Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એકબીજાને ગમતાં રહીએ:પશુજગત અને માણસનું વિશ્વ ભિન્ન નથી

    3 days ago

    કાળુડી કૂતરીને આવ્યાં ગલૂડિયાં ચાર કાબરાં ને ચાર ભૂરિયાં રે હાલો ગલૂડાં રમાડવા જી રે ! ઝવેરચંદ મેઘાણીની આ કવિતા શેરીના કૂતરા અને બાળકો વચ્ચેની આત્મિયતાનું ગીત છે. આપણે સૌએ આપણી સોસાયટીમાં, શેરીમાં કે મહોલ્લામાં ગલૂડિયાંને જન્મ આપતી શ્વાનમાતાને જોઈ છે... કેટલાક લોકો એની સાથે રમ્યા પણ હશે. પોતાના પ્રિય ગલૂડિયાંને નામ આપ્યાં હશે... પરંતુ, હવે સમય બદલાઈ ગયો છે. છેલ્લા થોડા સમયથી રખડતા કૂતરા (સ્ટ્રે ડોગ) વિશે ખૂબ ફરિયાદો સાંભળવા મળે છે. નાના બાળકોને, મોટાઓને, કોઈક કારણ વગર કરડી જતા આ કૂતરા ધીમે ધીમે વધુને વધુ જોખમી થતા જાય છે. થોડા જ વખત પહેલાં એક યુવકને કૂતરું કરડવાથી એને રેબિઝ (હડકવા)નો રોગ થયો એવા સમાચાર પણ આપણે જાણ્યા. માણસ જેવો માણસ કૂતરાની જેમ ભસે, લાળ પડે અને કૂતરાની જેમ રડે એ દૃશ્ય કોઈએ જોયું હોય તો જ એની ભયાવહતા સમજાય. રાત્રે કામ પરથી પાછા ફરતા લોકોની પાછળ જ્યારે કૂતરા દોડે છે ત્યારે એક્સિડન્ટ થાય છે. નાના બાળકને, સ્ત્રીઓને, વૃદ્ધોની પાછળ જ્યારે આવા રખડતા કૂતરા દોડે છે ત્યારે ફ્રેક્ચર અને હેમરેજ થયાના કિસ્સા પણ બને છે. શેરીમાં રખડતા આવા સ્ટ્રે ડોગ્સ ઉપર કરુણા અને દયા કરવાનો શોખ કદાચ હોય તો એવા લોકોએ આવા રખડતા કૂતરાને કારણે જે હેરાનગતિ થાય છે એની જવાબદારી પણ લેવી જોઈએ. રખડતા કૂતરાની દયા ખાનારા લોકો ઘણા છે. કૂતરાને બિસ્કીટ, બ્રેડ, દૂધ વગેરે ખવડાવીને પોતાની દયાની કે કરુણાની લાગણીનો સંતોષ માનનારા આ લોકો કૂતરા પકડવાની વેન આવે ત્યારે આવા શેરીના કૂતરાને સંતાડીને બચાવે છે, પરંતુ એવા લોકો ભૂલી જાય છે કે એને કારણે અનેક નિર્દોષ લોકોને તકલીફ થાય છે. આપણે જાણીએ છીએ કે પશુ માત્ર પર દયા કરવી એ આપણું મનુષ્ય તરીકેનું કર્તવ્ય છે. અનેક યોનિ પછી મનુષ્ય જન્મ મળે છે અને એ શ્રેષ્ઠ જન્મને જો સાર્થક કરવો હોય તો આપણે નાનામાં નાના જીવને દયા અને કરુણાથી જોવો જોઈએ એ સિદ્ધાંત તરીકે કદાચ સાચું હોઈ શકે, પરંતુ શેરીના રખડતા કૂતરાની બાબતમાં આવી દયા હવે ખૂબ મોંઘી પડવા લાગી છે. છેલ્લા થોડા વર્ષોમાં સામાન્ય માણસના સ્વભાવમાં માની ન શકાય એવો બદલાવ જોવા મળે છે. વાતાવરણમાં થતા ફેરફારથી શરૂ કરીને ટ્રાફિક, સ્ટ્રેસ, પોલ્યુશન, બિમારી અને આર્થિક સંકડામણ જેવા અનેક પ્રશ્નોનો સામનો કરતો માણસ વધુને વધુ ચીડિયો થવા લાગ્યો છે. રસ્તા ઉપર થયેલો નાનકડો ઝઘડો પણ ખૂન સુધી પહોંચી જાય છે અથવા બે પડોશીઓ વચ્ચેના ઝઘડા ક્યારેક કોમી રમખાણનું છમકલું ઊભું કરી દે છે ત્યારે આપણે સમજવું જોઈએ કે આજનો સમય ઉશ્કેરાટ અને અકળામણનો સમય છે. માણસની જેમ પશુ ઉપર પણ વાતાવરણના ફેરબદલની અને આસપાસની પરિસ્થિતિની ઉંડી અસર થાય છે. શેરીના કૂતરા ગઈકાલ સુધી શેરીમાં રમતાં બાળકોના મિત્રો હતા, પરંતુ આજના કૂતરા એક વિચિત્ર પ્રકારના ઉન્માદ કે ઉશ્કેરાટનો શિકાર છે. કારણ વગર લોકો પાછળ દોડવાના, બટકા ભરી લેવાના કિસ્સા વધતા જાય છે, એટલું જ નહીં હવે માત્ર શેરીના કે રખડતા કૂતરા સિવાય પાળેલા કૂતરા-ટ્રેઈન્ડ ડોગ્સ પણ સોસાયટીના બાળકો અને માણસોને નુકસાન પહોંચાડે છે. આપણે સમજી શકીએ કે નહીં, પરંતુ આ આજની પરિસ્થિતિનું પ્રતિબિંબ છે. જ્યારે બે લોકો વચ્ચે ઝઘડો થાય ત્યારે ‘કૂતરા-બિલાડાની જેમ લડે છે’ એવો વાક્ય પ્રયોગ આપણે સાંભળ્યો છે. અર્થ એ થયો કે, કૂતરા-બિલાડા એકબીજાની સાથે-પોતાની જ જાતિના પશુઓ સાથે પણ સતત લડે છે. હજી થોડાં વર્ષો પહેલાં સુધી માણસ પોતાની જાતિના, બીજા માણસના અસ્તિત્વને સ્વીકારતો હતો, એની સાથે નાની વાતમાં ઝઘડો કરવાને બદલે થોડું જતું કરવા તૈયાર હતો, પરંતુ હવે નજીવી બાબતમાંથી પરિવાર, પડોશી, સહકર્મચારી, મિત્રો કે પતિ-પત્નીમાં એટલું બધું વૈમનસ્ય સર્જાઈ જાય છે કે એકબીજાને ‘પાઠ ભણાવવા’ કે પ્રાણ લઈ લેવા સુધી પહોંચી જતાં માણસ અચકાતો નથી. પશુ અને મનુષ્યમાં વધી રહેલો આ ક્રોધ, ઉશ્કેરાટ અને એકમેક પરત્વેનું વેર ધીરે ધીરે એક ઝેરની જેમ ફેલાઈ રહ્યું છે. આપણે સ્વીકારીએ કે નહીં, પરંતુ માણસ કરતાં પશુને આસપાસના વાતાવરણની સંવેદના વધુ ઝડપથી અને તીવ્રતાથી સ્પર્શતી હોય છે. ધરતીકંપ થવાનો હોય ત્યારે કૂતરા પહેલાં વ્યાકુળ થાય છે, અથવા કોઈનું મૃત્યુ થવાનું હોય ત્યારે કૂતરાં રડે છે એમ માનવામાં આવે છે. એ સિવાય પણ પશુને અવાજ વધુ ડેસિબલમાં સંભળાય છે, ગંધ વધુ તીવ્રતાથી અનુભવાય છે. એનો અર્થ એ થયો કે પશુ આપણી આસપાસના પંચમહાભૂત સાથે વધુ એકાકાર-વધુ ઓતપ્રોત છે. આપણી આસપાસના પંચતત્વમાં થઈ રહેલો ફેરફાર ધીરે ધીરે આપણા સૌ માટે સમસ્યા નોતરી રહ્યો છે. જળ, વાયુ, પૃથ્વી પ્રદૂષિત થાય, કે આકાશમાં સતત ઉડતા વિમાનોને કારણે જે ડિસ્ટર્બન્સ સર્જાય એની સીધી અસર આપણા જીવન પર થાય છે. બધું સ્પષ્ટ રીતે રોજિંદી જિંદગીમાં ન પણ દેખાય, પરંતુ આપણા શરીરમાં રહેલા પંચતત્વો અને સૂક્ષ્મ અસ્તિત્વ ઉપર આ બધા જ ફેરફારો-પ્રદૂષણ કે એની સાથે જોડાયેલી બાબતો અસર કરે જ છે. વારંવાર ગુસ્સે થતો, અકળાતો, ધીરજ ખોઈ બેઠેલો માણસ એની આસપાસના જગતનું બેલેન્સ ખોરવી નાખે છે. જ્યારે બહારની સૃષ્ટિનું બેલેન્સ ખોરવાય છે ત્યારે એનું પ્રતિબિંબ ભીતરની સૃષ્ટિના બેલેન્સ ઉપર ઉંડું અને ગાઢું પડે છે. બધું દેખીતી રીતે સમજાય કે નહીં, પરંતુ આપણી આસપાસ થઈ રહેલા ફેરફારો આપણને ઉદ્વિગ્ન અને સંવેદનાવિહિન બનાવતા જાય છે. સંવેદના વગરનો માણસ પ્રાણીસૃષ્ટિ પર અત્યાચાર કરે છે. કેટલાક મૂર્ખ અને ક્રૂર લોકો કૂતરાની પૂંછડી પર ફટાકડા બાંધે છે, કૂતરાને મારે છે, એના પર અત્યાચાર કરે છે ત્યારે કૂતરાને અત્યાચાર કરનાર માણસની ઓળખ કદાચ ન થાય, પરંતુ માણસજાતમાં રહેલા રાક્ષસની ઓળખ થઈ જાય છે. એક પશુ બે ચહેરા વચ્ચેનો ફરક ન કરી શકે, પરંતુ બેપગા પ્રાણીને એ ઓળખી જાય, પછી એણે કરેલા અત્યાચારનો પ્રતિકાર કે પ્રતિભાવ આપવા માટે પશુ માણસ પર હુમલો કરે છે. આપણે જંગલ કાપીને શહેરો વસાવ્યા છે... ક્યારેક શહેરમાં ઘૂસી આવતા દીપડા, ચિત્તા કે વડોદરામાં રસ્તા પર ફરવા લાગેલા મગરોને પકડીને આપણે એમને ભલે ઝૂમાં કે પાછા જંગલમાં ધકેલી દઈએ, પરંતુ એક મહત્ત્વની વાત આપણે સૌએ યાદ રાખવાની છે એ છે કો-એક્ઝિસ્ટન્સ. સહઅસ્તિત્વ વગર આ સૃષ્ટિનો વિનાશ નિશ્ચિત છે. જો અન્ય પશુઓ, તત્વો અને આપણી આસપાસના જગત સાથે આપણે સંવેદનશીલતાથી નહીં વર્તી શકીએ તો એ આપણી સાથે સંવેદનશીલતાથી વર્તે કે આપણને સહન કરે એવી અપેક્ષા રાખવાનો માણસ તરીકે આપણને કોઈ અધિકાર નથી.
    Click here to Read More
    Previous Article
    મૂડ એન્ડ માઇન્ડ:જ્યારે સંબંધ મનને થકાવી દે
    Next Article
    તમે પણ કિડનીની બીમારીથી પીડાવ છો?:16 દેશોના 37 વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલી 'EAT લેન્સેટ' ડાયટ કિડનીને સ્વસ્થ રાખશે, જાણો કોણે ન ખાવું જોઈએ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment