Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અક્ષરનો અજવાસ:અમે બરફનાં પંખી, ટહુકો કરીએ ને ઓગળી જઈએ...

    1 day ago

    જયેન્દ્રસિંહ જાદવ માર્ચ મહિનો આવે એટલે પ્રકૃતિના આંગણે વસંતઋતુના વધામણાં થતા હોય છે. વૃક્ષો પર નવી કૂંપળો ફૂટતી હોય, પલાશનાં ફૂલો કેસૂડા બનીને ખીલી ઊઠતાં હોય, ત્યારે પ્રકૃતિનો આ ઉત્સવ માણવાને બદલે આપણાં ઘરોમાં અજીબ પ્રકારનો સન્નાટો અને તણાવ છવાઈ જાય છે. કેલેન્ડરનાં પાનાં ફરવાની સાથે જ વિદ્યાર્થીઓ અને વાલીઓનાં હૃદયના ધબકારા તેજ થઈ જાય છે. ‘બોર્ડની પરીક્ષા...' આ શબ્દો જ શ્વાસ અધ્ધર કરી દેવા માટે પૂરતા બની ગયા છે. ધો. 10 અને 12ની પરીક્ષા જાણે જીવન-મરણનો કોઈ કુરુક્ષેત્રનો જંગ બની ગઈ હોય તેવો માહોલ સર્જાય છે. જ્ઞાન મેળવવાનો, નવું શીખવાનો અને દુનિયાને પામવાનો જે નિર્દોષ આનંદ હોવો જોઈએ, તે ક્યાંક ખોવાઈ ગયો છે અને તેની જગ્યા માર્ક્સ લાવવાની તથા ટકાવારીની એક આંધળી અને અમાનવીય દોટે લઈ લીધી છે. ગુજરાતના જ્યોતિર્ધર કેળવણીકાર અને લોકભારતીના સ્વપ્નદ્રષ્ટા નાનાભાઈ ભટ્ટ માનતા હતા કે શિક્ષણનો હેતુ માત્ર આજીવિકા રળવા કે પરીક્ષા પાસ કરવા પૂરતો નથી, પરંતુ તે તો સર્વાંગી જીવન ઘડતર માટે છે. નાનાભાઈએ ગ્રામ વિદ્યાપીઠો દ્વારા સાચી કેળવણીનાં જે બીજ રોપ્યાં હતાં, તેમાં ગોખણપટ્ટી કે માર્કશીટની રેસને કોઈ સ્થાન નહોતું, પરંતુ જીવનલક્ષી તાલીમ અને સંસ્કાર સિંચનનું જબરદસ્ત મહત્ત્વ હતું. આજે બોર્ડની પરીક્ષા સ્મરણશક્તિ અને ગોખવાની કસોટી બની ગઈ છે, બાળકની સાચી સમજણ, સર્જનશક્તિ કે તેના ભીતર પડેલા કૌશલ્યની નહીં. આજની સ્થિતિ જોઈને કવિ અનિલ જોશીની પંક્તિ યાદ આવે: "અમે બરફનાં પંખી, ટહુકો કરીએ ને ઓગળી જઈએ..." આ પંક્તિ આજના પ્રેશર કૂકર જેવા માહોલમાં જીવતાં બાળકોની મનોસ્થિતિનું આબેહૂબ વર્ણન કરે છે. સવાલ એટલો જ છે કે આટલા બધા ઉધામા કરીને, થોડુંક સમજીને અને થોડુંક ગોખીને પરીક્ષામાં પહેલો નંબર લાવનારો વિદ્યાર્થી ખરેખર જીવનની પરીક્ષામાં પાસ થઈ શકશે ખરો? જ્યારે આપણે ગોખણપટ્ટીના આ અજગરમાં ફસાયેલા છીએ, ત્યારે વિશ્વના અન્ય પ્રગતિશીલ દેશોએ આ દિશામાં આંખ ઉઘાડે તેવા પ્રયોગો શરૂ કરી દીધા છે. ફિનલેન્ડમાં 16 વર્ષની ઉંમર સુધી બાળક માટે કોઈ જ રાષ્ટ્રીય કક્ષાની સ્ટાન્ડર્ડાઈઝ્ડ પરીક્ષા કે બોર્ડ હોતું નથી! ત્યાંના શિક્ષણવિદો માને છે કે બાળપણ એ ભણતરના ભાર નીચે દબાવા માટે નહીં, પણ રમવા, ખીલવા અને પ્રકૃતિ સાથે અનુસંધાન સાધવા માટે છે. ત્યાં વિષયોના ગોખણપટ્ટી આધારિત શિક્ષણને બદલે ‘ફિનોમિનન-બેઝ્ડ લર્નિંગ' એટલે કે વાસ્તવિક જીવનની ઘટનાઓ અને સમસ્યાઓ પર આધારિત શિક્ષણ આપવામાં આવે છે. બાળક ત્યાં ગોખતું નથી, અનુભવે છે અને શીખે છે. એક સમયે સિંગાપોર પણ માર્કશીટ અને ગ્રેડ્સની આંધળી દોટમાં આપણા જેવો જ દેશ હતો. પરંતુ તેમને સમજાઈ ગયું કે ગોખણપટ્ટીથી દેશનું ભવિષ્ય નહીં સુધરે. પરિણામે સિંગાપોરે ‘થિંકિંગ સ્કૂલ્સ, લર્નિંગ નેશન' નામનું અભિયાન શરૂ કર્યું. પ્રાથમિક ધોરણોમાંથી પરીક્ષાઓ અને રેન્કિંગ સિસ્ટમ સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવી. ત્યાં હવે વિદ્યાર્થીએ શું ગોખ્યું છે તેના બદલે, તે શું નવું વિચારી શકે છે તેના પર ભાર મુકાય છે. આ નિરાશાજનક અને ગૂંગળામણભર્યા વાતાવરણમાં એક આશાનું કિરણ પ્રગટ્યું છે. દેશના વડાપ્રધાને ‘એક્ઝામ વોરિયર્સ' પુસ્તકમાં સ્પષ્ટ કહ્યું છે કે "પરીક્ષાને એક ઉત્સવની જેમ ઊજવો.’ પરીક્ષા એ જીવનનો અંત નથી, પણ માત્ર એક પડાવ છે. તેમના દ્વારા દર વર્ષે યોજાતો ‘પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ એ આ દિશામાં એક ઐતિહાસિક અને આવકારદાયક કદમ છે. મંચ પરથી તેઓ વાલીઓને બહુ જ માર્મિક ટકોર કરે છે કે, ‘તમારા બાળકની માર્કશીટને તમારું વિઝિટિંગ કાર્ડ ન બનાવો.’ આ જ વૈચારિક ક્રાંતિના પાયા પર ભારત સરકારની ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020'નું નિર્માણ થયું છે. NEP 2020નો ઉદ્દેશ્ય બોર્ડની પરીક્ષાઓના માળખામાં ધરમૂળથી ફેરફાર કરવાનો અને બોર્ડની પરીક્ષાઓનું બિનજરૂરી મહત્ત્વ તથા તેનો સમાજમાં વ્યાપેલો હાઉ ઘટાડવાનો છે. હવે બોર્ડની પરીક્ષાઓ મહિનાઓ સુધી ચાલતી યાંત્રિક ગોખણપટ્ટી પર આધારિત નહીં હોય. તેના બદલે વિદ્યાર્થીઓની વિષયવસ્તુ પ્રત્યેની સાચી સમજણ, તેમની વિશ્લેષણ શક્તિ અને ‘કોર કોમ્પિટન્સી' ચકાસવા પર જ ભાર મૂકવામાં આવશે. વિદ્યાર્થીઓ પરથી માનસિક દબાણ દૂર કરવા માટે NEPમાં એક બહુ જ સુંદર જોગવાઈ એ છે કે, વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપવા માટે એક શૈક્ષણિક વર્ષમાં બે તકો મળશે- એક મુખ્ય પરીક્ષા અને જો વિદ્યાર્થી ઈચ્છે તો પોતાનું પરિણામ સુધારવા માટે બીજી પરીક્ષા. આનાથી એ મોટો ફાયદો થશે કે જો કોઈ એક દિવસે વિદ્યાર્થીની માનસિક સ્થિતિ અનુકૂળ ન હોય, તો તેના માથે આખું વર્ષ બગડવાની તલવાર નહીં લટકે. અંતે, બોર્ડની પરીક્ષાના માળખાને બદલવાની આ પ્રક્રિયા માત્ર સરકાર કે નવી નીતિઓ પૂરતી સીમિત રહી શકે નહીં. નિયમો બદલાશે, પણ જ્યાં સુધી આપણે આપણી ભીતર પડેલી ‘માર્ક્સવાદી' માનસિકતા નહીં બદલીએ ત્યાં સુધી ખરો ઉજાસ નહીં પથરાય. ચાલો, આપણે સહુ સાથે મળીને ગોખવાની પરીક્ષાના આ અજગરની પકડમાંથી બાળપણને મુક્ત કરીએ અને શિક્ષણને એક ‘રળિયામણો ઉત્સવ' બનાવીએ. અંતે... કરો પરીક્ષાની હોંશે ઉજાણી, વાંચેલાં સઘળાંનો કરજો ગુલાલ, તાણ થઈ જાય ધૂળ ને ધાણી. મૂંઝારો આવે તો સીટી મારીને ગીતો ગાવા બે-ચાર, ચિંતાને હળવેથી હેઠી મૂકો, માનો ના જલ્દીથી હાર, રાખી ભરોસો ખુદમાં ને સાંભળો આપણા અંતરકેરી વાણી, કરો પરીક્ષાની હોંશે ઉજાણી. - કેતન જોષી
    Click here to Read More
    Previous Article
    રેઈનબો:ઈન્દુમતી શેઠ: સંસ્કાર, સાહસ અને શિક્ષણના પર્યાય
    Next Article
    ઓફબીટ:અવાજ કર્યા વગર પ્રગટેએ જ સાચું અજવાળું

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment