Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમલપિયાલી:પ્રકાશ એ ઉછીનું સત્ય છે, શાશ્વત તો અંધકાર જ છે

    1 week ago

    વિનોદ જોશી `તમે પાસા ઢાળો કે તારા ઝળહળે, ને મુઠ્ઠી વાળો ત્યાં અંધાર! એવી ચોપાટું મંડાણી ચંદનચોકમાં...’ - રાજેન્દ્ર શુક્લ આ પંક્તિઓ વાંચતાં કોઈના પણ ચિત્તમાં વિરાટ અંતરિક્ષનું ચિત્ર આવ્યાં વગર રહેશે નહીં. પ્રકૃતિએ મનુષ્યને આપેલી પંચેન્દ્રિયની અનેક મર્યાદાઓ છે. આંખો બધું જોઈ શકતી નથી. પણ પ્રકૃતિએ મનુષ્યને આપેલી કલ્પનાશક્તિથી દૃશ્યનો વિસ્તાર કરી શકાય છે. એ કરવા માટે કવિથી વિશેષ ચડિયાતું કોઈ નથી. કવિ એવો બ્રહ્મા છે જે ધારે તે રીતે વિશ્વને બદલી શકે છે. એટલું જ નહીં, એ બદલાવમાં એવી તો સૌંદર્યલીલા હોય છે કે આપણે તેને મનની આંખોથી જોતાં જ મુગ્ધ થઈ જઈએ. આ પંક્તિઓમાં આ વાત ફલિત થતી દેખાશે. કવિ અહીં જેને `તમે’ કહી સંબોધે છે તે કોણ છે તે સ્પષ્ટ કરતા નથી. વાત ચંદનચોકમાં મંડાયેલી ચોપાટની રમતની છે, રમત રમતી વેળા પાસા નાખવાની છે. અને તેનું પરિણામ હાર કે જીતમાં આવશે તેવું સ્વાભાવિક રીતે જ ધારી લેવાની છે. આમ તો આ રમત છે. ક્રીડા છે. તેથી તેનો આનંદ જ હોય. પણ આ રમત કંઇક જુદી જ છે. આ ચંદનચોક કોઈ ચાર રસ્તા મળતા હોય તેવી જગ્યા નથી. તો શું હશે એ? `ચંદન’ જેવો શબ્દ જ્યારે સાંભળીએ ત્યારે તેમાં રહેલો શુચિતા અને સુરભિનો સંદર્ભ આપણને વળગી પડે છે. આ ચંદનચોક કંઈ જેવી તેવી જગ્યા નથી. એ તો જીવનસમગ્ર છે, જેમાં બહારનું વ્યવહારજગત અને અંદરનું ભાવજગત બંને જાણે પરસ્પર ચોપાટ રમી રહ્યાં છે. એક તરફ જીવનની રોજિંદી ઘટમાળ છે તો બીજી તરફ ભીતરને હલાવી નાખતો બાથમાં ન સમાય તેવો પરમ ચેતનાનો વિસ્તાર છે. પાસા નાખીને હાર કે જીતને નક્કી કરવાનો મામલો એક તરફ છે તો બીજી તરફ કેવળ ક્રીડા જ લક્ષ્ય છે. પાસા હાથમાં છે પણ પરિણામ હાથમાં નથી તેવા રોજિંદા જીવનની સામે કવિએ પ્રકાશ અને અંધકાર જેવી બે મહાન ઘટનાઓને અહીં હાથમાં મૂકી દીધી છે. કોનો છે આ હાથ? કોણ છે આ `તમે’? જે પાસા ફેંકે છે અને જેનાં થકી અજવાળાં અને અંધારાં થાય છે તે અદૃશ્ય ખેલાડી તરફ કવિનો અંગુલિનિર્દેશ છે. તારા ઝળહળે તેથી પ્રકાશ થાય છે તે સાચું. પરંતુ તારા વિશૃંખલ હોવા છતાં તેના પ્રકાશમાં કોઈ તિરાડ નથી દેખાતી. પ્રત્યેક તારો પોતાના પ્રકાશને અન્ય તારાઓના પ્રકાશમાં વિલીન કરી દે છે. ચંદનચોકમાં ચોપાટ ખેલતો એ રમતવીર પાસા ફેંકે છે ત્યારે સહુ પોતાનામાં અનુભવી શકે તેવું આ વિશિષ્ટ અજવાળું થાય છે. પણ એ જ જ્યારે પાસાને મુઠ્ઠીમાં લઈ લે ત્યારે અંધકાર પણ થઈ જાય છે. અંધકાર વિશૃંખલ નથી પણ સુઘટ્ટ છે. અજવાળાંની માફક તેનું કારણ વિખરાયેલું નથી. આ પ્રકાશ અને અંધકારની રમતનાં લેખાંજોખાં પ્રત્યેક મનુષ્યના જીવનનો એક ભાગ છે. એક અર્થમાં આ જ તો એણે રમવાની રમત છે. જો એને એ સહજ ક્રીડા સમજે તો એ ચંદનચોકમાં રમાય છે. નહીં તો એ ધૂળેટાયેલી શેરીઓના નિષ્ફળ મેળાપમાં વેડફાઇ જાય છે. ચોપાટની રમત નિમિત્તે કવિ અહીં પાસા ઢાળવાની વાત કરતાં કરતાં આપણને છેક અધ્યાત્મના દ્વાર લાગી લઈ જાય છે. કોઈ વિરાટ અને અજ્ઞાત ખેલાડી સાથે પરિચય કરાવે છે, જેના હાથમાં રહેલા પ્રકાશ અને અંધકારથી આપણા જીવનનાં સુખદુ:ખ નક્કી થાય છે. પ્રકાશ એ ઉછીનું સત્ય છે, શાશ્વત તો અંધકાર જ છે. જન્મસમયે બંધ મુઠ્ઠીમાં બાંધી રાખેલો અંધકાર મુઠ્ઠી ખૂલી જતાં પ્રકાશને પામે છે, પરંતુ મુઠ્ઠી બંધ કરવાનો વિકલ્પ પ્રકૃતિએ ખુલ્લો રાખ્યો છે. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જવાની બૃહદારણ્યક ઉપનિષદકારના કર્તાએ કરેલી પ્રાર્થનામાં પ્રકાશનો અર્થ અજવાળું એવો થતો નથી તેથી વાંધો નથી આવતો. પણ પ્રકાશ આપણી સામે બધું ખુલ્લું કરી આપે છે તેથી તેનો ભય પણ લાગે છે. અંધકાર તેથી જ સહુ કોઈને માટે અનિવાર્ય બની જાય છે. અહીં આપણા કવિ જાણે ભજનવાણીના ઉદગાતા બની જાય છે અને કોઈ વિરાટને સંબોધીને આપણાં જીવન-મરણ કે સુખ-દુ:ખના નિયંતાની લીલા કે ક્રીડાને પોતાની ઊંડળમાં લે છે અને તેનો મહિમા ગાય છે. પાસા ફેંકવા કરતાં મુઠ્ઠી ખોલવાનો અને બંધ રાખવાનો વિવેક જ વધુ કામનો હોય છે. જેઓ હંમેશાં બાંધી મુઠ્ઠીએ જ જીવતાં હોય છે એમને અજવાળાનો અનુભવ થતો નથી. }
    Click here to Read More
    Previous Article
    તર...બ...તર:સમર્પણ : સ્ત્રી નામના સિક્કાની બીજી બાજુ
    Next Article
    વિસ્મય:કર્નલ મુઅમ્મર ગદ્દાફીઃ એક સમયનો ક્રાંતિકારી જ્યારે બદહાલ મોતને ભેટ્યો... થેંક્સ ટૂ સીઆઈએ!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment