું ત્યાં આવી જાઉં.’ ડો. દર્શને વિનંતી કરી. ‘તમારે ધક્કો ખાવાની જરૂર નથી.’ ફોન પૂરો કરીને મેડમ ઊંઘી ગયાં. ઈરફાન ગભરાયો. ડો. દર્શને એને કહ્યું, ‘તું ત્યાંના મેડિકલ સ્ટોરમાં જા અને હું કહું તે ટેબ્લેટ્સ ખરીદીને હીનાને આપવાનું શરૂ કરી દે. એક મોઘું ઈન્જેક્શન જો મળી જાય તો રંગ રહી જાય પણ ત્યાં કદાચ એ નહીં મળે.’ ગોળીઓ તો ચાલુ કરી દીધી. ગફાર અને ઈરફાને પચાસ હજાર રૂપિયાનું એક એવું ઈન્જેક્શન મેળવવા દોડધામ કરી મૂકી. ક્યાંય ન મળ્યું. છેવટે ડો. દર્શને પોતાની ઓળખાણનો ઉપયોગ કરીને અડધી રાતે હોલસેલની એજન્સી ઊઘડાવી, ઈન્જેક્શન મેળવ્યું અને હીના સુધી પહોંચતું કર્યું. આમાં રાત પૂરી થઈ ગઈ. સવારે લેડી ડોક્ટર પેશન્ટને જોવા પધાર્યાં, લેબર પેઈન્સ શાંત થઈ ગયેલાં જોઈને આઘાતમાં સરી પડ્યાં. ભોળીયા રાજા ઈરફાને કહી દીધું, ‘આ ઈન્જેક્શનથી સારું થઈ ગયું. ડીસાના ડો. દર્શનભાઈએ…’ આ સાંભળીને લેડી ડોક્ટરનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. એમણે ડો. દર્શનને ફોન પર ધમકી આપી, ‘એક ડોક્ટરની હોસ્પિટલમાં એની જાણ બહાર, એની સંમતિ લીધા વગર જો બહારનો ડોક્ટર કોઈ દર્દીની સારવારમાં હસ્તક્ષેપ કરે તો એ કાયદાની દૃષ્ટિએ ગુનો ગણાય છે. હું તમને જેલભેગા કરાવીશ.’ ઈરફાને આ ધમકી સાંભળી, એ તરત રાજા સાહેબ પાસે દોડી ગયો, રાજા સાહેબે તે મતક્ષેત્રના મહિલા ધારાસભ્યને વાત કરી. મહિલા ધારાસભ્યે હોસ્પિટલમાં પહોંચીને લેડી ડોક્ટરને પળવારમાં બરફ જેવા ઠંડાગાર કરી દીધાં. ચાર દિવસ હોસ્પિટલમાં કાઢીને હીના ઘરે ગઈ. સંપૂર્ણ આરામ અને દવાઓના સહારે ખૂટતાં અઠવાડિયાંઓ પસાર કરી દીધાં. પૂરા મહિને ઈરફાને હીનાને લઈને ડીસા ડો. દર્શનભાઈની પાસે પહોંચી ગયો. ગર્ભાવસ્થાના મહિના પૂર્ણ થઈ ગયા હતા. પ્રસૂતિની પીડા ઊઠે ત્યાં સુધી રાહ જોવામાં જોખમ હતું. શુભ સમય જોઈને પ્લાન્ડ સિઝેરીઅન ઓપરેશન કરવામાં આવ્યું. અઢી કિ.ગ્રા.ના તંદુરસ્ત દીકરાને ઈરફાનના હાથમાં સોંપતી વખતે ડો. દર્શનભાઈએ સાવધાની ઉચ્ચારી, ‘જંગ હજી ખતમ નથી થયો. તારું બ્લડ ગ્રૂપ ‘પોઝિટિવ’ છે, હીનાનું ‘નેગેટિવ’ છે. નવા જન્મેલા બાળકનું બ્લડ ગ્રૂપ જો ‘પોઝિટિવ’ હશે તો…!’ આ તો પછીની આશંકા સાચી પડીને ઊભી રહી. દીકરાનું બ્લડ ગ્રૂપ ‘પોઝિટિવ’ હતું. ચાર-પાંચ કલાકમાં જ એનું સિરમ બિલિરુબિન ઊંચું થઈ ગયું. ડીસાના અનુભવી પીડિયાટ્રિશિયન ડો. આચાર્ય દોડી આવ્યા. એમણે સલાહ આપી: ‘બાળકનું એક્સચેન્જ બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું પડશે.’ એ સિવાય બાળક નહીં બચે. લોહી બદલવાની આ પ્રક્રિયા ધીમી, લાંબી, જટિલ અને ખર્ચાળ હતી. જે જરૂરી હતું તે બધું જ કરવામાં આવ્યું. જે કક્ષાની સારવાર અમદાવાદ જેવાં મોટાં શહેરમાં આપી શકાય તે ડીસા જેવા નાના શહેરમાં આપવામાં આવી. જો અંગત ધ્યાન, લાગણી અને મહેનત કરવામાં આવે તો ડીસાના ડોક્ટરે મેટ્રોસિટીની કક્ષા પર ઊભા રહી શકે છે એ સાબિત થઈ ગયું. ડો. દર્શનભાઈએ એક પણ રૂપિયો બિલ પેટે ન લીધો, આવું કહીને: ‘ઈરફાન, મને ફોટોગ્રાફીનો ગાંડો શોખ છે. ભારતમાં અને વિદેશોમાં ભટકીને મેં વાઘ, દીપડા, ચિત્તા, બર્ડ્ઝ અને ક્રોકોડાઈલ્સના ત્રણ લાખથી વધારે ફોટોઝ ઝડપ્યા છે. એમાંથી ચિત્તાની તસવીરો લેવા માટે તેં મને ખૂબ મદદ કરી છે. એનો બદલો હું કેવી રીતે વાળી શકું? લે, આ જીવતો-જાગતો, ઘૂરકાટ કરતો વાઘ તને આપું છું.’
    Click here to Read More
    Previous Article
    ઈમિગ્રેશન:શું ટ્રમ્પ ઈફેક્ટને લીધે સ્ટુડન્ટ વિઝા મળે ખરા?
    Next Article
    મેંદી રંગ લાગ્યો:નવે તે નવી રે નવ ભાયુંની જોડ્ય જાડેજા

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment