Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજ-કાલ:અમેરિકામાં એલિયન અજરામર છે?

    2 days ago

    દુનિયાભરમાં ટેરિફની તડાફડી, વેનેઝુએલામાં પ્રમુખ સહિત સરકારના આબરા કા ડાબરા ને ઈરાકમાં ધડાકા-ભડાકા જેવી અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ઢિસૂમ ઢિસૂમ વચ્ચે એક અતિ મહત્ત્વની વૈજ્ઞાનિક હૂંસાતૂંસી એકદમ હાંસિયામાં ધકેલાઇ ગઈ. એક વાત માનવી પડે (આમેય ટ્રમ્પ બોસની વાત ન માનવાવાળી 56 પ્લસની છાતી ક્યાંય બચી છે ખરી?) કે આ વિવાદની શરૂઆત તેમણે નહોતી કરી. આદરને પાત્ર ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાને તાજેતરમાં એક પોડકાસ્ટમાં ઝડપી પ્રશ્નોત્તરી રાઉન્ડમાં પૂછાયું: ‘શું એલિયન્સ ખરેખર છે?’ ઓબામા ઉવાચ: ‘તેઓ છે ખરા પણ મેં તેમને જોયા નથી. હા, તેમને ‘એરિયા 51’માં રાખવામાં આવ્યા નથી. કોઈ ભૂગર્ભ સુવિધા નથી. સિવાય કે કોઈ વિશાળ ષડયંત્ર હોય અને તે અમેરિકાના રાષ્ટ્રપતિથી છુપાવવામાં આવ્યું હોય.’ પછીનો પ્રશ્ન : ‘રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તમારો પહેલો પ્રશ્ન શું હતો?’ ઓબામાએ હસીને કહ્યું: ‘એલિયન્સ ક્યાં છે?’ આ બધું આંતરરાષ્ટ્રીય સોશિયલ મીડિયા પર ઝડપભેર વાઈરલ થયું. આથી ઓબામાએ સ્પષ્ટતા કરી ઈન્સ્ટાગ્રામ પર: ‘આંકડાકીય રીતે બ્રહ્માંડ એટલું વિશાળ છે કે ત્યાં ક્યાંક જીવન હોવાની સંભાવના છે. પરંતુ સૌરમંડળો વચ્ચેનું અંતર એટલું અધધ છે કે એલિયન્સે આપણો સંપર્ક કર્યો હોવાની શક્યતા ઓછી છે. મારા પ્રમુખકાળમાં પરગ્રહીઓએ સંપર્ક કર્યો હોવાનો મને કોઈ પુરાવો મળ્યો નથી.’ હવે એલિયન અને યુફો પર રાજકારણ રમાડવાનું હોય એવું બનવા માંડ્યું. ટ્રમ્પે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પર આરોપ મૂક્યો કે તેમણે પોડકાસ્ટમાં એલિયન્સ ખરેખર હોવાની ગુપ્ત માહિતી જાહેર કરી છે. સાથોસાથ ટ્રમ્પે એમ પણ સ્વીકાર્યું કે એલિયન્સના અસ્તિત્વ વિશે મારી કોઈ સ્પષ્ટ વ્યક્તિગત માન્યતા નથી. પરંતુ દુનિયાને ટૂંક સમયમાં એલિયન્સની હાજરી સંબંધિત નવા દસ્તાવેજો જોવા મળશે. ખુદ અમેરિકાના રાષ્ટ્રપતિએ એલિયન અને પરગ્રહ જીવન સંબંધિત સરકારી ફાઈલો જાહેર કરવાનો નિર્ણય લીધો છે. એમાંથી શું નીકળશે? કેટલું જાહેર કરાશે? જોકે, પશ્ચિમી જગત ને એમાંય અમેરિકામાં એલિયન, યુએફઓ અને પરગ્રહ જીવન પ્રત્યે લાંબા સમયથી ગજબનું આકર્ષણ છે. એમાંય તાજેતરનાં વર્ષોમાં પેન્ટાગને તેની અજાણ્યા ઉડતા પદાર્થો અંગેની જાણકારી શોધવા અને તપાસવા માટે પ્રયત્નો વધાર્યા છે. જોકે, 2024ના પેન્ટાગનના જ એક રિપોર્ટમાં એલિયન જીવનના કોઈ પુરાવા મળ્યા ન હોવાનું ફરી સ્પષ્ટપણે જાહેર કરાયું હતું. કેટલાક નેતા પ્લેઈંગ ટુ ગેલેરીમાં બહુ પાવરધા હોય છે. એમાંના એક એવા ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર લખ્યું કે લોકોમાં જોવા મળેલા ભારે રસને ધ્યાનમાં રાખીને હું સંબંધિત વિભાગો અને એજન્સીઓને એલિયન અને પરગ્રહ જીવન, અજ્ઞાત હવાઈ ઘટનાઓ (UAP-અનઆઈડેન્ટિફાઈડ એરિયલ ફિનોમીના) અને અજ્ઞાત ઉડતા પદાર્થો (UFOs) સંબંધિત સરકારી ફાઈલો ઓળખીને જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરવા નિર્દેશ આપીશ. એલિયન્સ વિશે ઓબામાએ 2021માં પણ વાત કરી હતી કે એલિયન્સ બાબતે કેટલીક વાતો એવી છે જે હું ટેલિવિઝન પર કહી શકતો નથી. તેમણે આગળ જણાવ્યું હતું કે આકાશમાં કેટલાક અજ્ઞાત પદાર્થોનાં વીડિયો અને રેકોર્ડિંગ્સ છે. 27 એપ્રિલ 2020ના રોજ પેન્ટાગને અગાઉ લીક થયેલા અમેરિકી નેવીના ત્રણ ટોપ સિક્રેટ વીડિયો જાહેર કર્યા, જેમાં અજ્ઞાત હવાઈ ઘટનાઓ હતી. પેન્ટાગનના પ્રવક્તાએ કહ્યું કે આ પગલું લોકોમાં ફેલાયેલી ગેરસમજ દૂર કરવા માટે લેવામાં આવ્યું હતું. એ વીડિયો 2004 અને 2015માં નેવી પાઇલટ્સે તાલીમ ઉડાનો દરમિયાન લીધા હતા અને 2017માં જાહેર થયા હતા. શું હતું એ વીડિયોમાં? 2004માં કેલિફોર્નિયા કિનારે તાલીમ મિશન દરમિયાન જોવાયેલા પદાર્થ વિશે નિવૃત્ત કમાન્ડર ડેવિડ ફ્રેવરે 2017માં વિશ્વાસપૂર્વક કહ્યું હતું કે તે આ દુનિયાનું નહોતું જ. 18 વર્ષના ઉડ્ડયનના અનુભવ પછી પણ મેં આવું ક્યારેય જોયું નહોતું. ત્યાર બાદ 2019માં નેવીએ સ્વીકાર્યું કે આ વીડિયો બહાર આવ્યા પછી પાઇલટ્સ માટે અજાણ્યાં વિમાનોની જાણ કરવાની નવી માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી. આનો મતલબ સાફ છે કે મામલો અવશ્ય ગંભીર હતો. અરે, જૂન 2019ના એક સર્વેમાં 54 ટકા અમેરિકન વયસ્કોનો મત એવો હતો કે સરકાર યુફો અંગે જાહેર કર્યાથી વધુ જાણતી હોઈ શકે છે. અમેરિકનોમાં લાંબા સમયથી વૈજ્ઞાનિક ઉત્સુકતા અને કલ્પનાશક્તિને ભેળવી પરગ્રહ જીવન અંગે ઊંડો રસ ધરાવતા આવ્યા છે. ગુપ્ત સૈન્ય સ્થળો અને સુરક્ષિત વિસ્તારોની ગોપનીયતાએ અવનવી શક્યતાને પાળીપોષી છે. આ દિલચસ્પી માત્ર ટીવી ચર્ચા કે સમાચાર સુધી સીમિત નથી. પુસ્તકો અને દસ્તાવેજી ફિલ્મો આમાં ઉમળકાભેર જોડાઈને પ્રોત્સાહન આપે છે. યુટ્યુબ, પોડકાસ્ટ અને ઓનલાઈન પ્રવૃત્તિ દ્વારા સાયન્સ ફિક્શન રાઈટર્સ લઘુતાગ્રંથિ અનુભવે એવા અને એટલા કલ્પના-વિહારની થિયરીઓ પ્રગટ કરાય છે. એ વિષય પરનાં પુસ્તકો અને ફિલ્મોની યાદી આપતા થાકી જવાય. ટ્રમ્પ અમેરિકી સરકારની એલિયન અને યુએફઓ સંબંધિત ફાઈલો જાહેર કરી રહ્યા છે. આ અમેરિકાનું જૂનું ને લોકપ્રિય ગાંડપણ છે. ભલે ગંભીર હોય કે વ્યંગાત્મક, વિજ્ઞાન, ગોપનીયતા અને મનોરંજનનું આ મિશ્રણ અમેરિકન કલ્પનામાં પરગ્રહવાસીના અસ્તિત્વને કાયમ જીવંત રાખે છે. ઓનલાઇન-ઓફલાઇન કદાચ એલિયન્સ પૃથ્વીની મુલાકાતે એટલા માટે નથી આવ્યા, કારણ કે પૃથ્વીને જોઈને એક નિષ્કર્ષ પર આવ્યા કે અહીં બુદ્ધિમાન જીવનનો સંકેત નથી. - નીલ ડીગ્રાસ ટાયસન (વિખ્યાત ખગોળ ભૌતિક વિજ્ઞાની અને લેખક)
    Click here to Read More
    Previous Article
    કળશ ન્યુઝ:હોર્મુઝની ખાડી જેવા દુનિયાનો વેપારબંધ કરી શકે એવાં તાળાં કેટલાં?
    Next Article
    ડો. શાદાબ કેસ - 2:લાશના 31 ટુકડા, 31 ગોળીઓ: બદલાનું લોહિયાળ ગણિત!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment