Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિસ્મય:કર્નલ મુઅમ્મર ગદ્દાફીઃ એક સમયનો ક્રાંતિકારી જ્યારે બદહાલ મોતને ભેટ્યો... થેંક્સ ટૂ સીઆઈએ!

    1 week ago

    ધૈવત ત્રિવેદી 'મે વી હેવ યોર એટેન્શન પ્લિઝ...’ એરપોર્ટ એનાઉન્સરનો મધઘોળેલો અવાજ પડઘાયો એ સાથે પેસેજન્જર સતર્ક થયા, ‘પાન અમેરિકન એરવેઝ ફ્લાઈટ નં. 103 ઉડાન માટે તૈયાર છે... પેસેન્જર્સ આર રિક્વેસ્ટેડ ટૂ પ્રોસિડ ટૂ ગેટ નં. 6 ઈમીડિએટલી... કાઈન્ડલી એન્સ્યોર યૂ હેવ...’ એનાઉન્સર યંત્રવત્ બોલતી રહી એટલી વારમાં તો ગેટ નં. 6 સામે લાઈન પણ ગોઠવાવા લાગી. આજે ફ્લાઈટ વીસ મિનિટ મોડી હતી એટલે કંટાળેલા પેસેન્જર્સને વહેલી તકે ફ્લાઈટમાં બેસી જવામાં વધુ હાશકારો લાગતો હતો, પણ ત્યારે એ કોઈને ખબર ન હતી કે ફ્લાઈટ બેસવાની ઉતાવળ એ ખરેખર તો મોતનો સાદ બનવાનો હતો. એ દિવસ હતો 21 ડિસેમ્બર, 1988. લંડનમાં એકધારો વરસાદ પડ્યો હતો એટલે ઘેરાયેલાં વાદળો પાછળ સાંજ પણ પડતાં પહેલાં જ આથમી ગઈ હતી. હવામાં બોઝિલ ભીનાશ હતી, જાણે મોતના તાંડવ પૂર્વેનો સન્નાટો ઘેરાઈ રહ્યો હોય! સતત ધમધમતા હિથ્રો એરપોર્ટના રન-વે 27-R પરથી સાંજે 06:04 કલાકે ફ્લાઈટે ઉડાન લીધી એટલે એર ટ્રાફિક કન્ટ્રોલરૂમે સમય નોંધ્યો, રૂટિન મુજબ પાઇલટને જાણ કરી એટલે વિમાને તરત ઉત્તર પશ્ચિમની દિશા પકડી. એ વખતે વિમાનના ભંડકિયામાં ઠાંસોઠાંસ ભરેલા સામાનમાં એક નિર્જીવ સૂટકેસમાં જાણે ભૂતાવળ પ્રગટી હોય તેમ ઘડિયાળની આછેરી ટિક્.. ટિક્ ધબકી રહી હતી! વિમાન ઉડાન ભરે એટલે બરાબર 35 મિનિટ પછી સૂટકેસની અંદર ટેપરેકોર્ડર સ્વરૂપે ફિટ કરેલો શક્તિશાળી બોમ્બ ફૂટવાનો હતો. *** એ વિમાન જ્યાં તૂટી પડ્યું એ આકાશ સ્વિત્ઝરલેન્ડના મશહૂર લોકર્બી શહેરનું હોવાથી તે ‘લોકર્બી અકસ્માત’ તરીકે ઓળખાય છે. હવામાં થયેલો એ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે વિમાનનો કાટમાળ પોણા નવસો ચોરસ કિલોમીટરમાં વેરાયો, જેમાં પ્લેનમાં સવાર 259 પ્રવાસીઓ ફૂંકાઈ ગયા હતા અને એ સિવાય ધરતી પરના 11 લોકો કાટમાળ માથે પડવાથી મૃત્યુ પામ્યા. અમેરિકા અને બ્રિટનની સઘન છાનબીન પછી એક બાદ એક કડીઓ જોડાતી ગઈ અને આખરી નામ ખૂલ્યાં બે કાવતરાખોરોનાં: અબ્દલબાસિત અલ મગરાહી અને લામેન ખલીફા. બંને લિબિયાના સૈન્ય અધિકારી હતા. બસ, આટલું પૂરતું હતું. અમેરિકાએ તરત એક આદમીનું નામ હિટલિસ્ટમાં ચડાવી દીધુઃ મુઅમ્મર ગદ્દાફી. વિમાન અકસ્માતનાં 23 વર્ષ પછી તેને ભૂંડો દેહાંત દંડ મળવાનો હતો. હિટલર હોય કે કોરિયાના કિમ જોંગ, ઈરાકના સદ્દામ હોય કે લિબિયાના ગદ્દાફી, દરેક તાનાશાહ જ્યારે આવે છે ત્યારે એ પ્રખર રાષ્ટ્રવાદી ક્રાંતિકારીનું મુખોટું પહેરીને આવે છે. દેશના શોષણખોરો સામે બંડ પોકારે છે. જનતામાં લોકપ્રિય થાય છે. શોષણખોરોને તગેડીને દેશમાં એ ક્રાંતિ સર્જે છે અને સત્તા પર આવ્યા પછી પોતેય એ જ કરે છે જે અગાઉના શોષણખોરો કરતા હતા. પૃથ્વીના નકશા પર જુઓ તો લિબિયા એ મધ્ય-પૂર્વ એશિયાના જમેલાથી સહેજ દૂર અને આફ્રિકા ખંડમાં આવેલો દેશ છે. ભૂમધ્ય સમુદ્રનો લગભગ 1770 કિલોમીટર જેટલો કાંઠો લિબિયાને મળે છે. હજારો વર્ષ પહેલાં સમુદ્રના જ્વાળામુખીએ ઠાલવેલો લાવા ઠરીને હવે મબલખ ખનિજતેલના કૂવામાં પરિવર્તિત થઈ ચૂક્યો છે. ખનિજતેલના આવિષ્કાર પછી સૌ પ્રથમ આ ધરતીનું મૂલ્ય પારખનારા અંગ્રેજો હતા. ઈસ્લામના પ્રસાર માટે મધ્ય એશિયામાંથી નીકળેલા આરબોએ લિબિયાની નધણિયાતી ભૂમિ કબજે કરીને ઈસ્લામનો લીલો પરચમ લહેરાવી દીધો હતો. બેદુઈન તરીકે ઓળખાતા આરબોના એ ઘુમક્કડ કબીલાઓને ઊઠાં ભણાવવાંમાં અંગ્રેજોને કંઈ મુશ્કેલી પડે તેમ ન હતી. અહીં તેમણે સ્થાનિક રાજાશાહી જારી રાખી, પણ રાજાને એક ખિસ્સામાં મૂકીને બીજું ખિસ્સું ભરવા માંડ્યું. ઉઘાડેછોગ શોષણખોરી અને અરાજકતા સામે સશસ્ત્ર વિદ્રોહ કરનાર હતો લિબિયાની સેનાનો કર્નલ મુઅમ્મર ગદ્દાફી. રાજા ઈદ્રિસના શાસનને ઉથલાવીને દેશનો સર્વોચ્ચ વડો બન્યો ત્યારે તેની ઉંમર હતી ફક્ત 27 વર્ષ. એ માત્ર જડસુ ફોજી ન હતો. બેહદ પઢાકુ કિસમનો અને વિચારશીલ આદમી હતો. ઈજિપ્તના શાસક ગમાલ અબ્દલ નાસરે જોયેલું ઈસ્લામિક આરબ એકતાનું ખ્વાબ તેને બહુ જચી ગયું હતું. ઈસ્લામિક દેશો જો એક થાય અને સંયુક્ત ઈસ્લામિક રાજ્ય બનાવે તો દુનિયાના એકેય દેશની તાકાત નથી કે ઊંચી આંખ કરી શકે. નાસરનું આ ખ્વાબ આગળ વધારનારો હતો ગદ્દાફી અને તે જાણતો હતો કે આ ખ્વાબ ત્યાં સુધી સાકાર થાય તેમ નથી જ્યાં સુધી દુનિયાભરમાં અમેરિકાની તૂતી વાગે છે. એ અમેરિકા સામે બેફામ બન્યો. ઈસ્લામિક દેશોની મુલાકાતો લઈને જોશીલાં પ્રવચનો કર્યાં અને સૌને પાનો ચડાવ્યો. પાકિસ્તાન એ વખતે પરમાણુ બોમ્બ બનાવવાની વેતરણમાં હતું તો ગદ્દાફીએ તગડી આર્થિક મદદ પણ પહોંચાડી. એ અહેસાનના બદલામાં લાહોરના ક્રિકેટ સ્ટેડિયમને ‘ગદ્દાફી’નું નામ અપાયું, જે આજેય બદલાયું નથી. ગદ્દાફીએ ઈઝરાયેલ સામે લડી રહેલાં આતંકવાદી સંગઠનોનેય સહાય આપી. હથિયારો, શસ્ત્રો, ભીંસ પડે તો છુપાવાની જગ્યા બધું જ પૂરું પાડવાં માંડ્યું. અમેરિકાની એકેય ધમકી કે પ્રતિબંધોને એ તાબે થતો ન હતો. ખનિજતેલથી સમૃદ્ધ હોવાથી લિબિયા આત્મનિર્ભર પણ હતું, પણ અમેરિકા જેનું નામ, દુશ્મનને એ પહેલાં ઓળખે, ખતમ કરવાનું કારણ તો પછી ગમે તેમ કરીને શોધી લે. પહેલું બહાનું મળ્યું 1986માં. જર્મનીના બર્લિન ખાતે એક ડાન્સ ક્લબમાં બોમ્બ વિસ્ફોટ થયો અને તેમાં બે અમેરિકન પણ માર્યા ગયા. ક્યાંય કોઈ દેખીતો સંબંધ ન હતો છતાં અમેરિકાએ લાગ જોઈને તેના તાર ગદ્દાફી સાથે જોડી દીધા અને દસ જ દિવસમાં બ્રિટન ખાતેના અમેરિકી મથક પરથી લડાકુ વિમાનો ત્રાટક્યાં. પાટનગર બેન્ગાઝી અને ટ્રિપોલીને ધમરોળી નાખ્યાં, પરંતુ એ વખતે વિશ્વભરના ઈસ્લામિક દેશોએ કાગારોળ મચાવી દીધી એટલે અમેરિકાના હાથ હેઠા પડ્યા. એ ઘટનાનાં બે જ વર્ષ બાદ લોકર્બી ખાતે વિમાન તૂટી પડ્યું. તેમાં લિબિયાના સૈન્ય અધિકારીઓની સંડોવણી સાબિત થઈ. હવે તો ગદ્દાફી માટે મોતનું ફરમાન કાઢવું સરળ હતું પરંતુ ત્યારેય અમેરિકાની કારી ન ફાવી. તેનું મુખ્ય કારણ એ હતું કે અહીં અમેરિકા સીધો જ લશ્કરી હસ્તક્ષેપ કરતું હતું. અન્ય દેશોની માફક સીઆઈએને મોકલીને પહેલાં માહોલ બનાવવાનું ટાળ્યું એટલે બબ્બે વખત મોકો મળવા છતાં ગદ્દાફી અણનમ રહ્યો. પછી તો ગદ્દાફીએય અમેરિકા સામેનો વિરોધ પણ મોળો પાડી દીધો. ઈસ્લામિક બોમ્બના ખ્વાબ પણ પડતાં મૂકી દીધાં અને ઘરઆંગણે વંશ પરંપરાગત શાસન ચાલતું રહે એવી પેરવી કરવા માંડી. જોકે, સિંહ ઘરડો થયો હતો, પરંતુ તેના નહોરના ઉઝરડા અમેરિકાને ભુલાયા ન હતા. 2011માં ટચૂકડા દેશ ટ્યુનિશિયામાં સત્તાપલટો થયો એટલે લાગ પારખીને ‘આરબ સ્પ્રિંગ’ તરીકે ઓળખાયેલા એ આંદોલનના વિચાર-વાઈરસ લિબિયામાંય પહોંચાડ્યા. આ વખતે અમેરિકા ચૂક્યું નહીં. એ કામ માટે સીઆઈએનાં ધાડાં મોકલી દીધાં. વ્યક્તિગત રીતે તમે કે હું વિચારશીલ હોઈ શકીએ, પરંતુ સામૂહિક રીતે આપણે નમતા પલડે બેસીને દોરાવવાનું વધુ પસંદ કરીએ. મનોવિજ્ઞાનનો એ જ નિયમ અમેરિકાએ અહીં કામે લગાડ્યો. અહીં ઈરાન કે ઈરાકની માફક સીઆઈએની સીધી ભૂમિકા ન હતી. પરંતુ તેણે ગદ્દાફીના સુરક્ષાતંત્રમાં જબ્બર ગાબડાં પાડ્યાં. તેની ઐયાશીની કથાઓ પુરાવા સાથે પશ્ચિમનાં માધ્યમોમાં પ્રગટ થવા લાગી. તેનાં પરિવારજનોની મબલખ સમૃદ્ધિની તસવીરો જાહેર થવા લાગી. ગઈકાલનો એ ક્રાંતિકારી રાષ્ટ્રવાદી હવે લિબિયાવાસીઓની નજરે ઐયાશ, કુમળી વયની છોકરીઓનો શોખીન, આદમખોર અને ભ્રષ્ટાચારી તાનાશાહ હતો. પાકા પાયે વાતાવરણ બન્યું પછી અમેરિકાએ નાટો સંગઠનને આગળ કર્યું. હવે તો ગદ્દાફીના અંગત વફાદારોનાં સૈન્ય અને પરિવારજનો કે નજીકના સાથીદારો સિવાય કોઈ તેની સત્તા ઈચ્છતું ન હતું. આખરે એ જ થયું. સત્તા છોડવા મજબૂર બનેલો ગદ્દાફી ભાગ્યો, ગટરના ભૂંગળામાં દિવસો વિતાવ્યા, પણ પકડાયા પછી તેનાં દેશના લોકોએ જ તેને ધોલધપાટ કરીને રહેંસી નાખ્યો. તેની લાશને ઢસડી અને એ સિવાય અહીં લખતાંય કમકમા ઊપજે એવી ઘૃણાસ્પદ હરકતો કરી. ઘડિયાળનો કાંટો બદલાયાની એ નિશાની હતી. એક વખતે રાષ્ટ્રવાદી તરીકે એ પૂજાતો હતો, ક્રાંતિકારી તરીકે દેશભરના યુવાઓની છાતી પર તેની છબી મઢેલો બિલ્લો ચોંટતો હતો. આજે તેની જ લાશ પર એ જ લોકો થૂંકતાં હતાં. બદલાયેલા એ માનસ પાછળ બદલાયેલો સમય અને અમેરિકાએ બદલાવેલા સામૂહિક વિચારોય એટલા જ કારણભૂત હતા. આજે દોઢ દાયકા પછી લિબિયા ભયંકર અરાજકતાનો ભોગ બનેલું છે ત્યારે ગદ્દાફીની લાશ પર થૂંકનારા ફરી પાછા છાતી પર ચિપકાવવા તેની તસવીર મઢેલા બિલ્લા શોધી રહ્યા છે અને એ જોઈને સમય અટ્ટહાસ્ય કરી રહ્યો હશે કદાચ... } આવતા રવિવારથી વાંચો નવી શ્રેણી ઈરાનઃ આર્યભૂમિની અંતહીન કથા
    Click here to Read More
    Previous Article
    અમલપિયાલી:પ્રકાશ એ ઉછીનું સત્ય છે, શાશ્વત તો અંધકાર જ છે
    Next Article
    અપડેટ:સોફ્ટવેર અપડેટ: ફોનનો ડિજિટલ ડોક્ટર

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment