Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સહજ સંવાદ:કપડવંજ, કંથારીયા, વેરાવળ, કઠલાલ, વડોદરા…

    2 days ago

    આ કોઈ ભૂગોળનાં નામો નથી. ના તેનો નકશો આપવો છે. તેના નગર-નિર્માણ વિશે પણ કહેવું નથી. બસ, આપણાં આ પરિચિત નગરોથી નીકળેલા, પરદેશમાં ‘પેટ્રિઅટ એન. આર. જી’ તરીકે ખ્યાત ગુજરાતીઓની વાત કરવી છે, જેઓ પોતાના જ દેશ, પ્રદેશ અને જ્યાં જન્મ થયો હતો ત્યાં જ વિસરાઈ ગયાં છે. તેમણે દૂર પરદેશોમાં સ્વાધીનતાની ધૂણી ધખાવી હતી. કેટલાક તો જલાવતન રહ્યા, માતૃભૂમિના ખોળે પાછા આવી શક્યા નહિ. વીસમી સદીની શરૂઆત. સ્થાન લંડન, પેરિસ, જીનીવા, ટોકિયો, ન્યૂયોર્ક, કૈરો, બર્લિન, સાનફ્રાન્સિસ્કો. અને કોણ આ ગુજરાતી સ્વાતંત્ર્યકર્મીઓ? તેની પ્રવૃત્તિનો અંદાજ આપણાં સુધી પહોંચ્યો જ નહિ, બસ, મેઘાણીની પંક્તિ જ તેની નિયતિ રહી: કદી સ્વાધીનતા આવે, વિનંતી ભાઈ છાની, અમોને યે સમારી લેજો જરી પળ એક નાની… આ પળો તો વારંવાર આવે છે. સ્વાતંત્ર્ય દિવસોની ઉજવણી. જાહેર કાર્યક્રમો. યુનિવર્સિટીઓના પરિસંવાદો, ગોષ્ઠીઓ, છાત્રોના વર્ગો. રાજકીય યાત્રાઓ. ભાષણો. વિધાનસભાનાં સત્રો. સંગઠનોનાં અધિવેશનો.. પણ, ક્યાંક તેઓની સ્મૃતિ ગુમ થઈ ગઈ છે. તેના દસ્તાવેજો તો ના જાણે, ક્યાં નષ્ટ થઈ ગયા હશે. નારાયણ રાવ સાવરકર. સીતારામ મહારાજ. બળવંતરાય વૈદ્ય. કૃપાશંકર પંડિત. રૂપરામ જીવરામ. છગનલાલ ત્રિભુવનદાસ. મોહનલાલ પંડ્યા. નાનાલાલ પ્રાણશંકર. ચુનીલાલ ભટ્ટ. બેરિસ્ટર દેશપાંડે. પૂંજાભાઈ વકીલ. નરસિંહભાઈ પટેલ. શું કર્યું તેઓએ, સાથે મળીને? જેમ દિલ્હીના ચાંદની ચોકમાં વાઈસરૉય પર બોમ્બ ઝીંકાયો હતો તેની આકરી ટીકા ગાંધીજીએ કરી એટલે બંગાળ, પંજાબ, ઉત્તર પ્રદેશમાં સ્થાપિત નવયુવકોની ‘નવજવાન ભારત સભા’ના માંડ 20થી 25 વર્ષના યુવકોની ‘થિંક ટેન્ક’ મનાતા ભગવતી ચરણ વોહરાએ ‘બોમ્બની ફિલસૂફી’ નામે પત્રિકા છપાવી. ભગત સિંહને લાહોરની જેલમાંથી છોડાવી લાવવાના નિષ્ફળ પ્રયત્ન માટે બનાવેલ બોમ્બ અકસ્માતે ફૂટી જતાં રાવી નદીના કિનારે ઘાયલ થઈને આંખો મીચી હતી. જમનદાસ પારેખ? તેમના નામે તો અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠમાં એક સભાગૃહ છે. પણ એટલાથી તેમને ઓળખી શકે તેમ નથી. ગાંધીજીના ‘હિન્દ સ્વરાજ’ પુસ્તક વિશેની જાણકારીને ઉમેરીએ તો પારેખ લંડનના ધારાશાસ્ત્રી હતા. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે લંડનની ઉજવણીમાં સાથ આપ્યો. ક્રાંતિકારોના સહયોગી હતા. ગાંધીજી અને શ્રીમદ રાજચંદ્રની સાથે સંબંધ. તેમના પરિવારના પુત્ર-પુત્રી-પુત્રવધૂ-પૌત્રો રંગૂનમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફૌજમાં જોડાયા હતા. તેમની સાથે એક રસપ્રદ વાત જોડાયેલી છે. તારકનાથ દાસ આપણા પ્રખર બૌદ્ધિક ક્રાંતિકાર હતા. દુનિયાભરના ક્રાંતિકારો તેમની સલાહ લેતા. તેમનું એક સામયિક હતું ‘ફ્રી હિન્દુસ્તાન.’ એકવાર તેમણે લેખ લખ્યો કે ભારત તેની ગુમાવેલી સ્વાધીનતા કઈ રીતે પાછી મેળવી શકે? ટૉલ્સ્ટૉયને તે પસંદ ના પડ્યું એટલે તેમણે ‘એક હિન્દુને પત્ર’ નામે લેખ લખ્યો. તારકનાથને તેમાં પ્રકાશન કરવા જેવું લાગ્યું નહિ. રશિયન સંતે ભારતની સ્થિતિ-પરિસ્થિતિ જાણ્યા સિવાય જ લખ્યું હતું એવો જવાબ રૂપે લેખ લખ્યો. વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયે પણ લખ્યો. ટૉલ્સ્ટૉયનો લેખ પ્રાણજીવનદાસે ગાંધીજીને મોકલ્યો. તે તો ભારે પ્રભાવિત થઈ ગયા અને ‘ઇન્ડિયન ઓપિનિયન’માં છાપ્યો તે પછી બંને એક બીજાની અસર હેઠળ આવ્યા. જેઠાલાલ મોતીલાલ પારેખ. કઠલાલમાં તેમનું કોઈ સ્મૃતિ-સ્થાન છે? તેમનું સ્મારક હોવું જોઈએ. લંડનમાં તેઓ વકીલાત કરતા હતા. ‘જે. એમ.’ ના નામે ભારતીયોમાં લોકપ્રિય. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની વિરુદ્ધમાં અહંકારી માલિક તરીકે અંગ્રેજો તેની ઉજવણી કરવા માંગતા હતા કે જુઓ, અમે ‘નીગર’ હિન્દુસ્તાનીઓ પર કેવો વિજય હાંસલ કર્યો હતો. તેનો જવાબ આપવા પંડિત શ્યામજી કૃષ્ણવર્માના ઈન્ડિયા હાઉસમાં બેઠક થઈ. જુવાન સાવરકરે છ મહિના સુધી ઈન્ડિયા લાઇબ્રેરીમાં સંશોધન કરીને 1857 પર ઇતિહાસ-ગ્રંથ લખ્યો હતો એટલે ભવ્ય ઉજવણીનો નિર્ણય લેવાયો. એક નિઝામુદ્દીન રેસ્ટોરન્ટમાં આ ભવ્ય કાર્યક્રમમાં રોટી અને કમળની સાક્ષીએ વંદે માતરમ ગવાયું અને પ્રવચનો થયાં. આ કાર્યક્રમના પ્રમુખ તરીકે જેઠાલાલ પરીખ હતા. તેમણે ત્રણ મહત્ત્વના મુકદ્દમા લડ્યા. એક મહારાષ્ટ્રમાં લોકમાન્ય તિલકનો, બીજો સાવરકર વિશે હેગ અદાલત, ફ્રાન્સમાં, ત્રીજો ફાંસીની સજા પામેલા મદનલાલ ધિંગરાનો મૃતદેહ હિન્દુ રિવાજ પ્રમાણે અગ્નિ સંસ્કાર માટે સરકારની પાસેથી મેળવવાનો. પંડિત શ્યામજી કૃષ્ણવર્માના અખબારની સામે સરકારે કેસ ચલાવ્યો, પણ પરીખ બ્રીફ લઈને પહોંચી ગયા હતા. બ્રિટિશ સરકારે મહારાજા શ્રીમંત ગાયકવાડ વિદેશની યાત્રાએ ગયા ત્યારે આદેશરૂપી પત્ર આપ્યો હતો કે 50 બ્રિટિશ-દ્રોહીને મુલાકાત આપે નહિ, અને જાતે મળે નહિ. તેમાંનું એક નામ જે. એમ. પરીખનું હતું. પેરિન, ગોશી અને ખુરશીદ એટલે દાદાભાઈ નવરોજીની પૌત્રીઓ. કચ્છમાં ડૉ. અરદેશર ફરામજીને ત્યાં જન્મ થયો. પણ તેજકન્યા બની મેડમ ભીખાઈજી રુસ્તમ કામાની દેશભક્તિથી. વિવિધ ભાષા અને સંગીતની સાથોસાથ સાવરકરની સાથે ક્રાંતિના કદમ પર ચાલી હતી. બ્રસેલ્સની ઈજીપ્શિયન નેશનલ કોન્ફરન્સમાં છેક 1905માં સંપૂર્ણ વંદે માતરમ શ્રોતાઓની વચ્ચે તેણે ગાયું તે અવસર કેવો રોમાંચક હશે? ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ માટે આવાં અનેક તારલા લંડન, પેરિસ, બર્લિન અને બીજે જીવ્યાં.
    Click here to Read More
    Previous Article
    ડો. શાદાબ કેસ - 2:લાશના 31 ટુકડા, 31 ગોળીઓ: બદલાનું લોહિયાળ ગણિત!
    Next Article
    નીલે ગગન કે તલે:ધન્યલોક, ખિન્નલોક

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment