Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓફબીટ:અવાજ કર્યા વગર પ્રગટેએ જ સાચું અજવાળું

    1 day ago

    પોતાની જિંદગીથી એ હદે પણ ટેવાઈ ન જવું જોઈએ કે પોતાનું સુખ જ ખુદ પોતાને બેચેન કરી મૂકે! સાહ્યબીનો સંબંધ ઘરકામ માટે રાખેલા ચાકર જેવો હોવો જોઈએ; હોળીના દિવસોમાં વધારાની બે-ચાર રજા લઈ લે તો પણ કનડગત ન પડવી જોઈએ. જીવનમાં બધાંની ગણતરી થવી જોઈએ. વરસાદ સાથે માવઠું પણ માફક આવવું જોઈએ. પરાધીનતાની ઈમ્યુનિટી ખોરવાઈ જાય ત્યારે જ ખુદનો સામનો કરવો અઘરો પડી જાય છે! જીવન આપણાથી ગદગદ હોવું જોઈએ. આપણી જ હાજરીમાં આપણને ‘સદગત’ જેવું ન લાગવું જોઈએ. મળ્યાને માણવાનો અને ન મળ્યાને પણ ઉજવવાનો રોમાંચ જ શ્વાસને વેન્ટિલેટર પર જતાં રોકે છે. જમ્યા પછીનો ઓડકાર અને પ્રત્યેક જીવાતી પળનો સ્વીકાર જીવનના દરેક મુકામને ઉજાગર કરે છે. ફોટો ક્લિક કરીને ફોટામાં આપણને ન ગમતું ‘Crop’ કરી લેતા દરેકને આવડે છે. Crop કર્યા પછી ફોટાને અપલોડ કરતા કે વારંવાર જોતા આપણે ક્યારેય જે ‘Delete’ થયું છે એને યાદ નથી કરતા! સુખનો ફોટો પાડીએ ત્યારે વચ્ચે આવતા દુઃખને Crop કર્યા પછી વાગોળવાનો કોઈ અર્થ નથી. દારોમદાર ખુદ પર જ હોવો જોઈએ. આત્મવિશ્વાસનાં ઇન્જેક્શન બજારમાં મળતાં હોય તો પણ ન ખરીદવા જોઈએ. જેટલો વરસાદ ધરતીને માફક આવે છે એટલો વરસાદ માટી પોતાનામાં મેળવી જ લે છે. વહી જાય છે એ જ ઝરણું, નદી અને દરિયામાં પરિવર્તન પામે છે. સૃષ્ટિના ચક્રમાં આપણે વક્ર થવા નથી જન્મ્યાં. અનુરૂપ થતા આવડે એને જ તદ્રુપ થતા પણ આવડે જ. સહન કર્યા પછી ફરિયાદો ઓછી થઈ જાય તો યુદ્ધમાંથી ‘બુદ્ધ’ બની શકાય. દવાની આડઅસર ક્યારેક રોગને આપોઆપ મટાડે છે. વાંક કાઢીને વખત બગાડવો એના કરતાં રસ્તો કાઢીને સમયનો સામનો કરવો વધુ વાજબી છે. દુનિયા અંગત બાબત છે અને આપણા કરતાં આપણી અંગત બાબતોને વધુ ગંભીરતાથી લે છે. એનો અર્થ એ નથી કે આપણે પણ દુનિયાની પંચાતો પર ધ્યાન આપવું. વિરોધીઓને વાત કરવાનો મોકો આપવા જેવું બીજું એક પણ સુખ નથી. બને ત્યાં સુધી વાંસળી વગાડવી. સુદર્શન રૂપ ધરીને દર્શન આપવા કરતાં સીધું બ્રહ્માસ્ત્ર જ ઉપયોગમાં લેવું. દુનિયાને ચૂપ કરવાના ઘણા રસ્તા છે, પણ સૌથી સચોટ રસ્તો પોતાના કામથી જવાબ આપવો તે છે. સાતત્ય હશે તો સત્ય ધીરજની કસોટી કરતું ક્યારેય નહીં લાગે! કાનભંભેરણી એક નવી ડિવાઈસ થઈને આપણને રંજાડે છે, પણ આપણે એનો ઉપયોગ કરીને અજાણતા જ એના શિકાર બનીએ છીએ. સંવાદ વધુ પડતો રાખવાથી આપણે ઘણીવાર પોતાની જ જાતનું મૂલ્ય અવગણીએ છીએ. કદર થાય તેટલી દૂરતા જીવનના સંગીતને સુરીલું રાખે છે. બીજાએ ધારી લીધેલા આપણા વિશેના પૂર્વગ્રહો માટે આપણે જવાબદાર નથી, તો પછી દુઃખી થવાની ઘટના આપણને સ્પર્શવી ન જોઈએ. રસ લઈને પણ તરસને અકબંધ રાખવાનું ટ્રાફિક વગરનું સરનામું એટલે ‘લાગણી.’ સમય બદલાય છે. જેઓ ગ્રહોમાં માને છે એમને માટે ગ્રહો બદલાય છે, જેઓ આનંદને માણે છે એમના માટે આનંદની વ્યાખ્યા બદલાય છે. સૂર્ય એનો એ જ છે છતાં દરરોજ નવો ઊગે છે. એક જ વિષયને આવરી લેતા દરેક ગીતોમાં કવિએ જુદા શબ્દો વાપર્યા હોય છે. જે મળવું જોઈએ એ નથી મળ્યું એની ફરિયાદ એવી દુનિયા કે માણસો આગળ ક્યારેય ન કરવી જેઓ ખુદ ખાલી છે. આપણી ભલમનસાઈ કે વિવેક ઘણીવાર સામેની વ્યક્તિને આપણી સામે જ અવિવેક કરવા સુધી દોરી જાય છે. એ પણ થવા દેવો. લેબલ મારીને જીવવાની દુનિયાની આદત છે, એમાં આપણા લેબલને ક્યારેય નીચું ન આંકવું. ‘જો જીતા વોહી સિકંદર’ એવું દરેક કિસ્સામાં નથી હોતું! રાતનો અજંપો જ સવારના સૂરજનો રોમાંચ બને છે. અવાજ કર્યા વગર પ્રગટે એ જ સાચું અજવાળું. ઑન ધ બીટ્સ રોજ ઊઠું ને મળે ગમતો દિવસ, મન ભરીને જીવી લઉં આખો દિવસ. તું હિસાબો માંડે તો મોંઘો દિવસ, બાકી તો અત્યંત મોજીલો દિવસ. – કિરણસિંહ ચૌહાણ
    Click here to Read More
    Previous Article
    અક્ષરનો અજવાસ:અમે બરફનાં પંખી, ટહુકો કરીએ ને ઓગળી જઈએ...
    Next Article
    તવારીખની તેજછાયા:રંગભેદથી જ્ઞાતિભેદ સુધી: સંવેદનાની એક સદી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment