Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અપડેટ:સોફ્ટવેર અપડેટ: ફોનનો ડિજિટલ ડોક્ટર

    1 week ago

    કેવલ ઉમરેટિયા તમારા ફોનમાં જ્યારે ‘System Update Available’ કે પછી ‘Software Update Available’ એવું નોટિફિકેશન આવે ત્યારે તમે શું કરો છો? ઘણા લોકો લાંબુ વિચાર્યા વગર તરત જ ‘Remind me later’ પર ક્લિક કરી દે છે. તેનું કારણ એ છે કે તેમના મનમાં એવું હોય છે કે જો મેં ફોન અપડેટ કર્યો, તો મારો સારી રીતે ચાલતો ફોન હેંગ થવા લાગશે, બેટરી જલદી ઊતરશે અને નાછૂટકે નવો ફોન લેવો પડશે. શું આ વાત ખરેખર સાચી છે? એ જાણવા માટે પહેલા તો જાણવું જરૂરી છે કે જ્યારે તમારો ફોન અપડેટ થાય છે, ત્યારે ફોનની અંદર ખરેખર શું થાય છે? સોફ્ટવેર અપડેટ એટલે શું? ચાલો, આ વાત એક ઉદાહરણ સાથે સમજીએ. ધારો કે તમારો સ્માર્ટફોન એક આલીશાન ઘર છે. જ્યારે તમે નવું ઘર ખરીદો છો, ત્યારે બધું જ નવું અને સારું હોય છે. જોકે, થોડા સમય બાદ કલર ઊખડવા લાગે છે, દરવાજાના મિજાગરા ઢીલા પડે છે તો વળી ક્યાંક લીકેજ પણ થાય છે. આવું બધું થાય એટલે મકાનના રિપેરિંગની જરૂર પડે છે. બસ આવી જ રીતે સોફ્ટવેર અપડેટ એ તમારા ફોનનું ‘મેન્ટેનન્સ અને રિનોવેશન’ છે. જે મુખ્યત્વે ત્રણ કામ કરે છે. 1. સિક્યુરિટી પેચ સાઇબર ગુનેગારો (હેકર્સ) દિવસ-રાત બસ એ જ શોધતા હોય છે કે તમારા ફોનના સોફ્ટવેરમાં ક્યાં ખામી છે, જ્યાંથી ઘૂસીને તેઓ તમારા ઓટીપી, પાસવર્ડ કે ડેટા સુધી પહોંચી શકે. જ્યારે ગૂગલ (Android) કે એપલ (iOS) ને આવી ખામીઓની જાણ થાય છે, ત્યારે તેઓ તરત જ એક ‘સિક્યુરિટી પેચ’ મોકલે છે. જે સોફ્ટવેર અપડેટનો જ એક ભાગ હોય છે. એટલે કે ફોનને અપડેટ ન કરવો એ એના જેવી જ વાત છે કે તમને ખબર હોય કે તમારા ઘરના મુખ્ય દરવાજાનું તાળું ખરાબ છે, છતાં પણ તમે તેને બદલવાની ના પાડી દો! 2. બગ ફિક્સ શું ક્યારેય એવું બન્યું છે કે ફોન અચાનક ગરમ થઈ ગયો હોય? અથવા કેમેરા એપ ખોલતાની સાથે જ બંધ થઈ જાય? ટેક્નિકલ ભાષામાં આને ‘બગ્સ’ (Bugs) કહેવામાં આવે છે. અપડેટ દ્વારા કંપની આ નાની-મોટી બીમારીઓની ‘દવા’ મોકલે છે, જેથી તમારો ફોન અટક્યા વગર એકદમ સારી રીતે ચાલે. 3. નવાં ફીચર્સ આ અપડેટનો સૌથી મજેદાર ભાગ છે. આમાં તમને નવાં નવાં ફીચર્સ મળે છે. એટલે કે ફોન જૂનો પણ ફીચર્સ નવાં. નવા ઇમોજી (Emojis), સ્ક્રીનની નવી ડિઝાઇન, બેટરી બચાવવાની નવી રીત અને નવી ઓપરેટિંગ સિસ્ટમ પણ મળે છે. શું અપડેટ કરવાથી ફોન ધીમો પડે છે? આ સવાલનો સીધો જવાબ છે, હા, ક્યારેક ક્યારેક એવું થાય છે. જો કે દર વખતે કે બધા ફોન સાથે આવું થાય તે જરૂરી નથી. અપડેટ પછી ફોન ધીમો થવા પાછળ બે કારણો છે. એક તો જ્યારે ફોનમાં સોફ્ટવેર અપડેટ થાય છે ત્યારે ફોને બધી જ જૂની ફાઇલો, કોન્ટેક્ટ્સ અને એપ્સને નવા સિસ્ટમ પ્રમાણે ફરીથી ગોઠવવી પડે છે. એટલે જ અપડેટ પછી તરત તે ધીમો લાગે છે અને બેટરી પણ વધારે વાપરે છે. બીજું કારણ એ કે, માની લો કે તમારી પાસે ત્રણ વર્ષ જૂનો ફોન છે. તેનું પ્રોસેસર પણ ત્રણ વર્ષ પહેલાંનું હશે. હવે નવું સોફ્ટવેર અત્યારના સમયનું અને પાવરફુલ ફોનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું હશે. એટલે જૂના હાર્ડવેર પર જ્યારે નવા અને હેવી સોફ્ટવેરનો માર પડે છે, ત્યારે ફોન થોડો ધીમો લાગી શકે છે. શું કંપનીઓ જાણીજોઇને ફોનને ખરાબ કરે છે? એક કહેવત છે કે આગ વગર ધુમાડો ના હોય. તેવી જ રીતે લોકો એવું માનતા હોય કે કંપનીઓ જાણીજોઇને અપડેટ દ્વારા ફોનને ધીમો કરે છે તો એમાં થોડું ઘણું તથ્ય પણ હોવું જોઇએ. ઇન્ટરનેટ પર એક બહુ જાણીતી થિયરી છે ‘Planned Obsolescence’ (એટલે કે જાણીજોઈને વસ્તુઓને જલદી ખરાબ કરવાની યોજના). લોકોનું એવું માનવું છે કે ‘એપલ’ કે ‘સેમસંગ’ જેવી કંપનીઓ જાણીજોઈને જૂના ફોનને અપડેટ દ્વારા ધીમા કરી દે છે જેથી લોકો કંટાળીને નવો ફોન ખરીદે. 2017ના વર્ષમાં એક બહુ મોટો વિવાદ થયો હતો જેને ‘Batterygate’ (બેટરીગેટ) નામથી ઓળખાય છે. તે સમયે ‘એપલ’એ એ વાત સ્વીકારી હતી કે તેમણે સોફ્ટવેર અપડેટ મારફતે જૂના iPhones (જેમ કે આઇફોન 6) ને થોડા ધીમા કરી દીધા હતા. એપલની દલીલ હતી કે તેમણે એવું એટલા માટે કર્યું કારણ કે જૂની બેટરી ફોનનો લોડ ઉઠાવી શકતી નહોતી અને ફોન અચાનક શટ ડાઉન (બંધ) થઈ જતા હતા. તેને અટકાવવા માટે તેમણે સ્પીડ ઓછી કરી દીધી હતી. ‘એપલ’ના આ ખુલાસા બાદ આખી દુનિયામાં ભારે હોબાળો મચી ગયો હતો. ‘એપલ’ની સૌથી મોટી ભૂલ એ હતી કે તેમણે આ વાત ગ્રાહકોથી છુપાવી રાખી, તેમને પસંદ કરવાની તક પણ ન આપી. જેના લીધે ‘એપલ’ પર ઘણા દેશોમાં કરોડો ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો. 2018ના વર્ષમાં ‘સેમસંગ’ને પણ 50 લાખ યુરોનો દંડ કરાયો હતો કારણ કે કંપનીએ ‘ગેલેક્સી નોટ 4’ માટે ફોનને નુકસાન પહોંચાડે એવું અપડેટ મોકલ્યું હતું. આ ઘટના બાદ બનેલા કડક નિયમો અને સતત દેખરેખને કારણે કોઈ પણ કંપની જાણીજોઈને તમારો ફોન ધીમો પાડવાનું જોખમ ઉઠાવી શકે એમ નથી. જો કે અમેરિકા અને યુરોપ જેવા મજબૂત કાયદા ભારતમાં નથી, પણ ગ્રાહક-જાગૃતિ વધી રહી છે. ખાસ કરીને સ્વતંત્ર સંસ્થાઓ આ બધા પર નજર રાખી રહી છે. તમારે શું કરવું જોઈએ? આટલું વાંચ્યા બાદ હવે સવાલ એ આવે કે જ્યારે તમારા ફોનમાં ‘System Update Available’ નું નોટિફિકેશન આવે તો તમારે શું કરવું જોઇએ? અપડેટનો પ્રકાર ઓળખો: જો કોઈ ‘સિક્યોરિટી પેચ’ (Security Update) હોય, જે સામાન્ય રીતે અમુક MB (મેગાબાઇટ) નું જ હોય છે. તો તેને તરત જ ઇન્સ્ટોલ કરી લો. આ સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે. વેટ એન્ડ વોચઃ જો કોઇ મોટી OS અપડેટ હોય (જેમ કે Android 14 થી Android 15, અથવા iOS 17 થી iOS 18), જેની સાઇઝ GB માં હોય છે તો થોડી રાહ જુઓ. મોટા અપડેટ્સમાં ઘણીવાર નવા બગ્સ પણ આવી જાય છે. એટલે થોડી રાહ જુઓ, રિવ્યૂ વાંચો અને પછી નક્કી કરો કે શું કરવું. નવો ફોન: આપણે નવો ફોન લેતી વખતે કેમેરા કે બેટરી તો અચૂક ચેક કરીએ છીએ, પણ તેની સાથે કંપની કેટલા વર્ષ સુધી ‘સોફ્ટવેર અપડેટ’ આપશે તે પણ ખાસ જોજો. જો કંપની ત્રણ કે ચાર વર્ષ સુધી નિયમિત અપડેટ આપવાની ખાતરી આપે, તો જ ફોન ખરીદવો. આનાથી ફોન લાંબા સમય સુધી એકદમ નવો અને સુરક્ષિત રહેશે. સોફ્ટવેર અપડેટથી ડરવાની જરૂર નથી. એક રીતે એ તમારા ફોનનો ‘ડિજિટલ ડોક્ટર’ છે. જે તેને સમયાંતરે વિટામિનની દવા અથવા તો રસીનો ડોઝ આપતો રહે છે. ક્યારેક ક્યારેક આ ડોક્ટર થોડી કડવી દવા પણ આપી દે છે. ક્યારેક આ દવાથી થોડુંઘણું રિએક્શન પણ આવે છે. જોકે, ફોનની લાંબી ઉંમર અને હેકર્સથી બચવા માટે આ કડવો ઘૂંટડો પીવો પણ જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    વિસ્મય:કર્નલ મુઅમ્મર ગદ્દાફીઃ એક સમયનો ક્રાંતિકારી જ્યારે બદહાલ મોતને ભેટ્યો... થેંક્સ ટૂ સીઆઈએ!
    Next Article
    સફર:લક્સર: ઈજિપ્તનું ચાર હજાર વર્ષ જૂનું પાટનગર

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment