Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંતરમનના આટાપાટા:કહાં ગયે વો લોગ?

    1 day ago

    જુદા જુદા અહેવાલોમાંથી ઉપલબ્ધ માહિતી મુજબ ભારત આઝાદ થયું ત્યારે એની સેનાનું નેતૃત્વ કરવા માટે એક બ્રિટિશ જનરલ રૉય બુચરની નિમણૂક કરવામાં આવી હતી. એકાદ વર્ષમાં જ એમણે રાજીનામું આપ્યું અને બ્રિટનમાં સ્થાયી થવા માટે નોકરી છોડી. તે સમયે લગભગ 1948ના અંતમાં જવાહરલાલ નેહરુનું પ્રધાનમંડળ તેમજ જનરલ કરીઅપ્પા, રાજેન્દ્રસિંહજી અને નાથુસિંહ રાઠોડ પણ હાજર હતા. ચર્ચાઓ દરમિયાન નેહરુએ ભારતીય સૈન્યનું નેતૃત્વ કરવા માટે ભારતીય અધિકારીઓ પાસે પૂરતો અનુભવ નહીં હોવાથી વળી પાછું બ્રિટિશ અધિકારીને ભારતીય સૈન્યના વડા બનાવવા માટે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. આ સમયે ત્યાં હાજર લેફ્ટનન્ટ જનરલ નાથુસિંહ રાઠોડે ઊભા થઈ પોતાનું મંતવ્ય રજૂ કરવાની અનુમતિ માગી. અનુમતિ મળતાં તેમણે કહ્યું કે ‘જો સૈન્યનું નેતૃત્વ કરવા માટે આપણી પાસે કોઈ ભારતીય અધિકારી પૂરતો અનુભવ ધરાવતો નથી તો પછી આ તર્ક પ્રમાણે તો આપણને સરકાર ચલાવવાનો પણ અનુભવ નથી એટલે આપણે વડાપ્રધાન પણ બ્રિટિશર નીમવો જોઈએ.’ ઘડીભર તો પં. જવાહરલાલ નેહરુ પણ સ્તબ્ધ થઈ ગયા. જનરલ નાથુસિંહની વાતમાં તથ્ય તો હતું. એનો ઇનકાર તો તેઓ પણ કરી શકે તેમ નહોતા. એમણે સીધું જ જનરલ નાથુસિંહને પૂછ્યું કે ‘શું તમે ભારતીય સેનાનું નેતૃત્વ કરવા તૈયાર છો?’ ત્યારે જનરલ નાથુસિંહે જે જવાબ આપ્યો તે આપણને સૌને નતમસ્તક કરી દે તેમ હતો. તેમણે કહ્યું કે ‘અમારા ત્રણમાંથી જનરલ કરીઅપ્પા સીનિયર છે અને એમનો રેકોર્ડ એક તલસરખો પણ દાગ ધરાવતો નથી. આમ સીનિયોરિટી અને લાયકાત બંને દૃષ્ટિએ જનરલ કરીઅપ્પા ભારતીય સૈન્યનું નેતૃત્વ કરવા માટે યોગ્ય પસંદગી છે.’ આમ ભારતીય સેનાને એના પ્રથમ વડા તરીકે જનરલ કરીઅપ્પા મળ્યા. જનરલ નાથુસિંહના શબ્દો તત્કાલીન સંરક્ષણમંત્રી સરદાર બળદેવસિંહના હૃદયને સ્પર્શી ગયા. એમણે નાથુસિંહનો રેકોર્ડ મંગાવ્યો. બર્મા વૉર તેમજ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અનેક મોરચે સેવાઓ આપીને નાથુસિંહે પોતાની નેતૃત્વશક્તિ તેમજ શૌર્યનો પરિચય કરાવ્યો હતો. નાથુસિંહે જો ધાર્યું હોત તો સરદાર બળદેવસિંહની પસંદ બનીને તેઓ ભારતીય સૈન્યના પહેલા ભારતીય વડા બની શક્યા હોત, પણ તે જુદી જ માટીનો ઘડાયેલો માણસ હતો. એણે પહેલા ભારતીય સૈન્યના પહેલા વડા બનવાની આ તકને નકારતા કહ્યું કે ‘જનરલ કરીઅપ્પા એમના સીનિયર હતા અને બધી જ રીતે યોગ્ય હતા.’ આમ, 15 જાન્યુઆરી, 1949થી જનરલ કોડનદેરા મદપ્પા કરીઅપ્પા (કે. એમ. કરીઅપ્પા) ભારતીય સેનાના પ્રથમ વડા બન્યા. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ 1 ડિસેમ્બર, 1919ના દિવસે તેઓ બ્રિટિશ ઇન્ડિયન આર્મીમાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે જોડાયા હતા. તેઓ અત્યારે જેને ચીફ ઑફ આર્મી સ્ટાફ કહેવાય છે તે કમાન્ડર ઇન ચીફ ઑફ ધી ઇન્ડિયન આર્મી તરીકે 15 જાન્યુઆરી, 1949થી નિમણૂક પામ્યા, જે દિવસને આજે ભારતીય સૈન્ય અને આપણે બધા ‘આર્મી ડે’ તરીકે ઊજવીએ છીએ. મૂળ લેફ્ટનન્ટ જનરલ નાથુસિંહને ભારતીય સેનાના વડા બનવાની ઑફર કરવામાં આવી હતી. આ કોઈ નાનીસૂની તક નહોતી. ભલભલો લલચાઈ જાય એવી જિંદગીમાં જવલ્લે જ મળતી આ તક જનરલ નાથુસિંહને લોભાવી ના શકી. એમણે ગુણવત્તા તેમજ સીનિયોરિટી બંને દૃષ્ટિએ યોગ્ય એવા જનરલ કરીઅપ્પાના નામનું સૂચન કર્યું. જ્યાં યોગ્યતાની કદર થાય છે અને તેની સાથે સાથે સીનિયોરિટીનું પણ માન જળવાય છે ત્યાં આપોઆપ બાકીનું બધું જળવાઈ જતું હોય છે. આજના સમયમાં નથી સીનિયોરિટીનું માન રહ્યું, નથી ગુણવત્તાનું, પરિણામે આપણે જીવનનાં મૂલ્યોને એટલી નીચી સપાટીએ લઈ ગયાં છીએ કે બધું જ વેરવિખેર થઈ જાય. આજની પરિસ્થિતિમાં ફિલ્ડ માર્શલ કરીઅપ્પા, જનરલ નાથુસિંહની સાથોસાથ સરદાર સાહેબ કે અટલ બિહારી વાજપેયી જેવા પ્રજાના પ્રતિનિધિઓ કે પછી દાદાસાહેબ માવળંકર, સોમનાથ ચેટર્જી, પૂર્ણો સંગમા, સુમિત્રા મહાજન જેવી પ્રતિભાઓ દૂર દૂર સુધી દેખાતી નથી ત્યારે એક વિષાદ અને ચિંતાભર્યા મનમાંથી આક્રોશપૂર્ણ અવાજ ઊઠે છે અને આપણી આસપાસના સમગ્ર વાતાવરણમાં એક પ્રશ્ન જોરજોરથી પડઘાય છે, ‘કહાં ગયે વો લોગ?’
    Click here to Read More
    Previous Article
    પ્રગતિશીલ રાજવી:સયાજીરાવ ગાયકવાડ ત્રીજા
    Next Article
    બ્લેક એન્ડ વ્હાઈટ:શાબ્દિક દુરાચાર!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment