Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રગતિશીલ રાજવી:સયાજીરાવ ગાયકવાડ ત્રીજા

    1 day ago

    મહારાજા સયાજીરાવ ગાયકવાડ (1863-1939) માત્ર વડોદરા રાજ્ય જ નહીં, પરંતુ સમગ્ર ભારતનાં તત્કાલીન રાજ્યોમાં સુધારક, આધુનિક અને વૈજ્ઞાનિક સૂઝબૂઝ ધરાવનાર પ્રગતિશીલ રાજવી હતા. વડોદરા રાજ્યના નવનિર્માતા અને ગુજરાતમાં અર્વાચીન સાંસ્કૃતિક નવોત્થાનના આદ્ય સર્જક તથા ભારતીય સામાજિક, રાજકીય અને રાષ્ટ્રીય ચેતનાના અગ્રેસર તરીકે ભારતીય ઇતિહાસમાં તેમનું સ્થાન ચિરસ્મરણીય છે. તેમના સમયનું વડોદરા રાજ્ય સમગ્ર ભારતમાં આધુનિક ગણાતું. રાજ્યમાં અનેકવિધ નાવીન્યસભર પગલાંઓ ભરી તેમણે પ્રજાને અનેક સુવિધાઓ આપી હતી. આવા પ્રજાપ્રેમી રાજાનો જન્મ 11 માર્ચે નાસિક જિલ્લાના માલેગાંવ તાલુકાના કવળાણા ગામે એક મરાઠા કુળમાં થયો હતો. તેમનું મૂળ નામ ગોપાળરાવ હતું. પિતાનું નામ કાશીરાવ ભીખાજીરાવ (દાદાસાહેબ ગાયકવાડ) અને માતાનું નામ ઉમાબાઈસાહેબ હતું. મહારાજા ખંડેરાવ ગાયકવાડ (1828-1870)ના અવસાન બાદ તેમના ભાઈ મલ્હારરાવ ગાદી પર આવ્યા, પરંતુ તેઓ અયોગ્ય શાસક પુરવાર થયા. તેમણે મહારાજા ખંડેરાવની હત્યાનું કાવતરું પણ ઘડ્યું હતું, જેમાં તેઓ નિષ્ફળ રહ્યા. મલ્હારરાવના ઉડાઉ અને ત્રાસદાયક શાસનને લીધે રાજ્યની તિજોરી ખાલી થવા લાગી. તેમણે અંગ્રેજ રેસિડેન્ટને ઝેર આપી મારવાની કોશિશ પણ કરી હતી. છેવટે લોર્ડ સેલિસબરીના આદેશથી 10 એપ્રિલ, 1875 માં મલ્હારરાવને પદભ્રષ્ટ કરી મદ્રાસ મોકલી દેવામાં આવ્યા, જ્યાં 1882માં તેમનું મૃત્યુ થયું. આ સમયે વડોદરાની ગાદી વારસ વગરની હતી. મહારાણી જમનાબાઈએ ગાયકવાડ કુળનાં સગાંઓને વડોદરા બોલાવ્યાં. કાશીરાવ ત્રણ પુત્ર- આનંદરાવ, ગોપાળરાવ અને સંપતરાવ સાથે વડોદરા આવ્યા. તેમને વડોદરા આવવાનું પ્રયોજન પૂછવામાં આવ્યું ત્યારે ગોપાળરાવે નિર્ભયતાથી જવાબ આપ્યો: ‘હું રાજા બનવા આવ્યો છું.’ બ્રિટિશ સરકારે તેમને વારસદાર જાહેર કર્યા અને જમનાબાઈએ 1875ના રોજ તેમનો દત્તક પુત્ર તરીકે સ્વીકાર કર્યો. પછી નામ બદલીને ‘સયાજીરાવ’ રાખ્યું. 16 જૂને તેઓ રાજા તરીકે ઘોષિત થયા, પણ સગીર હોવાને કારણે સગીર વહીવટ 1881 સુધી ચાલ્યો. તેમની પસંદગીમાં મહારાણી જમનાબાઈ, દીવાન સર ટી. માધવરાવ અને રેસિડેન્ટ સર રિચાર્ડ મીડની ભૂમિકા મહત્ત્વની હતી. 1882માં સયાજીરાવે રાજકારભાર હાથમાં લીધો. તેમણે આજવા વોટર વર્ક્સ’ (1890) શરૂ કરી વડોદરામાં પાણીની સમસ્યા હલ કરી. તેમણે 27થી વધુ વિદેશી પ્રવાસો કર્યા અને ત્યાંની આર્થિક, શૈક્ષણિક તથા ઔદ્યોગિક પ્રગતિનું અવલોકન કરી તેને વડોદરામાં અમલી બનાવ્યું. સયાજીરાવ એક ઉમદા કેળવણીકાર હતા. તેઓ માનતા કે તમામ સુધારાઓનો પાયો શિક્ષણમાં રહેલો છે. 16 માર્ચ, 1893ના રોજ તેમણે સૌરાષ્ટ્રના અમરેલી અને આસપાસનાં 9 ગામોમાં 7થી 14 વર્ષનાં બાળકો માટે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત બનાવ્યું. 1906માં આ નિયમ સમગ્ર રાજ્યમાં લાગુ કર્યો. આવું સાહસિક પગલું લેનાર તેઓ ભારતના પ્રથમ રાજવી હતા. તેમણે કલાભવન, સંગીતશાળા અને સંસ્કૃત પાઠશાળા જેવી સંસ્થાઓ સ્થાપી. 1936માં શારીરિક શિક્ષણ ફરજિયાત કર્યું અને યુનિવર્સિટી માટે 10 કરોડનું ભંડોળ ફાળવ્યું, જેમાંથી 1950માં ‘મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી’ (MSU)ની સ્થાપના થઈ. સામાજિક ક્ષેત્રે તેમણે 1904માં બાળલગ્ન પર પ્રતિબંધ મૂક્યો અને લગ્ન માટે વયમર્યાદા (વર માટે 16 અને કન્યા માટે 12 વર્ષ) નક્કી કરી. જ્ઞાતિત્રાસ નિવારણ કાયદો લાવી જ્ઞાતિના પટેલોની જોહુકમી અટકાવી. કન્યાઓને વારસાઈ હક અપાવ્યો. લોકશિક્ષણ માટે તેમણે 1907થી પુસ્તકાલય પ્રવૃત્તિ શરૂ કરી અને 1910 માં રાજ્ય ગ્રંથાલય ખાતું સ્થાપ્યું. ડો. ભીમરાવ આંબેડકરનું નામ સયાજીરાવ સાથે અતૂટ રીતે જોડાયેલું છે. મહારાજાની આર્થિક સહાયથી જ બાબાસાહેબ કોલંબિયા યુનિવર્સિટીમાં ભણી શક્યા હતા. જોકે, વિદેશથી ઉચ્ચ ડિગ્રી મેળવી પરત ફરેલા આંબેડકરને વડોદરામાં અસ્પૃશ્યતાના કડવા અનુભવો થયા હતા, જેણે તેમને સામાજિક ક્રાંતિકારી બનાવ્યા. વડોદરાના કમાટીબાગમાં એક વૃક્ષ નીચે બેસીને તેમણે સંકલ્પ લીધો હતો કે તેઓ અસ્પૃશ્ય-શોષિત સમાજ પર થતા અત્યાચારો દૂર કરીને જ જંપશે. આમ, મહારાજા સયાજીરાવ ગાયકવાડ એક આદર્શ અને લોકાભિમુખ રાજવી હતા. તેમના આધુનિક રાજ્યની પરિકલ્પનાને ડો. બાબાસાહેબ આંબેડકરે ભારતીય બંધારણ દ્વારા મૂર્ત સ્વરૂપ આપ્યું.- ડૉ. હરપાલ બૌદ્ધ
    Click here to Read More
    Previous Article
    Lok Sabha LIVE : No Confidence Motion पर Lok Sabha में बहस | OM Birla | LIVE
    Next Article
    આંતરમનના આટાપાટા:કહાં ગયે વો લોગ?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment