Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નીલે ગગન કે તલે:ધન્યલોક, ખિન્નલોક

    2 days ago

    ‘નમસ્કાર સાહેબ! ChatGPTમાં ડિસ્ટોપિયન માટેનો ગુજરાતી શબ્દ પૂછતાં યોગ્ય જવાબ મળ્યો નથી. ‘નીલે ગગન કે તલે’માં આપ ગુજરાતી ભાષા ને અવનવા શબ્દોથી સમૃદ્ધ કરતા રહો છો માટે પૂછ્યું છે અંબર બાળા, રંગ તારિકા, ભ્રમણ ભિલ્લુ ઇત્યાદિ શબ્દો અમે આપની પાસેથી શીખ્યા છીએ.’– જીતેન્દ્ર દેસાઈ, સુરત બહારથી નમ્ર હોવાનો ડોળ કરતા ગગનવાલા અંદરખાનેથી અત્યંત ગૈર મેહફૂઝ યાને ઇનસિક્યોર યાને અસુરક્ષિત યાને બીક્કણ છે. પ્લસ, કોઈ સહેજ ફૂલણજી હૌ છે. એક વાચકે ઉપર મુજબ સંદેશો મોકલી એમને માલામાલ કરી દીધેલ છે કે આહા, વાહા, વાહા! જોકે ઇનસાઇડ ઇનસાઇડ ગગનવાલો જાણે છે કે એનો જોડણી–મેનિયા OCD ઓબ્સેસિવ–કમ્પલસિવ–ડિસઓર્ડર નામનો માનસિક રોગ કહેવાય! પહેલાં dystopia! Utopia એટલે જે જેવું હોવું ઘટે એવું હોય, સર્વલોકમાં સૌને વંદે ને નિંદા ન કરે કોઈ કોઈની રે વગેરે અર્થાત સકલલોકનું પુણ્ય પ્રકાશે એવો આદર્શ સમાજ. તેનો વિરુદ્ધાર્થી શબ્દ બન્યો dystopia યાને જે જેવું હોવું ઘટે તેથી વિરુદ્ધધર્મી હોય, વડીલોને લાત મરાતી હોય ને સર્વલોકમાં સામસામે ક્રૂરતા તેમ જ હિંસા આચરાતી હોય તેવો દુષ્ટ સમાજ. આ બંને કાલ્પનિક સમાજવ્યવસ્થાનો ઇંગિત કરતા શબ્દો છે જેનું વહેવારુ ભાષામાં ભાષાંતર ન થાય, યુટોપિયાનું ગુજરાતી થાય યુટોપિયા અને ડિસ્ટોપિયાનું ડિસ્ટોપિયા. પરંતુ કીબોર્ડનું કુંજીપટલ, ને એક્સપ્રેસવેનું દ્રુતગતિ માર્ગ કરવું જ હોય તો અસલ શબ્દની અર્થછાયા તો હોય જ પણ વહેવારમાં વાપરી શકાય તેવું ભાષાંતર હોવું ઘટે. એટલે અમે ધન્યલોક (યુટોપિયા) અને ખિન્નલોક (ડિસ્ટોપિયા) એવા બે શબ્દો રચીએ છીએ. કોઈને મન થાય તો ધન્યલોકને પ્રસન્નલોક કે પુણ્યલોક પણ કહી શકે. કવિલોકમાં ડબલ ન–નો નિનાદ માણવા. હવે હમારી જોડણીની વાયડાઈ. કૃપાળુ ‘જીતેન્દ્ર’ભાઈને માલમ થાય કે સાચી જોડણી જિતેન્દ્ર થાય. ગુજરાતીમાં જિલ્લાને બદલે જીલ્લો વધુ વપરાય છે એટલે જીતેન્દ્રને પણ સ્વીકારી લઈએ. વધુમાં, ગુજરાતીમાં ત્રણેક અક્ષરનો શબ્દ હોય તો જનરલી પહેલા અક્ષર ઉપર ભાર મુકાય છે, યથા પૂછવું, ઊઠવું, ચૂમવું તથા ઝૂમવું ઇત્યાદિ. (ઇતિ+આદિ=ઇત્યાદિ, હ્રસ્વઇ). વળી એક નિયમ તે પણ છે કે ગુજરાતીમાં પ્રત્યય નામ કે સર્વનામને અડાડીને લખાય છે, જેમ કે ‘અડાડીને’ સાચું છે ‘અડાડી ને’ ઇઝ નોટ સાચું. ‘માટેનો’ તેમ જ ‘ભાષાને’ સાચું ‘માટે નો’, ભાષા ને’ નોટ સાચું. હવે આ એ જોડણી વળગાડ જાણે અડધી રાતે ઊભા થઈને ખાટલામાંથી માંકડ વીણતા કોઈ વડીલની જેમ ગગનવાલાને સતત પીડે છે. ‘જીતેન્દ્ર’ અંકલે chatGPTનું નામ દીધું એટલે છાતીમાં નેપાલી ભુજાલી ઘૂસી જાય તેમ હવે ગુજરાતી છાપાંઓના ખાટલામાંથી ઇંગ્લિશમાંથી કે હિન્દીના ગુજરાતી માંકડીઆ AI તરજુમા લોહી પી જાય છે. અંગ્રેજી ‘કન્ફર્મ’નો એક અનુવાદ ‘પુષ્ટિ કરના’ થાય પણ કોઈના મોતની ‘પુષ્ટિ’ કરવી તે અત્યંત દુષ્ટ કાર્ય લાગે. અંગ્રેજી ‘ડિફિકલ્ટ’નું ગુજરાતી ‘મુશ્કેલ’ થાય, પણ ‘ડિફિકલ્ટ ટાઇમ્સ’નું ગુજરાતી ‘મુશ્કેલ સમય’ ન થાય, સરજી! કપરા સંજોગ કે ચિંતાજનક પરિસ્થિતિ લખાય. જમ્મુ–કાશ્મીરમાં પાકિસ્તાની ડ્રોનની ઘૂસણખોરી સામે સેનાએ ‘કાર્યવાહી’ કરતાં PoK પાછું ફર્યું? કાર્યવાહી એટલે સેનાએ ગીતો ગાયાં? ઇન્કલાબ ઝિન્દાબાદના નારા લગાવ્યા? ઇઝરાયલના ભારતીયો બોલ્યા કે ખતરાની ‘આદત’ પડી ગઈ? આદત એટલે સવારે ચા ને બપોરે ખતરો પીવા મળે તો જ ચેન પડે? ‘યૂઝડ્ ટુ’ થઈ ગયા એટલે આદત પણ થાય અને ટેવાઈ ગયા પણ થાય. 61 લાખ મતદારોના નામ કપાયા? કે મતદારોનાં નામ કપાયાં? વિથ મીંડાઝ? નારીજાતિ કે નાન્યતર જાતિના બહુવચનમાં માથે મીડાં આવે તે નિયમ તો … સ્ટોપ, સ્ટોપ, સ્ટોપ! ગગનવાલાનો માથો ફરી જાય તે પહેલાં સ્ટોપ! યસ, હિન્દીમાં માથા નરજાતિ છે, તેને AIથી ગુજરાતીમાં તરજુમો કરો ને તેના સંદર્ભનો ન કરો તો હિંદાળવું લાગે! તો સામે હવે તો કોઈ ચતુર કોઈબી ઠેકાણે બહુવચન આવે એટલે નર કે નારી કે નાન્યતર શબ્દોઝને માથે ભુટકાડે મીંડાંઝ. કોલકાતામાં ચીફ ઇલેક્ટોરલ ઓફિસની બહાર ‘વધારાની’ ફોર્સ તૈનાત કરવામાં આવી. હિન્દીમાં ફોર્સ કદાચ નારીજાતિ હશે, પણ ગુજરાતીમાં ફોર્સ કેવો યાને નરજાતિ છે. પણ હલો સ્ટોપ! સ્ટોપ! સ્ટોપ! કોઈ લરનેડ–કાઉન્ટેડ (ભણેલ–ગણેલ) વ્યક્તિ અંગરેજીમાં અશુદ્ધ જોડણી કરે તો તેની કેવી ઠિઠૌલી થાય છે! અમેરિકાના ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર ડેન ક્વેયલએ potato શબ્દની જોડણી potatoe કરેલી તો નામોશીથી તેની ઉમેદવારી નષ્ટ થયેલી. ગગનવાલા વારંવાર કપાળે કરાઘાત કરે છે કે બંગાળીમાં સ, શ, અને ષ ત્રણેયના ઉચ્ચાર ‘શ’ હોવા છતાં લખાણમાં સાચો સ, શ, કે ષ લખાય તે ખાતર બાળકો દન્ત્ય સ, તાલવ્ય શ, મૂર્ધન્ય ષ તેમ રીતસરના ભેદ ગોખીને સાચી વર્તની યાને જોડણી લખતા હોય છે. દક્ષિણની ભાષાઓ પણ એટલી જ સજાગ હોવાનું સાંભળ્યું છે. ફક્ત આપણે… સ્ટોપ! સસ્ટોપ, સ્ટોપ! વાચક ગગનવાલાનો કો કોલર પકડીને કહે કે સ્ટોપ તેની પહેલાં સ્ટોપ! જય જિનેન્દ્ર, જય જીતેન્દ્ર!
    Click here to Read More
    Previous Article
    સહજ સંવાદ:કપડવંજ, કંથારીયા, વેરાવળ, કઠલાલ, વડોદરા…
    Next Article
    IPLની શરૂઆતની 20 મેચનું શેડ્યૂલ જાહેર:28 માર્ચે બેંગલુરુમાં RCB-SRHની ઓપનિંગ મેચ, ગયા વર્ષે વિક્ટ્રી પરેડમાં ત્યાં જ નાસભાગ મચી હતી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment